ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યેનું ગ્લેમર – આકર્ષણ આપણા દેશમાં ફિલ્મસ્ટારો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા ઊતરતું નથી. જોકે રાજકારણી હોવું એ ફિલ્મ સ્ટાર હોવા કરતાં વધુ અઘરું અને જોખમી છે એ સર્વવિદિત છે. આમ છતાં સક્રિય રાજકારણમાં નહિ રહીને પણ રાજકારણીઓના પાવરની રીફલેક્ટેડ ગ્લોરીમાં નહાનારાઓની કમી નથી. કેટલાક સવાયા ચાલક મનુષ્યોએ સિફતપૂર્વક રાજકારણ અને રાજકારણીઓનો ઉપયોગ કરીને નામ અને દામ બન્ને કમાયા છે. જોકે પાછળથી તેઓ બદનામ પણ બહુ થયા છે એ અલગ વાત છે.
વાતની શરૂઆત પ્રવીણ ચક્રવર્તીથી જ કરીએ. થોડા સમય પહેલા પ્રવીણ ચક્રવર્તીની ગણના રાહુલ ગાંધીના ખાસ તરીકે થતી હતી. રાહુલ ગાંધીએ શરૂ કરેલા એલીટ ડેટા એનાલિસિસ ડિપાર્ટમેન્ટના તેઓ ચેરમેન હતા. ચૂંટણી પહેલા કૉંગ્રેસ પક્ષનું સૌથી શક્તિશાળી મગજ ગણાતા ‘શક્તિ’ નામના કાર્યક્રમની તમામ જવાબદારીઓ પ્રવીણ ચક્રવર્તી પાસે હતી.
કૉંગ્રેસ પક્ષનું આર્થિક જાહેરનામું બનાવવામાં પણ પ્રવીણ ચક્રવર્તીનો મોટો ફાળો હતો. ભૂતકાળના બેન્કર અને રાજકીય અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તીએ ‘મુંબઈ એન્જલ્સ’ નામની કંપની શરૂ કરી હતી. ત્યાર પછી પ્રવીણ ચક્રવર્તીએ આ કંપની છોડીને કૉંગ્રેસનું કામ સંભાળવા માંડ્યું. રાજકીય વર્તુળોમાં એમ કહેવાય છે કે થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીને મળવું હોય તો પ્રવીણ ચક્રવર્તીના ચક્રવ્યૂહમાંથી પસાર થવું પડે.
થોડાં વર્ષો પહેલા પ્રવીણ ચક્રવર્તીએ એવો દાવો કર્યો હતો કે એમની પાસે આખા દેશના વિવિધ રીતે મેળવેલા સંપૂર્ણ ડેટા છે કે એના પરથી ચોક્કસ કહી શકાય કે કૉંગ્રેસ પક્ષ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ૧૮૦ થી ૨૦૦ બેઠકો મેળવશે. ચક્રવર્તીના આ દાવાને રાહુલ ગાંધીએ માની લઈ વિરોધ પક્ષના નેતાઓને ફોન કરીને એમને ખાતાઓની વહેંચણી બાબતે માહિતગાર પણ કરવા માંડ્યા હતા. સ્ટેલિનને હોમ મિનિસ્ટ્રી આપવાનું પણ નક્કી થઈ ગયું હતું. ચક્રવર્તીએ ડેટા તૈયાર કરવાની કામગીરી માટે ૨૭ કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા પણ થાય છે.
મજાની વાત એ છે કે આજે કોઈને ખબર નથી કે ભેગા કરેલા ડેટા ક્યાં છે. ચૂંટણી પછી તો પ્રવીણ ચક્રવર્તી ક્યાં છે એનો ખ્યાલ પણ કોઈને નથી. દિલ્હીના રાજકીય વર્તુળોમાં તો એવી ચર્ચા પણ થાય છે કે આ પ્રવીણ ચક્રવતી ખરેખર તો અમિત શાહનો જાસૂસ હતો અને કૉંગ્રેસને ગેરમાર્ગે દોરવા માટે જ રાહુલ ગાંધીના સર્કલમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. હકીકત કોઈપણ હોય, કૉંગ્રેસના ભોગે ચક્રવર્તી નામ પણ કમાયો અને કરોડોના દામ પણ કમાયો.
વાત નીકળી છે તો થોડાં વર્ષો પહેલા દેશ આખામાં ગાજેલી નીરા રાડિયાને પણ યાદ કરી લઈએ. ટ્રાવેલ એજન્ટ, એવિએશન ક્ધસલ્ટન્ટ, ઓનલાઇન એરલાઇન્સ જેવા વ્યવસાય કરી ચૂકેલી રાડીયા, નૈરોબીમાં જન્મી હતી. જાતભાતના ધંધા કર્યા પછી એ ભારત આવી અને એણે જોયું કે એના ચાર્મ અને બુદ્ધિ દ્વારા એ ઓછી મહેનતે કરોડો રૂપિયા કમાઈ શકે એમ છે.
