સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
આપણે સૌથી વધુ કોને યાદ રાખીએ છીએ? આપણને કેવી ક્ષણો જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી યાદ રહે છે? એવી કઈ ઘટનાઓ અને એની સાથે જોડાયેલી વ્યક્તિઓને આપણે ક્યારેય નથી ભૂલી શકતાં? આપણે ક્યારેય એવું વિચાર્યું કે હકીકતમાં આપણે કોને યાદ રાખવા જોઈએ?
બહુ સરળ પ્રશ્ર્નો છે. જેના બે જવાબો છે. એક તો આપણને જે અનહદ પ્રેમ કરે છે એવી વ્યક્તિ અને આપણને આનંદિત કરતી ક્ષણો યાદ રાખીએ છીએ. અને બીજી એવી ક્ષણો જે આપણને સતત પીડતી હોય, એવી વ્યક્તિ જેણે આપણને દુ:ખ, દગો અને ડર આપ્યા હોય એને જીવનભર ભૂલતાં નથી. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આપણે પહેલા નંબર કરતાં બીજા નંબરની વ્યક્તિઓ અને ઘટનાઓથી ઘેરાયેલા છીએ. જેને પ્રેમ કરીએ છીએ એ પછી, પરંતુ જેની સાથે નફરતનો સંબંધ છે એ વધુ યાદ રહે છે. જેણે કંઈક બગાડ્યું છે, જેના લીધે આપણે કેટલુંક ગુમાવ્યું છે, જે આપણી યાદોંમાં તો છે પણ આનંદ આપનારી નહિ, સખત નુકસાન પહોંચાડનારી, એ આપણા મન મસ્તિષ્કમાં હર હંમેશ હાજરી પુરાવે છે.
આપણા બધાની તકલીફ એ છે કે જે આપણી પાસે છે એની કદર નથી કરતાં. જે ‘પોતાના’ છે એને સાચવી નથી શકતા. અને જે ‘પોતાના’ ક્યારેય નથી થઈ શક્યા એને ‘પોતાના’ કરવા તમામ બનતા પ્રયાસો કરીએ છીએ. અને એમાં સક્સેસ ન મળતાં છેલ્લા શ્ર્વાસ સુધીમાં તો એ નફરતરૂપી છોડને કિંમતી સમયરૂપી પાણીથી સિચિંત કરીને ઘટાટોપ વૃક્ષ બનાવી દઈએ છીએ. આપણા વિચારોમાં આપણા વિરોધીઓ, હિતશત્રુઓ, ઈર્ષાળુઓ, દગાખોરો વગેરે જેવા એટલી હદે હાવી થઈ જાય છે કે આપણને જેનાથી ખુશી, પ્રેમ, સંતોષ મળતો હોય એવી વ્યક્તિઓ હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે.
આપણે એ બરાબર સમજી લેવું પડશે કે આપણાં ધાર્યા મુજબનું જીવનમાં નથી જ થવાનું. જે છોડીને જાય છે એ પાછા નથી જ ફરવાના આ વાત કોઈપણ ભોગે મગજના છેલ્લા કોષ સુધી ઉતારી દો. અને ઈનકેસ પાછા ફરે તો એને સ્વીકારવાના પણ નથી જ. આ વાતનેય મન મારીને સ્વીકારી લો. કારણ કે આપણી સાથે જોડાયેલા બધા જ આપણને સુખ અને શાંતિ આપવા માટે નથી આવ્યા. એમાંના ઘણાંય તો શાંતિ હણવા જ આવ્યા હોય છે. કેટલાંકનું વર્તન તો એટલું ત્રાસદાયક હોય છે કે એમ થાય કે આમાંથી છૂટવું કેમ? કેટલાંકને મળીને તો રીતસરનું થાય કે, ‘યાર આને ક્યાં મળાઈ ગયું..!’ કોઈકનું કારણ વગરનું બકબક સાંભળવું ને નાડીનેઠા વગરના આઈડિયાઝ ઇમ્પ્લીમેન્ટ કરવા કરતાં બહેતર છે કે એકલાં હાથે બથોડા ભરવા. એમાંય કેટલીક વ્યક્તિઓ તો એવી હોય છે કે એનાથી દૂરી પણ ન બનાવી શકાય એમ હોય અને એની સાથે ડિલ કરવી પણ અઘરી હોય. એક એવો સંબંધ જે પરાણે આપણા પર થોપાયો હોય એવું લાગે. અને એને વેંઢારવા સિવાય અન્ય વિકલ્પ પણ હોય. આવા કિસ્સામાં તો વ્યક્તિ જે તે વ્યક્તિને તો નફરત કરે જ, પણ પોતાની જાતથીય નફરત થવા લાગે.
