કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે શિંદે જૂથનો વ્હીપ બંધનકારી નથી
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના પક્ષને શિવસેનાનું નામ અને ધનુષ્ય-બાણનું ચિહ્ન આપવામાં આવ્યા બાદ સોમવારે શિંદે જૂથે વિધાન ભવનમાં રહેલી શિવસેના પક્ષની કચેરી પર કબજો જમાવ્યો હતો અને શિંદે જૂથના (હવે શિવસેનાના) ચીફ વ્હીપ ભરત ગોગાવલેએ પાર્ટીના વિધાનસભ્યોની બેઠક આયોજિત કરવાનો વ્હીપ બહાર પાડ્યો હતો.
તેમણે હાજર પત્રકારોને કહ્યું હતું કે શિવસેનાના બધા જ ૫૬ સભ્યોને વ્હીપ મોકલવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બજેટ અધિવેશનમાં શિવસેનાના વલણને લઈને ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી છે અને બધા જ શિવસેનાના વિધાનસભ્યોને વ્હીપ બજાવવામાં આવશે. જે વિધાનસભ્યો વ્હીપનું પાલન નહીં કરે તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર ચૂંટાઈ આવેલા કુલ ૫૬ વિધાનસભ્યમાંથી અત્યારે ૪૦ વિધાનસભ્ય શિંદેની સાથે છે. બાકીના ૧૬ વિધાનસભ્ય ઠાકરેની સાથે છે. હવે મુખ્ય મુદ્દો એ છે કે જો આ વિધાનસભ્યો પાર્ટીના વ્હીપનો અનાદર કરે તો તેમની સામે અપાત્ર ઠેરવવાની કાર્યવાહી થઈ શકે છે અને તેઓ છ વર્ષ માટે ગેરલાયક ઠરી શકે છે.
આ મુદ્દે કાનૂની નિષ્ણાતો સાથે સોમવારે વાત કરવામાં આવતાં તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે શિંદે જૂથના વ્હીપનું પાલન ન કરવા બદલ ઠાકરે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવી શકાય
નહીં. સૌથી પહેલાં શિવસેનાના ખાસ નજીકના વકીલ ઉલ્હાસ બાપટે આ બાબતે જણાવ્યું હતું કે જ્યારે પક્ષમાંથી બે તૃતિયાંશ વિધાનસભ્યો બહાર નીકળી જાય અને તેમને અલગ પક્ષ તરીકેની માન્યતા મળી જાય ત્યારે બાકીના જે વિધાનસભ્યો રહી ગયા હોય તેમનું અલગ જૂથ માનવામાં આવતું હોય છે. આવી સ્થિતિમાં શિંદે જૂથનો વ્હીપ ઠાકરે જૂથને લાગુ પડશે નહીં.
રાજ્યના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ શ્રીહરી અણેને જ્યારે આ જ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ એમ જ કહ્યું હતું કે વિધાનસભામાં અત્યારે શિંદે જૂથ અને ઠાકરે જૂથ એ બે અલગ અલગ ઘટક છે એવું ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું છે. હવે આવી સ્થિતિમાં શિંદે જૂથનો વ્હીપ ઠાકરે જૂથને લાગુ પડશે નહીં. જે રીતે ભાજપનો વ્હીપ શિવસેના પર લાગુ પડશે નહીં તેવી જ રીતે કાયદાની દૃષ્ટિએ ઠાકરે અને શિંદે અલગ અલગ ઘટક છે એટલે બંનેનું એકબીજા પર નિયંત્રણ નથી. આમ શિંદે જૂથનો વ્હીપ ઠાકરે જૂથને લાગુ પડશે નહીં.