મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
કોરોનાના સમયગાળા પછી પરિસ્થિતિ નોર્મલ થયાની સાથે જ જાણે વર્ષોથી કેદ હોય, અચાનક પેરોલ મંજૂર થઈ હોય અને કેદીઓ મુક્તિની કલ્પના માત્રથી ગાંડા થાય તેવી હાલત આપણા ગુજરાતીઓની છે. બધાને ફરી, રખડી લેવું છે. વેકેશન આવતા સાથે જ ફરવા ક્યાં જવુંના પ્લાનીંગ તો શરૂ થઈ જાય જ છે અને તેમાં પણ પતિની શું આર્થિક હાલત છે તેના વિચાર વગર સૌથી પહેલા તો મોંઘામાં મોંઘા અને વધુ દૂર સ્થળોની પસંદગી શરૂ થઈ જાય પણ અંતે બજેટ મુજબ જ ફરવા જવાનું રહે. તમે તમારા કામધંધા, નોકરી, સંબંધો ઘણું છોડીને જીવનના આઠ-દશ દિવસ કાઢતા હો ત્યારે તમે શું ભોગવતા હો એ તો તમે જ જાણો પણ પત્ની તરફથી એક વાક્ય તો દરેક ઘેર સાંભળવા મળ્યું જ હશે કે ‘અમારે પણ કંઈક ચેઇન્જ જોઇએ કે નહીં? આખો દિવસ ઘરકામ ઘરકામ અને ઘરકામ’ પતિ બચારો નીચું મોઢું કરીને વિચારે કે અમારે પણ સાલુ આખો દિવસ કામ કામ અને કામ. ઘરના બે છેડા ભેગા કરવામાં જે હાલત થાય છે એ માત્ર ઘરધણી જ જાણી શકે અને તેને થતું હોય કે હાશ વેકેશન પડ્યું છે તો મિત્રો સાથે ભેગા મળીને ગપ્પા મારીશું, પાર્ટી કરીશું, કેટલા સમયથી ક્રિકેટ નથી રમ્યા તો ક્રિકેટ રમીશું અને મોર્નિંગ વોકમાં જઈને શરીરમાં કંઈ ફેર પડે કે નહીં પણ સારી છોકરીઓ જોઈને આંખને તો આરામ આપીશું જ પણ ચેઇન્જ પત્નીને મળે પતિએ તો એ જ પત્ની અને બાળકો સાથે સામાન ઊંચકવાની જવાબદારી સાથે ફરવા જવાનું થાય. ફરવા જવામાં ક્યારેય એકલા જવાય જ નહીં! એકાદ મિત્રનું ફેમિલી તો સાથે લઈ જ જવું પડે નહિતર તમારા તો આઠ દશ દિવસનું આંધણ જ થાય પણ પહેલો પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય કે એવા કોને સાથે કંપનીમાં લઈ જવા કે તમને થોડી શાંતિ મળે….
પત્ની તરફથી પહેલો પ્રસ્તાવ આવ્યો હોય કે મારા ભાઈ-ભાભી અને છોકરાઓને પૂછીએ પણ આ વાતને ગમે તેમ ટાળી દેવા જેટલા તો આજકાલ પતિદેવો હોશિયાર બની ગયા છે એટલે નક્કી કરવા માટે નામાવલી સામે આવે. જેમા સૌથી પહેલું નામ તમારા અંગત મિત્રનું જ હોવાનું પણ સામા પક્ષે તરત જ વિરોધ દર્શાવવામાં આવે કે ‘પછી તમે બંને એકબીજામાં પડ્યા રહો છો અને અમારા તરફ ધ્યાન જ નથી હોતુ’ તમારા તરફથી બીજુ નામ આવે પાડોશમાં રહેતા ભાઈ અને તેમની સુંદર પત્નીનું અને તરત જ જવાબ આવે કે ‘ના હો બબીતાને તો લઈ જ નથી જવી, કેવા નખરા અને તેમને જોઈને તમને જેઠાલાલ થતા જરા પણ વાર નથી લાગતી’ એટલે તમારી બીજી અપેક્ષા પણ અધૂરી રહી જાય! બીજા થોડા તેમના સંબંધીઓને પૂછવામાં આવે તો બજેટના પ્રશ્ર્નો તો ક્યાંક તેમના કોઈ સગા રોકાવવા આવવાના તેવી વાતોને લીધે આ બધા પ્રસ્તાવો પર પણ મહોર ન લાગે! સરવાળે કોઈ દૂરના સગા છગનભાઈ તૈયાર થાય અને તમે જે ઉદયપુર અને માઉન્ટ આબુમાં ટ્રીપ પતાવવાના મૂડમાં હો તે સીમલા, કુલુ મનાલી સુધી લાંબી થાય. ‘હું બચત કરી લઇશ’ કહીને તમને સમજાવતી પત્ની ખર્ચ ડબલ કરી નાખે તો પણ તમારે બોલ્યા વગર સાથે જવાનું…
ફરવામાં તમારી સાથે સારી કંપની ન હોય અને જે દશા થાય એટલી ખરાબ દશા તો તમે લગ્ન કરતા પહેલા પણ ન વિચારી હોય! શરૂઆતથી જ સરસ મઝાના અનુભવો થવા લાગે. એક તો સોલ્જરીમાં ગયા હો અને નાસ્તો મંગાવો ત્યાં તો છગનભાઈ ફેમિલીની જે ડીમાન્ડ આવે તેમાં તમે ભલે ૧૦૦ રૂપિયાનો જ નાસ્તો કર્યો હોય પણ એ ફેમિલીનો નાસ્તાનો ખર્ચ ૫૦૦ રૂપિયે પહોંચી ગયો હોય એટલે તમારે પણ નક્કી કરી જ લેવાનું કે હવે આપણે પણ પાછા પડવાનું નથી થતું. જ્યાં પણ જમવાનો, નાસ્તાનો, કોલ્ડ્રીંક્સનો વારો આવે એટલે જરૂર ન હોય તો પણ આપણે ઓર્ડર કરી જ દેવાનો અને કહેવાનું પણ ખરુ કે ‘ફરવા ગયા હોઈએ ત્યાં હિસાબ શું કરવાનો? દિલ દઈને રૂપિયા વાપરવાના’ હવે આ દિલ દઈને સામે છગનભાઈ એન્ડ ફેમિલી પણ દિલ દઈને વાપરે તો તમારે સહન કરવાનું જ! આ પછીનો પ્રશ્ર્ન આવે કે સિમલામાં ક્યા સ્થળે ફરવા જવું કેમ કે તમે ઓછા દિવસોમાં ખર્ચ વસૂલ કરવાના મૂડમાં આખે આખું હિમાચલ ફરી લેવાના મૂડમાં હો. આ બાબતે સર્વસંમતિ સાધવી મુશ્કેલ જ હોય પણ નક્કી થાય કે કુફરી જઈએ. કુફરી જતા સાથે જ ઉપર જવા માટે ઘોડાના ૫૦૦ રૂપિયા ચૂકવવાની વાત આવે અને માણસો ગણો તો ૮ થતા હોય એટલે ૪૦૦૦ રૂપિયા દેખાતા પરસેવો