માનસ મંથન -મોરારિબાપુ
अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्।
માનવમાંથી આપણે મુનિ બની શકીએ. ધીરે ધીરે અભ્યાસ કરો. જોઈએ તેટલી નિદ્રા લો, તંદ્રામાંથી બિલકુલ મુક્ત થવાનો અભ્યાસ કરો. તમે ને હું મુનિ બની શકીએ. નિદ્રા, તંદ્રા અને ત્રીજી વાત શાસ્ત્રકારોએ કહી છે ભય. જે નિર્ભય છે તે મુનિ છે. જેનામાં ભય હોય એ મુનિ નથી. જંગલમાં વાઘ, વરૂ, સિંહ ને દીપડા રહે, તેની વચ્ચે કોણ રહી શકે? ભય વગરના જે હોય તે. अभंय सत्वसंशुद्धि ગીતા જેનાં પર બહુ બળ આપે છે. કેટલા ભયથી હું ને તમે જીવીએ છીએ? કેટલાક માણસો મારી પાસે આવે, કે અમે આટલા દેવોને ઘરમાં પધરાવ્યા છે, એમાં આની સ્તુતિ ક્યારે કરવી? એ ન થાય તો? એટલા બધા પધરાવે છે શું કામ? શું કારણ છે ? કોઈ દેવે તમને કાગળ લખ્યો છે? ભય ઉતપન્ન થાય એવી પ્રવૃત્તિ ન કરો બાપ! જીવન નિર્ભયતા માટે છે. અભય બધામાં તૂટે છે. સુખી ભયભીત, દુ:ખી ભયભીત, ગૃહસ્થ ભયભીત, બ્રહ્મચારી ભયભીત; લગભગ બધા ભયભીત છે. મુનિ એ છે જે નિર્ભય છે. નિંદ્રા ઓછી, સપ્રમાણ હશે, જોઈએ એટલી જ લેશે તો માણસ નિર્ભય રહી શકશે. તંદ્રા બિલકુલ ન હોય, એ માણસ નિર્ભય રહી શકશે, સ્વતંત્ર રહી શકશે. જેનામાં ભય નથી એ મુનિ થવા માટેની ત્રીજી લાયકાત છે.
ભય હોવાનું એક કારણ છે પાપ. મને કોઈએ પૂછ્યું કે સાધુની શાસ્ત્રીય વ્યાખ્યા નહિ, વ્યાસગાદીની વ્યાખ્યા શું છે? શાસ્ત્રોમાં સાધુ માટે ઘણું લખ્યું છે. માનસમાં સાધુનાં, સંતોનાં, ભક્તોનાં કેટલાં લક્ષણો બતાવ્યાં છે! ભાગવતજીમાં કેટલું વર્ણન છે! ગીતાની દૈવીસંપદા સાધુ સાથે લગાડો, એ પણ સાધુનાં લક્ષણો થઈ ગયાં. પુરાણોમાં, ગ્રંથોમાં બહુ વર્ણન છે. પણ આમ ટૂંકમાં, સૂત્રાત્મક કહી દેવું હોય તો સાધુ કોને કહેવાય? જેનામાં જરાયે પાપ નથી એ સાધુ. જેની આંખમાં પાપ ન હોય, કાનમાં પાપ ન હોય, નાકમાં પાપ ન હોય, જેની વાણીમાં, ગતિમાં પાપ નહિ જાતિમાં પાપ નહિ, કર્મમાં પાપ નહિ, વિચારમાં પાપ નહિ, અને છેલ્લે જેનાં પેટમાં પાપ નહિ, એ સાધુ કહેવાય. પુણ્ય તો કોઈ પણ કરી શકે. જેને સમજ મળી ગઈ, પૈસા છે તે યજ્ઞ, દાન કરશે. એ સત્કર્મ છે, પુણ્યકર્મ છે. એ કોઈ શાળા, કોલેજ બંધાવી આપે, માનવ ઉપયોગી કાર્યમાં પ્રભુએ આપેલી ક્ષમતા પ્રમાણે યોગદાન કરશે, એ બધાં પુણ્યકર્મો છે. પણ એવી ભૂલ આપણે ન કરીએ કે એ માણસ પાપ નથી કરતો. કારણ કે એમ કહેવાય છે કે કોઈ પુણ્યની પાછળ ક્યાંય થોડું પાપ છુપાયેલું હોય છે. પાંચ લાખ રૂપિયાનું કોઈ દાન કરે, તો એ દાન કરનારને ખબર હોય કે આ દાનમાં કેટલા રૂપિયા પાપના છે ? એનો અર્થ દાન બંધ કરી દેવું એવો નથી.
येनकेन बिधि दिन्हे दान किये कल्याण।
यज्ञ दान तपः कर्म न त्याज्यं कार्यमेव तत्।
એને છોડવાની ગીતાએ મનાઈ કરી છે. સાધુ અને મુનિ, આપણે ત્યાં સાહિત્યમાં એવો અર્થ પ્રસિદ્ધ છે કે મુનિ એટલે સાધુ; ઋષિ એટલે બ્રાહ્મણ. ઋષિ એટલે વિપ્ર, બ્રાહ્મણ આચાર્ય, આવો એક અર્થ આપણે ત્યાં છે. જ્યાં પાપ નથી એ સાધુ. સાધુ પુણ્ય જ કરે એવું કંઈ નથી હોતું. એકાંતમાં બેઠો બેઠો ભજન કરતો હોય. પુણ્યકર્મ ઘણી વાર સંસારમાં દેખાય નહિ, પણ સાધુતાનું મોટું પ્રમાણપત્ર છે પાપ ન હોય. જેના જીવનમાં આવું દેખાય તેની પાસે જવું, રહેવું,એની પાસે કંઈ સમજવું, એની પાસે જીવવું, જ્યાં પાપ ન હોય. કોઈ એક હસ્તિમાં આવું દેખાય ત્યાં રહો. કથામાં ઘણી વખત કહેવાયું છે કે માણસે સેવા બધાની કરવી જોઈએ. પ્રેમ, જેને શાસ્ત્રો ભક્તિ કહે છે, રતિ કહે છે, પ્રીતિ કહે છે, એ તો એક જ જગ્યાએ હોય તો સફળતા મળે. પછી એને ભક્તિ કહો, રતિ કહો, પ્રીતિ કહો, પોતપોતાની ભૂમિકા છે શબ્દોની. એક જ ભક્તિનાં એ બધાં ભિન્ન ભિન્ન રૂપો છે. એક જગ્યાએ રહે. હમણા નૈમિષારણ્યમાં કહેતો હતો કે એક પગે ઊભા રહેવાનું. એક પગનો અર્થ જ એ કે હવે એક જ શરણ. મનુ ને શતરૂપા એક પગે ઊભાં રહ્યાં એનો આ અર્થ છે. હવે બે પગ નહિ, અહીંયા પણ ને અહીંયા પણ; હવે ચાર પગ, પશુતા નહિ કે અર્ધું મન અહીં, અર્ધું મન તહીં. એક પગે મનુ, શતરૂપા ઊભાં રહ્યાં, એનો અર્થ કે એક શરણ. ને પછી ઘટના ઘટી. કોઈપણ નિર્ણય યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિના કહેવાથી, પરમ યોગ્યના ચરણમાં સ્થાપવાનો ગીતાનો એક મહિમાવંત સંદેશ છે. કોઈપણ નિર્ણય કોઈ એવી યોગ્ય વ્યક્તિના કહેવાથી અને એ પરમ યોગ્ય વ્યક્તિના ચરણમાં એ નિર્ણયને સ્થાપિત કરી દેવો. ડામાડોળ થયા વગર તમામ ભટકનને મૂકી દઈને એવો એક નિર્ણય કરી લેવો બાપ, એને ગીતાના આધારે, સદ્દગુરુની કૃપાના આધારે, સંતો અને વિદ્વાનો પાસેથી સાંભળ્યું હોય અને ગ્રંથ અવલોકન કર્યું હોય એના આધારે અને કંઈક અનુભવના આધારે મોરારિબાપુ એમ માને છે કે, એ ગીતાનો એક મહત્ત્વનો સંદેશ છે.
ગીતાએ ઘણી વ્યાખ્યાઓ આપી. ગીતાની એક વ્યાખ્યા મને બહુ ગમે, હું અવારનવાર કહું છું કથાઓમાં કે, ગીતાએ એક નવો સંન્યાસ ઊભો કર્યો. આપણે ત્યાં સંન્યાસના ઘણા પ્રકાર, એને બધા ને એક વિશિષ્ટ શીલવંત નામ આપવામાં આવ્યું છે. પણ ગીતાએ એક સંન્યાસ ઉત્પન્ન કર્યો અને એ છે નિત્ય સંન્યાસ. જે સાધકને કોઈ કામના ન હોય અને કોઈના તરફ દ્વેષ ન હોય એવો સાધક નિત્ય સંન્યાસી છે.
‘મામેકં શરણં વ્રજ’ એક શરણ. તો ભક્તિ, પ્રીતિ, નિષ્ઠા, સેવા બધાની કરો. કોઈ કહે કે ભક્તિ બધાની કરીએ તો એટલો સરવાળો વધે નહિ! પ્રશ્ન આવ્યો. એક જગ્યાએ નિષ્ઠા રાખો, એને બદલે પાંચ જગ્યાએ રાખો તો એ નિષ્ઠાનો સરવાળો નહિ થાય? એ હેતવાળી નિષ્ઠા હોય. એક જગ્યાએ પણ હોય, પાંચ જગ્યાએ પણ હોય. બાકી એક ચરણ, એક પગે ઊભા રહેવું એટલે શરણાગતિ. ભયમુક્ત જીવન રહે એવો કોઈ દૃઢાશ્રય. જેનામાં કોઈ પાપ નથી, એની પાસે રહેવું, એની પાસે જીવવું. માણસ વધુ ને વધુ નિર્ભય થશે. મુનિ નિર્ભય છે, કારણ એનામાં પાપ નથી. આપણા ભયનું મોટામાં મોટું કારણ પાપ છે. કંઈક ખોટું કરવાની વૃત્તિ વ્યક્તિને ભયભીત કરે છે. અથવા તો અનેકની શરણાગતિ પણ ભયનું કારણ બને.
સંકલન : જયદેવ માંકડ