બીજાના જીવનમાં વગર આમંત્રણે ઘૂસપેઠ કરવાનું ક્યારે બંધ કરીશું?

લાડકી

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

બીજાની લાઈફમાં ડોકિયાં કરવાનો અધિકાર આપણને કોણે આપ્યો? અન્ય લોકો શું કરે છે એ જાણીને પીઠ પાછળ પંચાત કરવાની ટેવ બદલવાની જરૂર હોય એવું નથી લાગતું? ક્યાં સુધી બીજા લોકોની પર્સનલ લાઈફમાં આપણી એનર્જી વેસ્ટ કરતા રહીશું? આપણને નથી ગમતું એ બીજા પણ ન જ કરવા જોઈએ એ આગ્રહ કેટલો યોગ્ય?
આસપાસની દુનિયામાં શું બની રહ્યું છે અથવા તો સામાન્ય લોકોથી લઈને કહેવાતા સેલેબ્સની લાઈફમાં બનતી ઘટનાઓ તરફ ડોકિયાં કાઢવાની આપણી આદત ક્યારે બદલાશે? આપણાં મહત્ત્વનાં કામો છોડીને બીજાની પર્સનલ લાઈફમાં પડીને એની કૂથલી કરવાથી મળતો આનંદ એ આનંદ નથી, પણ વિકૃતિ છે એ હવે યાદ રાખવું પડશે.
ક્રિકેટર્સ, મોટા ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો વગેરે પ્રકારની કેટેગરીમાં આવતા લોકોની સોશિયલ તેમ જ પ્રોફેશનલ લાઈફ આપણાથી સાવ જુદી હોય છે, પરંતુ પર્સનલ લાઈફ આપણાથી વિશેષ અલગ નથી હોતી. એ લોકો પણ એના સ્પાઉસ સાથે ઝઘડી શકે છે. સામાન્ય માણસની જેમ ઘરના સભ્યોની સારસંભાળ રાખી શકે છે. એ લોકો પણ હેપ્પી ફેમિલી પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે. એ લોકો પણ કોઈ એક રિલેશનથી સંતુષ્ટ ન હોય તો એને છોડી આગળ વધી શકે છે. હા, એક વાત ખરી કે એમની લાઈફસ્ટાઈલ હાઈ પ્રોફાઈલ હોવાના લીધે સંબંધોમાં આપણા કરતાં વધુ છૂટછાટ લે છે, પણ તોય શું? એ એમની ચોઇસ છે. એમની પાસે બુદ્ધિ, પાવર અને પૈસો બધું જ છે. એમની બુદ્ધિક્ષમતા મુજબ યોગ્ય નિર્ણય લેવાનો અધિકાર માત્ર એમનો જ છે. આપણી પંચાત કરવાની ટેવથી એ લોકોને કશું જ ગુમાવવાનું રહેતું નથી. એમને તો ઊલટાની પબ્લિસિટી મળશે. ગુમાવવાનું તો આપણે છે. આપણી ઊર્જા અને કીમતી સમય જેમની પાછળ બગાડીએ છીએ એ લોકો તો ગામને નેવે મૂકી માત્ર ને માત્ર પોતાના કામમાં એની ઊર્જાનું ઈન્વેસ્ટમેન્ટ કરતા હોય છે.
કોણ ક્યારે પ્રેગ્નન્ટ થયું, કોણે કેટલાં સંતાનો પેદા કર્યાં? કોનું ક્યારે બ્રેકઅપ થયું, કોના એક્સ પાર્ટનરે કોની સાથે નવા રિલેશન શરૂ કર્યા, એ લોકો સામસામે આવ્યા ત્યારે શું રીએક્ટ કર્યું વગેરે વગેરે જાણવા મથતા લોકોની એમને સહેજે પડી હોતી નથી. અરે, એમના વિશે લોકો શું વિચારે છે એ વિચારવાનોય સમય એમની પાસે નથી. લોકોના સો કોલ્ડ ઓપિનિયનોની એમને સહેજે પડી હોતી નથી. પોતાની મસ્ત અને વ્યસ્ત લાઈફમાં ગળાડૂબ રહેતી જે તે ક્ષેત્રની ફેમસ વ્યક્તિઓની પોઝિટિવ સાઈડમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. એમની ડાર્ક સાઈડ શોધીને ટીકાટિપ્પણીઓ કરવાથી એમનું કંઈ જ ખરાબ થવાનું નથી. સિવાય કે આપણો સમય. આ વાત વહેલી તકે મગજના છેલ્લા કોષ સુધી ઉતારી દેવી જોઈએ.
આપણા પડોશમાં રહેતી છોકરી ક્યારે ક્યાં જાય છે, સામેવાળા અંકલની બાઈક પર પેલી લેડી કોણ હતી, દૂરના કઝિનના મેરેજ પછી બે જ મહિનામાં એની પત્ની પિયર જતી રહી, રિટાયરમેંટની ઉંમરે બોસે બીજાં લગ્ન કર્યાં વગેરે પ્રકારની જાણકારી રાખવા મથતા લોકો કોઈ ડિટેક્ટિવથી ઓછા નથી હોતા. આપણા ઘરમાં અને આપણી પર્સનલ લાઈફમાં જો કોઈ ઘૂસવા મથે એવી જાણ થાય તો એ વ્યક્તિ સાથે આપણે શું કરીએ છીએ? બસ, તો આપણી અન્ય લોકોના જીવનમાં કારણ વગરની ઘૂસપેઠ શું બીજાને ગમતી હશે? આ સમજવા