આટલા રૂપિયા ભેગા કરીને ઇડી નાખે છે ક્યાં?

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

રોજ સવાર પડે ને વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અખબાર, ચેનલ અને ન્યૂઝ એપમાં એક જ શબ્દ જોવા મળે ‘ઇડી’.., મમતા સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીના શિક્ષક ભરતી કૌભાંડને કારણે ઇડી છેલ્લા ૨ સપ્તાહથી સમાચારોની હેડલાઇન બનીને રહી ગયું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં એવા પણ સમાચાર સામે આવ્યા છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉતના ઘરે ઇડીના દરોડા પડ્યા છે. ભારત સરકારનું આ એકમ અન્ય એકમો કરતાં વર્ષે જંગી કમાણી કરે છે. ત્યારે મનમાં એવો વિચાર આવે કે આ ઇડી એટલે શું? ઇડી એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ.
ઇડીની સ્થાપના ૧ મે, ૧૯૫૬ના રોજ જવાહરલાલ નહેરુના તાબા હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. એ સમયે ઇડીનું મુખ્ય કાર્ય વિદેશી નાણાંઓમાં થતી ગેરરીતિ અટકાવવાનું હતું. ત્યારબાદ ૧૯૬૦થી ઇન્કમટેક્સની મદદ કરવાનું કામ ઇડીએ શરૂ કરી દીધું. વર્ષ ૧૯૭૩થી ૧૯૭૭ સુધીનો સમયગાળો ઈડી માટે કપરો હતો. કારણ કે એ સમયગાળા દરમિયાન ઇડીનું કાર્ય માત્રને માત્ર ઓફિસની માળખાકીય સુવિધાઓનું નિયમન કરવાનું હતું. જે ઇડી અત્યારે ગાજે છે અને મંત્રીઓના કૌભાંડોને છડેચોક જાહેર કરીને કરોડો અને અબજો રૂપિયા જપ્ત કરે છે. એ ઇડીને સાચી સત્તા ૧૯૯૯માં મળી.., ભારત સરકારે ફોરેન ઍક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની રચના કરી. જે કાયદા હેઠળ કાળાં નાણાંને ધોળાં કરવાના ગોરખધંધા કરતાં ઇસમોને ત્યાં દરોડા પાડીને તેની તપાસ કરવી અને આ ઈસમની આખી કુંડળી ઇન્કમટેક્સ વિભાગને સોંપી દેવી. ૪ વર્ષ સુધી ઇડી દરોડા પાડવાનું જ કામ કરતું હતું પણ ૨૦૦૨માં કેન્દ્ર સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) એક્ટની રચના કરી જે બાદ ઇડીને મની લોન્ડરિંગને રોકીને મની લોન્ડરિંગ કરતા ગુનેગારોને સજા આપવાની સત્તા મળી ગઈ. ત્યારથી આજ સુધી ઇડીએ પાછું વાળીને નથી જોયું. કેન્દ્ર સરકારને દર મહિને અબજો રૂપિયાની આવક ઇડી કરી આપે છે. છતાં દેશમાં ભૂખમરો, મોંઘવારી અને બેરોજગારી ઘટી નથી. અલબત્ત એ ચર્ચાનો મુદ્દો જ અલગ છે. પણ ઇડી એક વાર રોકડ રકમ, દાગીના, સ્થાવર-જંગમ મિલકતોના દસ્તાવેજ અને અન્ય સામગ્રી એકઠી કરીને કઈ તિજોરીમાં નાંખે છે..! એ તમને ખબર છે?
ઇડી પાસે મની લોન્ડરિંગ, આવકવેરાની છેતરપિંડી અથવા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં તપાસ, પૂછપરછ, દરોડા પાડવા અને સ્થાયી અને જંગમ મિલકતો જપ્ત કરવાની સત્તા છે. પણ આ આખી પ્રક્રિયા એટલી સરળ નથી, તેમાં ઘણા તબક્કા હોય છે. ઇડીની સત્તા બે ભાગમાં વહેંચાયેલી છે – એક ધરપકડ અને પૂછપરછ માટે અને બીજો સંબંધિત પુરાવા એકત્રિત કરવા માટે, દરોડા પાડવા માટે ઇડી દ્વારા પાડવામાં આવેલા દરોડા ગુપ્ત સૂત્રોથી પ્રાપ્ત થયેલ માહિતી પર આધારિત હોય છે, તેથી એવું જરૂરી નથી કે કોઈ આરોપી પર માત્ર એક જ વાર દરોડા પાડવામાં આવે, પરંતુ દરોડા અનેક તબક્કામાં થઈ શકે છે.
ઇડી જ્યારે દરોડા પાડે છે ત્યારે તે જપ્ત કરેલા સામાનનું પંચનામું તૈયાર કરે છે. પંચનામા તપાસ એજન્સીના આઈઓ એટલે કે તપાસ અધિકારી બનાવે છે. આ દરોડામાં કાગળના દસ્તાવેજો, રોકડ અને અન્ય કીમતી વસ્તુઓ, જેમ કે સોના-ચાંદીનાં ઘરેણાં વગેરે જેવી ઘણી વસ્તુઓ મળીને જપ્ત કરવાની સત્તા ઇડી પાસે છે. પંચનામું તૈયાર થયા બાદ જપ્ત કરાયેલો માલ કેસ પ્રોપર્ટી બની જાય છે.
