મોહિની સાથે નૃત્ય કરતાં ભસ્માસુરનો હાથ પોતાના જ માથા પર જતાં તે ભસ્મ થઈ જાય છે

ધર્મતેજ

શિવ રહસ્ય – ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: કૈલાસ ખાતે મહાજ્ઞાન આપતાં ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે ‘પાર્વતી એટલું ધ્યાન રાખો કે મહાસાગરમાં એક નાની હોડી ત્યાં સુધી ડૂબી નથી શકતી કે જ્યાં સુધી એ મહાસાગરનું પાણી તેમાં ભરાઈ ન જાય. આપણી આજુબાજુમાં કેટલાય દોષ કેમ ન હોય કે નકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિઓ સાથે આપણે ઘેરાયેલા કેમ ન હોઈએ, જ્યાં સુધી તેમના દોષ અને તેમના વિચાર આપણામાં સમાવિષ્ટ ન કરી લઈએ ત્યાં સુધી આપણે ડૂબી શકતા નથી. દેવરાજ ઇન્દ્ર કે અન્ય પર અવિશ્ર્વાસ ન કરતાં આપણા કુમાર પર વિશ્ર્વાસ કરો.’ એ જ સમયે કૈલાસ પર કોઈના ‘ઓમ નમ: શિવાય’ની ગુંજ સંભળાવા લાગતાં માતા પાર્વતી કહે છે, ‘તૈયાર થાઓ મહાદેવ, જુઓ તમારા કોઈ ભક્તની ગુંજ અહીં સુધી આવી રહી છે, પણ સ્વામી સાવધ રહેજો અને કોઈ દૈત્ય હોય તો તેને એવું વરદાન ન આપી દેતાં કે ફરી વાર દેવગણોએ સ્વર્ગમાંથી પલાયન થવું પડે.’ એટલું સાંભળી ભગવાન શિવ કહે છે, ‘દેવી આ મારા ભક્ત બ્રુકની ગુંજ વિષ્ણુલોક અને બ્રહ્મલોક સુધી સંભળાઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે તેને વરદાન મળે. મારો ભક્ત મને રીઝવી લે તો જે માગે તે હું આપું છું.’ માતા પાર્વતી સાથે વાતચીત કરતાં ભગવાન શિવ ત્યાંથી વિદાય લે છે. ભગવાન શિવને દૈત્ય બ્રુકને વરદાન આપવા જતાં જોઈ ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અને દેવર્ષિ નારદ તેમની પાસે જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, ‘મહાદેવ, અમે જોઈ રહ્યા છીએ કે તમે દૈત્ય બ્રુકને વરદાન આપવા જઈ રહ્યા છો, પણ છેલ્લે એ છે તો દૈત્ય ષટ્કુણીનો જ પુત્ર. મહાદેવ એવું કોઈ વરદાન ન આપતાં કે સૃષ્ટિના સંચાલનમાં એ હસ્તક્ષેપ કરે.’ તેના જવાબમાં ભગવાન શિવ કહે છે, ‘શ્રીહરિ, બ્રહ્મદેવ અને દેવર્ષિ, તમે ત્રણેય ખૂબ જ જ્ઞાની છો અને તમને એ પણ ખબર છે કે પ્રસન્ન થયેલા ભક્તને મનવાંછિત ફળ આપવાની જવાબદારી તમારી પોતાની હોય છે, તમને ઈશ્ર્વર બનાવનાર ભક્તને જો તમે મનવાંછિત ફળ ન આપી શકો તો તમે ઈશ્ર્વર કઈ રીતે કહેવાઓ. હંમેશાં દૈત્યોએ દેવતાઓનો વિનાશ કરી સ્વર્ગલોક પર આધિપત્ય જમાવવા મળે તેવાં જ વરદાન માગ્યાં છે, પણ વરદાન નહીં આપવા માટે હું પોતે બંધાયેલો છું, ભક્ત અપ્રસન્ન થાય એ હું ન સહી શકું. વરદાન તો એને મનવાંછિત જ મળશે, ચાલો તમેય જુઓ કે બ્રુક શું માગે છે.’ (ભગવાન શિવના આદેશથી શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્મદેવ અને દેવર્ષિ તેમની સાથે અદૃશ્ય રૂપે જાય છે.) દૈત્ય બ્રુક પોતાની સમક્ષ ભગવાન શિવને જોઈ હર્ષ અનુભવે છે. ભગવાન શિવ તેને કહે છે: ‘બ્રુક ઊઠો, હું પ્રત્યક્ષ તમારી સમક્ષ ઊભો છું. હું તમારી ભક્તિથી પ્રસન્ન છું, બોલો તમારે શું વરદાન જોઈએ છે.’ બ્રુક કહે છે, ‘મહાદેવ, તમે મને જે જોઈએ તે વરદાન આપશો? કેમ કે મારા પિતા ષટ્કુણી અને કુટુંબીજનો મને મૂર્ખ અને નિર્બળ સમજે છે. તમે મને શક્તિશાળી બનાવો. ભગવાન મને એવી શક્તિ આપો જેથી લોકો મારાથી ડરે, મને માન-સન્માન આપે, કોઈ મને નિર્બળ ન કહે. મને એવી શક્તિ આપો કે જેના માથા પર હાથ રાખું એ ભસ્મ થઇ જાય.’ ભગવાન શિવ તેને મેધાવી થવાનું વરદાન આપવા માગે છે પણ બ્રુક કહે છે, ‘ભગવાન, મેધાવી બનીને હું શું કરીશ? મને તો હાથ મૂકવાથી ભસ્મ થવાવાળું જ વરદાન જોઈએ છે.’ ભગવાન શિવ તથાસ્તુ કહે છે, પણ કુબુદ્ધિ બ્રુક ભગવાન શિવે આપેલા વરદાનની પ્રામાણિકતા સિદ્ધ કરવા ભગવાન શિવને ત્યાં ઊભા રાખી વન તરફ જાય છે. પ્રથમ તેને પ્રાણીઓ દેખાય છે. બ્રુક તેમના પર હાથ રાખતાં જ તે ભસ્મ થઇ જાય છે. બ્રુક વિચારે છે કે આ વરદાન ફક્ત પશુઓ સુધી તો સીમિત નથીને? તે આગળ વધે છે ત્યાં ઋષિમુનિઓ હવન-પૂજા-અર્ચના કરતા નજરે પડે છે. એ ત્યાં જઈ એક ઋષિના માથા પર હાથ મૂકતાં જ ઋષિ ભસ્મ થઈ જાય છે. ત્યાં આશ્રમમાં ભાગદોડ મચી જાય છે કે અન્ય ઋષિઓ બૂમો પાડે છે કે ‘ભાગો, ભાગો, ભસ્મ કરનારો અસુર આવ્યો છે.’ આવું સાંભળી બ્રુક વિચારે છે કે ‘આ લોકો સાચું બોલી રહ્યા છે… ભસ્મ કરનારો અસુર એટલે ભસ્માસુર. આજથી મારું નવું નામ ભસ્માસુર છે, બ્રુક નહીં.’ ભસ્માસુર મુનિના આશ્રમમાં વિનાશ વેરતો વિચાર કરે છે કે મને મળેલું વરદાન ફક્ત માનવો સુધી તો સીમિત નથીને? મારા વરદાનની ચકાસણી મારે દેવો પર કરવી જોઈએ. એવું વિચારી તે સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે.
* * *
ભસ્માસુરને સ્વર્ગલોક તરફ પ્રયાણ કરતાં જોઈ દેવર્ષિ નારદ દેવરાજ ઈન્દ્રને ચેતવણી આપવા સ્વર્ગલોક પહોંચે છે અને ઈન્દ્ર સહિત દેવગણોને ચેતવણી આપે છે કે હવે સમય થઈ ગયો છે કે તમામ દેવગણોએ પલાયન થવું પડશે. દેવર્ષિ નારદની ચેતવણીથી દેવગણો ગભરાઈ જાય છે. સ્વર્ગલોકમાં ભાગદોડ મચી જાય છે. ત્યારે હિંમત બતાવતાં દેવરાજ ઈન્દ્ર કહે છે:
દેવરાજ ઈન્દ્ર: દેવગણો, હું તમારો રાજા તમારી સાથે છું. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સ્વર્ગલોક છોડવાનું નથી. પવનદેવ તુરંત તમે આપણા સેનાપતિ કુમાર કાર્તિકેયનું આવાહન કરો અને તેમને યુદ્ધમાં સામેલ થવાનું જણાવો અને દેવગણો, આપણે કાંઈ કાયર નથી, યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ.’
એ જ ક્ષણે ભસ્માસુર ત્યાં પ્રગટ થાય છે અને એક મોટું અટ્ટહાસ્ય કરી કહે છે: ‘દેવરાજ ઈન્દ્ર, તમારે કોઈ યુદ્ધ કરવાની જરૂરત નથી. જેના માથે હું હાથ રાખીશ એ ભસ્મ થઈ જશે,’ એટલું બોલતાં જ ભસ્માસુર તેની બાજુમાં ઊભેલા દ્વારપાલ પર હાથ મૂકે છે. ભસ્માસુરનો હાથ માથા પર પડતાં જ દ્વારપાલ ભસ્મ થઈ જાય છે.
ભસ્માસુર: ‘દેવરાજ ઈન્દ્ર, તમને મારી શક્તિનો અંદાજો આવી જ ગયો હશે. દેવોના દેવ મહાદેવે મને વરદાન આપ્યું છે, તુરંત ઈન્દ્રાસન ખાલી કરો અથવા ભસ્મ થવા તૈયાર થઈ જાઓ.’
આક્રમક થયેલા ભસ્માસુરને જોઈ દેવરાજ પણ ગભરાઈ જાય છે અને દેવગણોને પલાયન થવા માટે ઈશારો કરે છે. દેવગણો દેવરાજ ઈન્દ્રનો ઈશારો સમજી જતાં ત્યાંથી પલાયન થઈ જાય છે. દેવગણો પલાયન થઈ જતાં ભસ્માસુર અટ્ટહાસ્ય કરે છે અને ત્યાં ઉપસ્થિતિ દેવર્ષિ નારદને કહે છે: ‘દેવર્ષિ જોયું, દેવરાજ ઈન્દ્ર અને દેવગણો પણ મારી શક્તિથી ડરી ગયા છે. ભગવાન શિવે આપેલું વરદાન સિદ્ધ છે, દેવગણો પર પણ કાર્ય કરે છે. હવે હું આ સૃષ્ટિનો સૌથી શક્તિશાળી પુરુષ છું. જાઓ દેવર્ષિ, સમસ્ત સંસારમાં જણાવી દો કે સ્વર્ગલોેક પર ભસ્માસુર બિરાજમાન થઈ ગયો છે.’
દેવર્ષિ નારદ: ‘અસુરરાજ, તમે ભૂલી ગયા છો કે મહાદેવે તમને ત્યાં જ ઊભા રહેવાનું વચન આપ્યું છે, જાઓ મહાદેવને મુક્ત કરો જેથી તેઓ કૈલાસ પરત જઈ શકે. કૈલાસ ખાતે માતા પાર્વતી તેમની રાહ જોતાં હશે.’
દેવર્ષિ નારદની વાત સાચી લાગતાં ભસ્માસુર ભગવાન શિવ પાસે જવા નીકળે છે.
* * *
કૈલાસ પર માતા પાર્વતી ઘણો સમય રાહ જોયા બાદ વિચાર કરે છે કે, ‘ચાલો જઈને હું પણ જોઈ લઉં કે મહાદેવ એવા તે કેવા ભક્તને વરદાન આપવા ગયા કે હજી સુધી આવ્યા નથી.’ માતા પાર્વતી ભગવાન શિવ પાસે પહોંચીને કહે છે:
માતા પાર્વતી: ‘સ્વામી, તમે અહીં કેમ ઊભા છો અને તમારો ભક્ત બ્રુક ક્યાં છે? તમે તો એને વરદાન આપવા આવ્યા હતા.’
ભગવાન શિવ: ‘દેવી, અસ્વસ્થ ન થાઓ, મેં તેને મનવાંછિત વરદાન આપ્યું છે, એ વરદાનની સિદ્ધતા ચકાસવા સ્વર્ગલોક ગયો છે.’
માતા પાર્વતી : ‘સ્વામી, તમે એવું તે કયું વરદાન આપ્યું કે એણે સિદ્ધતા ચકાસવા સ્વર્ગલોક જવું પડે?’
ભગવાન શિવ: ‘એ જેના પણ માથે હાથ મૂકે તેને ભસ્મ થવાનું વરદાન આપ્યું છે.’
એ જ સમયે ભસ્માસુર ત્યાં પહોંચે છે અને જુએ છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી કંઈક વાર્તાલાપ કરી રહ્યાં છે. માતા પાર્વતીને જોઈ મૂર્ખ ભસ્માસુર એવું વિચારવા લાગે છે કે ‘જો હું ભગવાન શિવને જ ભસ્મ કરી દઉં તો દેવી પાર્વતીને મારી પત્ની બનાવી શકું.’ એવું વિચારી ભસ્માસુર ભગવાન શિવ પાસે પહોંચવાની કોશિશ કરે છે.
એના મનમાં ચાલી રહેલા વિચારોને વાંચી માતા પાર્વતી સૃષ્ટિની ગતિને થંભાવી દે છે. ભસ્માસુર ભગવાન શિવ પાસે પહોંચવા દોડે છે, પણ માતા પાર્વતીએ સૃષ્ટિની ગતિને થંભાવી હોવાથી તે ભગવાન શિવ સુધી પહોંચી શકતો નથી.
* * *
પૃથ્વીની ગતિને માતા પાર્વતીએ થંભાવી દીધી હોવાથી દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુ પાસે પહોંચે છે અને કહે છે, ‘ભગવંત, માતાએ તો સૃષ્ટિની ગતિને જ થંભાવી દીધી છે. માતા ભગવાન શિવ માટે સૃષ્ટિનો વિનાશ કરી શકે છે. તમારી દરમિયાનગીરી અત્યંત આવશ્યક છે, તમે તુરંત ચાલો.’ ભસ્માસુરે ઉદ્ભવેલી પરિસ્થિતિની થાળે પાડવા ભગવાન વિષ્ણુ નર્તકી મોહિનીનું રૂપ ધારણ કરીને ભગવાન શિવ અને ભસ્માસુરની વચ્ચે ઊભા રહી જાય છે. ભગવાન વિષ્ણુને મોહિનીનું રૂપ ધારણ કરી આવેલા જોઈ માતા પાર્વતી સૃષ્ટિની ગતિને ચાલુ કરે છે. સૃષ્ટિની ગતિને ચાલુ થયેલી જોઈ ભસ્માસુર ભગવાન શિવ પાછળ દોડે છે. ભગવાન શિવ અને માતા પાર્વતી સામે આવેલા એક પર્વતમાં એક ગુફા બનાવી તેમાં છુપાઈ જાય છે. (આ ગુફાને આજે આપણે શિવખોરી તરીકે જાણીએ છીએ જે જમ્મુના રિયાસી જિલ્લાના સંગર ગામ ખાતે સ્થિત છે, જે વિશ્ર્વવિખ્યાત વૈષ્ણોદેવી ધામથી ફક્ત ૮૦ કિલોમીટર દૂર છે.) એ ગુફામાં છુપાયેલા ભગવાન શિવ આજે પણ શિવલિંગ તરીકે વિદ્યમાન છે અને શિવખોરીના દર્શન કરનાર ભક્તોનાં ભગવાન શિવ દરેક દુ:ખ હરે છે. ભગવાન શિવ અને પોતાની વચ્ચે આવેલી કોઈ સુંદર ક્ધયાને જોઈ ભસ્માસુર કહે છે: ‘હે સુંદરી, તમે કોણ છો અને અમારી વચ્ચે અહીં રસ્તો રોકી કેમ ઊભાં છો?’
મોહિની (ભગવાન વિષ્ણુ): હે અસુરરાજ ભસ્માસુર, તમારા પરાક્રમથી હું તમારા પર મોહી પડી છું. સૃષ્ટિની સૌથી સુંદર સ્ત્રી હું છું. મારે તમારી સાથે વિવાહ કરવા છે, પણ એક શરત છે.’
આટલી સુંદર સ્ત્રીએ પોતાની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકતાં ભસ્માસુર ગેલમાં આવી જાય છે.
ભસ્માસુર: ‘હું અસુરરાજ ભસ્માસુર તમારો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારું છું, પણ તમારી શરત શું છે?’
મોહિની: ‘અસુરરાજ, મારા રૂપથી ઘણા દેવો મોહી પડ્યા હતા અને લગ્નનો પ્રસ્તાવ મૂકતા હતા, પણ મારી શરત એ છે કે હું જેમ નૃત્ય કરું એમ તમારે પણ નૃત્ય કરી બતાવવું.’
ભસ્માસુર (અટ્ટહાસ્ય કરતાં): ‘નૃત્ય… ફક્ત નૃત્ય? મને એમ હતું કે તમે એવું કહેશો કે સામેનો પર્વત ઊંચકી બતાવો. હું તમારી શરત સ્વીકારું છું, તમે જે રીતે કહેશો એ રીતે હું નૃત્ય કરી બતાવીશ.’
કુબુદ્ધિ ધરાવતો ભસ્માસુર શરત સ્વીકારી મોહિનીની જેમ જ નૃત્ય કરવા માંડે છે. નૃત્ય કરતાં કરતાં મોહિની તેનો હાથ પકડે છે. મોહિની હાથ પકડતાં ભસ્માસુર એટલો હરખઘેલો થઈ જાય છે કે તે વધુ ઉત્સાહથી નૃત્ય કરવા માંડે છે. મોહિની જુએ છે કે ભસ્માસુર અતિ ઉત્સાહિત થઈ ગયો છે એટલે ભગવાન વિષ્ણુ અડવ (ફૂટ સ્ટેપ) કરતાં કરતાં એવી મુદ્રા (હાથેથી થતા ઈશારા) કરે છે કે ભસ્માસુરનો હાથ તેના માથા પર જતો રહે છે જેની તેને ખબર પડતી નથી અને તેનો હાથ માથા પર જતાં જ તે ભસ્મ થઈ જાય છે. (ક્રમશ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.