એક નૂર આદમી કે પછી દસ નૂર કપડાં’ ની જેમ આજે લોકો એ પણ પૂછી રહ્યા છે : કોણ વધુ કમાય હેન્ડસમ-સ્માર્ટ-ઈન્ટેલિજન્ટ કે વધુ મહેનત કરનારી વ્યક્તિ?
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
બડો પેચીદો છતાં જિજ્ઞાસા જગાડે એવો આ સવાલ છે. એનાં જવાબ પાછળનાં કારણ પણ એટલાં જ મઝાના છે…
‘એક નૂર આદમી… હજાર નૂર કપડાં’વાળી ઉક્તિ બહુ જાણીતી છે. આમ તો આ અને બીજી અનેક ઉક્તિઓ અધૂરી હોય છે અને ઘણી વાર પૂરી લખાય કે બોલાય છે ત્યારે પણ એ બદલાતી રહે છે. ઉદાહરણ તરીકે આ જ ઉક્તિ મૂળ આવી છે : એક નૂર આદમી ને દસ નૂર કપડાં…હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં !’
આનાં જેવી અનેક અધૂરી અને ખોટી રીતે રજૂ થતી કહેવત-ઉક્તિઓ વિશે ખ્યાતનામ લેખક ચન્દ્રકાંત બક્ષીએ બહુ સચોટ વિશ્ર્લેષણ કર્યું છે. ખેર, એ વિશે ફરી ક્યારેક.. અત્યારે તો ઉપરોકત ટાંકેલી ઉક્તિ મુજબ ‘એક નૂર આદમી કે પછી દસ નૂર કપડાં’ ની જેમ આજે લોકો એ પણ પૂછી રહ્યા છે : કોણ વધુ કમાયહેન્ડસમ-સ્માર્ટ- ઈન્ટેલિજન્ટ કે વધુ મહેનત કરનારી વ્યક્તિ?’
‘આમ તો આપણી સમજણ કહે છે કે ફાવ્યો વખણાય..’ તેમ છતાં, તમારી વાક્છટા-રજૂઆત-સોહામણો દેખાવ કે સતેજ બુદ્ધિ પણ ઓછા-વત્તા અંશે તમારી ઉપાર્જન ક્ષમતા જરૂર વધારી શકે છે. ચાલો, આ તો એક મુદ્દો થયો દેખાવનો, જેના પ્રતાપે દેખાવે-રીતભાતમાં સ્માર્ટ વ્યક્તિને તુરંત કામ મળી જાય-આવક વધે, પણ આગળ શું? દરેક વખતે રૂપાળો ચહેરો કામ ન પણ લાગે. દિવસના અંતે આખરે તો દરેક બોસને તમારાં કામનું પરિણામ જોઈએ. બીજાં શબ્દોમાં, સોહામણા ચહેરા સાથે પણ આકરી મહેનત પણ કરવી જ પડે.
હવે બીજો પ્રશ્ર્ન જાગે: આકરી મહેનત તો ઘણાય કરે છે, છતાં જોઈએ તેવી ફળતી કેમ નથી?. એનો તાર્કિક ઉત્તર એ છે કે માત્ર ઊંધું ઘાલીને ‘રાઉન્ડ ધ ક્લોક’ જહેમત કરતાં રહો તો એ કારગત ન પણ નીવડે. ઑફિસ ડેસ્ક પર તમારી સતત હાજરી બોસને ગમે ખરી,પણ એથી બોસ કે તમારો હેતુ ન સરે. મહેનત તો ગદર્ભ પણ કરેછે, પરંતુ ગદર્ભ અને અશ્ર્વની કામગીરીમાં ખાસ્સો ફરક છે. અહીં તમારે ગધેડા ઓછા અને ઘોડા વધુ થવું પડે!
-તો પછી હાર્ડ વર્ક વર્સિસ સ્માર્ટ વર્કની તુલના કરીને એ બન્નેમાંથી બહેતર શું?’ એ વિશે તાજેતરનો એક સર્વે કહે છે એમ હવે હેન્ડસમ – રૂપકડા ચહેરાને બાજુએ ખસેડીને સ્માર્ટ-ઈન્ટેલિજન્ટ વ્યક્તિની ખામી- ખૂબીઓ પર આવીએ તો એ પોતાની ખૂબીઓનો કેવો સચોટ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એનાથી એ ખુદ પૂરતો પરિચિત હોય છે. એ પોતાને નવી ટેક્નોલોજિથી હરહંમેશાં અવગત રાખે છે. કેરિયર માટે ક્યા સમયે ક્યો નિર્ણય લેવો એની આ ઈન્ટેલિજન્ટ -સ્માર્ટ આદમીને પૂરતી સૂઝ હોય છે. જરૂર પડે ત્યારે એને રિસ્ક લેતા પણ આવડે છે અને લે પણ છે.
આ સર્વેના તારણમાં વિશ્ર્વના સૌથી શ્રીમંત ઈલોન મસ્કનો વિશેષ ઉલ્લેખ થયો છે. મસ્કને બે વર્ષ પહેલાં ૨૦૨૧માં અમેરિકન સાપ્તાહિક ‘ટાઈમ’ તરફથી ‘પર્સન ઓફ ધ યર’ ઍવોર્ડ એનાયત પણ થયો હતો. સર્વે કહે છે કે એકલી માત્ર અવિરત મહેનત કે પછી માત્ર સ્માર્ટ થવાથી જોઈતી સફળતા મળતી નથી. આ સર્વે ઈલોન મસ્કનું ઉદાહરણ ટાંકીને કહે છે કે એ સફળ એટલા માટે થયો છે કે હાર્ડ વર્ક ઉપરાંત સ્માર્ટનેસ બન્નેનો એ બખૂબી ઉપયોગ કરી જાણે છે.
આવાં સર્વે તથા નિષ્ણાતોના પૃથ્થકરણ પછી એક નવી વાત પણ જાણવા મળી. તમે હેન્ડસમ-સ્માર્ટ- ઈન્ટેલિજન્ટ કે મહેનતુ સુદ્ધાં હો તો પણ એક ફેકટર-પરિબળ એવું પણ છે,જે તમારી વધુ આવક માટે બાધારૂપ બની શકે. એ છે તમારા લગ્નસંબંધી સ્ટેટ્સ-સામાજિક દરજજો અર્થાત્ તમે પરણેલા છો- કુંવારા છે કે પછી એકાકી. આપણને અહીં આશ્ર્ચર્ય એ થાય કે આ દરજજાને કોઈની આવક સાથે શું લાગે-વળગે?
વેલ, અમેરિકાના ‘પીવ્યુ રિસર્ચ સેન્ટર’ દ્વારા થયેલાં તાજા સર્વેનાં તારણ કહે છે કે લગ્નસંબંધથી જોડાયેલી વ્યક્તિ (પતિ કે પત્ની) કરતાં અનપાર્ટનર્ડ પર્સન એટલે કે એકાકી પુરષ કે સ્ત્રી સરેરાશ ઓછી આવક ધરાવતી હોય છે. સંશોધન એ પણ ઉમેરે છે કે આવી ઓછી આવક ધરાવતી ‘સિંગલ’ વ્યક્તિઓની વસતિ અત્યારે ૨૯%માંથી વધીને ૩૮% સુધી પહોંચી ગઈ છે!