Homeઉત્સવઝૂલતો પુલ કોની ભૂલ?

ઝૂલતો પુલ કોની ભૂલ?

કવર સ્ટોરી – મિલન ત્રિવેદી / રોહન રાંકજા

૧૧ ઓગસ્ટ, ૧૯૭૯-મચ્છુ નદી-પૂર-કુદરતસર્જિત ઘટના હતી જ્યારે
૩૦, ઓક્ટોબર, ૨૦૨૨-મચ્છુ નદી-દુર્ઘટના-માનવસર્જિત ભૂલ કહી શકાય.
સિરામિક સિટી તરીકે ઓળખાતું મોરબી
આજે ડૂસકાં અને ધ્રુસકાનું શહેર બની ગયું છે
અત્યારે મોરબીમાં બે પ્રકારના લોકો વસે છે. એક જે સમગ્ર દુર્ઘટનામાં કોનો વાંક તે ચર્ચા કરવામાં વ્યસ્ત છે. બીજો વર્ગ એવો વર્ગ જે જાણે છે કે કોણ જવાબદાર છે પરંતુ તેના પર હાથ નાખવાથી કોને શું નુકસાન થઈ શકે કે કોને શું ફાયદો થઈ શકે તે વિચારતો વર્ગ છે. આ બંને વર્ગ વચ્ચે પીડિત કુટુંબો જેણે પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે તે સ્તબ્ધ થઈ ગયા છે.
સમગ્ર ઘટના અસંખ્ય વાર ટીવી પર અને મીડિયામાં જોઈ વાંચી ચૂક્યા છો. પરંતુ આજે અમુક વાત એવી છે જે સત્યની નજીક અને લોકોએ સમજવી જરૂરી છે જે અમારા વાચકવર્ગ સમક્ષ અમે લઈને આવ્યા છીએ. અમુક પ્રશ્ર્નો એવા છે જે સામાન્ય લોકોના મગજમાં પણ આવતા હોય છે. કોઈપણ વસ્તુ બનાવવાની હોય તો તેના સ્પેસિફિકેશન એટલે કે કઈ રીતે બનાવવી, કઈ ગુણવત્તાનો માલ વાપરવો, કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ, સલામતીના ધોરણોથી ખરું ઉતરવું જોઈએ, આવી સંપૂર્ણ ચોખવટ સાથે જાહેર નોટિસ આપી તે કામ માટેના ટેન્ડર મંગાવાતા હોય છે. શું આ બધી પ્રક્રિયાઓ થઈ હતી? જે રીતે માલ મટિરિયલ વપરાયા છે, ઝૂલતા પુલ બાંધકામના સામાન્ય નિયમોનો પણ ઉલાળીયો કરી સાવ અભણ હોય તેવી રીતે કાર્ય થયું છે. પુલનું કાર્ય પૂરું થયા પછી પણ કઈ વસ્તુ બદલાઈ છે અને કઈ જૂની જ ફરી વાપરી છે તે પણ તંત્રને જાણ નથી. જોકે એફ.એસ.એલ. રિપોર્ટ આવી ગયો છે, થોડો લીક થયો છે પણ પૂરો તો થશે કે નહીં તે ખબર નથી અને જાહેર જનતા સુધી તો પહોંચશે તેમ લાગતું નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે અને જે રીતે ઢાંકપિછોડો થયો છે તે જોતા આ વખતે કંઈક નવું બને તેવી આશા હવે જનતાએ મૂકી દીધી છે. સમગ્ર વિગત જોઈએ તો પુલ બંધ થયા પછી સમારકામ તો થયું, પણ નિષ્ણાતોની ગેરહાજરીમાં માત્ર સ્થાનિક કારીગરોએ સમારકામ કરી નાખ્યું તે પણ ફાળવ્યા કરતા સાવ ઓછી રકમમાં. મોરબી નગરપાલિકાનું માનીએ તો તેમને જાણ કર્યા વિના બે કોન્ટ્રાક્ટ મેળવેલી કંપનીએ પરિવારના સભ્યોની હાજરીમાં પોતાની રીતે ઉદ્ઘાટન કરી પુલ પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો. વાહ રે પાલિકા. આમ તો કોઈએ એક પાણીપુરીની લારી નાખવી હોય તો પણ પચાસ ધક્કા ખાવા પડે ને આખે આખો પુલ ખુલ્લો મૂકી દેવાયો એટલું જ નહીં પાંચ દિવસથી અહીં ક્ષમતા કરતા વધારે મુલાકાતીઓ આવે, આખું મોરબી ઝૂલતા પુલ પર ઝૂલે ને તમને ખબર જ ન પડે……..વળી, કપંનીએ નિયમોને નેવે મૂકી ૧૦ રૂપિયા ની ટિકિટ ની જગ્યાએ ૧૨ અને ૧૭ રૂપિયા ઉઘરાવવાના શરૂ કર્યાં. એ પણ એ કંપનીએ કર્યા જે અબજોના માલિક છે. આ તમામ ઘટનાઓ સ્થાનિક અને રાજ્ય સ્તરે તંત્ર કઈ રીતે કામ કરે છે તેની ચાળી ફૂંકે છે. લોકમાનસ પર અસર જોઈએ તો બે વાત જાણવા મળે છે. એક તો જયસુખભાઈ પટેલ મોટી તોપ છે તેનો વિરોધ કરાય નહીં.