પંચનામામાં કુલ કેટલી રકમ મળી છે, કેટલી થેલીઓ છે, ૨૦૦, ૫૦૦ની અને અન્ય નોટો કેટલી છે તેવો ઉલ્લેખ કરવામાં આવે છે. જો જપ્ત કરાયેલી રોકડ નોટ પર અથવા પરબીડિયામાં કોઈ નિશાન અથવા કંઈપણ લખેલું હોય તો એ તપાસ એજન્સી પાસે જમા કરવામાં આવે છે, જેથી એને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય. અને બાકીના પૈસા બેંકોમાં જમા થાય છે, ઇડીએ જપ્ત કરેલાં નાણાં કેન્દ્ર સરકારના ખાતામાં ભારતીય રિઝર્વ બેંક અથવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવે છે. કેટલીકવાર કેટલાક પૈસા રાખવાની જરૂર પડે છે, તો ઇડી આંતરિક આદેશ દ્વારા કેસની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી એને પોતાની પાસે રાખે છે.
ઇડીએ જપ્ત કરેલી મિલકત કોર્ટમાં કેસ ચાલે ત્યારે રજૂ કરવામાં આવે છે. મિલકતની જપ્તી સાબિત થયા પછી આ મિલકત પીએમએલએની કલમ ૯ હેઠળ સરકાર દ્વારા કબજે કરવામાં આવે છે. જ્યારે ઇડી કોઈપણ પ્રોપર્ટી અટેચ કરે છે, ત્યારે તેના પર એક બોર્ડ લગાવવામાં આવે છે, જેમાં લખવામાં આવે છે કે આ પ્રોપર્ટી ખરીદી કે વેચી શકાતી નથી કે તેનો ઉપયોગ કરી શકાતો નથી.
પીએમએલએ હેઠળ, ઇડી ઓછામાં ઓછા ૧૮૦ દિવસ એટલે કે ૬ મહિનાની મુદત માટે મિલકતને ટાંચમાં લઈ શકે છે. જો ત્યાં સુધીમાં ઇડી કોર્ટમાં મિલકતની અટેચમેન્ટને કાયદેસર ન કરી શકે તો ૧૮૦ દિવસ પછી મિલકત આપોઆપ મુક્ત થઈ જાય છે. એટલા જ માટે દરોડા કલાકો સુધી ચાલે છે. જેમાં કૌભાંડીઓને માનસિક ત્રાસ આપી ઇડી દરેક મિલકતની કબૂલાત લઈ લે છે. જેથી ૧૮૦ દિવસની મુદતમાં ફસાઈને આરોપીને મિલકત પછી આપવી ન પડે.
જો ઇડી કોર્ટમાં ૧૮૦ દિવસની અંદર મિલકતની અટેચમેન્ટ સાબિત કરે છે તો સરકાર મિલકતનો કબજો લઈ લે છે. આ પછી આરોપીને ઇડીની આ કાર્યવાહી સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવા માટે ૪૫ દિવસનો સમય મળે છે. ઇડી દ્વારા કોઈપણ મિલકતની તાત્કાલિક જપ્તી અથવા કામચલાઉ જોડાણ એને સીલ કરતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે આરોપી એ મિલકતનો ઉપયોગ કરી શકે છે, ઉદાહરણ તરીકે, ૨૦૧૮માં ઇડીએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના દિલ્હીમાં જોરબાગ બંગલાના ૫૦% ભાગને જપ્ત કર્યો હતો, પરંતુ મિલકત ખાલી કરવાની કોર્ટની નોટિસ ન આવે ત્યાં સુધી એનો પરિવાર ત્યાં જ રહેતો હતો. ચિદમ્બરમના પુત્ર કાર્તિએ પણ આ નોટિસ સામે કાયદાકીય રાહતની માગ કરી હતી.
ઇડી મિલકતો જપ્ત કર્યા પછી પણ વાણિજ્યિક સંસ્થાઓ બંધ થતી નથી. દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ્સ, હોટેલ જેવી કોમર્શિયલ પ્રોપર્ટી ઇડી દ્વારા અટેચ કરવામાં આવી હશે, પરંતુ તેઓ કોર્ટના નિર્ણય સુધી કામ ચાલુ રાખી શકશે. ૨૦૧૮માં ઇડીએ એર ઈન્ડિયા સાથે સંબંધિત એક કેસમાં દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર સ્થિત ઇન હોટલને જપ્ત કરી હતી, પરંતુ હોટેલ હજુ પણ બુક કરવાનું ચાલુ રાખ્યું હતું.
