Homeધર્મતેજએકાંતમાં રહેવાનું શરૂ કરીએ ત્યારે મૂંઝવણ થાય, પણ પછી ખૂબ આનંદ આવે

એકાંતમાં રહેવાનું શરૂ કરીએ ત્યારે મૂંઝવણ થાય, પણ પછી ખૂબ આનંદ આવે

શાંકરવાણી -ડૉ. અનિલ દ્વિવેદી

एकान्ते सुखमास्यतां परतरे चेतः समाधीयतां
पूर्णात्मा सुसमीक्ष्यतां जगदिदं तद्बाधितं दृश्यताम् ।
प्राक्कर्म प्रविलाप्यतां चितिबलान्नप्तुत्तरैः श्लिष्यतां
प्रारब्धं त्विह भुज्यतामथ परब्रह्मात्मना स्थीयताम् ॥
એકાંતમાં સુખપૂર્વક બેસવું, પરબ્રહ્મમાં ચિત્તને સ્થિર કરવું, પૂર્ણાત્માનો સારી રીતે સાક્ષાત્કાર કરવો, તેના દ્વારા આ જગતને બાધ પામેલું જોવું, ચૈતન્યના સામર્થ્યથી સંચિત કર્મોને સારી રીતે વિલીન કરવાં, ક્રિયમાણ કર્મોની સાથે ન જોડાવું, અહીં પ્રારબ્ધ કર્મને ભોગવી લેવું અને પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી.
સાધન પંચકમાં આ પાંચમાં શ્ર્લોકમાં આચાર્ય આઠ વસ્તુઓ દર્શાવે છે. જેમની કક્ષા ઊંચી, એમનો ઉપદેશ પણ ઊંચો અને અઘરો આવો અનુભવ આ શ્ર્લોકમાં થાય છે.
(૧) એકાંત સેવવું : બને ત્યાં સુધી એકાંતમાં અને એકલા જ રહેવું. એકાંતમાં રહેવાનું શરૂ કરીએ ત્યારે મૂંઝવણ થાય, પણ પછી ખૂબ આનંદ આવે. વિપશ્યના સાધના પણ આવો અનુભવ કરાવે છે, એકાંતમાં રહેવાથી આપણે આપણી સાથે વાત કરી શકીએ છીએ. આપણે આપણું મૂલ્યાંકન કરીને આગળ વધી શકીએ છીએ.
(૨) પરબ્રહ્મમાં ચિત્તને સ્થિર કરવું : આ વાત ગુરુગમ્ય છે અને કઠિન પણ છે. પરબ્રહ્મમાં ચિત્તને સ્થિર કરવું એટલે એક પણ વિચાર ન આવે એથી મનની સ્થિતિ કરવી. ચિત્ત નિર્વિચાર બની જાય એ જ ક્ષણે પરબ્રહ્મની પ્રતીતિ થઈ જાય છે. આના માટે ઘણા અભ્યાસની જરૂર પડે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આ વાત ભગવાન શ્રીકૃષ્ણે કરી ત્યારે અર્જુને કહ્યું કે મનનો નિગ્રહ ઘણો અઘરો છે. વળી મન ચંચળ પણ છે. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે અર્જુન! તું સાચો છે. પણ અભ્યાસથી અને વૈરાગ્યથી મન વશમાં થાય છે. આમ અભ્યાસ અને વૈરાગ્યથી મનને વિચારશૂન્ય કરીને પરબ્રહ્મમાં સ્થિર કરવું.
(૩) પૂર્ણાત્માનો સાક્ષાત્કાર : આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. સાવ સીધી અને પહેલી વાત એ છે કે આપણે આપણી જાતને ઓળખી લેવી. આપણી ખૂબી અને ખામી સારી રીતે જાણી લેવી. પછી તેના આધારે આત્મજ્ઞાન માટે મથવું. જો કે ઉપનિષદ તો કહે છે કે આત્મા આપણા પ્રયત્નોથી મળતો નથી. એ જેનું વરણ કરે તેને જ આત્મ સાક્ષાત્કાર થાય છે. પણ ધૈયપૂર્વક સાધના કરવાથી પરમાત્મા કૃપા કરે જ.
