દેશ માટે જાન ન્યોછાવર કરનાર રવીન્દ્ર કૌશિક કોણ હતા? એમને શા માટે ભુલાવી દેવામાં આવ્યા?

93

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

એમનું નામ રવીન્દ્ર કૌશિક. નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને ? દેશમાં હજારો રવીન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં જે રવીન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે. આ રવીન્દ્ર કૌશિક ગુમનામીમાં ખોવાઈ ગયેલું નામ છે, પરંતુ દેશ ઉપર એમના સેંકડો ઉપકાર છે. દેશના હજારો જવાનોના જીવ એમણે બચાવ્યા છે. કઈ રીતે ? થોડા ફલેશબેકમાં જઈએ.
ભારતના સૌથી મહાન જાસૂસ તરીકે ગણાયેલા રવીન્દ્ર કૌશિકનો જન્મ ૧૯૫૨ની ૧૧મી એપ્રિલે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં થયો હતો. બીકોમ સુધીનો અભ્યાસ કર્યા પછી અભિનયના શોખને કારણે એમણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. દેખાવમાં તેઓ ફિલ્મ સ્ટાર વિનોદ ખન્ના જેવા હેન્ડસમ હતા. એક વખત લખનઊમાં તેઓ સ્ટેજ પર અભિનય કરી રહ્યા હતા ત્યારે ભારતની જાસૂસી સંસ્થા ‘રો’ (રિર્સચ એન્ડ એનાલિસિસ વિંગ)ના એક અધિકારીની દૃષ્ટિ એમના પર પડી. એ સિનિયર અધિકારીએ ૨૩ વર્ષના રવીન્દ્રને મળવા માટે દિલ્હીની ઑફિસે બોલાવ્યા. એમણે એમને સીધી જ ઓફર મૂકી કે શું તેઓ દેશ માટે કામ કરવા તૈયાર છે? ‘રો’ની કામગીરી તેમ જ કઈ રીતે ‘રો’માં જાસૂસો તૈયાર કરવામાં આવે છે એ વિશે પણ એમણે રવીન્દ્ર સાથે વાત કરી. પિતા એરફોર્સમાં હોવાને કારણે રવીન્દ્રમાં પહેલેથી જ દેશદાઝ તો હતી જ. ‘રો’ના જાસૂસ તરીકેના જોખમી કામ માટે પણ તેઓ તરત જ તૈયાર થઈ ગયા. ૧૯૭૫માં એમની ટ્રેનિંગ શરૂ થઈ. અમૃતસર અને પઠાણકોટનાં વિવિધ સ્થળોએ એમને ટ્રેનિંગ આપવામાં આવી. આ ઉપરાંત ઉર્દૂ અને અરેબિક ભાષા વાંચતા, લખતા તેમજ બોલતા તેઓ શીખ્યા. ભવિષ્યમાં જાસૂસી કામ માટે પાકિસ્તાન જવુ પડે એમ હોવાથી એમને મુસ્લિમ રીત રિવાજ તેમ જ કુરાનનું શિક્ષણ પણ આપવામાં આવ્યું. જન્મે પંજાબી હોવાથી પંજાબી ભાષા પર તો એમની પકડ હતી જ.
દુનિયાના મોટા ભાગના દેશો પોતાના દુશ્મન દેશની માહિતી એકત્રિત કરવા માટે પોતાના જાસૂસને બીજા દેશમાં મોકલે છે. કેટલાક જાસૂસો ટૂંક સમય માટે બીજા દેશમાં રહે છે જ્યારે કેટલાક જાસૂસોની કામગીરી લાંબા સમય સુધી જે તે દેશમાં રહીને એ દેશની ખાનગી અને જરૂરી માહિતી મેળવવાની હોય છે. ૧૯૬૫ અને ૧૯૭૧માં મળેલી હારને કારણે પાકિસ્તાન ભારત સામે બદલો લેવા આતુર હતું. ભારતના કેટલાક જાસૂસો પાકિસ્તાનમાં હતા જ, પરંતુ રવીન્દ્ર કૌશિકને છથી સાત દેશોમાં જાસૂસી કરવા મોકલવામાં આવ્યા અને એમણે ત્યાં મેળવેલી સફળતા પછી એવું નક્કી થયું કે પાકિસ્તાનમાં એમને લાંબા સમય માટે મોકલવા. ‘રો’ના જે સંપર્કો પાકિસ્તાનમાં કામ કરતા હતા એમના મારફતે રવીન્દ્ર માટે નવાં ઓળખપત્રો બનાવવામાં આવ્યા. નવી ઓળખમાં એમનું નામ નબી અહમદ શકીલ રાખવામાં આવ્યું. ‘રો’ જેવી જાસૂસી સંસ્થામાં કામ કરતા જાસૂસોને કડક સૂચના હોય છે કે પોતાના નજીકના કુટુંબીઓ સુધ્ધાંને ખબર ન પડવી જોઇએ કે તેઓ જાસૂસ તરીકે કામ
કરે છે.