અથવા તો ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાને ઉપરથી કશું જ ના બોલવાની સૂચના પણ હોય તેવું બને. જોકે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સઘન પૂછપરછમા ઝાલાએ સ્વીકાર્યુ હતું કે પુલ ખૂલ્યાની અમને જાણ હતી અને સમારકામ સંતોષકારક ન હતું. આ સાથે ક્યારેક કંઈક અજુગતી ઘટના બની શકે તેનો અંદેશો પણ અમને હતો. હાલ તો ચીફ ઑફિસર સસ્પેન્ડ થઈ ગયા છે અને ઓરેવા કંપનીના કર્મચારીઓ જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે પરંતુ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હરિદ્વાર ખાતે સલામત છે તેવું જાણકાર સૂત્રો જણાવે છે. આ બધા વચ્ચે જે નિશબ્દ અને નિરાશ છે તે છે ૧૩૫ પરિવાર. આમાં ઘણા એવા છે જેમણે આખો પરિવાર ગુમાવ્યો છે અને હવે તેઓ જીવનભર પોતે જીવતા રહ્યા તેનો નિસાસો નાખતા રહશે. એવા પરિવારો જે માંડ કરીને ૧૭ રૂપિયા ખર્ચીને પોતાના નાનાં બાળકોને મજા કરાવવા લઈ ગયા હોય અને નજરની સામે બાળકો ચિચિયારીઓ મારતા ડૂબી ગયા હોય. તો એવા બાળકો જેમણે માતા-પિતા ગુમાવ્યા છે. આ ઘટનાનો ભોગ ૧-૧૮ વર્ષના ૫૩ બાળકો-કિશોરો બન્યા છે. એવા ચાર બાળકો છે જેમણે માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવી છે જ્યારે એવા બે દંપતી છે જેમણે પોતાના સંતાનો ગુમાવ્યા છે. આ લોકોની સ્થિતિ કલ્પના પણ કરી ન શકાય તેટલી કપરી છે, પણ કોને પડી છે???
————
રાજા રજવાડાઓનું એન્જિનિયરિંગ આપણાથી ચડિયાતું
મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ ૧૮૮૦માં તે સમયના રજવાડાંએ બનાવ્યો હતો. એક તો નદી પર આવો પુલ બનાવવાની તેમની દૂરંદેશી અને લોકોને કંઈક નવું આપી દેશ-દુનિયાનાં લોકોને અહીં ખેંચી લાવવાની તેમની ર્દીર્ઘ દૃષ્ટિ આજે કેટલા રાજનેતાઓ છે????
આ સાથે આ પુલનું જે એન્જિનિયરિંગ હતું તે આજના આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પણ સમજવા જેવું છે. જૂનો પુલ જે ૭૬૫ ફૂટ લાંબો છે, તે લાકડાનાં નાના પાટીયાથી બન્યો હતો. એટલે કે લોકોએ જે રસ્તા પર ચાલવાનું હતું કે લાકડાનાં નાનાં નાનાં પગથિયા જેવા લાંબા ટુકડાથી બનાવવામાં આવ્યો હતો. પાટીયાં અલગ અલગ હોય તો તરંગ ગતિને લીધે દરેક પોઈન્ટ પર લાગતો ફોર્સ જુદી જુદી દિશામાં વહેંચાઈ જાય. જ્યારે સળંગ પાટીયાં મૂકવામાં આવે ત્યારે છેડાની બે વિરુદ્ધ દિશાના કેબલ પર સંપૂર્ણ તણાવ એટલે કે ફોર્સ અથવા વજન આવી જાય. મોરબીના પુલના સમારકામમાં આ પાયાનું એન્જિનિયરિંગ ધ્યાનમાં રાખવામાં આવ્યું નહીં, જે રાજાશાહી સમયે ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.
———
આ તે કેવી વ્યવસ્થા: દરદીઓ માટે દવા નહીં ને હૉસ્પિટલમાં તાત્કાલિક રંગરોગાન
મોટા ભાગની સરકારી હૉસ્પિટલોમાં દરદીઓને દવા કે અન્ય સાધનો માટે બહારથી નાણાં ખર્ચી લાવવાનું કહેવામાં આવતું હોય છે. પાયાની સારવાર માટે પણ દરદીના સગાંઓએ ફાંફાં મારવા પડતા હોય છે, ત્યારે મોરબીમાં આટલી મોટી દુર્ઘટના ઘટી તે બાદ ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે આગલા દિવસની રાત્રે તાબડતોબ ખાસ ફંડ ફાળવવામાં આવ્યું અને હૉસ્પિટલનું રંગરોગાન થયું. જામનગરથી બેડશિટ્સ લાવવામાં આવી, લાદીઓ બદલાઈ, સફાઈ થઈ ત્યારે અહીંના રહેવાસીઓ માત્ર એટલું જ કહેતા હતા કે ક્યારેક કોઈ ગરીબની સારવાર માટે પણ આટલી જહેમત ઉઠાવો તો સારું.