સક્ષમ હોવા છતાં આપણને બીજાની લાઈફમાં ચંચૂપાત કરવાની ગજબની કુટેવ છે. આપણે જે કરીએ એ જ બેસ્ટ. આપણે જે કહીએ એ જ યથાયોગ્ય. આપણે જેમ રહીએ એ જ સાચું. આપણે જે વિચારધારામાં માનીએ એ જ ખરી. આપણી માન્યતાઓ જ સાચી. બાકી બધા જે કરે એ, જે કહે એ, જેમ રહે એ, જે વિચારધારાને ફોલો કરે એ બધું જ ખોટું, વાહિયાત અને નકામું. બસ, આ પ્રકારની માનસિકતા અન્ય સાથેનો સંબંધ નિમ્ન સ્તરે લઈ જાય છે. ક્યારેક તો પોતાની જાત પ્રત્યેની આ પ્રકારની સુપર ઈગોવાળી મેન્ટાલિટી અન્યો સામે હાંસીપાત્ર બનાવી દે છે. આપણી જાતને અન્યો કરતાં મહાન સાબિત કરવા મથતા આપણે કેટલીક વાર તો માત્ર નર્યો દંભ કરીએ છીએ. સામેની વ્યક્તિ જેવા આપણે બની શકીએ એમ નથી, જેની આપણને ઈર્ષ્યા આવે અથવા તો જેને આપણે પહોંચી શકીએ એમ નથી એની પીઠ પાછળ એની જ પંચાત કરવાનું ને મન ફાવે એમ બોલવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ. ઘણી વાર તો ‘સાડા કુત્તા ટોમી, તૌડા કુત્તા કુત્તા’ જેવું ઊલટું થાય છે. બીજા લોકો પૈસા બાબત વિચારે તો લાલચુ પણ પોતે જ્યાં વધુ સેલરી મળતી હોય એવી જોબ શોધતા હોય. પોતાની દીકરીનું સાસરું પૈસાદાર ઘર હોય ત્યાં શોધે, પણ બીજા એમ કરે તો વાતો કરે. આપણા ડિવોર્સ થાય તો મજબૂરી, પણ બીજા આવું કરે તો અય્યાશીનું લેબલ મારી દે.
ખરેખર તો આ વિચારધારા અને રહેણીકરણીનો તફાવત છે. જેને આપણે યોગ્ય માનીએ છીએ એ જ વસ્તુ જ્યારે બીજા કરે ત્યારે આપણાથી જોવાતું નથી. ઘણી વાર ઊંધું પણ હોય છે. જે બાબત આપણને બિલકુલ પસંદ નથી હોતી એ જ બાબત સાથે બીજા લોકો ઈઝિલી કનેક્ટ થઈ શકે છે. જેવું વર્તન આપણે જાહેરમાં નથી કરી શકતા, પણ બીજા એમાં છોછ નથી અનુભવતા. આ બંને સ્થિતિમાં આપણા વિચારો કે માન્યતાની કમ્પેરિઝન આપણા જેવી અને આપણાથી જુદી વિચારધારાના લોકો સાથે કરવાની બંધ કરી દેવી જોઈએ. આપણા બાલિશ બિહેવિયરનો તમાશો કરવા કરતાં બહેતર છે કે લોકોના અંગત જીવનમાં રસ લેવાનું બંધ કરવું.
દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ, અન્યોને નડતરરૂપ ન બને એમ જિંદગી જીવવાનો અધિકાર ધરાવે છે. સાથોસાથ પર્સનલ લાઈફમાં પ્રાઈવસી પણ ઈચ્છે છે. એટલે આપણી માન્યતાઓના પૂળા જ બીજા ગ્રહણ કરે એ વ્યાજબી તો નથી જ. જે માણસો આપણને નથી જ ગમતા એ અંગત કે જાહેર જીવનમાં શું કરી રહ્યા છે એ જાણીને, એમની મજાક ઉડાવીને ઘડીભર આનંદ મળશે. બાકી ક્યારેક એકલામાં પોતાની જાતને એકાદી સોટી મારીને પૂછી લેવાનું કે ‘આપણા રસ લેવાથી એમનું શું લૂંટાઈ ગયું?’ બાકી રહી જતું હોય એમ કેટલાકને તો સોશિયલ મીડિયાની વોલ પર અભિવ્યક્ત થતી આઝાદી પણ કાંટાની જેમ ખૂંચે…! અરે, વોલ એમની, વિચારો એમના, ફોટોગ્રાફ્સ એમના તો એમની મરજી મુજબ જ ત્યાં હોવાનું. આપણને નથી ફાવતું તો ત્યાં નાહકના આંટાફેરા મારવાનું બંધ કરી દેવું જોઈએ. વગર આમંત્રણે ગયેલા મહેમાન જેવી પોતાની હાલત કરવાથી શું ફાયદો થવાનો? ઈવન એકબીજાને બ્લોક કર્યા હોય તોય એના SS બીજા પાસેથી મગાવીને પણ જાણવા માગે કે એ શું કરી રહ્યો/રહી છે? જવાબ સિમ્પલ છે. એ એનું ગમતું કામ અને તમે તમારો સમય તેમ જ તમારી ઊર્જાની બરબાદી…
—–
ક્લાઈમેક્સ:
કોણ શું કરી રહ્યું છે એ જોવા કરતાં આપણે શું કરવું જોઈએ એ શીખવાથી બીજાનામાં દેખાતી ખામીઓ અડધી થઈ જશે…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.