પાકિસ્તાન રવાના થતા પહેલા રવીન્દ્ર કૌશિકે એમના કુટુંબીઓને કહ્યું કે દુબઈમાં નોકરી મળી હોવાથી તેઓ દુબઈ જઈ રહ્યા છે. કરાચી જઇને રવીન્દ્રએ ત્યાંની કોલેજમાં વકીલાતની ડિગ્રી લેવા માટે એડિમશન લીધું. એક દિવસ તેઓ સ્થાનિક છાપું વાચી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના લશ્કરમાં જોડાવા માટેની જાહેરાત તેમણે વાંચી. એમણે વિચાર્યું કે જો તેઓ પાકિસ્તાનના લશ્કરમાં જોડાઈ શકે તો ઘણી ખાનગી માહિતી મેળવીને ‘રો’ને મદદગાર થઈ શકે. ‘રો ’ પાસે પરવાનગી લીધા પછી તેઓ પાકિસ્તાનના લશ્કરમાં જોડાયા અને માત્ર ૨૫ વર્ષની ઉંમરે પોતાની આવડત અને હોશિયારીને કારણે લશ્કરમાં મેજરના હોદ્દા ઉપર પહોંચી ગયા. તેઓ પાકિસ્તાનના એક લશ્કરના અધિકારીની પુત્રી અમાનતના પ્રેમમાં પડ્યા. અમાનત પણ એમને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ સ્વાભાવિક રીતે જ તે તેમની અસલીયત જાણતી નહોતી. રવીન્દ્ર પણ અમાનતને સાચો પ્રેમ કરતા હતા અને એમણે વિચાર્યુ કે જો તેઓ લગ્ન કરીને સેટલ થઈ જાય તો ઉચ્ચ અધિકારીઓનો વિશ્ર્વાસ પણ જીતી શકશે. રવીન્દ્ર કૌશિક અને અમાનતને એક પુત્ર પણ થયો. ‘રો ’ને પણ લાગ્યું કે કૌટુંબિક રીતે સેટલ થવાનો રવીન્દ્રનો નિર્ણય ખૂબ યોગ્ય છે.
પોતાના જાસૂસી કાળ દરિમયાન રવીન્દ્રએ પાકિસ્તાનના એટોમિક ક્ષેત્રના તેમજ લશ્કરનાં ઘણાં ખાનગી રહસ્યો ‘રો’ને આપ્યા. ‘રો’ એમની કામગીરીથી એટલું ખુશ હતું કે એમને ‘બ્લેક ટાઇગર’ ઉપનામ આપવામાં આવ્યું.
આ બધા સમય દરમિયાન રવીન્દ્રના કુટુંબીઓને કોઈ જ સાચી વાતની ખબર નહોતી. જ્યારે રવીન્દ્રના નાના ભાઈના લગ્ન નક્કી થયા ત્યારે ‘રો’ પાસેથી પરવાનગી લઈને સલામતી માટે તેઓ વાયા દુબઈ થઈને ભારત આવ્યા. ૧૯૮૧માં કુટુંબીઓ સાથેની તેમની આ આખરી મુલાકાત હતી.
હીનાયત મસિહા નામના ભારતના બીજા એક જાસૂસ મારફતે ‘રો’એ કેટલાક દસ્તાવેજો રવીન્દ્રને પહોંચાડવાના હતા. કમનસીબે હીનાયત મસિહા કરાચીમાં પકડાઈ ગયો. પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ એમને ખૂબ ટોર્ચર કર્યા અને છેવટે હીનાયતે બધી કબૂલાત કરી લીધી. હીનાયત સાથે પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ એવી ગોઠવણ કરી કે રવીન્દ્ર ઉર્ફે નબી અહમદ શકીલને ડોક્યુમેન્ટ આપવા બોલાવવો. હીનાયતે રવીન્દ્રનો સંપર્ક કરીને સવારે ૭.૩૦ વાગ્યે એને એક બગીચામાં મળવા બોલાવ્યો. પાકિસ્તાનના જાસૂસો ત્યા સંતાયેલા જ હતા. રવીન્દ્ર જ્યારે દસ્તાવેજો લેવા પાર્કમાં આવ્યો કે તરત જ એની ધરપકડ કરી લેવામાં આવી.
ધરપકડ પછી રવીન્દ્રને ત્રાસ આપવાનો શરૂ થયો. એને પ્રાઇવેટ પાર્ટમાં કરંટ અપાતા. એના દસે દસ નખ ઉખેડી નાખવામાં આવ્યા તેમજ બરફ પર નગ્ન કરી માર મારવામાં આવ્યો છતાં પણ રવીન્દ્રએ મોંઢુ ખોલ્યું નહીં. ૧૯૬૫માં રવીન્દ્રને ફાંસીની સજા જાહેર કરવામાં આવી. એ દરમિયાન પત્ની અમાનત પણ ફક્ત એક જ વખત રવીન્દ્રને મળી શકી હતી. રવીન્દ્રને હતું કે એને છોડાવવા માટે ‘રો’ કે ભારત સરકાર કોઈ પ્રયત્ન કરશે. ઘણા દેશો વચ્ચે એવી સમજૂતી થાય છે કે પોતાના જાસૂસને છોડાવવા માટે તેઓ બીજા દેશના પકડાયેલા જાસૂસને છોડીને સોદો કરે છે. રવીન્દ્ર કૌશિકના કેસમાં આ થયું નહીં. એ વખતની સરકાર અને ‘રો’એ હાથ ઊંચા કરી દીધા. જેલમાંથી રવીન્દ્રએ પોતાના ઘરનાને ઉર્દૂમાં પત્ર લખેલો, એ લઈને રવીન્દ્રના કુટુંબીઓ ‘રો’ના અધિકારીઓને મળ્યા, પરંતુ ‘રો’એ પણ મદદ કરવાનો નન્નો ભણી દીધો. છેવટે રવીન્દ્ર કૌશિક ૨૦૦૧માં ટીબી અને હૃદયની બીમારીને કારણે અવસાન પામ્યા.. એમણે એમના છેલ્લા પત્રમાં લખ્યું હતું કે ‘હું જો અમેરિકાનો જાસૂસ હોત તો ત્રણ દિવસમાં જ હું જેલની બહાર આવી ગયો હોત.’ દુ:ખની વાત એ છે કે દેશ માટે શહિદ થનાર રવીન્દ્ર કૌશિક વિશે બહુ ઓછાને ખબર છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!