Homeએકસ્ટ્રા અફેરગુજરાતમાં ઓછું મતદાન કોને નડશે?

ગુજરાતમાં ઓછું મતદાન કોને નડશે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું ને મતદાનની ઓછી ટકાવારીના કારણે તમામ રાજકીય પક્ષો ફફડી ગયા છે. પહેલા તબક્કામાં ગુજરાતની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન હતું. આ ૮૯ બેઠકો માટે ૬૨.૮૯ ટકા મતદાન થતાં રાજકારણીઓને ધ્રાસકો પડ્યો છે. છેલ્લા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે નોંધાયેલા પહેલા તબક્કાના ૬૯ ટકાની આસપાસના મતદાનની સરખામણીમાં આ મતદાન ૬-૭ ટકા ઓછું છે. ટકાવારીની રીતે જોઈએ તો દસેક ટકા ઓછું મતદાન થયું છે.
પહેલા તબક્કામાં કુલ ૧૯ જિલ્લામાં મતદાન હતું ને તેમાંથી ૧૦ જિલ્લામાં ૬૦ ટકાથી વધારે મતદાન થયું છે. ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, નવસારી, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં મતદાનની ટકાવારી ૬૦ ટકાને પાર છે જ્યારે અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર અને રાજકોટ એ ૯ જિલ્લામાં મતદાન ૬૦ ટકાથી ઓછું છે. ૬૦ ટકાથી વધારે મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બંને વિસ્તારના જિલ્લા છે પણ ૬૦ ટકાથી ઓછા મતદાનમાં તમામ જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છના જ છે એ સૂચક છે.
આ ઓછા મતદાનના કારણે કોને ફાયદો થશે ને કોને નુકસાન થશે તેની ચોવટ મીડિયામાં પૂરજોશથી ચાલી રહી છે. સામાન્ય માન્યતા એવી છે કે, મતદાન વધારે થાય તો ભાજપને ફાયદો થાય ને મતદાન ઓછું થાય તો ભાજપને નુકસાન થાય ને કૉંગ્રેસને ફાયદો થાય પણ આ વખતે આમ આદમી પાર્ટીના રૂપમાં ત્રીજો પક્ષ પણ મેદાનમાં હોવાથી શું થશે એ નક્કી નથી. હવે આગામી ૫ તારીખે બાકીની ૯૩ બેઠકો પર બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ત્યારથી જ સામાન્ય નાગરિકોમાં ચૂંટણી અંગે સાવ ઓછો ઉત્સાહ હતો. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે આક્રમક પ્રચાર કરેલો. ત્રણેય પક્ષના રાષ્ટ્રીય નેતા મેદાનમાં ઉતરેલા તેથી મીડિયામાં પણ ચૂંટણી પ્રચાર છવાયેલો હતો પણ લોકોમાં બહુ ઉત્સાહ નહોતો. ચોંકાવનારી વાત એ છે કે, રાજકીય પક્ષોના કાર્યકરોએ પણ ઉત્સાહ બતાવ્યો નથી.
ગુરુવારે પહેલા તબક્કાના મતદાનમાં સવારથી જ મતદાનની પ્રક્રિયા સાવ નીરસ રહી હતી. મતદાન મથકો પર દર વખત જેવી ભીડ હતી જ નહીં તેથી નેતાઓને સવારથી જ ચિંતા હતી. નેતાઓએ કાર્યકરોને ફોન કરી કરીને દોડાવવા બહુ મથામણ કરી પણ કાર્યકરોમાં ઉત્સાહ જ ના જાગ્યો. બાકી કાર્યકરો સક્રિય થયા હોત તો છ ટકાનો તફાવત તો દૂર કરી શકાયો હોત પણ કાર્યકરોમાં પણ ઉત્સાહ નહોતો. ગુરુવારે યોજાયેલા પહેલા તબક્કાના મતદાનમાં તેની અસર જોવા મળી છે. તેના કારણે પોતાને તો નુકસાન નહીં થાય ને તેની ભાજપ સહિતના ત્રણેય પક્ષોને ચિંતા છે.
