કોણ છે સુનીલ પ્રભુ કીર્તિકરના પીએથી શિવસેનાના ચીફ વ્હીપ સુધીનો પ્રવાસ

આમચી મુંબઈ

એકનાથ શિંદેના રડાર પર છે સુનીલ પ્રભુ

મુંબઈ: શિવસેનાના પ્રવક્તા સુનીલ પ્રભુએ એકનાથ શિંદેની સાથે ગુવાહાટી ગયેલા બળવાખોર વિધાનસભ્યોને પત્ર મોકલીને ચેતવણી આપી હતી કે જો તેઓ વર્ષા બંગલા ખાતે રાખવામાં આવેલી બેઠકમાં હાજરી નહીં આપે તો તેઓ પગલાં લેશે. ત્યાર બાદ થાણેના માજીવાડા મતદારસંઘના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે એવું કહીને બોમ્બ ફેંક્યો હતો કે ‘અગાઉના ચીફ વ્હીપ (મુખ્ય દંડક) મુંબઈના લોકોને વધુ બોલવાની છૂટ આપતા હતા.’ શિંદે જૂથના રડાર પર મુખ્ય દંડક સુનીલ પ્રભુ માતોશ્રીની નજીક શા માટે માનવામાં આવે છે એ જોવું મહત્ત્વનું છે.
સુનીલ પ્રભુ એ શિવસેનાના નેતા અને વિધાનસભ્ય છે. મુંબઈમાં ગોરેગાંવ નજીક દિંડોશી વિધાનસભા મતદારસંઘના તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દેશમાં સૌથી શ્રીમંત મહાનગરપાલિકા તરીકે ઓળખાતી મુંબઈ મહાનગરપાલિકાના તેઓ વડા છે. અલબત્ત, તેઓ મુંબઈના ૭૩મા મેયર હતા.
સુનીલ પ્રભુએ ૧૯૯૨માં શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ ગજાનન કીર્તિકરના પીએ તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. ૧૯૯૭ સુધી કીર્તિકર માટે તેમણે કામ કર્યું હતું. ત્યાર બાદ કીર્તિકરના આગ્રહથી જ તેમને ૧૯૯૭માં આરે કોલોની મહાપાલિકા ચૂંટણી લડવાની તક મળી હતી. ત્યાર બાદ તેઓ સતત ચાર વાર મહાપાલિકાની ચૂંટણી જીત્યા હતા.
સુનીલ પ્રભુ ૧૯૯૭, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ એમ ચાર વાર નગરસેવકપદે ચૂંટાઈ આવ્યા. ૨૦૧૨થી ૨૦૧૪ સમયગાળામાં તેમણે મુંબઈના મેયરપદની જવાબદારી સંભાળી. સુનીલ પ્રભુને અનેક વાર સભાગૃહમાં સર્વોત્તમ વક્તા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ તેમના જોરદાર ભાષણ માટે ખાસ કરીને આર્થિક વિષય પર ઓળખાય છે. તેઓ છ વર્ષ પાલિકામાં સભાગૃહના નેતા હતા.
૨૦૧૪માં દિંડોશી વિધાનસભા મતદારસંઘમાંથી સુનીલ પ્રભુ વિધાનસભા પર ચૂંટાઈ આવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર રાજહંસ સિંહ, ભાજપના ઉમેદવાર મોહિત કંબોજ અને મનસેનાં ઉમેદવાર શાલિની ઠાકરેને પરાજિત કર્યાં હતાં. ૨૦૧૯ની ચૂંટણીમાં એનસીપીનાં વિદ્યા ચવ્હાણને પરાજયની ધૂળ ચટાવી હતી. શિવસેનાના મુખ્ય દંડક તરીકે સુનીલ પ્રભુની નિમણૂક કરવામાં આવી હતી.
વાઈરલ વીડિયોમાં સરનાઈકનો સુનીલ પ્રભુનો ટોણો
શિંદે જૂથમાં સહભાગી થયેલા ભરત ગોગાવલેએ મુખ્ય દંડક પદનાં સૂત્રો સ્વીકાર્યા બાદ પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે હવે પ્રવક્તાનું કામ શું છે, એ તમને માલૂમ છે કે શું? હવે તમારી જવાબદારી વધી છે. શિવસેના પક્ષની મોટી જવાબદારી તમારા શિરે છે. તમામ વિધાનસભ્યોને ટકાવીને રાખો, તેઓને બોલવા આપો, એવું સરનાઈકે કહ્યું હોવાનું વીડિયોમાં જણાયું હતું. તેના પર ભરત ગોગાવલેએ કરવું જ જોઇએ બધું જ વ્યવસ્થિત, પહેલાંના મુખ્ય દંડક જેવું ન કરો, એવી ટિપ્પણી કરી હતી. આના પર પ્રતાપ સરનાઈકે તાબડતોબ એવું કહ્યું હતું કે અગાઉના મુખ્ય દંડક મુંબઈના જ લોકોને વધુ બોલવા દેતા હતા. તમે હવે મુખ્ય દંડકા છો, પક્ષમાં કોને રાખવા, કોને કાઢવા, એ હવે તમે નક્કી કરો. શરૂઆત સુનીલ પ્રભુથી કરો, એવો ટોણો સરનાઈકે માર્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.