દિલ્હીમાં રહીને નીરાએ પત્રકારો, રાજકારણીઓ સનદી અધિકારીઓ અને સત્તાના દલાલો સાથે સંબંધો કેળવ્યા. થોડા સમય પછી નીરા રાડિયાને મોટા કોર્પોરેટ હાઉસનાં કામો મળવા માંડ્યાં. ૨૦૦૯ની સાલમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શંકાને આધારે નીરાની રાડિયાનું ટેલિફોનનું છ મહિના સુધી ટેપિંગ કરાવ્યું ત્યારે આખી વાતનો પર્દાફાશ થયો.
દક્ષિણ ભારતના એ. રાજાને ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટર બનાવવા માટે રાડિયાએ લોબિંગ કર્યું હતું તેમજ વિવિધ કોર્પોરેટ હાઉસનાં કામો રાડિયાએ કેટલાક પત્રકારો દ્વારા સત્તાધીશો મારફતે
કરાવ્યા હતા એ વાત પણ જાહેર થઈ ગઈ. વિવિધ સરકારી
એજન્સીઓ દ્વારા ઘણા લાંબા સમય સુધી નીરા રાડિયાની પૂછપરછ થઈ, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. સાત પેઢી ચાલે એટલા પૈસા બનાવ્યા પછી નીરા રાડિયા આજે શું કરી રહી છે એની કોઈને ખબર નથી.
અટલ બિહારી વાજપેયી આજીવન કુંવારા રહ્યા હતા, પરંતુ એમણે એક દીકરી દત્તક લીધી હતી. એનું નામ અમિતા હતું અને એના પતિનું નામ રંજન ભટ્ટાચાર્ય હતું. રંજન ભટ્ટાચાર્ય મહામાયા હતો. મોટા ભાગના સમયે પ્રાઈમ મિનિસ્ટર હાઉસમાં રહેતા રંજન ભટ્ટાચાર્યએ તમામ ક્ષેત્રના લોકો સાથે સંબંધો વિકસાવ્યા હતા. ભૂતપૂર્વ પત્રકાર વિનોદ મહેતાએ એમના પુસ્તકમાં પણ એક આખું ચેપ્ટર રંજન ભટ્ટાચાર્ય વિશે લખ્યું છે.
રાડિયાવાળી ટેપમાં પણ એક એવો ઉલ્લેખ છે કે રંજન ભટ્ટાચાર્ય, નીરા રાડિયાને એમ કહી રહ્યા છે કે, મુકેશ અંબાણીએ મને કહ્યું હતું કે ‘કૉંગ્રેસ તો અપની દુકાન હૈ’ વડા પ્રધાન ઓફિસમાં પણ રંજન ભટ્ટાચાર્યની દખલગીરી વિશે દિલ્હીમાં બધા જાણતા હતા. વિદેશનીતિ બાબતે પણ રંજન ભટ્ટાચાર્ય અને વાજપેયીના સલાહકાર બ્રિજેશ મિશ્રા વચ્ચે વારંવાર તડાફડી થતી હતી. વાજપેયીના ભોળપણનો ‘લાભ’ લઈને રંજન મિશ્રાએ લોબિસ્ટ તરીકે ઘણા ખેલ ખેલ્યા હતા.
થોડાં વર્ષો પહેલા જેમનું અવસાન થયું એ ચંદ્રાસ્વામી પણ પોતાને ભલે યોગગુરુ ગણાવતા હોય, પરંતુ રાજકારણીઓની નજીક આવીને એમનો ઉપયોગ કરી સત્તા અને પૈસા મેળવવામાં એકકા હતા. નરસિંહ રાવની સરકાર વખતે એમનો સિતારો તેજ હતો અને એમની તાંત્રિક વિધિનો ‘લાભ’ નરસિંહ રાવ સહિત ઘણા પ્રધાનોએ લીધો હતો. હથિયારોની ખરીદી બાબતે પણ ચંદ્રાસ્વામીએ ઘણી દલાલી કરી હોવાનું કહેવાય છે અને ઘણો સમય એમણે જેલમાં પણ રહેવું પડ્યું હતું.
સરકાર જ્યારે ઢીલી હોય ત્યારે આવા લોબિસ્ટના ન્યૂસન્સ ઘણા વધી જતા હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી લોબિસ્ટોની હાક અને ધાક બન્ને ઘટી રહી છે એ આનંદની વાત છે.
Good article