Homeલાડકીબીજાના જીવનમાં ડોકિયા કરવાનો અધિકાર આપણને કોણે આપ્યો?

બીજાના જીવનમાં ડોકિયા કરવાનો અધિકાર આપણને કોણે આપ્યો?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

આપણને બીજાની લાઈફમાં ઈન્ટરફિયર કરવાનો હક કોણે આપ્યો? બીજાના ચારિત્ર્ય કે ઈજ્જત પર ટીકા ટિપ્પણી કરવાવાળા આપણે કોણ? બીજાના જીવનમાં ઉદ્ભવતા પ્રશ્ર્નો તથા ઘટનાને લઈને એમને જજ કરવાવાળા આપણે કોણ? કોઈપણની પર્સનલ લાઈફને લઈને મજાક મશ્કરી કરવી કેટલે અંશે યોગ્ય?
બહુ બધા લોકોની એક સામાન્ય કુટેવ હોય છે. અને એ છે બીજાના જીવનમાં નાહકના ડોકિયાં કરવા. ત્યાંથી પણ ન અટકતા જે તે માણસ સાથે બનેલી ઘટનાને સો કોલ્ડ ચારિત્ર્ય અને ઈજ્જત સાથે જોડવી. એનાથી પણ આગળ જે તે ઘટના અંગે વગર વિચાર્યે પોતાના અભિપ્રાયો આપવા, પોતાની કરતૂતો સાઈડમાં રાખી બીજાના ભૂતકાળને ઉલેચવો, બીજા લોકો વિશે અભદ્ર ભાષાપ્રયોગ કરવો વગેરે વેગેરે. અરે અન્ય લોકો માટે અભિપ્રાય બાંધતા પહેલાં આપણામાં કેટલી યોગ્યતા, લાયકાત, ટેલેન્ટ છે એ ચેક કર્યું? અને જો ચેક કર્યું હોય તો એનું મેઝરમેન્ટ શું આવ્યું એ જાણીને કોઈ અન્ય વિશે સ્ટેટમેન્ટ આપવા જોઈએ.
કોણ કોની સાથે શું કરી રહ્યું છે? કોણ કોની સાથે કેટલાં સમયથી રિલેશનમાં છે? કોણે કોને ડ્રોપ કરી/કર્યો? કોના ઘરમાં શું ચાલી રહ્યું છે? કોની બાઇક પાછળ કોણ બેઠું હતું? કોણ કેટલાં વાગ્યે ઘરે આવે છે? કોણ કોની સાથે હસીને વાત કરે છે? કોનું ચક્કર ક્યાં ચાલે છે? ઈવન કોણ સ્ટેટસ મૂકીને કોઈને કંઈક બતાવવા માંગે છે? કોણ શું લખે છે? કોણ શું બોલે છે? કોણ શું નવું કરી રહ્યું છે? કોનો ભૂતકાળ કેવો હતો? આ પ્રકારની નાની નાની વાતો જેને આપણા સાથે કોઈ જ લેવા દેવા નથી, એમાં પોતાનો બહુમૂલ્ય સમય વેડફે છે. આ બધું જ જાણીને, અધકચરું સમજીને અન્યો સાથે શેર કરે છે. વળી એમાં ઢગલો ખામીઓ કાઢીને બદનામ પણ કરે છે. અને એમ કરીને પોતે ઝુંડમાં ‘ફીલિંગ સમથિંગ’ વાળો રૂતબો ઊભો કરે છે. આ પ્રકારના લોકો રીતસર દયાને પાત્ર છે. જે પોતાના કિંમતી સમયને કારણ વગર બીજા માટે વેડફે છે. કાં તો તેઓ મૂર્ખ છે કાં તો કામધંધા વગરના છે. જેઓનો કોઈ ઉદ્દેશ્ય નથી. જેમ જન્મ્યા એમ જ મૃત્યુ પામશે. કાઈ નવીન આપવાની તેઓમાં ક્ષમતા નથી. પોતાની ઊર્જા બીજા કંઈક નવું કરી રહ્યા હોય એમાં ખામીઓ શોધીને વેડફયા કરે છે. અને એ રીતે આત્મસંતોષ મેળવે છે. અને આવું કરીને દુનિયા સમક્ષ પોતે ખૂબ જાણકાર અને જ્ઞાની છે એવું બતાવવા મથે છે. હકીકતમાં તેઓ અધૂરા ઘડા સમાન છે જે છલકાયા કરે છે.
ખરેખર ક્યારેક તો એમ થાય કે આપણે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ…! જ્યાં કોઈ સાથે બનેલ નકારાત્મક ઘટનાને મનોરંજનનું સાધન બનાવી દઈએ છીએ. વળી પોતે જાણે સર્વગુણસંપન્ન હોય એમ કોઈની ભૂલો શોધવા બેસીએ છીએ. એમાંય હવે તો ટ્રોલ કરવાની જાણે ફેશન બની ગઈ હોય એવું લાગે. કોઈ જરાક અમથું કંઈક બોલે, કોઈની જીભ લપસે, કોઈના ફેમિલી પ્રોબ્લેમ મીડિયા દ્વારા જગજાહેર થાય, કોઈ પોતાના નોલેજ મુજબ અભિપ્રાય આપે- આ બધામાં કેટલાક લોકોને કાયમ વાંધા વચકા જ હોય. અરે મારા ભાઈ/બહેન… જે વસ્તુને લઈને આપણે કોઈની મજાક મશ્કરી કરીએ છીએ કે કોઈને જજ કરીએ છીએ એનાથી આપણે જ્ઞાની સાબિત નથી થઈ જતાં. હકીકતમાં આવા પેંતરા કરીને મૂર્ખ ગણાઈએ છીએ. પરંતુ પોતે મહાન અને અતિશય જ્ઞાની છે એ મારી મચડીને સાબિત કરવા માટે થઈને બીજાઓની લાઈફમાં વણબોલાવેલા મહેમાનોની જેમ એન્ટર થાય છે. ત્યાંથી પણ ન અટકતાં, એમની પર્સનલ વાતો જાણીને, બઢાવી ચડાવીને ગામમાં લીક કરે છે. વળી ‘આમ તે થોડું કરતું હશે’ એવી સલાહો દીધે રાખે છે.
