નવી દિલ્હી/મુંબઈઃ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ (પશ્ચિમ રેલવે ઝોન)નું નામ નાના શંકરશેઠ રાખવાનો પ્રસ્તાવ મળ્યો છે, પરંતુ અત્યાર સુધી તેના અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એમ લોકસભામાં જણાવ્યું હતું.
ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું હતું કે આવી રજૂઆત મળી છે, પરંતુ આ પ્રકારની બાબતનો નિર્ણય ખાસ કરીને વિભિન્ન સરકારી એજન્સીની ભલામણ અને અન્ય સંબંધિત પરિબળોને ધ્યાનમાં લઈને લેવામાં આવે છે.
લોકસભામાં એક લેખિત જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને મુંબઈ સ્થિત મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસનું નામ નાના શંકરશેઠ રાખવાનો પ્રસ્તાવ મળ્યો છે, પરંતુ તેના અંગે નિર્ણય સરકારી એજન્સીની ભલામણ અને તેના સંબંધિત વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને વિચાર કરવામાં આવશે.
મુંબઈના નામદાર જગ્ગનાથ (નાના) શંકરશેઠ પ્રતિષ્ઠાન તરફથી હજુ સુધીમાં કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. 19મી સદીમાં થાણેમાં જન્મેલા શિક્ષણશાસ્ત્રી નાના શંકરશેઠે મુંબઈના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે જાણીતા છે. અહીં એ જણાવવાનું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય રેલ મંત્રાલય, પોસ્ટલ વિભાગ અને ભારતીય સર્વેક્ષણ વિભાગ તરફથી કોઈ વાંધો મેળવ્યા પછી કોઈ પણ સ્થળ અથવા સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી આપે છે. આ સંગઠનવતીથી એ પણ સ્પષ્ટતા કરવાની રહે છે કે તેમના રેકોર્ડમાં પ્રસ્તાવિત નામના સમાન કોઈ શહેર અથવા ગામ પણ નથી.