છૂટવા લાગે પણ આ બાબતથી છટકવા તમારે કહેવું પડે કે ‘તમે લોકો જ જઈ આવો કેમ કે અમારા ફેમિલીને તો ઘોડા પર બીક લાગે’ છગનભાઈ પણ ખરાબ મૂડમાં જ હોય પણ હવે જવું તો પડે જ એટલે ઘોડાવાળા જોડે લમણાઝીંક કરે કે એક ઘોડામાં ભાઈ પોતે અને તેમના બન્ને બાળકોને બેસાડવામાં આવે. શબ્દોમાં બાળકો સારા લાગે પણ છોકરી ૧૨ વર્ષની અને છોકરો ૧૪ વર્ષનો હોય તેમને કેમ બેસાડે એટલે ‘આ લોકો તો લૂંટે છે’ કહીને જાતે ચાલીને કૂફરી ચડવાનું નક્કી થાય. તમને પણ ગમે એટલે જેવી ચડવાની શરૂઆત કરો ત્યારે જે ઉત્સાહ હોય એ ૧૦% ચડાણ કરો ત્યાં ૫ ડિગ્રી ઠંડીમાં પણ ગરમી ચડવા લાગે! જ્યારે કૂફરીથી ઊતરીને પાછા આવો ત્યાં સુધીમાં તો દિવસ પૂરો થઈ ગયો હોય! એ દિવસ તો એમ જ જાય પણ એકબીજાને સારું લગાડવા ‘બહુ મઝા આવી’ જેવા શબ્દોનો પ્રયોગ કરવો જ પડે અને તેમાં ઉમેરો પણ કરવો પડે કે ‘ઘોડા પર ગયા હોત તો આવી મઝા ન આવી હોત’. સાંજે જ્યારે હોટેલ પર પહોંચો ત્યારે બીજા દિવસના પ્લાનિંગની પણ પડી ન હોય!!!
છગનભાઈની ખૂબી તો એ હોય કે શોપિંગમાં પણ પૂછી લે ‘સોલ્જરીમાં જ શોપીંગ કરીશું ને?’ આ વાત માટે તેમને સાચે જ ઍવોર્ડ આપવો ઘટે! પણ સમજાવી પત્નીઓના હાથમાં અમૂક રકમ મૂકીને બજારમાં તેમને રમતા છોડી તમારે નજર બનાવી રાખવી પડે. બૈરાઓના શોપિંગની પણ એક મઝા છે. બન્ને બૈરાઓ અલગ અલગ દુકાનમાં હોય અને એક બૈરુ જો
એક સ્વેટર ૩૦૦ રૂપિયામાં ખૂબ લમણાઝીંક કરીને રાજી થતું હોય કે મેં ખૂબ મોટું બાર્ગેનિંગ કરી લીધાના ગર્વ સાથે બહાર નીકળે અને આગળ કોઈના હાથમાં આવું જ સ્વેટર જોવે અને જો બીજુ બૈરુ એમ
કહે કે ૨૦૦ રૂપિયામાં લીધું એટલે આખી ટ્રીપનો આનંદ એક જ મિનિટમાં ઝીરો થઈ જાય, એ પછીની કોઈ પણ ખરીદી કરી જ ન શકે કેમ કે જે કપડા જેન્યૂન ભાવ મુજબ ૨૦૦ રૂપિયાના હોય તે પણ ૫૦ રૂપિયામાં માગે અને છેલ્લે ખરીદી પતાવી હોટલ પર જાવ ત્યારે ખબર પડે કે ૩૦૦ રૂપિયાનું એક સ્વેટર જ ખરીદીને આવ્યા હોય!!
આખી ટ્રીપ પૂરી કરીને ઘેર જઈ એક ખોટી કંપનીના સિલેક્શનને લીધે તમે જે ભોગવ્યું હોય તેનો માનસિક માર તો પૂરો સહન કર્યો જ હોય પણ આર્થિક માર એટલો વધારે હોય કે આગલા ૫ વર્ષ સુધી તમે કોઈ પાડોશમાં પણ ફરવા જવાની વાત કરે એટલે પહેલો સવાલ એ જ પૂછો કે ‘સાથે કોણ આવવાનું છે?’
વિચારવાયુ:
આ વખતે ફરી સ્વિત્ઝરલેન્ડ જવાનો વિચાર છે.
આ પહેલા ક્યારેય જઈ આવ્યા છો?
ફરી વિચાર છે તેવું કહ્યું મેં.