Homeપુરુષયોગ અને પ્રાણાયામ રુટિન બને ત્યારે

યોગ અને પ્રાણાયામ રુટિન બને ત્યારે

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આપણે સ્પિરિચ્યુઅલ વેલ્થની વાત માંડી હતી અને એ અંતર્ગત ધ્યાનની વાત છેડી હતી. આપણે ત્યારે ધ્યાનને એક રૂટિન બનાવવાની વાત કરી હતી. પણ ધ્યાન કંઈ અમસ્તુ રૂટિન નહીં બને. ગુલઝાર સાબે કહ્યું છે કે ‘દિલ તો બચ્ચા હૈ જી’, પણ મન તો દિલ કરતાં પણ વધુ ચંચળ અને અસ્થિર છે. એ કંઈ અમસ્તુ આપણા કહ્યામાં રહે? એ તો આમથી તેમ દોડધામ કરતું રહે, પરંતુ ધ્યાન તો કરવું એટલે કરવું જ. ભલે મન ભટકે તો ભટકે. પણ ધીમેધીમે એ કાબૂમાં આવશે અને મન જેવું આપણા કાબૂમાં આવી જશે એવી જ આપણી એક આંતરિક યાત્રા શરૂ થશે, આપણી અંદર એક ઠહેરાવ જન્મ થશે અને આપણી અંદર એક આગવી સંતુષ્ટી ઘર કરશે.
ધ્યાન જેવું જ યોગનું છે. જીમની કસરતો ખોટી નથી. જીમ એની જગ્યાએ સાચું જ છે. પરંતુ ભારતીય યોગશા એ એવો વ્યાયામ છે, જેમાં શરીરની સાથે મન પણ મજબૂત થાય છે. વળી, યોગની સાથે જો પ્રાણાયામ ભળે તો પ્રાણવાયુ આપણે માટે અનેક રીતે લાભદાયી નીવડે અને આપણા ચહેરા પર એક આગવી કાન્તિ ઉભરી આવે. જોકે યોગ અને પ્રાણાયામ પણ કંઈ તરત રૂટિન બની જતાં નથી. પહેલાં પહેલાં ઉત્સાહમાં આવીને કદાચ બે-ત્રણ દિવસો આપણે અડધાએક કલાકમાં યોગના થોડા સેટ્સ કરી નાખીએ, પરંતુ એ યોગ અને પ્રાણાયામ શીખવાની યોગ્ય રીત નથી. આ રીતે તો આમેય વધુમાં વધુ એકાદ અઠવાડિયામાં આપણે બીજી બાબતો તરફ કે ઉંઘવા તરફ ફંટાઈ જઈશું અને આખરમાં આપણી યોગાયાત્રા ખોટકાઈ પડશે.
પરંતુ ઈન્ટરનેટના આ જમાનામાં જ્યારે યુટ્યૂબ પર કે કેટલીક સારી એપ્સ પર યોગ અને પ્રાણાયામના એક્સપર્ટ્સના સેંકડો વીડિયોઝ મળી રહે છે ત્યારે આપણે કોઈ પણ એક આસન, યોગક્રિયા કે પછી પ્રાણાયામથી શરૂઆત કરવી. એ આસન, પ્રાણાયામ કે યોગક્રિયા ચોક્કસ કઈ રીતે થઈ શકે એ ઑબ્ઝર્વ કરવું. અને તેના શું શું લાભ છે એ જાણવા. સાથે જ જો કોઈક બીમારીમાં કે કોઈક અવસ્થામાં જેતે આસન, યોગ કે પ્રાણક્રિયા નહીં થઈ શકતી હોય તો એ પણ જાણી લેવું.
આ રીતે રોજ એક એક ક્રિયા વિશે જાણી સમજીને આગળ વધવામાં આવે તો યોગ અને પ્રાણાયામ બાબતે આપણો ટેસ્ટ ડેવલપ થાય અને ધીમેધીમે એ આપણું રૂટિન તો બને જ, પરંતુ આપણે આ ક્રિયા દ્વારા ખાસ તો માનસિક રીતે અત્યંત સ્ટેબલ થવા માંડીએ. જેનો આપણને આપણી પર્સનલ લાઈફમાં કરિઅરમાં કે અન્ય કોઈ પણ સંજોગોમાં અત્યંત લાભ થાય છે. કારણ કે અગાઉ કહ્યું એમ યોગ અને પ્રાણાયામ એ એવા વ્યાયામ છે, જે તમારી અંદર એક ફીલગુડ ફેક્ટર ઊભું કરે છે, જેને કારણે તમારો જીવનને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે.
તમારે માટે પછી જીવન એ કંટાળો કે સંઘર્ષ રહેતું નથી. બલ્કે તમે એની મજા લેતા થઈ જાઓ છો. અને ખાસ તો મન સ્થિર થાય છે એટલે તમે તમારા જ જીવન સાથે સંકળાયેલી અનેક બાબતો પ્રત્યે સાક્ષીભાવ કેળવો છો. બાકી, હાલમાં તો તમે એવી રેટરેસમાં છો કે તમે એવું માનો છો કે તમને બધું જ ખબર છે, પરંતુ અસલમાં તમને તમારા શરીર, તમારા સ્વાસ્થ્ય, તમારા મનની અવસ્થા કે પછી તમારા જીવન સાથે સંકળાયેલી અનેક બાબતો પ્રત્યે ક્યાંતો અજાણ છો અથવા અભાન છો.
એટલે જ યોગનો એક સ્પિરિચ્યુઅલ વેલ્થ તરીકે જીવનમાં સ્વીકાર કરવો. જેમ સાઉથ મુંબઈમાં એક ઘર હોય કે પછી રિડેવલપમેન્ટમાં એક રૂમ વધારાની મેળવવા માટે આપણે એફર્ટ્સ આપીએ એમ જ યોગને આપણા જીવનમાં સ્થાન આપવા માટે આપણે એફર્ટ્સ આપવાના થાય છે. અને યાદ રાખજો કે એકવાર યોગ અને પ્રાણાયામ તમારા જીવનનો હિસ્સો બની ગયા એટલે તમારે લગભગ બીજી કોઈ વેલ્થની જરૂર નહીં પડે. કારણ કે આ સંપત્તિ તમને હંમેશાં હર્યાભર્યા રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular