Homeમેટિનીકામધંધે જતાં કૂતરું સૂતેલું મળે અને પાછા આવતાં પણ કૂતરું સૂતેલું મળે...

કામધંધે જતાં કૂતરું સૂતેલું મળે અને પાછા આવતાં પણ કૂતરું સૂતેલું મળે ત્યારે માની લેવું કે જિંદગી કૂતરાથી પણ બદતર…!

અરવિંદ વેકરિયા

હવે નોકરી તો છોડી દીધી હતી. હા, કે.કે.ટેલર્સમાં એકાઉન્ટની પાર્ટ-ટાઈમ નોકરી ચાલુ હતી. કહે છે કે અતિ-પ્રવૃત્તિ અને સંપૂર્ણ-નિવૃત્તિ, બંને સરખા જ ખતરનાક થાય છે.મારી હાલત તો મને ત્રિશંકુ જેવી થઇ ગઈ હોય એવું લાગતું હતું. તુષારભાઈનાં નાટક કરવાના આટલા દબાણ બાદ તેઓનું અચાનક ધંધાર્થે હૉંગકૉંગ જવાનું થતા મારે તો સારો રોલ ગુમાવવો પડ્યો. રાજેન્દ્ર શુકલે રાતોરાત સ્ક્રિપ્ટ મઠારી, પણ લાગતું હતું કે એની એ મહેનત એળે તો નહિ જાય ને? પ્રોજેક્ટ ખોરંભે તો નહિ પડે ને? પણ રાજેન્દ્ર ધંધે લાગી ગયો અને બિઝનેસ શોધી કાઢ્યો, અભય ગોલેચ્છાનાં રૂપમાં.! જેના કારણે મને થોડી શાંતિ થઈ.થયું, પ્રવૃત્તિઓ ઠેઠ સુધી રહેવી જ જોઈએ અને જાતને પ્રવૃત રાખવી પણ જોઈએ. હા, મારા ફાધર શિખામણ આપતા કે માણસે એટલું પ્રવૃત્ત ન રહેવું જોઈએ કે કામધંધે જતા કુતરું સુતેલું મળે અને જ્યારે કામધંધેથી પાછા આવતા પણ કૂતરું સૂતેલું મળે, ત્યારે સમજવું કે જીંદગી કુતરા કરતા પણ બદતર! મારે પરિવાર હતો, એટલા પ્રવૃત્ત તો નહોતું થવું, પણ મારી પ્રવૃત્તિથી મારો પરિવાર સચવાય જવો જોઈએ. તુષારભાઈને જે સ્ક્રીપ્ટ ગમેલી, એ હવે અભય ગોલેચ્છા માટે કરવાનું નક્કી થયું.
બીજે દિવસે હું અને રાજેન્દ્ર ફરી મળ્યા. મને એણે સારા સમાચાર આપ્યા. કહ્યું કે કિશોર ભટ્ટને ડૉકટરે પૂરી છૂટ આપી દીધી છે અને આઈ.એન.ટી. તો એમની તકલીફને લીધે બીજા કાફલા સાથે નાટક લઈ ગુજરાતની સફરે નીકળી ગઈ. ગમે તેમ પણ કિશોર ભટ્ટ, નાટકનો જીવ, ઘરે ‘કોરા મોઢે’ (મેક-અપ વગર) બેઠા રહે તો કીડીઓ ચડે. એમણે મને તરત નાટક માટે હામી ભણી દીધી. નાટકના તખ્તે કિશોર ભટ્ટ લગભગ મુખ્ય પાત્ર જ કરે. પણ આકાશ વાણી રેડિયો ઉપર થતા નાટકમાં સાવ ટચુકડો રોલ શોધે. તમે નહિ માનો પણ આ હકીકત છે. અમે આકાશવાણી પર ઘણા નાટકો સાથે કર્યા છે. દુર્ગા ભટ્ટ લગભગ ગુજરાતી વિભાગ સંભાળતા. અમે આકાશવાણીનાં કોઈ રેકોર્ડીંગ સ્ટુડિયોમાં સ્ક્રિપ્ટનું રીડિંગ કરવા બેસીએ અને દુર્ગાબેન જેવી સ્ક્રિપ્ટ આપે કે કિશોર ભટ્ટ તરત મને પૂછે કે દાદિયા, આમાં બે-ચાર લાઈનનો રોલ કયો છે? મેં એમને હસતા-હસતા આ બાબત એકવાર પૂછેલું તો એમણે એ જ લહેકામાં હસતા-હસતા જવાબ આપ્યો કે દાદુ, સ્ટેજ, ટી.વી., ફિલ્મમાં આપણે લોકોને દેખાઈએ જ્યારે અહીં તો માત્ર અવાજ….. રોલ નાનો કરું કે મોટો, આકાશવાણી’ પૈસા મને ગ્રેડ પ્રમાણે જ ચૂકવવાની છે… તો મહેનત શું કામ કરવી? ક્યારેક ઠીક છે… આ વાત મને આજે પણ યાદ આવતા હસવું આવી જાય છે.
રાજેન્દ્રએ ચોખ્ખું કહ્યું, જો દાદુ, દેવયાનીબેન વાળી વાત એમની સામે (કિશોર ભટ્ટ) જરા પણ ઉખેળતો નહિ. આ રંગભૂમિ છે, બધું ભૂલી જઈને સંબંધ તાજો-માજો રાખવાનો. તારે રોલ નથી કરવો, એટલે કિશોર ભટ્ટ સાથે આટલી લમણાઝીંક કરવી પડી છે. ટૂંકમાં સંબંધ બગાડીશ નહિ એવું પ્રણ લઈલે. શું છે કે સંબંધોની સિલાઈમાં સ્વાર્થ દેખાઈ નહિ, એવું લાગે કે લાગણીનો દોરો વપરાયો છે અને તોજ સંબંધ વધુ ગાઢ બનશે.
હું અને રાજેન્દ્ર, પછી કાસ્ટિંગ બાબત આગળ વિચારવા લાગ્યા. કિશોર ભટ્ટ તરફથી રાજેન્દ્રને, એટલે અમને, મુખ્ય ભૂમિકા ભજવવાની લીલી-ઝંડી તો મળી ગઈ. બે બીજા રોલ, એક બીજો પાર્ટનર અને બીજો પાડોશી, બે બાકી હતા. પાત્રોનાં નામ હતા, અરવિંદ શાહ અને મી. દેસાઈ. રાજેન્દ્ર મને કહે ‘કિશોર ભટ્ટ’ની ‘હા’ આવી એટલે કિશોર દવેની પણ હા’ આવી જશે. એમણે સમય માગ્યો છે, પોતે ‘સાવ-ફ્રી’ નથી એનો નાનકડો દેખાવ કરવા…બાકી ધીરજ રાખ, ઇચ્છાઓ ભલે બાદશાહને ગુલામ બનાવતી હોય, પણ ધીરજ ગુલામોને બાદશાહ બનાવી દેતી હોય છે, જો જે સાંજ સુધીમાં ફોન આવશે જ.
મને ફરી એકવાર દેવયાનીબેન માટે તરફદારી અને મને ધમકી આપતા બંને ‘કિશોરો’ના ચહેરા દેખાવા લાગ્યા. મારા ચહેરાના હાવભાવ પરથી મારા મનમાં ચાલતો ઉત્પાત રાજેન્દ્ર જાણે સમજી ગયો હોય એમ મને કહેવા લાગ્યો, ‘દાદુ, જીવનમાં એવા ઘણા લોકો હોય છે જેમને તમે સમય આવે ભૂલી જતા હો છો, પણ આપણે વાતાવરણ જ એવું ઊભું કરી દેવાનું કે પછી આપણે એ લોકો સાથે સમય પણ ભૂલવા ટેવાઈ જઈએ.