———
નવા કલેક્ટરનો વાંક કેટલો..
ઝૂલતા પુલની હોનારત ઘટી ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર જી. ટી. પંડ્યાની નવી નિમણૂક થઈ હતી. તેઓ માત્ર પંદર દિવસથી ફરજ પર હતા અને તે દરમિયાન પણ ડેન્ગ્યૂનો ભોગ બનતા રજા પર હતા. આ સમારકામનો પ્રોજેક્ટ મંજૂર થયાથી પૂર્ણ થયા સુધી કલેક્ટર ડી.એ. પટેલ હતા. લોકમુખે એવી ચર્ચા થતી હતી કે નવા કલેક્ટરને ઝૂલતો પુલ ક્યાં આવ્યો તે ખબર ન હતી. ત્યારે અગાઉના કલેકટરની જવાબદારી નક્કી થાય તે જરૂરી છે.
શું કહ્યું કલેકટરે…………..
ચૂંટણીની આચારસંહિતાને લીધે કલેક્ટરે વધારે જણાવવાની ના પાડી હતી, પરંતુ તેમણે સ્વીકાર્યું હતું કે મચ્છુ નદી પ્રદૂષણનો ભોગ બની છે અને ઔદ્યોગિક કચરો તેમાં ઠલવાઈ છે. જોકે તેમણે સરકારનો સારો ચહેરો દર્શાવતા જણાવ્યું હતું કે જે તરવૈયાઓએ લોકોને બચાવવાની કામગીરી કરી તેમના અમે મેડિકલ ચેકઅપ કરાવવાનું નક્કી કર્યું છે, જેથી પ્રદૂષિત નદીમાં વારંવાર ડૂબકીઓ લગાવવાથી તેમને કોઈ રોગ ન થાય.
———–
મકરાણીવાસના તરવૈયાઓના મેડિકલ ચેકઅપ મુંબઈ સમાચારના કહેવાથી
મોરબીની મચ્છુ નદી પાસે જ મકરાણીવાસ છે અને અહીં રહેતા અમુક યુવાનો ખૂજ જ પાવરધા તરવૈયા છે. અલી અને ઈરફાન નામના બે યુવાનો તેમને તાલીમ આપે છે. આ તરવૈયાઓએ જણાવ્યું હતું કે અમને જેવી જાણ થઈ કે અમે નદી તરફ દોડી ગયા અને લોકોને જે રીતે બચાવી શકાય તેમને બચાવ્યા. આ તરવૈયાઓના મેડિકલ ચેકઅપ અંગે મુંબઈ સમાચારની ટીમને કલેક્ટરે જણાવ્યું હતું, પરંતુ અમારી મુલાકાત દરિમયાન તેમણે આવા કોઈ ચેકઅપ થયાની ના પાડી હતી.
આ વાત અમે કલેક્ટર સુધી પહોંચાડી હતી અને આજે તમે વાંચો છો ત્યારે તેમના મેડિકલ ચેકઅપ થઈ રહ્યા હશે.
મકરાણીવાસ મુસ્લિમ વિસ્તાર છે. અહીંના તરવૈયા જ્યારે પણ મચ્છુ નદીમાં કોઈના પડવાની ઘટના બને ત્યારે મૃતદેહ બહાર કાઢવા તંત્ર તેમને બોલાવે છે. તેઓ ફસાયેલા મૃતદેને કાઢવામાં પણ કુશળ છે. આ અંગેની તાલીમ અલી અને ઈરફાન નામના યુવાનોએ આપી છે, પરંતુ સમયની બલિહારી એ છે કે ઈરફાન એક ગુનામાં પાલનપુર જેલ ખાતે સજા ભોગવી રહ્યો છે. તે પેરોલ પર આવ્યો હતો અને આ ઘટના બની ત્યારે તેણે મોડી રાત સુધી બચાવકામમાં મદદરૂપ થયો. સવારે તેની પેરોલ પૂરી થતાં તે ફરી જેલમાં ગયો હતો. તરવેયાઓએ આ બચાવકામ દરમિયાન પોતાના મોબાઈલ-વોલેટ પણ ગુમાવ્યાં છે, પરંતુ તેમને અન્યોના જીવ બચાવ્યાનો સંતોષ છે. અહીં એક વાત કહેવાની ચૂકવી ન જોઈએ કે આજકાલ હિન્દુ-મુસ્લિમ કે ધર્મ મામલે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થતી હોય છે અને કટ્ટરવાદીઓની ફોજ બન્ને પક્ષે છે, પરંતુ અહીં બચાવનારા ૨૦-૨૫ મુસ્લિમ યુવાનોએ હિન્દુ-મુસ્લિમનો ભેદ રાખ્યો ન હતો. આજે જીવિત એવા ઘણા હિન્દુઓ હશે જેમને બીજું જીવન આ મુસ્લિમ યુવાનોએ આપ્યું છે, તેમ કહેવું ખોટું કહેવાશે નહીં.

 

RELATED ARTICLES

Most Popular