એમાં પણ કોઈના ડિવોર્સ થાય કે કોઈનું બ્રેકઅપ થાય અને જો એ જાણીતી વ્યક્તિ હોય એટલે પતી જ ગયું સમજો. સલાહોના એવા તે ઢગલા ખડકાય કે આપણી અક્કલ કામ ન કરે. ઈવન આને લઈને સોશિયલ મીડિયામાં જોક્સ ફરતા થાય. ચિંતાના નામે વિકૃત મનોરંજન લે. હદ તો ત્યારે થાય જ્યારે રિલેશનશિપમાં બ્રેકઅપ થાય એટલે જે તે ફેમસ ફિમેલના ચારિત્ર્ય અને ઈજ્જતના નામે એના શરીર સુધી પહોંચી જાય. જાણે સ્ત્રીની ઈજ્જત એના બે પગની વચ્ચે જ હોય…! ચિત્ર વિચિત્ર પ્રકારની ટીકા ટિપ્પણીઓ કરીને કેટલાંક ઝુંડ વચ્ચે પોતાનામાં કેટલું હ્યુમર ભર્યું છે એ બતાવવા મથે. ખરેખર અહીં હ્યુમરના નામે ડુક્કર જેવી જાડી ચામડીની બુદ્ધિનું પ્રદર્શન થાય છે. બિચારું ડુક્કર પણ કંઈક કામમાં આવે જ્યારે આવા લોકો તો પૃથ્વી પરનો ભાર જ હોય છે જે પોતાની હલકી માનસિકતા પ્રદર્શિત કરે છે. આવું જ્યારે પણ વાંચીએ કે સાંભળીએ ત્યારે એમ થાય કે ચારિત્ર્ય અને ઈજ્જત- આ બે ભારે ભરખમ શબ્દો શું માત્ર સ્ત્રીઓ માટે જ છે? અને છે તો એની વ્યાખ્યા બદલવાની બહુ જ જરૂર છે. આના પર તો અલગથી ઘણુંય લખી શકાય.
રહી વાત બીજાના જીવનમાં કારણ વગર પ્રવેશીને, દરમ્યાનગીરી કરીને જજ કરવાવાળા લોકોની તો હવે જો આપણી આસપાસ આવા લોકો છે જે આપણને ડીમોટિવેટ કરવાનો એકમાત્ર ઇજારો લઈને બેઠાં છે, એને સાવ એટલે સાવ ઇગ્નોર કરો. એ આપણી પાછળ આંટાફેરા માર્યા કરશે, આગળ પાછળ ફર્યા કરશે, પરંતુ હંમેશાં આપણે એને ઓવરટેક કરવાના છે. આ પ્રકારની વ્યક્તિઓ આપણા મહામૂલા જીવનમાં આવેલાં હર્ડલ્સ જેવા છે જેનો નાશ નહિ થઈ શકે. પણ એની અસરમાંથી બહાર ચોક્કસ નીકળી શકાશે. કંઈક નવું કરીશું તોય એમને પ્રશ્ર્ન છે, કાંઈ નહિ કરીએ અને નવરા બેસીશું તોય પ્રશ્ર્ન છે, કોઈ ઘટના વિશે બોલીશું તોય એ લોકોને વાંધો હશે અને નહિ બોલીએ તો પણ… અરે થોડા અલગ કપડાં પહેર્યા હશે તોય એમને પ્રોબ્લેમ જ હશે. ભલે ને એ પૂરું શરીર ઢંકાય એવા કપડાં પહેરે પણ મગજમાં ઢગલો ગંદકી પડી હોય.
બીજાને વણમાંગી સલાહો આપવી, બીજાની પર્સનલ લાઈફ વિશે બેફામ બોલી મનોરંજન લેવું, બીજાઓને કોઈપણ ભોગે નીચા પાડવા, નિંદા કરવી, મજાક મશ્કરી કરવી, બીજાને સિંગલ વેથી જજ કરવા એ સાવ નવરા લોકોનું કામ છે. અહીં તો નવરાશની પણ હદ આવી જાય છે. આના બદલે પોતાનામાં કેટલું નોલેજ છે, પોતાની પાસે કેટલું ટેલેન્ટ છે, પોતાનામાં કેવી કેવી સ્કિલ્સ છે, કેવી નથી, કેવી સ્કિલ્સની જરૂર છે, પોતાનામાં શુ ખાસિયતો રહેલી છે, પોતાની કેટલી મર્યાદાઓ પ્લસ ખામીઓ છે, પોતાનામાં શું સુધારાની જરૂર છે, આવું બધું શોધવામાં જો નવરાશનો ઉપયોગ કરીએ તો જેની ખણખોદ કરતા હતા એનાથી ક્યાંય અવ્વલ આવી શકાય.
ક્લાઈમેક્સ: એકાંતમાં ક્યારેક પોતાની જાત સાથે દોસ્તી કરીને કરેલી ભૂલો ક્ધફેન્સ કરી શકાય. એમ કરીને ગાલ પર સરકતા એ અશ્રુબિંદુઓ આપણે કરેલી ભૂલોનું પ્રતિબિંબ દેખાડશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular