શિવસેનાનો અસલી બોસ કોણ? શિંદે અને ઉદ્ધવ પાસે સમર્થન સાબિત કરવા માટે 8 ઓગસ્ટ સુધીનો સમય

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ હવે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેના પર દાવો કરવા માટે કાયદાકીય યુક્તિઓ અજમાવી રહ્યા છે. શિવસેના પર દાવાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. પંચે બંને જૂથોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
ચૂંટણી પંચે ઠાકરે અને શિંદે જૂથ બંનેને દસ્તાવેજો સાથે પુરાવા આપવા કહ્યું છે કે તેમની પાસે શિવસેનાના સભ્યોની બહુમતી છે. પંચે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના જૂથ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથને લખેલો પત્ર અને ઠાકરે જૂથ દ્વારા શિંદે જૂથને લખેલો પત્ર પણ મોકલ્યો છે. પંચે બંને જૂથો પાસેથી 8 ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે. ત્યારબાદ ચૂંટણી પંચ આ મામલે સુનાવણી કરશે.
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવા પછી મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી (MVA) સરકારના સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. આ પછી, 30 જૂને, શિંદેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. ત્યારથી શિંદે જૂથ દાવો કરી રહ્યું છે કે તેની પાસે શિવસેનાના ધારાસભ્યોની બહુમતી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર અને ચીફ વ્હીપ પણ શિંદે જૂથ દ્વારા ચૂંટાયા છે. તાજેતરમાં જ લોકસભામાં શિવસેનાના નેતા પણ શિંદે જૂથ દ્વારા ચૂંટાયા છે. શિવસેનાના 19 લોકસભા સાંસદોમાંથી 12એ બળવાખોર જૂથને સમર્થન આપ્યું છે. દરમિયાન, શિંદે જૂથ હવે શિવસેનાની પ્રતિનિધિ પરિષદ પર કબજો કરવા માટે આગળ વધી રહ્યો છે.
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ દાવો કર્યો છે કે જ્યાં સુધી MVA સરકારના પતન પહેલા બળવાખોર ધારાસભ્યો સામે જાહેર કરવામાં આવેલી ગેરલાયકાતની નોટિસો પર સુપ્રીમ કોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી, ત્યાં સુધી નિમણૂંકો ગેરકાયદેસર છે.
આ પરિસ્થિતિમાં એ જોવાનું રહેશે કે શિવસેના ઠાકરે પરિવારના હાથમાં રહેશે કે બાળાસાહેબ ઠાકરેની આ પાર્ટી તેમના પરિવારના હાથમાંથી નીકળી જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.