Homeવીકએન્ડ‘પઠાણ’ ફિલ્મના બોયકોટનો વિવાદ કોને કોને ફળ્યો?

‘પઠાણ’ ફિલ્મના બોયકોટનો વિવાદ કોને કોને ફળ્યો?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

ખલ્લાસ.,ફિનિશ. લો હવા નીકળી ગઇને !! વાછૂટ કરવાની ત્રેવડ ન હોય તોપખાનામાં નામ નોંધાવો તો આવું જ થાય બકા-બકી( અત્રે બકી એટલે કિસી, ચૂમી, ચુંબન સમજવું નહીં .,નહીંતર સિરિયલ કિસર ઇમરાન હાશ્મીનું લેબલ લગાડવામાં આવશે.અઢાર ટકા જીએસટી અલગ.)
પંચતંત્રમાં એક વાર્તા છે. જે આવા દોગળા લોકો પર બરાબર ફિટ થાય છે. એક શિયાળની મા મરી ગઇ. એ વખતે કોમી ઉન્માદ અને પારસ્પરિક નફરત નહિવત. ક્રૂર, હિંસક અને ઘાતક કહેવાય એવી સિંહણને શિયાળના નમાયા બચ્ચા પર દયા આવી.,એ સમયે એકતા કપૂરની કકળાટનો પર્યાયવાચી એવી સિરિયલો જોવાતી ન હતી. !!?એટલે જંગલમાં સૌહાર્દ, ભાવાત્મક એકતા અને પારસ્પરિક સ્નેહનું પ્રમાણ પૂરતી માત્રામાં હતું!! સિંહણ શિયાળના નમાયા બચ્ચાંને દૂધ પિવડાવતી હતી. સિંહણ શિયાળ બાળને શિકાર શીખવતી હતી. સિંહણના બચ્ચા સાથે શિયાળનું બચ્ચું પણ ઉછરતું હતું.સિંહના બચ્ચા સાથે ઉછેર થવાથી શિયાળ સ્વયંને સિંહ સમજવા લાગ્યું!!!. એક વાર શિયાળના બચ્ચાએ હાથીનો શિકાર કરવાની કોશિશ કરી. હાથીએ શિયાળના બચ્ચાંને સૂંઢમાં રોલ કરી દૂર ફેંકી દીધું. ત્યારે સિંહણ કહ્યું કે હા હા બેટા. તારા કુળમાં જન્મેલા હાથીનો શિકાર કરતા નથી!!!
આપણે ત્યાં સિનેમા, સિરિયલ વગેરેના ક્ધટેન્ટના તમામ પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને સેન્સર બોર્ડ સર્ટિફિકેટ આપે છે. એડલ્ટ ક્ધટેન્ટ માટે એ સર્ટિફિકેટ આપવામાં આવે છે. નોર્મલ માટે યુ સર્ટિફિકેટ આપવામાં આવે છે. વાસેપુર ગેંગ જેવી ગાલીગલોચ, અશ્ર્લીલતા, હિંસા દર્શાવતાં દ્રશ્યો હટાવવા, બ્લર કરવા કે આવાં દ્રશ્યો માટે કટ સૂચવવામાં આવે છે. પઠાણ ફિલ્મમાં બિકીનીનો કલર કેસરીને બદલે યલો ( બધી જગ્યાએ યલો યલો ડર્ટી ફેલો ન હોય. સરસવનાં ફૂલોનો કલર યલો જ છેને!!)માનો કે સેન્સર બોર્ડે ઉદારતા દાખવી હોય. આંખ આડા કાન ( આના માટે કેશ કે કાઇન્ડ સ્વરૂપે ફેવર લીધી હોય!!)કર્યા હોય. સેન્સર બોર્ડે પાસ કરેલ ફિલ્મોનું મોરલ સેન્સર પણ કરવામાં આવે છે. જે ખતરનાક અને બિનજરૂરી છે. ધર્મ, જાતિ, ઇતિહાસ, પાત્રો વગેરના ચરિત્ર ચિત્રણ સામે તથાકથિત મોરલ પોલીસો માત્ર પ્રસિદ્ધિ માટે વિરોધ કરવા આગળ આવી જાય છે. ભાઇ, મરચા મસાલા વગરની ફીકી કે બાફલા જેવી જોવા થિયેટર સુધી કોણ લાંબો થશે?? ફિલ્મ ડાકયુમેન્ટરી જોવા અપવાદ સિવાય કોઇ જાય નહીં. માણસ પિકચર જોવા શું કામ જાય છે? સામાન્ય જન તેની આધિ, વ્યાધિ, ઉપાધિ, યંત્રણા, મૂંઝવણ પીડાને થોડા સમય માટે વિસારવા થિયેટરમાં જાય છે. એના ખિસ્સામાં કાદિવલી કે ભાયંદર જવાના ફદિયા હોતા નથી. સો દોઢસો રૂપિયાની ટિકિટમાં કે તે વિદેશોના લોકેશન ફાટી આંખે જોઇ ચક્ષુ સુખ મેળવે છે. મદમસ્ત અને સિઝલિંગ હીરોઇન જોઇ લાળ પાડે છે.સિનેમા બનાવનાર લોકો કલ્યાણજી-આણંદની સખાવતી પેઢી ચલાવતા નથી.એ લોકો ફિલ્મોમાં પૈસાને ઇન્વેસ્ટ કરે છે. તે પરત મેળવવા મરી મસાલો નાખે કે નહીં?? ફિલ્મની શરૂઆતમાં ડિસકલેમર લખે છે. પછી શેનો વિરોધ? માનો કે પઠાણ ફિલ્મનું બેશરમ રંગ ગીત કે હીરોઇને પહેરેલ બિકીનીના કલર વિશે વિરોધ કરવાનું ઔચિત્ય કેટલું? વિરોધ બિકીનીનો હોય. આ પ્રકારનાં દ્રશ્યો અક્ષયકુમાર-દીપિકાની ફિલ્મમાં હતી તો મોરલ પોલીસે કેમ વિરોધ ન કર્યો???સાઉથની ફિલ્મોમાં મારધાડ, હિંસા , સેકસ પ્રચુર માત્રામાં હોય છે. છતાં મોરલ પોલીસ કુંભકર્ણની જેમ કેમ ઊંઘતી હશે???
સંસાર છોડી સંન્યાસ લેનાર મહાનુભાવો ફલાણી ફિલ્મનો બાયકોટ કરો કે કોઇ પરમનીચ શાહરૂખને સળગાવવાની વાત ખુલ્લેઆમ કેવી રીતે કરી શકે? મુસલમાન એવા શાહરુખનું સરવણું-કેવી રીતે કરી શકે??( શાહરુખની જીયારત કરે તો ઠીક ગણાય. બરાબર કે નહીં? અરે, કોઇ બોલતા કેમ નથી? મને ખાનગી અને ખુલ્લું સમર્થન આપો!!!)દેશની પોલીસ આવા ઉન્માદી સામે સુઓમોટો કાર્યવાહી કરી જેલની સલાખમાં કેમ ધકેલતી નથી. ?અમુક પર કાર્યવાહી. અમુક તરફ આંખમિંચામણા યોગ્ય નથી. સંન્યાસીઓએ ષડરિપુને ઓગાળી તપ કરવાનું હોય. સમાજને જોડવાનો હોય. સંન્યાસીએ ડાબીજમણીનો ભેદ કરવાનો ન હોય. ઉન્માદ ફેલાવવાનો ન હોય. માણસાઈ, પ્રેમ, પ્રભુનો સંદેશો ફેલાવવાનો હોય. સનાતન ઘર્મની દુહાઈ દેનાર સનાતન ધર્મનો અર્થ સમજે છે ખરા?? જેને પોતાના ધર્મ પર શ્રદ્ધા ના હોય અને જેને પોતાના ઈમાન પર વિશ્ર્વાસ ના હોય એમને જ લંગોટી- બિકીનીમાં ધર્મનું અપમાન દેખાય. કારણ એમની ધોતી ઢીલી હોય છે.
કોઇ ફિલ્મ અને સંતો, બાપુ, મહારાજ, મંડલેશ્ર્વર, અખાડાધિપતિ કે બખેડાપતિને શું લેવા દેવા ?? એના માટે શાહરૂખ પણ સરખો અને ઋુત્વિક રોશન સરખો. તમને ફિલ્મ સામે વિરોધ છે. વેલ. પ્રોડયુસરને પોલીસ-કોર્ટમાં ખેંચી જાવ. તેની ફિલ્મ ન જોઇને વિરોધ કરવાથી ફિલ્મવાળાની હવા નીકળી જાય. બાપુ, મહાત્મા, પીઠાધિપતિ, મઠાધિપતિ એક એસ્ટાબ્લિશમેન્ટ છોડીને બીજું એસ્ટાબ્લિશમેન્ટ વસાવે છે. કોઇ શાયરે કહ્યું છે કે એક ઘર છોડ કે દૂસરા ઘર બસાતે હૈ! અગાઉ
મળતી વ્યવસ્થા કરતાં વધુ સુવિધા મેળવે છે. કુંભ મેળામાં કયા મહંત પહેલા સ્નાન કરે તે માટે હુડદંગ મચે છે. અહમ, તોછડાઇ, સત્તાલાલસા ઓગળવાના બદલે ભડકે બળે છે!!
