મોડિલિંગના એક કોન્ટ્રાક્ટ માટે લોકોએ ક્યાંક્યાં પોર્ટફોલિયો લઈને ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ કહેવાય છે કે નસીબમાં લખ્યું હોય તે સામે ચાલીને આવે છે. આવું જ કંઈક બન્યુ હતું આજના બર્થ ડે સેલિબ્રિટી સાથે. આજે જયકિસન કાકુભાઈ શ્રોફનો જન્મદિવસ છે. ન ઓળખ્યા? અરે આપણા જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફનો. ગુજરાતી પિતા અને તુર્કીશ માતાના પુત્રએ હીરો ફિલ્મથી બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી, પરંતુ તે પહેલા તેણે નોકરી માટે ઘણા ધક્કા ખાધા હતા.પોતે સારો કુક હોવાથી હોટેલ તાજમાં પણ ગયો હતો, પરંતુ ક્વોલિફિકેશન ન હોવાથી તેને રિજેક્ટ કરવામાં આવ્યો. તે બાદ એર ઈન્ડિયામાં પણ કોશિશ કરી હતી.
તે બાદ તેણે ટ્રાવેલ કંપનીમાં કામ શરૂ કર્યું. એક વાર બસ સ્ટોપ પર ઊભો હતો ત્યારે બાજુમાં ઊભેલા એડવર્ટાઈઝિંગ કંપનીના એક માણસે પૂછ્યું મોડેલિંગ કરેગા ક્યા તો જગ્ગુદાદાએ પૂછ્યું કે પૈસા મિલેગા ક્યા્…બસ અહીંથી શરૂઆત થઈ. તે બાદ ૧૯૮૨માં દેવ આનંદ સાથે તેણે સ્વામી દાદા ફિલ્મમાં કામ કર્યું ને તે બાદ હીરો સાઈન કરી અને હીરો બની ગયો.
જેકી શ્રોફના પિતા એક નાનકડી ચાલમાં રહેતા હતા. જેકીનો મોટો ભાઈ આ ચાલના લોકોનું ખૂબ ધ્યાન રાખતો અને તે ખરો જગ્ગુદાદા હતો, પરંતુ પોતાને તરતા ન આવડતું હોવા છતાં એક ડૂબતા માણસને બચાવવા તે ગયો અને જેકીની નજરની સામે જ ડૂબી ગયો. ત્યારથી જેકી બની ગયો જગ્ગુદાદા અને તેમણે ચાલના લોકોની કાળજી કરવાનું શરૂ કર્યું.
ગીરીબીના દિવસોમાં જ પત્ની આયેશા મળી.
13 વર્ષની એ સમૃદ્ધ કુટુંબની છોકરી જેકીના પ્રેમમાં એવી તો પડી કે જેકીની પહેલી ગર્લફ્રેન્ડ સાથે પણ તે રહેવા તૈયાર થઈ ગઈ હતી. એક ઈન્ટરવ્યુમા આયેશાએ કહ્યું હતું કે મને જ્યારે ખબર પડી કે જેકીના જીવનમાં પહેલા જ એક છોકરી છે ત્યારે મેં એમ કહ્યું હતું કે અમે બન્ને સાથે રહેશું.
જેકીએ ઘણી ફિલ્મોમાં ઉમદા ભૂમિકા ભજવી છે. પોતાની અલગ સ્ટાઈલ, લૂક માટે જાણતા ગુજ્જુ સ્ટાર જેકીને 67માં જન્મદિવસની શુભકામના…