અગ્નિપથ યોજનાના પ્રણેતા અજીત દોભાલ કોણ છે?

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

કેટલાક રાષ્ટ્રદ્રોહી તત્ત્વોને કારણે વિવાદમાં પડેલી અગ્નિપથ યોજના પાછળ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત દોભાલનું મગજ હોવાનું મનાય છે. ભાગ્યે જ કોઈની સલાહ કાને ધરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જેની દરેક સલાહને ગંભીરતાથી લે છે અને ફોલો કરે છે એવી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? અમિત શાહ કે મોહન ભાગવત? … જીના. એ વ્યક્તિનું નામ છે, દેશનાં ‘રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર’ (નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝર) અજીત દોભાલ. કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયાની પોલિસી હોય, ઉરી હુમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇકનું કો-ઓર્ડિનેટ કરવાનું હોય કે મ્યાનમારની સરહદ ક્રોસ કરી નોર્થ-ઇસ્ટના ઉગ્રવાદીઓને ખતમ કરવાની સ્ટ્રેટજી હોય …, અજીત દોભાલની બાજ નજર બહાર કંઈ થતું નથી. ડિફેન્સ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર પણ જેમને અત્યંત માનની દૃષ્ટિએ જુવે છે, સેનાની ત્રણે પાંખના વડા ઉપરાંત રો, સી.બી.આઇ., આઇ.બી., … જેવી સુરક્ષા એજન્સીના વડાઓ પણ જેમના સતત સંપર્કમાં રહે છે, એ અજીત દોભાલ કોણ છે?
ઉત્તરાખંડના નાનકડા ગામ ધીરી બનેલસ્યુનમાં જન્મેલા દોભાલના પિતા ભારતીય લશ્કરમાં અધિકારી હતા. રાજસ્થાનના અજમેરની લશ્કરી શાળામાં અભ્યાસ કર્યા પછી આગ્રા યુનિવર્સિટીમાંથી અજીત દોભાલે અર્થશાસ્ત્રનાં વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી હતી.
૧૯૬૮માં દોભાલ ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ’માં જોડાયા હતા. મિઝોરમ અને પંજાબમાં આતંકવાદ વિરોધી ઑપરેશનની સ્ટ્રેટજી બનાવવામાં દોભાલ નિષ્ણાત ગણાતા હતા. કંદહાર વિમાન અપહરણ વખતે આતંકવાદીઓ સાથે ચર્ચા કરીને બંધકોને છોડાવવાની જવાબદારી દોભાલને સોંપવામાં આવી હતી.
વિવિધ સુરક્ષા એજન્સીઓ વતી સોંપવામાં આવેલી ખૂબ જ જોખમી અને અઘરી કામગીરી કરતી વખતે દોભાલ, વારંવાર મોતના મુખમાં જઈને પાછા આવ્યા હોવાથી એમના કેટલાક સાથીઓ એમને ‘કાઇટ વિથ નાઇન લાઇફ’ પણ કહેતા હતા. અજીત દોભાલ ઢીલીપોચી પોલિસીમાં માનતા નથી. આતંકવાદીઓ અને દેશવિરોધી સાથે લટૂડાપટૂડા નહીં જ થઈ શકે, એમને ઠોકવાનાં જ હોય. ઓછાબોલા અજીત દોભાલ દંભી અને બેવડા ધોરણવાળા કહેવાત માનવઅધિકારવાળાઓને ઘાસ નાખતા નથી, એટલે કેટલાક કહેવાતા લિબરલો અને સેક્યુલરિયાઓને આંખમાં કણાની માફક ખૂંચે છે. કાશ્મીરમાં સુરક્ષાદળો પર પત્થરમારો કરીને આતંકવાદીઓને ભગાડી જનાર ગદ્દારો સામે પેલેટગનથી માંડીને બધા જ પ્રકારના બળનો ઉપયોગ કરવાની છૂટ એમણે સુરક્ષા દળોને આપી છે. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન કાશ્મીરમાં ૮૦૦થી વધુ આતંકવાદીઓને હુર પાસે મોકલવામાં એમની પોલિસીનો ખાસ્સો ફાળો રહ્યો છે. દોભાલ એનસીએ બન્યા પછી મુંબઈ, દિલ્હી, વારાણસી, અમદાવાદ… જેવા શહેરોમાં થતા બૉમ્બધડાકા સદ્તર બંધ થઈ ગયા છે. બાગમાં ફરવા આવતા હોય એ રીતે આતંકવાદીઓ મુંબઈ જેવા શહેરમાં ઘુસીને હાહાકાર સર્જતા હતા એમને મનમાં દોભાલનો ડર ઘુસી ગયો છે. કેટલાક સાંપ્રદાયિક એક્ટરો અને લેખકોને એકાએક ડર લાગતો હોવાનું આડકતરું કારણ પણ કદાચ અજીત દોભાલ જ હોય શકે.
