કોણ કોને કરશે ચેક-મેટ

આમચી મુંબઈ

ઉદ્ધવની ડૂબતી નૌકાને પવાર બચાવી શકશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શિવસેનાના વિધાનસભ્યો અને એકનાથ શિંદે સહિતના પ્રધાનોએ બંડ પોકાર્યું તેનાથી પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે હતપ્રભ થઇ ગયા હતા. ઉદ્ધવે સત્તાવાર નિવાસસ્થાન વર્ષા છોડયું ત્યારે ઘણાએ તેઓ ‘રણછોડ’ બન્યા હોવાનો અને આખા ‘બળવાનાટક’ના સૂત્રધાર હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ઘટકપક્ષો અને ખાસ કરીને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સુપ્રીમો શરદ પવારનો ટેકો મળતા ઉદ્ધવ ફરી આક્રમક બન્યા છે. પવારના માર્ગદર્શન હેઠળ હવે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. પવારે શુક્રવારે પણ ઉદ્ધવની મુલાકાત લઇને તેમને નવા વ્યૂહ બતાડયા હતા. શુક્રવારે ઉદ્ધવે સુરતના એપીસોડ બાદ પ્રથમવાર ભાજપ અને એકનાથ શિંદેની ટીકા કરી હતી. ઉદ્ધવે શુક્રવારે જિલ્લાપ્રમુખ અને સંસદસભ્યોની બેઠકને સંબોધી હતી. નાના પટોળેએ સ્પીકરપદેથી રાજીનામું આપ્યું ત્યારબાદ સ્પીકરનો હોદ્દો ખાલી છે. ડેપ્યુટી સ્પીકરપદે નરહરિ જિરવાલ છે. એકનાથ શિંદે અને બીજા વિધાનસભ્યો શિવસેના સાથે છેડો ફાડશે તો તેમને ગેરલાયક ઠરાવવા કે નહીં તેનો ફેંસલો નરહરિ લેશે. આથી એ જોવાનું રહેશે કે પવાર ઉદ્ધવ વતી ડૂબતી નૈયાને સહી સલામત કિનારે લાવી શકશે. ડેપ્યુટી સ્પીકરે શુક્રવારે વિધાનભવનમાં ગયા હતા અને બળવાખોર વિધાનસભ્યોને બરતરફ કરવાની શિવસેનાની પિટિશન અંગે એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણી સાથે ચર્ચા કરી હતી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.