વિધાનસભાની ચૂંટણીમાં એકાદ ટકા મતદાન ઓછું-વધારે થાય તો બાજી પલટાઈ જતી હોય છે ત્યારે આ વખતે તો ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણી કરતાં ૬ ટકા જેટલું નીચું મતદાન રહ્યું છે. આ સંજોગોમાં રાજકારણીઓની ચિંતા સમજાય એવી છે. રાજકીય પક્ષોને તેના કરતાં મોટી ચિંતા બીજા તબક્કામાં પણ આ જ હાલત થશે તો શું થશે તેની છે. હવે આગામી ૫ ડિસેમ્બરે બાકીની ૯૩ બેઠકો પર બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે તેમાં પણ આવું જ ઓછું મતદાન થશે તો શું થશે તેની ચિંતામાં રાજકારણીઓની ઊંઘ ઉડી જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૮ ડિસેમ્બરે મતગણતરી થવાની છે. રાજકારણીઓ ત્યાં લગી બિચારા નિરાંતે ઊંઘી પણ નહી શકે.
આ ઓછું મતદાન કોને નડશે તેની અટકળ કરવી અઘરી છે કેમ કે ૨૦૧૭ની ચૂંટણીનાં પરિણામોને આધારે વિશ્ર્લેષણ કરીએ તો ભાજપ-કૉંગ્રેસ બંનેએ જીતેલી બેઠકો પર મતદાન ઘટ્યું છે. એ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં નહોતી તેથી તેને ફાયદો થશે કે નુકસાન તેની આગાહી કરવી મુશ્કેલ છે. ૨૦૧૭ની ચૂંટણીના પરિણામ પ્રમાણે પહેલા તબક્કામાં મતદાન થયું એ ૮૯ બેઠકોમાંથી ૫૦ બેઠકો ભાજપને મળી હતી. આ બેઠકો પર આ વખતે મતદાન ૮ ટકા જેટલું નીચું ગયું છે.
ભાજપે ૨૦૧૭માં જીતેલી ૫૦ બેઠકો પર સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. ૨૦૧૭માં કૉંગ્રેસે જીતેલી ૩૬ બેઠકોમાં ૬.૫૦ ટકા જેટલું મતદાન નીચું ગયું છે. આ બેઠકો પર કુલ મતદાન ૬૧ ટકા જેટલું રહ્યું છે. લોકોને વર્તમાન ધારાસભ્ય સામે અસંતોષ હોય એટલે કે એન્ટિ-ઈન્કમ્બન્સીની અસર હોય એવું માનીએ તો ભાજપ નુકસાનમાં રહે. સામે વિપક્ષે મજબૂત ઉમેદવાર ના મૂક્યો તેના કારણે મતદારોએ રસ ના બતાવ્યો એવું તારણ કાઢીએ તો કૉંગ્રેસ નુકસાનમાં રહે.
જો કે ભાજપને વધારે ચિંતા થાય એવાં બે પરિબળ છે. પહેલું પરિબળ એ કે, પહેલા તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકોમાંથી શહેરી બેઠકો પર સરેરાશ ૫૭ ટકા મતદાન જ નોંધાયું છે. મતદાનની આ ટકાવારી ૨૦૧૭ની સરખામણીમાં ૯ ટકા ઓછી છે. શહેરી વિસ્તારો ભાજપનો ગઢ મનાય છે તેથી આ ઘટાડો ભાજપ માટે ચિંતાનો વિષય કહેવાય. એ જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં મતદાન વધ્યું છે એ પણ ચિંતાનો વિષય છે. ગ્રામીણ વિસ્તારોમાં કૉંગ્રેસ મજબૂત છે જ પણ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થઈ ગયો છે. તેના કારણે મતદાન વધ્યું હોવાનું મનાય છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીની લડાઈમાં ભાજપ ફાવી જાય એવું પણ બને.
બીજી એક નોંધપાત્ર વાત એ છે કે, ભાજપની મજબૂત મતબેંક મનાતી ઓબીસીનું વર્ચસ્વ ધરાવતી ૮ બેઠકો પર ૨૦૧૭ કરતાં ૬.૫ ટકા નીચું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં કોળી, આહિર, મેર, કારડીયા રાજપૂત, ઠાકોર, સતવારા વગેરે ઓબીસી જ્ઞાતિઓનું વર્ચસ્વ હોય એવી ૨૮ બેઠકો છે. આ બેઠકો પર ૨૦૧૭ની સરખામણીએ ૬.૫ ટકા મતદાન ઓછું નોંધાયું છે. તેના કારણે પણ ભાજપને ફટકો પડશે એવું મનાય છે.
ખેર, આ બધી અટકળો છે ને ખરેખર શું થશે તેની ખબર ૮ ડિસેમ્બરે જ પડશે. ત્યાં લગી નવાં નવાં વિશ્ર્લેષણ ને અટકળો ચાલ્યા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular