Homeઆમચી મુંબઈવિક્રોલી રોડ ઓવર બ્રિજ કયારે બંધાશે?

વિક્રોલી રોડ ઓવર બ્રિજ કયારે બંધાશે?

ચાર વાર ડેડલાઈન બદલાઈ, હવે મે, ૨૦૨૩નો વાયદો કરાયો

સપના દેસાઈ

મુંબઈ: પૂર્વ ઉપનગરના વિક્રોલી સ્ટેશન પર રેલવે ફાટક બંધ કર્યા બાદ વર્ષોથી સ્થાનિક નાગરિકો વિક્રોલી રોડ ઓવર બ્રિજ બાંધવાની માગણી કરી રહ્યા છે. આ પુલનું મોટે ઉપાડે કામ ચાલુ તો થયું, પણ હજી સુધી પુલ બાંધવાના કોઈ ઠેકાણા જણાતા નથી. અત્યાર સુધી પુલનું કામ પૂરું કરવાની ચાર વખત મુદત લંબાવવામાં આવી છે અને હવે ફરી એક વખત તેની મુદત લંબાવવામાં આવી છે. મે, ૨૦૨૩ સુધીમાં આ રોડ ઓવર બ્રિજનું કામ પૂરું કરી નાખવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. જોકે સ્થાનિક નાગરિકોને પાલિકાના આ પોકળ દાવા પર વિશ્ર્વાસ નથી.

સોમવારથી અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોખલે પુલને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવવાનો છે ત્યારે મુંબઈના ફ્લાયઓવર અને રોડ ઓવર બ્રિજ ફરી ચર્ચામાં આવ્યા છે. મુંબઈના અનેક પુલોના કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે, જેમાં વિક્રોલી રોડ ઓવર બ્રિજનું કામ વર્ષોથી અટવાયેલું છે અને પાલિકાએ કૉન્ટ્રેક્ટરને ચોથી વખત મુદત લંબાવી આપી છે. હવે આ પુલ મે, ૨૦૨૩ સુધીમાં બાંધી દેવામાં આવશે એવો પાલિકાએ દાવો કર્યો છે.
કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલ (કેગ)એ તાજેતરમાં તેના અહેવાલમાં કહ્યું છે કે ઢંગવિનાનું આયોજન, સાઈટની કંડિશન જોયા વગર તેનો એસ્ટીમેટ તૈયાર કરવો અને અતિક્રમણ હટાવવામાં નિષ્ફળ જવાના કારણે પુલનું કામ વિલંબમાં મુકાઈ ગયું હતું.
પાલિકા દ્વારા નિયત સમયમાં પુલનું બાંધકામ પૂરું કરવામાં નિષ્ફળ જવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેગ દ્વારા જૂન, ૨૦૨૨માં મુંબઈ મહાનગરપાલિકાને સોંપવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૦ વર્ષ પહેલા લેવલ ક્રોસિંગ ગેટ (રેલવે ફાટક) બંધ કરવામાં આવ્યા બાદ વિક્રોલીમાં પૂર્વ અને પશ્ર્ચિમમાં કનેક્ટિવિટીની સમસ્યા રહી છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓના સતત પ્રયાસો બાદ મે, ૨૦૧૮માં બ્રિજ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ પુલનું કામ ઑક્ટોબર, ૨૦૨૦માં પૂરું થવાની ધારણા હતી, પરંતુ તે કામ કોઈને કોઈ કારણસર હજી પૂરું થઈ શક્યું નથી. હાલ પૂર્વ અને પશ્ર્ચિમ બંને દિશામાં પુલના ફક્ત પિલર બાંધીને પૂરા થયા છે. બાકીનું કામ છેલ્લા અનેક દિવસોથી બંધ છે.
વિક્રોલીનો આ પ્રસ્તાવિત પુલ પૂર્વ બાજુએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે અને પશ્ર્ચિમ બાજુએ લાલ બહાદુર શાસ્ત્રી માર્ગને જોડશે. લાંબા સમય સુધી આ પુલનું કામ ચાલુ થઈ શક્યું નહોતું. જમીન સંપાદન, અતિક્રમણ હટાવવા જેવી અનેક મુશ્કેલીઓને કારણે કામ ચાલુ થવામાં ખાસ્સો એવો સમય ગયો હતો. છેલ્લાં ચાર વર્ષમાં ચોથી વખત પુલના કામનો કૉન્ટ્રેક્ટ લંબાવવામાં આવ્યો છે. હવે પાલિકાએ ફરી એક વખત પુલના બાંધકામની મુદત સાત મહિના માટે લંબાવી છે. હવે પાલિકાએ ૨૦૨૩ સુધીમાં કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જોકે વર્ષોથી પુલનું કામ જે ગતિએ ચાલી રહ્યું છે, તેને જોતા સ્થાનિક નાગરિકોને પાલિકાની વાતમાં વિશ્ર્વાસ બેસતો નથી.
લગભગ ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલા ૬૫૬ મીટર લાંબો અને ૫૦ મીટર પહોળો આ રોડ ઓવર બ્રિજના કામમાં થયેલા વિલંબ માટે પાલિકાએ અનેક કારણો આગળ કર્યા છે, જેમાં મુખ્યત્વે જમીન સંપાદન કરવાથી લઈને વૃક્ષોને લગતી મંજૂરી તેમ જ જુદી જુદી યુટિલિટિઝીના સ્થળાંતરમાં ખાસ્સો એવો સમય લાગ્યો હતો. એટલું જ નહીં, પણ રેલવે પ્રશાસને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઈઆઈટી મુંબઈ પાસેથી પ્રૂફ ચેકિંગનો પણ આગ્રહ રાખ્યો હતો, તેમ જ કોવિડ મહામારીને કારણે માર્ચ, ૨૦૨૧થી મે, ૨૦૨૨ દરમિયાન કામ બંધ રહ્યું હતું. ત્યાર બાદ પાલિકાએ ઑક્ટોબર ૨૦૨૨ સુધી કામની મુદત લંબાવી હતી અને હવે મે, ૨૦૨૩ સુધીની મુદત લંબાવી છે.

RELATED ARTICLES

Most Popular