એક લેડી પોતાના ભૂતપૂર્વ પ્રેમી કે જેણે દગો કરીને છોડી દીધી હતી, એને કાયમ યાદ કર્યા કરતી. વળી એના પતિને પણ આ વાત કહેલી. એનો પતિ એ બહેન પર અનહદ વ્હાલ વરસાવતો. એનો એક્સ પ્રેમી યાદ ન આવે અને પોતાની પત્ની દુ:ખી ન થાય એનું પૂરેપૂરું ધ્યાન પણ રાખતો પરંતુ તોય પેલી લેડી એના વિશ્ર્વાસઘાતી અને દગાખોર પ્રેમીને કોઈને કોઈ કારણસર યાદ કર્યા કરે. ‘એણે આવું કર્યું જ કેમ?’, ’મને પ્રેમ કરતો હોવા છતાં આવું કરતાં એનો જીવ કેમ ચાલ્યો?’, ‘એને ક્યારેય માફ નહિ કરી શકું’ આવું વિચારીને પોતાનો જીવ બાળ્યા કરે. હવે એનો જે પતિ હતો એ હરહંમેશ એની પડખે ઊભો રહેતો. દરેક સ્થિતિમાં સાથ આપતો. એણે કહ્યું, ‘જે તને છોડીને જતો રહ્યો છે, જેણે તને માત્ર દુ:ખ જ આપ્યું છે એને યાદ કરીને તને શું ફાયદો થશે? હું તારું આટલું ધ્યાન રાખું છું, અનહદ પ્રેમ કરું છું, તને કોઈ પ્રકારની તકલીફ ન પડે એની કાળજી લઉં છું, તો તારે મારા વિશે વિચારવું જોઈએ.’
ખરેખર આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક આવું થતું હોય છે. જે આપણા છે, જેણે આપણને સાથ આપ્યો છે, જે દરેક પરિસ્થિતિમાં આપણી સાથે હાજર રહ્યાં છે, જે આપણા એક સાદથી અડધી રાત્રે હાજર થયા છે, જેણે આપણા માટે ખર્ચ કરતા પહેલા એકપણ વાર વિચાર કર્યો નથી કે નથી હિસાબ માંગ્યો, જેણે ખરાખરીના સમયે ખભો અને સુખમાં સલાહ આપી છે, એવા આપણી લાઈફનું સેન્ટર કહી શકાય એવી વ્યક્તિને યાદ કરીએ છીએ? હા, કરતા હોઈશું. પણ એનાથીએ વિશેષ યાદ કરીએ છીએ એને કે જેના માટે આપણે સર્વસ્વ કુરબાન કરવા તૈયાર હોઈએ પણ એણે એકવાર પણ આપણી સામે ન જોયું હોય, જેનાથી આપણે હર્ટ થયા હોઈએ, જેણે કરેલા પ્રોમિસને પડીકામાં વાળી ફેંકી દીધા હોય, જેણે આપણા ભરોસા પર પાણી ફેરવીને વિશ્ર્વાસઘાત કર્યો હોય. ઇનશોર્ટ એવી વ્યક્તિ આપણા દિલો દિમાગ પર હાવી થયેલી હોય કે જેણે સુખનો છાંટોય આપ્યો ન હોય, પરંતુ દુ:ખના દંદુડા વહેવડાવી દીધા હોય…!
હવે આંખ બંધ કરીને એ વિચારવું જોઈએ કે આવું કરવાથી આપણને મળે છે શું? આપણી એનર્જીનું ખોટી જગ્યાએ થયેલા ઇન્વેસ્ટમેન્ટના લોસમાંથી બચવા માટે પોતાની જાતને એક સવાલ સવાર, સાંજ, બપોર પૂછ્યા જ કરવાનો. ‘ખરેખર મારી યાદોમાં કોને રાખવા જોઈએ?’ સાવ વાહિયાત અને ઈર્ષાળુ તેમજ લાગણીના નામે લીટા સાબિત થનારાને યાદ કર્યા કરીશું તો પછી જે આપણા માટે ઘસાય છે, આપણા આંસુથી અકળાય છે, આપણી સાથે બે મિનિટ વાત કરતાં હરખાય છે, આપણા ખીલેલા અવાજથી પોતે ખીલે છે અને નીરસ અવાજથી જે મૂરઝાય છે, આપણાં સુખદુ:ખની અસર જેના પર વર્તાય છે, જે આપણો નિસ્તેજ ચહેરો જોતા જ કરમાય છે એવા પોતીકા લોકો માટે આપણી યાદોમાં જગ્યા મળશે કે કેમ એ અંગે વિચારવું રહ્યું.
લાઈફને એન્જોય કરવા વધારે વ્યક્તિઓની જરૂર નથી. જેટલા પણ ખરેખર આપણા છે એ ઈનફ છે. અને જે આપણા નથી, પણ પારકા છે, એને પોતીકા બનાવવામાં મહામૂલો ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જ જરૂર નથી. ‘એ પોતીકા કેમ ન થઈ શક્યા?’ એવું વિચારીને આપણી યાદોંની મેમરી ઓવરલોડ કરીને કશું જ મળવાનું નથી. નફરત, દગો, ઈર્ષ્યા, નારાજગી, ગુસ્સો જેવી નેગેટિવ ફીલિંગ્સ ધરાવનાર તેમજ તેની સાથે જોડાયેલ ઘટનાઓને આપણી યાદોંમાંથી આઉટ કરીને સ્નેહ, પ્રેમ, ખુશી, વફાદારી સાથે સાથ નિભાવવાની ક્ષમતા ધરાવનારને આપણી અણમોલ યાદોંમાં લાસ્ટ સ્ટેજ સુધી રિઝર્વેશન આપી દેવું જોઈએ.
——————–
ક્લાઈમેક્સ:
ધક્કો મારીને તું ગયો પણ તારા ધક્કાથી જ જાણ થઇ કે, મારા માટે વધુ મહત્ત્વનું કોણ છે?’