પઠાણ ફિલ્મનો વિરોધ કરવા માટે તમામ પથ્થર અજમાવી જોયા છે! ટ્વિટર, ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર મચી પડયા. વિરોધથી શું વળ્યું?? વિરોધનો ફૂગ્ગો ફૂટી ગયો.જે લોકો પોસ્ટર ફાડતા હતા તે લોકો પોસ્ટરને દૂધાભિષેક કરવા લાગ્યા. પોસ્ટર પર કૂચડો મારનાર લોકો પોસ્ટર પર કેક લગાડવા માંડ્યા . વિરોધીઓ સમર્થક બની ગયા. કેવું ૩૬૦ ડિગ્રી પરિવર્તન!! દેશ-વિદેશના ૮૦૦૦ થી વધુ સ્ક્રીનમાં પઠાણ રિલીઝ થઇ!! ફિલ્મ જોઇને દર્શકો ઝૂમી ઉઠયા. થિયેટર દર્શકોના ચિચિયારી, સિસોટીથી ગૂંજી ઊઠ્યું . શુક્રવાર -ફર્સ્ટ ડે પર સતાવન કરોડથી વધુ કલેકશન મળ્યું. કોરોના અને સાઉથની ઝંઝાવાતી ફિલ્મો સામે ધ્વસ્ત થયેલ બોલીવુડને પઠાણની સફળતાથી ટોનિક મળ્યું!!! બધે મંગલ મંગલ થઇ ગયું., વિરોધનું દંગલ શમી ગયું. માનો કે ચાના કપનું તોફાન પુરવાર થયું!!!
પઠાણ ફિલ્મનો વિવાદ કોને ફળ્યો અને કોને નડ્યો એ સળગતો સવાલ મનમાં ઉપસ્થિત થાય.ફિલ્મ બનાવનાર વિવાદ ઊભો થાય તેવું ઇચ્છતા હોય. રેડિયોના જમાનામાં ઝૂમરી તલૈયાથી ગીતોની ફરમાઇશ આવતી .જે મોટેભાગે ફિલ્મના પ્રોડયુસર દ્વારા જ કરવામાં આવતી.જે કામ કરોડાના ખર્ચે ફિલ્મ પ્રમોશન, બ્રાન્ડિંગ કે પબ્લિસિટી ન કરી શકે એ કામ વિના ખર્ચે વિવાદ કરી આપે છે!! ફિલ્મની માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય છે. જે પ્રેક્ષકોના ટોળાચોળાને થિયેટરમાં ખેંચી લાવે છે!!
પઠાણ ફિલ્મની પ્રારંભિક સફળતાથી લાગે છે કે પઠાણ ફિલ્મનો વિવાદ પઠાણ ફિલ્મને સવાસો ટકા ફળ્યો છે!! બાયકોટ પઠાણ ફિલ્મની મુવમેન્ટ ટાંય ટાંય ફિસ થઇ ગઇ છે!!પહેલા દિવસે અધધધ કહી શકાય તેવી રૂપિયા પંચોતેર કરોડની કમાણી થઇ . સાઉથની કેજીએફ કરતાં પણ રેકોર્ડબ્રેક કમાણી થઇ.ભાગ્યશાળીને ભૂત રળે તે આવું નામ!! શાહરૂખની ફિલ્મો હજાર કરોડ રૂપિયાની કમાણીની ક્લબમાં સામેલ થઇ જશે!!
ચાર વરસથી શાહરૂખ બિગ સ્ક્રીન પરથી ગાયબ હતો તે સરવાઇવ થઇ ગયો. એટલે કહેવું પડે કે ટાઇગર અભી જીંદા હૈ ઔર બહુત કુછ દમ હૈ!! પેલા પરમહંસ, સાધ્વીજી, વિરોધના નામે ટપોરીવેડા કરનાર બોયકોટ ગેંગના હોઠ સિવાઇ ગયા છે. તેમના ભૂસા ભરેલું મસ્તિક ઓસ્ટ્રિચની જેમ રેતીમાં ખોસવું પડ્યું છે!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular