PM નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે છે . આ પ્રસંગે પીએમ મોદી વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. તેમની મુલાકાત માટે ભાજપ અને શિંદે જૂથ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. બીકેસી ગ્રાઉન્ડમાં યોજાનારી પીએમ મોદીની સભામાં લગભગ 1.5 લાખ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. આ સભાને લઈને મુંબઈમાં વિવિધ સ્થળોએ બેનરો, હોર્ડિંગ્સ, પોસ્ટરો અને કટ આઉટ લગાવવામાં આવ્યા છે, પરંતુ અહીં કોઈએ ઉત્સવના માહોલમાં ભંગ પાડ્યો છે. દક્ષિણ મુંબઈમાં પીએમ મોદી અને બાળાસાહેબ ઠાકરેની તસવીરો સાથેનું બેનર લગાવવામાં આવ્યું છે.
આ બેનર લગાવનાર વ્યક્તિનો ઈરાદો સ્પષ્ટપણે ભાજપને નીચાજોણું કરાવવાનો હોય એમ લાગે છે. દક્ષિણ મુંબઈના ગિરગામ અને મરીન લાઈન્સમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરો પીએમ મોદીના મુંબઈ આગમન પહેલા લગાવવામાં આવ્યા છે. આ તસવીરમાં મોદી બાળાસાહેબ ઠાકરે સામે માથું નમાવતા જોવા મળે છે. આ પોસ્ટરને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ બેનરો પર કોઈ સંદેશ લખવામાં આવ્યો નથી. તેમજ બેનરો પર કોઈ સંસ્થા કે પક્ષે પોતાનું નામ લખાવ્યું નથી. આ બેનરમાં શિવસેના પ્રમુખ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે અને પીએમ નરેન્દ્ર મોદીની તસવીરો છે. આ તસવીર ત્યારની છે જ્યારે બાળાસાહેબ ઠાકરે જીવતા હતા અને મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમને ‘માતોશ્રી’ બંગલે મળવા આવ્યા હતા. ત્યારબાદ તેમણે માથું નમાવીને બાળાસાહેબ ઠાકરેનું સન્માન કર્યું હતું. આ બેનર પર પણ આ જ તસવીર લગાવવામાં આવી છે. કશું લખ્યા વિના પણ ભાજપને સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પોસ્ટરો અને બેનરોમાં એ યાદ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જ્યારે બાળાસાહેબ ઠાકરે હતા ત્યારે શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપના ‘મોટા ભાઈ’ની ભૂમિકા ભજવતી હતી. પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેએ સંધિની શરતો નક્કી કરી ન હતી. ત્યારે ભાજપ બાળાસાહેબ જે કહે તે સ્વીકારી લેવાતું હતું.
આ સાથે આ બેનરોમાં એ પણ યાદ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ગુજરાત રમખાણો પછી એક સમય એવો હતો જ્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવાનું મન બનાવી લીધું હતું, ત્યારે બાળાસાહેબ ઠાકરેએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે, ‘મોદી જશે તો ગુજરાત જશે’. એટલે કે હવે એમ જણાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભાજપે શિવસેના સાથે અનાદરભર્યું વર્તન કરવાનું ચાલુ રાખ્યું એટલે ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડીમાં જોડાવું પડ્યું હતું.
PMની મુંબઈ મુલાકાત પહેલા આવા પોસ્ટરો કોણે લગાવ્યા?
RELATED ARTICLES