(૪) જગત બાધિત છે, તે જોવું : આ જગત મિથ્યા છે, તેવું જોવું, અનુભવવું, સ્વપ્ન જેમ ખોટું હોય છે, એમ જગત ખોટું છે. જો કે આ વાત વ્યવહારમાં ચાલે તેમ નથી. તેથી જ તેના રસ્તાઓ વેદાન્તીઓએ કાઢ્યા છે. પણ આપણે એવું વિચારીએ કે બધું પરિવર્તનશીલ છે. મિથ્યા છે, તો અનેક વ્યર્થ માથાફૂટથી બચી જઈએ.
(૫) સંચિત કર્મોને વિલીન કરવાં : આપણાં ત્રણ પ્રકારના કર્મ હોય છે – પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. આમાંથી પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે. પણ ઇશકૃપા થાય તો સંચિત અને ક્રિયમાણ નાશ પામે છે તેથી પરમાત્માની ઉપાસનાથી સંચિત કર્મોનો નાશ કરવો, જેથી તે ભોગવવાં ન પડે. જો કે, ભક્તો તો એમ પણ કહે છે કે ભગવાનના નામનો જપ કરવાથી પ્રારબ્ધ પણ બદલી જાય છે. તુલસીદાસ લખે છે કે મિટત કુઅંક ભાલ કે, કપાળમાં લખેલા ખરાબ આંકડા પણ ભૂંસાઈ જાય છે.
આ છે રામ નામનો પ્રભાવ!
(૬) ક્રિયમાણ કર્મોની સાથે ન જોડાવું : ક્રિયમાણ કર્મો એટલે વર્તમાનમાં થતાં કર્મો. કર્મો તો કરવાં પડે. કર્મ વગર ચાલે જ નહીં. પણ આ કર્મો અનાસક્ત ભાવે કરીએ તો તેનાથી મુક્ત રહીએ છીએ. અનાસક્ત ભાવ અને રાગ કે દ્વેષ રાખ્યા વગર કરવાં પડે એ જરૂરી કર્મો કરવાં. સામેથી આવે, આપણું કર્તવ્ય હોય આ બધાં કર્મો કોઈ પણ જાતની આસક્તિ વગર કર્યા કરવાં, જેથી તેનાથી અલિપ્ત રહી શકાય.
(૭) પ્રારબ્ધ ભોગવી લેવું : પ્રારબ્ધ કર્મ ભોગવવું જ પડે છે. તેથી પ્રસન્ન ચિત્તે ભોગવી લેવું. સુખ તો ભોગવી લેવાય, દુ:ખને પણ એ જ રીતે સહજ ભાવથી સ્વીકારી લેવું. નામ સ્મરણ કરતાં કરતાં દુ:ખ ભોગવી લેવું. તેનો ફાયદો એ છે કે દુ:ખોમાં અણધારી સહાયતા મળી જાય છે. ઘણી વાર દુ:ખ હળવું બની જાય છે ઝડપથી ચાલ્યું જાય છે.
(૮) પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી : અભ્યાસ કરતાં કરતાં પરબ્રહ્મ સાથે જોડાઈ જવું પછી ઉપનિષદ કહે છે તેમ હૃદયની ગ્રંથિઓ તૂટી જાય છે, બધા જ સંશયો છેદાય જાય છે અને બધાં જ કર્મો નાશ પામે છે.
પરમાત્મા મળી જાય, પછી આનંદ આનંદ અને આનંદ જ હોય છે. સ્વામી રામતીર્થે કહ્યું છે કે પરમાત્માની પ્રતીતિ થાય ત્યારે –
વફ ફળજ્ઞઘ ણઇૃ ઇઇં યળડિ વે
વફ ફળજ્ઞઘ પૂરૂળફઇં – રૂળડિ વે
નરસિંહ મહેતા પણ કહે છે –
જાગીને જોઉ તો જગત દિશે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular