ખાડા છે જ ક્યાં?

વીક એન્ડ

મસ્ત રામની મસ્તી -મિલન ત્રિવેદી

ચુનિયો પાટાપિંડી સાથે ઘરે ગયો ત્યાં જ ભાભીએ પ્રેમ વરસાવ્યો, “ક્યાં ભંગાઈ આવ્યાં? કોઈકની સળી ન કરતાં હો તો. દાઝ્યા ઉપર ડામ તે આનું નામ. કણસતા કણસતા ચુનિયાએ કીધું,”સ્કૂટર સ્લીપ થયું.આ વરસાદમાં રોડ પર ખાડા એટલા પડી ગયા છે કે આપણને ખબર જ ન પડે કે રોડમા ખાડા છે કે ખાડા વચ્ચે રોડ બનાવ્યો છે. ‘આડાઅવળા ડાફોળિયા મારતા હશો બાકી ગામ આખું નીકળે અને તમે જ પડો’? તંત્રના પ્રતિનિધિ હોય તેમ ભાભીએ સણસણતુ મેણું માર્યું. ’અરે વરસાદમાં પાણી ભરાયેલું હતું અને સ્પીડ પણ ધીમી જ હતી. શહેરના રોડ પર નીકળો અને મજાલ છે કે આડું અવળું જોઈ શકો’? “મનમાં ઇચ્છા તો ખરી જ ને જોવાની? કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો. મારાં મોળાકાત મજબૂત એટલે તમે સખણા રહો છો. મારી બેનપણી રમીલાનાં જવારા કાયમ બળી જતાં એટલે તેનો વર દર મહિને એક વાર તો માર ખાય જ છે. મને વચ્ચે બોલવાનું મન થયું કે ‘ભાભી તમે તમારાં જવારા ચેક નતા કરતાં’? આખી વાતમાં સરકારી તંત્રના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને અમુક નેતાઓ સાથેનું રોડ કોન્ટ્રાકટરનું ઇલુ ઇલુ ભુલાઈ ગયું. મુંબઈનો વરસાદ રોડ, ટ્રેન, બંધ કરાવી નાખે અને અમારો અમદાવાદ, રાજકોટ સહિતનાં શહેરોનો વરસાદ લોકોની બોલતી બંધ કરાવી નાખે. જોકે હમણાં સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરોની એક મિટિંગમાં રોડ તૂટી જાય છે તે અંગે મિટિંગ હતી તેમાં તારણ એવું નીકળ્યું કે આ રોડ તૂટવાનું કારણ આપણી ભૂલ કે ભ્રષ્ટાચાર નથી પરંતુ માત્ર અને માત્ર વરસાદ છે. આખે આખી ગાડી રોડની અંદર ગરક થઇ જાય તો પણ પ્રજા જાણે પતિ હોય અને તંત્ર પત્ની. ઘરવાળીનો વાંક હોય છતાં બોલી ન શકો તેવી હાલત છે.
ખરેખર આર.ટી.ઓ. વાળાએ લાયસન્સ દેવું હોય તો અત્યારે ઉત્તમ સમય છે. જે નવો નવો ડ્રાઇવર લાયસન્સ માટે એપ્લાય કરે તેણે રસ્તા પરના ખાડા તારવતા તારવતા અડધો કિલોમીટર ગાડી ચલાવવી પડે.અને સફળતાપૂર્વક ખાડા તારવી શકે તેને તરત જ લાયસન્સ આપી દેવું જોઈએ. વગર અપશબ્દ બોલે રસ્તા પર વાહન ચલાવી શકે તેને પરણવા માટે અનુકૂળ માનસિકતા ધરાવે છે તેમ સમજવું. ચોમાસામાં ભ્રષ્ટ કોન્ટ્રાકટર કે ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના માતા ભગીનીઓ હેડકી ખાઈ થાકી જતાં હશે. મેં સાંભળ્યું છે કે જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળે છે તે પેટા,પેટા,પેટા… કરી અને સાતમી પેઢીએ કોઈને કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે.છ જણા વચ્ચે મલાઈ કહેતા ડામર, કપચી તથા અન્ય મટિરિયલ જમી જાય તો છેલ્લા ને શું વધે? લોટ પાણી અને લાકડા?
એક બહુ જૂની રમૂજ યાદ કરાવું. એક વખત એક વ્યક્તિ નેતા ને ત્યાં મહેમાન તરીકે ગયો નેતાને જડપી આર્થિક પ્રગતિ વિશે પૂછતા તેણે ઘરની બારી ખોલી અને રસ્તો દેખાડ્યો અને કહ્યું કે,”ત્યાં રસ્તા પર પેલો પુલ દેખાય છે? તે પુલ મેં બનાવ્યો, અને તેમાંથી કમાયો. પેલી વ્યક્તિએ કહ્યું કે “અહીં ક્યાં પુલ છે?તો નેતાએ કહ્યું કે “બસ એ નથી,એ મેં બનાવ્યો. અમુક વર્ષો પછી બીજા નેતા આવ્યા.તે પણ આર્થિક સધ્ધર થયા.ફરી પહેલો વ્યક્તિ તેના ઘરે મહેમાન થયો અને તેમને પૂછ્યું કે ‘તમે આટલી જલ્દી પૈસા વાળા કઈ રીતે થયા’?તેણે પણ પેલી બારી ખોલી અને કહ્યું કે ‘ત્યાં પેલો પુલ હતો યાદ છે?તે લોકોને ખૂબ નડતો હતો.મેં તે પુલ તોડાવ્યો. તે કોન્ટ્રાક્ટ મારો હતો તેમાંથી હું કમાયો’.આ જ રીતે રસ્તા બને છે. તૂટે છે. રિપેર થાય છે.અને નીતિમત્તા વગરના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને નેતાઓ આર્થિક રીતે સદ્ધર બને છે.
રોડ પર ખાડા હશે તો પાણી ભરાશે, વાહનને નુકસાન થશે, બિચારા મિકેનીક, પેટ્રોલ પંપ, દવાખાના,… નાં ધંધા ચાલશે.
હમણાં ઓર્થોપેડિક સર્જન લોકોની એક ૧૫ દિવસની વિદેશ ટૂર હતી. માત્ર ૧૦ જ દિવસમાં તમામ ડોક્ટરો પ્રવાસ પડતો મૂકી અને પરત ફર્યા. કારણ એક જ હતું કે દેશમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ હતી.અને ધીકતો ધંધો મૂકી ફરવા ન જવાય.
એક ખાડાવાળો રસ્તો ઇકોનોમીને, અંગત સ્વભાવને સુધારવામાં કેટલી અસર કરે છે તે જોઇએ તો લોકો બહાર ન નીકળે અને તંદુરસ્તી જળવાઈ રહે, પગે ચાલીને જાય તો ઇંધણ બચે, ટ્રાફિક જામ ન થાય, ઓનલાઈન બિઝનેસને પ્રોત્સાહન મળે, ઘરકામમાં મદદ કરાવી પત્નીને ખુશ કરી શકે, ઘરનો ખોરાક ખાઇ હાલશે, ચાલશે, ફાવશે નો સહિષ્ણુ સ્વભાવ કેળવી શકાય,….
મજબૂર માનવી બીજું શું વિચારી શકે? બહુ તો પોતાનાં બાળકોને પેટે પાટા બાંધીને વિદેશમાં સ્થાયી કરવાનાં સપનાં જોઇ શકાય.
——————
વિચારવાયુ
આપણું નાનું બાળક જો માટી ખાતું હોય તો મોટો થઈ ડેમ, રોડ, રસ્તા, પુલ ખાઇ આર્થિક સદ્ધર બનશે તેવું મનમાં વિચારી ખુશ ન થવું. કેલ્શિયમની ખામી સમજી સારવાર કરાવવી. તમે કોઈ મોટા નેતા નથી કે આવા સપના જુઓ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.