કિશોર દવે રોલ માટે ‘હા’ પાડશે અને એનો ફોન આવશે, એ બાબત રાજેન્દ્ર પૂરો, ‘પોઝિટિવ’ હતો. પછી વાત આવી પાડોશીના પાત્ર, મી. દેસાઈની. મેં કહ્યું બંને પાર્ટનર’નાં પાત્ર નક્કી થઇ જાય, આ પાડોશીનું પાત્ર પણ એટલું જ અગત્યનું છે. એ પાત્ર માટે આપણે આપણા સંગીતકાર-અભિનેતા રાજેશ મહેતાને લઈએ તો?
અરે… બેસ્ટ! આપણું સંગીત પણ એ જ સંભાળશે, તૈયાર કરશે. એમનો દીકરો જયેશ કે દીકરી દીપ્તિ મ્યુઝીક ઓપરેટ પણ કરી લેશે. મેં કહ્યું એટલે ત્રણ પાત્રો તો લગભગ નક્કી થઇ ગયા
અરે હા! અચાનક રાજેન્દ્ર બોલ્યો. ‘આપણા નાટક’ ‘સાળી સદ્ધર..’ માં સંજીવ શાહ હતો. એ નાટક પણ અભય ગોલેચ્છાનું જ હતું…આ નાટકમાં ઇન્સ્પેક્ટરનો મસ્ત રોલ છે, અને એ બીજા કોઈ નાટકમાં હાલમાં નથી. હા, થોડો એટીટ્યુડ વાળો છે, પણ તારી સાથે તો એને બહુ સારું બને છે. તો…ઇન્સ્પેક્ટરનાં રોલ માટે એને લઇ લઈએ. એને તું જ ફોન કરી દેજે.
મને થયું કે તુષારભાઈ માટે આ નાટક કરવાનું હોત તો પાત્ર-વરણી માટે આવા જ પ્રયત્નો કરવા પડ્યા હોત. ઘણા મોટા નામ ધરાવતા દિગ્દર્શકોને પણ આવી જ તકલીફો પડતી હશે? બધા કડવા અનુભવો મીઠા માણસોને જ થતા હશે કે શું?
મારું મૌન રાજેન્દ્ર સમજી ગયો. એને એમ કે હું ફરી દેવયાની ઠક્કર વર્સીસ કિશોરોના વિચારોમાં અટવાયો છું. મારો ખભો થપથપાવતા કહે, ‘તું હવે તારા ધ્યેય પાછળ પડી જા. કદાચ જૂની વાતનો કોઈ ઉલ્લેખ થાય તો સંભાળી લેજે. સંભાળી લેવાથી કેટલા’ય સવાલો ઉકલી જાય છે. જ્યારે સંભળાવી દેવાથી આપણે ફરી અટવાય જઈએ છીએ.
એના આ વાક્યથી મારી વિચારધારા તૂટી. અમે પછી મૂળ વાત પર આવ્યા. મેં કહ્યું, માની લઈએ બે-પાર્ટનર્સ, એક પાડોશી,
અને ઇન્સ્પેક્ટરના રોલમાં સંજીવ શાહ….હવે એક ચોર, કિશોર ભટ્ટની વાઈફ અને કોલગર્લ. આ ત્રણ પાત્રો બાકી રહ્યા… એક બે દિવસમાં એ પણ મળી જશે. હા, વાંધો પડશે આપણને ‘કોલગર્લ’ નાં પાત્ર માટે…! ———— નાજુક પીંછું બેઠું પાંપણે, એનો નયનને શું ભાર!
બસ એટલું જ હળવું, જીવવું, શું રાગ ને શું ખાર!
———-
પત્ની: તમે બધા વચ્ચે સાતમી-ફેઈલ’, ‘સાતમી ફેઈલ’ ન કહ્યા કરો.
પતિ: ‘તો શું કહું?’
પત્ની: છઠ્ઠી પાસ કહેતા જોર પડે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular