કયું સુખ લેવું છે? શાશ્ર્વત કે ક્ષણિક?

ધર્મતેજ

ગીતા-મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં આપણે ભોગવાદની માનસિકતાને સમજ્યા. આ અંકમાં ભગવાન કૃષ્ણ લૌકિક પુણ્યની નશ્ર્વરતાને સમજાવી રહ્યા છે.
શ્રાવણનો મહિનો એટલે શ્રદ્ધાનો મહિનો. પ્રતિવર્ષની જેમ આ વખતે પણ સંતો જન-જન સુધી વિચરણ કરી ભાવિકોના ભક્તિભાવને જગાડવા નીકળ્યા હતા. ત્યાં જ એક ઘરે પધરામણીની યાત્રા અટકી અને ઔપચારિક વાર્તાલાપ આરંભાયો. અંતે વિદાય વેળાએ સંતો કહે, તમે અતિ ધાર્મિક વૃત્તિના સજ્જન છો, મળીને આનંદ થયો. આપ અનુકૂળતા મુજબ નજીકમાં જ મંદિર છે તો જરૂર પધારજો…ભગવાન અને ગુરુની આજ્ઞા છે. ત્યાં જ શુષ્ક તર્કની શૃંખલાઓ શરૂ થઈ સ્વામી ! હું ફક્ત મનથી સદાચારમાં માનું છું. હું મારી રીતે પુણ્ય કરું જ છું. સત્કર્મ કરું છું. પછી આ વિધિ-વિધાનમાં આવવું કે પૂજાપાઠ, ધર્માદો, મંદિર…  this is worthless.
કદાચ કોઈ બાબતમાં આપણી રૂચિ ન હોય તો બરાબર પણ તેને worthless કહીને મશ્કરી કરવી યોગ્ય કહેવાય? શું એવો કોઈ સદાચાર છે, જેમાં ભગવદ્ભાવનો સ્પર્શ ન હોય? પરંતુ, આવી શુષ્ક તર્કની વજનદાર દલીલો કરતી ‘અનેક વિભૂતિ’ ભારત જેવા શ્રદ્ધાળુ દેશમાં પણ અસ્તિત્વ ધરાવે છે. Work is the only worship ‘મારી રીતે સત્કર્મ કરી લઈશ’ વગેરે વાક્યોને કપાળના આગળના ભાગ પર લગાવીને જ ફરતા હોય તેવા લોકોને જરૂર જણાવવું ઘટે કે ભાઈ! જેમ જીવવા માટે જળપાન તો કરવું જ પડે. મુક્ત માનવીએ પણ ભોજન તો કરવું જ રહ્યું અને મોજશોખથી તદ્દન અલિપ્ત આદમીએ પણ બે જોડી કપડાં તો પહેરવા જ પડે ને?!… અરે, ભલે આલીશાન ઈમારતને કોઈ બાહ્ય સુખ કે માત્ર દેખાવનો જ મોહતાજ માને પણ રહેવા માટે તેને પણ એક નાનું ઘર કે ઝૂંપડું તો જોઈએ જ ને?!
ખરેખર, રોટી-કપડાં-મકાન એ પ્રતિમાનવની અનિવાર્યતા અને સુખનું ઠેકાણું છે, તેવી જ રીતે મુમુક્ષુઓના શાશ્ર્વત સુખ માટે પ્રગટ ભગવાન જ અનિવાર્ય તથા સુખનું એક માત્ર ઠેકાણું છે. તે વિના પ્રત્યેક કર્મ અધિકમાં અધિક લૌકિક સુખ કે સ્વર્ગ કામનાને જ પૂર્ણ કરી શકે અને તે પણ ક્ષણિક સુખ માટે જ. ભલે તમે પ્રામાણિક, નીતિમાન કે શાસ્ત્રીય કર્મ કરનાર કેમ ન હો!
એટલે જ એવા લોકોને જાણે લાલબત્તી બતાવતાં ગીતા માતા પોકારે છે કે
ते तं भुक्त्या स्वर्गलोकं विशालं
क्षीणं पुण्ये मर्त्य लोकं विशन्ति।
एवं त्रयोधर्ममनुप्रपन्ना
गतागतं कामकामा लभन्ने॥ (9/21)

અર્થાત્ શાસ્ત્ર મુજબ લૌકિક કામનાવાળા સદાચારી-પ્રામાણિક જીવન જીવનારા લોકો વિશાળ સ્વર્ગના સુખને ભોગવે છે અને પુન: પુણ્યક્ષય થતા મૃત્યુલોકમાં જ જન્મ લે છે, પરંતુ આવા લૌકિક કામનાવાળાને જન્મ-મૃત્યુથી શાશ્ર્વત સુખ, મહામુક્તિ પ્રાપ્ત
થતી નથી.
તેથી જ સૌ શુદ્ધ મુમુક્ષુઓને મોક્ષપથિક થવા માટે દીવાદાંડી સમાન શ્રીહરિના મૂર્ધન્ય પરમહંસ મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનમાં કહે છે
યજ્ઞયાગે કરી સ્વર્ગસુખ ભોગવે, પુણ્ય ખુટે પડે નક્કી પાછો.
જેમ દરિયામાં નાવની ગતિ ગમે તેટલી પ્રબળ હોય, પરંતુ દિશા વિના તે અધોગતિમાં જ પરિણમે છે. એવી રીતે ભગવાનની કૃપા વિના કોઈ પણ શ્રેષ્ઠ કર્મ શાશ્ર્વત સુખના શિખર સુધી પહોંચી શકાતું નથી. તેથી જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. અને તે જ વાત બીજે સંદર્ભે જણાવે છે કે જો ઊર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય અને મહાત્યાગી હોય (અર્થાત્ ઉત્કૃષ્ટ સદાચારી હોય) તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. વળી મુક્તાનંદ સ્વામી તો ભગવદ્સ્વરૂપ ગુરુદેવની મહત્તા લખતાં કહે છે-
મેલ મન તાણ ગ્રહી, વચન ગુરુદેવનું
સેવ તું રૂપે શુદ્ધ સાચું
મનમત્ત થઈને તું કોટી સાધન કરે,
સદ્ગુરુ શબ્દ વિણ સર્વ કાચું
હા, અધર્મી લોકોથી સદાચારી તો સારા જ છે, શાસ્ત્રીય કર્મ પણ સાચું અને સારું છે, પરંતુ જો મુઠ્ઠી ઊંચેરા માનવીની કક્ષામાં ને મુમુક્ષુ કે મુક્તની હરોળમાં આવવું હોય તો કેવળ ‘હું માત્ર સારાં કર્મને કરીશ’ એ વિચાર ત્યજી હું પ્રગટ ભગવાનને રાજી કરવા ‘સર્વજીવ હિતાવહ કર્મ કરીશ’ એ વિચાર રાખવો તો જરૂર આપણી જીવનનૌકા ભવ સાગરને શાશ્ર્વત રીતે પાર કરી શકશે. પરિણામે સ્વર્ગથી પણ અનંત ગણુ અધિક ને દિવ્ય એવું શાશ્ર્વત સુખ પ્રાપ્ત થશે. તેથી નિર્ણય આપણો છે- કયું સુખ લેવું છે? પ્રગટ પ્રભુના રાજીપા માટે જ થતું શાશ્ર્વત સુખ કે કેવળ લૌકિક અને ભગવાનના રાજીપા વિનાનું સ્વર્ગ આદિ કામનાવાળું શુષ્ક અને ક્ષણિક સુખ? (ક્રમશ:)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.