અજીત દોભાલ કોઈપણ રાજકીય દબાણમાં આવ્યા વગર કામ કરી રહ્યા છે. કાશ્મીરના અલગતાવાદી હુરિયત નેતાઓને ત્યાં ‘નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી’ (એનઆઇએ)એ પાડેલા દરોડા પછી આ ગદ્દાર નેતાઓ દરમાં ઘૂસી ગયા છે. ભારતીય લશ્કરને ખૂલ્લેઆમ ચેલેન્જ કરીને ફેસબૂક પર સેલ્ફી મુકનાર ૧૧ જેટલા ‘હિઝબૂલ મુજાહિદ્દીન’ના આતંકવાદીઓ કબરભેગા થઈ ગયા છે. ‘લશ્કર-એ-તયૈબા’ના આતંકવાદીઓ પણ એક પછી એક ઠાર થઈ રહ્યા છે. આતંકવાદીઓને દોભાલ એક જ સંદેશો આપી રહ્યા છે : ખબરદાર જો કાશ્મીર કે ભારત સામે આંખ ઊંચી કરીને જોયું છે તો. આંખના ડોળા ખેંચી લઈશ!
દોભાલે એમના એક જુના સાથીને કહ્યું હતું કે, ‘જો પાકિસ્તાન ફરીથી મુંબઈ જેવો હુમલો કરશે તો પાકિસ્તાને બલુચિસ્તાન ગુમાવવું પડશે.’
અજીત દોભાલ જ્યારે યુવાન હતા ત્યારે પાકિસ્તાનમાં સાત વર્ષ સુધી જાસુસ તરીકે એમણે કામ કર્યું હતું. તેઓ નિયમિતરીતે મસ્જિદમાં નમાઝ પઢવા જતા અને માહિતી મેળવતા રહેતા. એક વખત એક વૃદ્ધ મુસ્લિમ સ્કોલર એમની પાસે આવ્યા અને સીધુ પુછયું કે, શું તેઓ (દોભાલ) હિન્દુ છે? દોભાલે એમને જવાબ આપ્યો કે હિન્દુ કે હિન્દુસ્તાન સાથે એમને કોઈ લેવા દેવા નથી, ત્યારે પેલા વડીલ એમને થોડે દૂર લઈ ગયા અને ધીરેથી કહ્યું કે, પોતે પણ હિન્દુ છે, અને દોભાલના વિંધાયેલા કાનને કારણે એમને ખબર પડી ગઈ કે દોભાલ હિન્દુ છે! ત્યાર પછી દોભાલે ઑપરેશન કરાવીને વીંધાવેલા કાન ઠીક કર્યા અને જાસુસ તરીકે જોખમ ઊઠાવીને કામ કર્યા.
પંજાબમાં જ્યારે આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે ૧૯૮૮માં (ઑપરેશન બ્લેક થન્ડર પહેલાં) રિક્ષા ખેચનારાના વેશમાં તેઓ ગોલ્ડન ટેમ્પલમાં પહોંચી ગયા હતા. ટેમ્પલમાં અડ્ડો જમાવીને બેઠેલા આતંકવાદીઓને એમણે એવું ઠસાવી
દીધું કે પોતે પાકિસ્તાની જાસુસી
સંસ્થા આઇએસઆઇના એજન્ટ છે અને આતંકવાદીઓને મદદ કરવા માટે
આવ્યા છે.
થોડા સમયમાં એમણે એવો દાવ ખેલ્યો કે આતંકવાદી ભિંદરાણવાલેના સાથીદારો જ અંદર અંદર લડવા માંડ્યા અને દોભાલ ગોલ્ડન ટેમ્પલની અંદરની તમામ માહિતી આઇ.બી.ને મોકલતા રહ્યા.
ચીન સરહદે ડોકલામ સમસ્યાના ઉકેલનો ઘણોખરો જશ પણ અજીત દોભાલને જાય છે. આતંકવાદને નાથવાની અજીત દોભાલની પોલીસી, ‘દોભાલ ડૉક્ટરાઇન’ તરીકે ઓળખાય છે. દોભાલના નજીકના સાથીદારો માને છે કે દોભાલની બીજી ઘણી આવડતો ઉપરાંત તેઓ નખશીખ રાષ્ટ્રવાદી છે એ એમનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. ૨૦૧૪માં ઇરાક ખાતે ભારતની ૪૬ જેટલી નર્સ વોરઝોનમાં ફસાઈ ગઈ હતી ત્યારે ઇરાક ખાતેનાં મજબુત સંપર્કોને કારણે અજીત દોભાલની મહેનતથી જ તમામ નર્સ સહીસલામત ભારત પરત ફરી શકી હતી. પોતાના જાસુસીકાળ દરમ્યાન દોભાલે ઉર્દુ અને અરેબિક ભાષા ઉપરાંત ઇસ્લામનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. કોઈપણ ઑપરેશનની યોજના બનાવતા પહેલાં વિરોધીઓની અત્થી ઇતિ સુધી માહિતી મેળવ્યા પછી જ દોભાલ, એકશન પ્લાનને મંજુરી આપે છે.
કમનસીબે આપણા દેશમાં ૧૯૯૮ પહેલાં ‘નેશનલ સિક્યુરિટી એડવાઇઝર’ જેવી કોઈ પોસ્ટ હતી જ નહીં. વાજપેયીએ વડા પ્રધાન બન્યા પછી બ્રજેશ મિશ્રાને પહેલી વખત એનસીએ બનાવ્યા ત્યાર પછી યુપીએ શાસનમાં જે. એન. દિક્ષીત, એમ. કે. નારાયણન, શિવશંકર મેનન. એનસીએ બન્યાં. મોદી વડા પ્રધાન બન્યા પછી ૨૦૧૪થી અજીત દોભાલ એનસીએ છે.
અમેરિકા અને ઇઝરાયેલ જેવા આતંકવાદથી ત્રસ્ત દેશોમાં એનસીએનું મહત્ત્વ કેબિનેટ મંત્રી કરતા પણ વધુ મહત્વનું રહ્યું છે.
ઇઝરાયલમાં ‘નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ’ના વડા તરીકે મિરબેન-સલાટ છે, જેઓ દોભાલની જેમ જ, ઇઝરાયેલના વડા પ્રધાનના ખુબ જ વિશ્ર્વાસુ ગણાય છે. અમેરિકામાં પણ અમેરિકન પ્રમુખના ખાસ જ્હોન બોલ્ટન એનએસએ તરીકે છે.
ભારત હોય કે અમેરિકા – ઇઝરાયલ જેવા દેશ. દરેક દેશના સર્વોચ્ચ નેતા, દેશની સુરક્ષા ઉપરાંત કેટલીક વખત વિદેશનીતિ બાબતે પણ ‘નેશનલ સિક્યુરીટી એડવાઇઝર’ના સલાહ-સૂચનો મેળવતા રહેતા હોય છે. એ રીતે જોતાં ભારતમાં નરેન્દ્ર મોદી પછી કદાચ અજીત દોભાલને સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણવામાં આવતું હોય તો એમાં કઈ અતિશ્યોક્તિ ખરી?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.