આપણે નોકરી માગવાવાળા નહીં, આપવાવાળા ક્યારે બનીશું?

વીક એન્ડ

સાંપ્રત -લોકમિત્ર ગૌતમ

વર્ષ ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની રાજધાની નવા રાયપુરમાં ૨૦મા રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી સંબોધિત કરતાં જણાવ્યું હતું કે એક સમય આવશે જ્યારે ભારતનો યુવાન નોકરી માગવાવાળો નહીં, આપવાવાળો બનશે. તે જ સમયે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવા ઉપક્રમો શરૂ કરવામાં આવ્યા અને એવી આશા બંધાઈ કે આવતાં પાંચ વર્ષમાં આ બન્ને ઉપક્રમ લગભગ ૫૦ લાખ જેટલી નોકરી ઊભી કરશે, પણ આ આશા પૂરી થઈ નહીં. આને કરાણે જ તેમણે તેમના ‘મન કી બાત’ના સંસ્કરણમાં યુવાનોને સંકલ્પ કરવા અને નોકરી આપવાવાળા બનવાનું આહ્વાન આપ્યું.
ચોક્કસપણે ભારતમાં પાંચેક વર્ષમાં મોટા પાયે નવા બિઝનેસ શરૂ થયા છે, પરંતુ એ હકીકત પણ છે કે આના માધ્યમથી રોજગારી નિર્માણની જેટલી તક ઊભી થવી જોઈએ તેની એક તૃતીયાંશ પણ ઊભી થઈ નથી. એ વાત પણ સાચી છે કે આજે હજારો યુવાનો એવા છે કે જે બીજા લાખો યુવાનોને કામ આપી રહ્યા છે, પણ દેશની બેરોજગારીમાં આનાથી કંઈ ખાસ ફરક પડ્યો નથી, કારણ કે બેરોજગારોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના માર્ચ, ૨૦૨૨ના આંકડા અનુસાર બેરોજગારીનો દર લગભગ ૭.૬ ટકાથી ઉપર હતો જે વાસ્તવમાં ઘણો વધારે છે. જો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના આંકડા પ્રમાણે જોઈએ તો દુનિયામાં ૨૧ કરોડ લોકો બેરોજગાર છે. ભારતના સંબંધમાં તો વધારે જટિલતા છે. ભારતમાં જેટલા લોકો બરોજગાર દર્શાવવામાં આવે છે તેના કરતાં બમણા છે.
પણ સવાલ એ છે કે આપણે ક્યાં સુધી આ પ્રકારનાં દુ:ખડાં રડ્યા કરીશું. ક્યારેક તો એ સમય આવશે કે આપણે આપણી કારકિર્દી, આપણા ભવિષ્ય અને આપણી રોજગારીની જવાબદારી કોઈ બીજા પર નાખવા કરતાં આપણે પોતે લઈશું. હાલના સમયમાં મોટા પાયે યુવાનોએ આમ કરવાનું શરૂ કર્યું છે. પાછલાં પાંચ વર્ષમાં એક પણ વર્ષ એવું નથી ગયું કે સ્ટાર્ટઅપ શરૂ કર્યું ન હોય, પણ આપણામાં જુગાડ કરી લેવાની એક લાલચ છે તે ફાયદો અને નુકસાન બન્ને કરાવે છે. સ્ટાર્ટઅપ સાથે બન્ને વસ્તુ થઈ રહી છે. વર્ષ ૨૦૧૭માં સ્ટાર્ટઅપ્સ ઘણાં તેજીથી શરૂ થયાં અને સફળતાનો દર પણ વધ્યો, પણ જેટલાં જલદી શરૂ થયાં તેટલાં જલદી બંધ પણ થઈ ગયાં. હાલમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે તમામ ક્ષેત્રની જેમ સ્ટાર્ટઅપ્સમાં યોગ્ય અને અયોગ્ય એમ બે કેટેગરી થઈ ગઈ છે.
અમુક સમયથી માત્ર સરકારી યોજનાઓની મદદ લેવા ઘણાં ખોટાં સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ ગયાં છે. જોકે આ બધા વચ્ચે એક હકીકત એ પણ છે કે લગભગ બાર લાખ લોકોને નોકરી આ સ્ટાર્ટઅપ્સને લીધે મળી છે. ભારતમાં લગભગ ૨૦,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે, જેમાં સક્રિય સ્ટાર્ટઅપ્સની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે. તેમ છતાં ભારત અમેરિકા, ચીન અને યુરોપીય દેશોની પાછળ જ છે. અમેરિકામાં દર પાંચ વિદ્યાર્થીમાંથી એક નોકરી આપવાની વાત કરે છે, જ્યારે ભારતમાં આ સંખ્યા ૫૦ કરતાં પણ વધારે છે. ભારતના યુવાનોમાં સૌથી વધારે નોકરી મેળવવાની ઈચ્છા હોય છે. ભારતમાં સરકારી નોકરીઓ મેળવવા માટે પણ એક પ્રકારની ઘેલછા છે તેનું કારણ એ પણ માનવામાં આવે છે કે ભારતીય યુવાનોને મહેનત કરવામાં રસ નથી. જોકે હકીકત એ પણ છે કે ભારતીય યુવાનો જો કોઈ કામ હાથમાં લે તો તેને દરેક હાલમાં પૂરું કરે છે.
આપણા દેશની મોટી સમસ્યા એ છે કે આપણે ત્યાં પારંપરિક રીતે નોકરીનો માહોલ બની ગયો છે, પછી તે સરકારી ક્ષેત્રમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં. આનું કારણ આત્મવિશ્ર્વાસનો અભાવ પણ છે, આથી જ મોદી નોકરી માગવા નહીં ઊભી કરવાનું કહે છે. મોદી સાથે દેશના ઘણા લોકો માને છે કે ભારતમાં રોજગારી ઊભી કરવાનું કૌશલ્ય ધરાવતા હજારો યુવાનો છે, પણ તેઓ અમુક કારણોસર હિંમત નથી કરતા અને એ હકીકત પણ નથી સમજતા કે નોકરી મેળવવી દિવસે દિવસે કેટલું અઘરું કામ બની ગયું છે. ભારતમાં ભલે આજના સમયમા નોકરીઓ મેળવવાનો માહોલ દેખાતો હોય, કારણ કે સરકારી અને અર્ધસરકારી ક્ષેત્રોમાં વર્ષના અંતમાં છ લાખ નોકરી ઊભી થવાની છે, પણ ભારત જેવા બેરોજગારીના તપતા તવા જેવા દેશમાં છ લાખ તો શું, ૨૦-૩૦ લાખ નોકરી પણ ઊંટના મોઢામાં જીરું મૂકવા જેવી છે. ભારત બેરોજગારીની ખાઈમાંથી ત્યારે જ બહાર આવશે જ્યારે આપણે ત્યાં નોકરી માગવાવાળા કરતાં નોકરી આપવાવાળાની સંખ્યા વધારે હશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.