જે આપણને સતત કલ્યાણકારી વિચારોની પ્રેરણા આપતાં રહે તેવા ગુરુ આપણા શિવ છે

ધર્મતેજ

માનસ મંથન -મોરારિબાપુ

મારાં ભાઈ-બહેનો, મેં અનેક વખત સ્મરણ કરાવ્યું છે અને ફરી કહું કે કોઈ કર્ણધાર એવા સદ્ગુરુ મળે તો એ ગુરુ ગણેશ પણ છે, ગૌરી છે, શંકર છે, ગુરુ વિશાલ વિચારધારાવાળા વિષ્ણુ છે અને ગુરુ મારા અને તમારા તમસને મટાડનારો સૂર્ય પણ છે. એટલે તુલસી જ્યારે ગુરુવંદના કરે છે ત્યારે મારા અંગત મત મુજબ, મારા અંતરીક વિકાસ અને વિશ્રામ માટે હું વિચારું તો એમ લાગે કે કોઈ એવો સદ્ગુરુ મળે જેનાં માર્ગદર્શનમાં આપણે જીવીએ, તો ગણેશપૂજા ગણાશે. મને ને તમને જે શુભની છાયા અપાવે તે ગુરુ ગણેશ છે. મને ને તમને જે સંકીર્ણતામાંથી મુક્ત કરે ને ઉદારતાનાં દાન બક્ષે જે ગુરુ વિષ્ણુ છે. જે મને ને તમને કલ્યાણકારી વિચારોથી પ્રેરે એ ગુરુ શિવ છે. એવા ગુરુપદની વંદના તુલસીજીએ કરી છે. ગુરુપદ એટલે ગુરુનું વાક્ય પણ થાય. ક્યારેક ને ક્યારેક આપણે, આપણા જેવા લોકો દિલના મંદિરમાં કોઈ ને કોઈ રૂપમાં બેઠેલા બુદ્ધપુરુષનું અપમાન કરી રહ્યા છીએ! અને મારી સમજ મુજબ એ બુદ્ધપુરુષ છે સત્ય, પ્રેમ, કરુણા, જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરી દઈએ છીએ ત્યારે શંભુ રૂઠે છે, જ્યારે આપણે ભીતરી મહોબ્બતની અવહેલના કરીએ છીએ, જેનાં પર સંતોએ આટલો પ્રકાશ પાડ્યો છે એવા પરમતત્ત્વનો અનાદર કરીએ છીએ, એમને અણદેખ્યા કરી દઈએ છીએ ત્યારે શિવ રૂઠે છે. આપણે જ્યારે ભજન કરી રહ્યા હોઈએ અને જેમના દિલમાં જગતભરને માટે પ્રેમ ઊમટી રહ્યો છે, જેમના દિલમાં પ્રત્યેકને માટે કરુણા વસી છે એવા પ્રેમને જોઇને જો આદર પ્રગટ ન થાય તો પ્રેમરૂપી બુદ્ધત્વનો આપણે અનાદર કર્યો છે. શિવ છે સત્યમૂર્તિ, શિવ છે પ્રેમમૂર્તિ, શિવ છે ‘कर्पूरगौरं करुणावतारम्।
હું વર્ષો પહેલાં નાની નાની વાર્તાઓ કહ્યા કરતો હતો. સંતો પાસેથી ક્યારેક સાંભળી હોય તો કયારેક કોઈ ગ્રંથ હાથમાં આવી ગયો હોય તેમાં વાંચી હોય એવી એક વાર્તા કહું. એક માલધારીની ગાય એક વખત એક જંગલમાં ચરવા ગઈ હતી. ચારો ચરી રહી હતી એટલામાં ત્યાં અચાનક એક સિંહ આવી ચઢ્યો. સિંહ ખૂબ ભૂખ્યો હતો અને તેણે આ ગાયને જોઈ. ગર્જના કરવા લાગ્યો ને ગાયને ખાઈ જવા દોડ્યો. ગાય સમજી ગઈ કે આજે આ સિંહ મને નહીં છોડે. એથી પોતાનામાં જેટલું સામર્થ્ય હતું તેટલી શક્તિ કામે લગાવી જીવ બચાવવા દોડવા લાગી. આ તરફ સિંહને તો નિરાંત હતી. જાણતો હતો કે મારો પંજો બચાવી ગાય કેટલીક દૂર જઈ શકશે. બચશે ક્યાં સુધી? હમણાં થાકી જશે. ગાય ખૂબ દોડતી હતી, પણ બનતું એવું હતું કે બંને વચ્ચે થોડું અંતર રહેતું હતું. એમાં એક નદી વચમાં આવી. ગાયને થયું કે બચવાનો હવે કોઈ ઉપાય નથી એટલે આ નદીમાં કૂદી પડું અને સામે કિનારે પહોંચી જાઉં. ગાય એકદમ નદીમાં કૂદી પડે છે અને તરવા લાગી. સિંહ પણ તેની પાછળ પાછળ નદીમાં કૂદી પડ્યો. થયું એવું કે એ નદીમાં પાણી ગળાડૂબ જ હતું પરંતુ નીચે ખૂબ કિચડ હતું, એટલે ગાય નીચે કિચડમાં ફસાઈ ગઈ! પાણી વહેતું હતું, પણ નીકળવાની કોશિશમાં ગાય વધુને વધુ ફસાતી ગઈ. સિંહ પણ તેની પાછળ કૂદી પડ્યો. બંને વચ્ચે દસ-વીસ ફૂટનું અંતર હતું. કિચડનો ખ્યાલ નહીં એથી સિંહ પણ કાદવમાં ફસાઈ ગયો. દલદલમાં ખૂંચી ગયો. એના પણ ગળા સુધી પાણી આવી ગયું.
સિંહ ગર્જના કરવા લાગ્યો કે એ ગાય, હવે ક્યાં જઈશ ? ત્યારે ગાયે કહ્યું કે સિંહ, તું પણ ફસાઈ ગયો છે અને હું પણ ફસાઈ છું. આપણે બંને મરવાના છીએ. હવે તો સંધી કર, હવે તો સંગમ કર! હવે તો કોઈ સમજોતા કર. હવે તો કોઈ સમન્વય કર. અને એય સિંહ, તું હંમેશાં એવું કહેતો આવ્યો છો કે હું જંગલનો રાજા છું, મારો કોઈ માલિક નથી પણ આજે તું મરવાનો છે, પણ સિંહ યાદ રાખજે, હું જીવતી રહેવાની છું. સિંહ કહે કેવી વાત કરે છે! તું જીવતી રહેવાની છો? કહે હા, સિંહે પૂછ્યું કેવી રીતે? ગાયે કહ્યું કે હું એટલા માટે જીવિત રહેવાની છું કારણ કે મારો કોઈ માલિક છે! અરે ગાય, તારો કોણ માલિક? સિંહ સાંભળ, એક ખેડૂત મારો માલિક છે. હું સવારથી ચારો ચરવા નીકળી છું અને જો સાંજ સુધીમાં ઘરે નહીં પહોંચું તો એ મને શોધતો શોધતો આવશે. તને કોણ શોધશે? તને બચાવવા કોણ આવશે? મારો તો માલિક આવશે! આમ વાત ચાલતી હતી અને સૂર્યાસ્ત થવા આવ્યો હતો ત્યાં પેલી ગાયનો માલિક માલધારી, હાથમાં લાકડી છે ને ગાયને શોધતો આવ્યો. જોયું કે ગાય નદીના કિચડમાં ફસાઈ છે. તેને તરતાં આવડતું હતું એટલે ખૂબ મહેનત કરીને તેને ગાયને બહાર કાઢી પણ સિંહ પાસે જવાની તો તેની પણ હિંમત નહોતી, કારણ કે તે તેને ખાઈ જાય…
મારાં ભાઈ-બહેનો, ગાયના જેવું હૃદય રાખો અને આપણી ઉપર કોઈ માલિકને રાખો. કોઈ ગુરુને રાખો, કોઈ બુદ્ધપુરુષને રાખો, કોઈ સાધુને રાખો કે જેથી કયારેક દલદલમાં ફસાઈ જઈએ ત્યારે એ જ આપણને કાઢવા આવે. અને વાઘ કોણ છે ? આપણું અહંકારી મન જ સિંહ છે. જે ગર્જના કરતુ રહે છે કે હું સહુનો માલિક છું. લોકો નથી કહેતા કે અમે કોઈનું ન માનીએ, અમારો કોઈ માલિક નહીં ! બાપ, સંસાર જ દલદલ છે. મનુષ્યનું આતંકી કે અહંકારી મન સિંહ છે અને સમર્પિત ચિત્ત ગાય છે. આપણે સૌ કિચડમાં ફસાયાં છીએ એથી કોઈ માલિક રાખો. હરિને આપણે ક્યાં જોયા છે! સદ્ગુરુ તો શ્ર્વાસ લે છે!
ગુરુ જે મંત્ર આપે એને દૃઢવિશ્ર્વાસથી જપો. ‘મંત્ર’ના બે અર્થ થાય. એક તો મૂળ જે ભગવાનનું નામ છે તે અને બીજો અર્થ છે વિચાર. ગુરુનો જે વિચાર હોય તે પ્રમાણે વર્તવાનું. એ વિચાર પ્રમાણે ચાલવાનું. સતત એવું વર્તન. અને મંત્ર પર આશંકા ન કરવી. બધા જ મંત્રમાં શક્તિ છે. આપણી શ્રદ્ધા અને દૃઢ વિશ્ર્વાસ હોવો જોઈએ. મંત્ર જપતી વખતે એક વસ્તુનું સાધક ધ્યાન રાખે કે જે દિવસે મને મંત્ર આપ્યો હતો એ વખતથી મારા ગુરુ મારી પાસે હજુ એમ ને એમ બેઠાં છે ! અને તમે કોઈ પણ મંત્ર લો. બધાં હરિનામ જ છે. રામથી રમા ભિન્ન નથી. શિવથી શક્તિ ભિન્ન નથી. તમારો મંત્ર, તમારું પ્રિય ભગવન નામ તમે છોડશો નહીં. નામનો આશ્રય કરજો, નામ તમારું રક્ષણ કરશે. જે મનનું ત્રાણ કરે તે મંત્ર. મનનું રક્ષણ કરે તે મંત્ર.
(- સંકલન: જયદેવ માંકડ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.