જો ઇડી સોના-ચાંદી, દાગીના અને અન્ય કીમતી સામાન રિકવર કરે તો એનું પણ પંચનામું બની જાય છે. પંચનામામાં તેણે કેટલું સોનું કે કેટલા દાગીના કે કેટલી કીમતી ચીજવસ્તુઓ વસૂલ કરી છે એની સંપૂર્ણ માહિતી છે. સોના-ચાંદીનાં ઘરેણાં અને જે કઈં પણ કીમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેને સરકારી વેરહાઉસ અથવા વેરહાઉસમાં જમા કરવામાં આવે છે.
નોંધનીય છે કે જો કોર્ટ જપ્તીનો આદેશ આપે છે, તો પછી સમગ્ર મિલકત સરકાર હસ્તક લેશે. જો ઇડી કોર્ટમાં જપ્તીની કાર્યવાહીને યોગ્ય ઠેરવવામાં અસમર્થ હોય, તો મિલકત સંબંધિત વ્યક્તિને પરત કરવામાં આવે છે. જો જપ્તીને કોર્ટમાં અથવા હાઈ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે, જો અપીલકર્તા જપ્ત કરાયેલા માલ કાયદેસર હોવાનું સાબિત કરે છે, તો એને તમામ જપ્ત કરાયેલા માલ પાછો મળે છે. ઘણી વખત કોર્ટ મિલકત ધરાવતી વ્યક્તિ પર થોડો દંડ લાદ્યા પછી પણ મિલકત પરત કરવાની તક આપે છે. તપાસ એજન્સીઓ વહીવટી આદેશથી જ મિલકતને અટેચ કરે છે અને પછી કોર્ટના આદેશથી તે સરકારની બની જાય છે અથવા જેની મિલકત જપ્ત કરવામાં આવી છે, એને પરત કરવામાં આવે છે.
મિલકતની આ માથાકૂટથી કંટાળીને ઇડીના હકો અને અધિકારોને કેટલાક રાજકારણીઓ અને નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. આ મુદે સર્વોચ્ચ અદાલત દ્વારા તાજેતરમાં ૩૦ જુલાઇ,૨૦૨૨ના રોજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો કે, ઇડીના દરોડા પાડવાના, બ્લેક મની જપ્ત કરવાના અને મની લોન્ડરિંગ કરનાર નેતાઓ અને રાજકારણીઓને પકડવાના હક્કો તેમજ અધિકારો યથાવત્ રહેશે. ઇડીની આ કામગીરીને કારણે સરકારને ઘણો ફાયદો થયો છે અને જે લોકો ખોટું કરે છે તેણે રોકવાની સત્તા તો ઇડીને મળવી જ જોઈએ. એમાં કોઈપણ પ્રકારનો વિરોધ ચલાવી નહિ લેવાય.
આ ચુકાદાને કારણે બ્લેક મનીને વ્હાઈટ કરવા નાણાંની હેરાફેરી કરવાની રાજકારણીઓ અને ધનિકોની મેલી મુરાદ પર ઠંડું પાણી ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે ૨૦૧૮માં મની લોન્ડરિંગને રોકતા કાયદામાં સુધારા કરીને આ જોગવાઈઓને વધારે કડક બનાવી હતી. આને કારણે ઈડીને પોતાની કામગીરીની યોગ્યતા સાબિત કર્યા વિના મની લોન્ડરિંગ કરનારને પકડીને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળ્યો હતો. કોર્ટે આ કાયદાને હવે બંધારણીય યોગ્યતા આપી છે. આથી ઈડી મની લોન્ડરિંગ કરનાર નેતાઓ ફરતેનો ગાળિયો વધુ મજબૂત કરી શકશે. જો કે આમાં રાજકારણીઓનું દુખે છે પેટ અને કૂટે છે માથું જેવા હાલ છે. તેમને કડક કાયદા સામે વાંધો નથી પણ સરકારના ઈશારે પાડવામાં આવતા ઈડીના દરોડા અને તપાસ સામે વાંધો છે. ઈડીએ ૨૦૧૧થી અત્યાર સુધીમાં ૧૭૦૦ જેટલા દરોડાની કાર્યવાહી કરી છે. જેમાં ૧૫૧૭ કેસમાં ઊંડી તપાસ કરાઈ છે, પણ ફક્ત ૯ કેસમાં જ આરોપીને દોષિત ઠરાવી શકાયા છે. કેટલાક લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા ૮ વર્ષમાં વિપક્ષી નેતાઓ પર ઈડીનો સકંજો વધુ મજબૂત બન્યો છે. સત્તારુઢ પક્ષના નેતાઓ અને રાજકારણીઓ સામે કોઈ કામગીરી કરાઈ નથી તેવી વિરોધ પક્ષોની ફરિયાદ છે. આ અંગે શું લખવું તમે સમજદાર છો. એટલે તેની ચર્ચા નહિ કરું. પણ તમને શું લાગે છે? સંજય રાઉતને ત્યાં ઇડીના દરોડા પડ્યા એમાં કયું નવું કૌભાંડ બહાર આવશે?

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.