ખાસ્તા હાલ થઇ ગયેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઇ રહી. આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટોનો સિલસિલો ચાલુ છે. અનેક મસ્જિદોમાં થયેલા ઘાતક બ્લાસ્ટ બાદ હવે ટ્રેનમાં બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. ક્વેટા જતી ટ્રેન ઝફર એક્સપ્રેસમાં એક મોટો વિસ્ફોટ થયો છે, જેમાં ઓછામાં ઓછા બે મુસાફરોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અન્ય ચાર મુસાફરો ખરાબ રીતે ઘાયલ થયા છે. ઝફર એક્સપ્રેસ છિછવટની રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. ટ્રેન પેશાવરથી ક્વેટા જઈ રહી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન રેલવેના પ્રવક્તા બાબર અલીએ વિસ્ફોટમાં મૃત્યુ અને ઘાયલોની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે બોગી નંબર ચારમાં સિલિન્ડર ફાટવાના કારણે વિસ્ફોટ થયો હતો. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક મુસાફરે તેના સામાનની અંદર સિલિન્ડર છુપાવ્યું હતું, જેના કારણે ગેસ લીક થવાથી વિસ્ફોટ થયો હતો. મુસાફરે પોતાનો સામાન બાથરૂમમાં છુપાવી દીધો હતો.
રેલવે પ્રવક્તા બાબર અલીએ જણાવ્યું કે એસપી રેલવે તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પ્રાથમિક તપાસ બાદ જ બ્લાસ્ટ પાછળનું સાચું કારણ જાણી શકાશે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, રેલવે પોલીસની ટીમ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જે ટ્રેનની અંદર તપાસ કરી રહી છે.