હિમાચલ પ્રદેશના વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કૉંગ્રેસને બહુમતી મળી છે અને હવે રાજ્યના આગામી મુખ્ય પ્રધાન અંગેની અટકળો તેજ બની છે. જોકે, પક્ષમાં કોને મુખ્ય પ્રધાન બનાવવા એ અંગે હજી સુધી સર્વસંમતિ સધાઇ ના હોવાથી હવે હાઈકમાન્ડ નક્કી કરશે કે હિમાચલ પ્રદેશના આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે. સિમલામાં મોડી રાત સુધી ચાલેલી કોંગ્રેસ વિધાનમંડળની નવી ચૂંટાયેલી બેઠકમાં દિલ્હીને પ્રસ્તાવ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ સેન્ટ્રલ હાઈકમાન્ડ હવે હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રીનું નવું નામ નક્કી કરશે. જોકે, કૉંગ્રેસના નિરીક્ષકો જ્યારે સિમલા પહોંચ્યા ત્યારે પ્રતિભા સિંહના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.. પ્રતિભા સિંહના સમર્થકો તેમને સીએમ બનાવવાની માંગ કરી રહ્યા હતા.
કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બાદ હિમાચલ પ્રદેશના પાર્ટી પ્રભારી રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે એક ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો અને પાર્ટીના નિરીક્ષકો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંન્દર સિંહ હુડ્ડાએ શનિવારે તેમની દરખાસ્તો પાર્ટીને સુપરત કરી હતી. કોંગ્રેસ પક્ષમાં જૂથવાદને નકારી કાઢતા શુક્લાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય દળના નેતાના પદ માટે કોઈ નામ બહાર આવ્યું નથી અને ધારાસભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે પક્ષના નેતૃત્વએ તેના પર નિર્ણય લેવો જોઈએ.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ પ્રતિભા સિંહ, વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી, ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ સુખવિંદર સિંહ સુખુને મુખ્ય પ્રધાન પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. જોકે, આ ત્રણેય પર સહમતી સધાઇ નથી. આ ત્રણેયના નામની ચર્ચા બાદ રાજ્યના મુખ્ય પ્રધાનનો ચહેરો કોઇ બીજો પણ હોઇ શકે છે જે બધાને ચોંકાવી શકે છે.