આજે માતૃભાષા દિવસ છે ત્યારે બધા પોતપોતાની માતૃભાષાના ગૂણગાન ગાશે અને કાલથી જૈસે થે વૈસે. આપણી રોજબરોજની ભાષામાં અન્ય ભાષાઓ એટલી બધી વણાઈ ગઈ છે કે તેમાંથી આપણી ભાષા શોધવી લગભગ મુશ્કેલ થઈ જાય. ઈન્ટરનેટના વ્યાપને લીધે હવે મોટા ભાગના પરિવારોમાં પણ ઘણા અંગ્રેજી શબ્દો બોલાતા થઈ ગયા છે. માતા-પિતા જ આવી ભાષા ઉપયોગમાં લેતા હોવાથી બાળકો પણ એ જ શિખે છે. જ્યાં સુધી અંગ્રેજી આવડે છે અને બોલવામા આવે છે ત્યાં સુધી જ સમજી શકાય, પરંતુ હજારો માતા-પિતા બાળકો સામે ખોટું, ભૂલભરેલું અને હાસ્યાસ્પદ અંગ્રેજી બોલે છે. જેને લીધે બાળક ખોટું અંગ્રેજી અને ગુજરાતી કે માતૃભાષા શીખે છે.
બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતીઓમાં મોખરાનું નામ મહાત્મા ગાંધીનું આવે. તેમણે પોતોના ઘણા પત્રો, વ્યાખ્યાનો, પુસ્તકોમાં આ વિચાર પ્રગટ કર્યા છે. તેમના એક પત્રમાં તો બે ભારતીયોને જો ભારતીય ભાષા આવડતી હોય તેમ છતાં તે અંગ્રેજીમાં વાત કરે તો તેમને છ મહિનાની સખત જેલની સજાની વાત આજથી એક સદી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરી હતી.
ઘટના એવી છે કે 1918માં કવિ બ.ક. ઠાકોરે ગાંધીજીને એક પત્ર લખ્યો હતો. આ પત્ર તેમણે અંગ્રેજીમાં લખ્યો હતો. આ પત્રમાં તેમણે જે લખ્યું તે વિશે લખતાની સાથે ગાંધીજીએ તેમને પત્રનો જવાબ લખ્યો, જેમાં લખ્યું હતું કે જ્યારે આપણી સસંદ સ્થાપિત થશે ત્યારે ફોજદારી કાયદામાં જ એક કલમ દાખલ કરવામાં આવશે. આ કલમ એવી હશે કે ભારતમાં રહેનારા બે ભારતીયો એક જ ભાષા જાણતા હોય ત્યારે તે ભારતીય ભાષાનો ઉપયોગ ન કરતા અંગ્રેજીમાં પત્ર લખે અથવા સંવાદ સાધે તો તેમને ઓછામાં ઓછી છ માસની જેલની સજા કરવામાં આવે. આ સાથે તેમણે ઠાકોર પાસેથી તેમના આ વિચાર અંગે અભિપ્રાય પણ માગ્યો હતો.
અભિવ્યક્તિની આમ તો કોઈ ભાષા હોતી નથી, પણ જ્યારે બોલવું જ હોય અને આપણા દેશની ભાષા અને ખાસ કરીને આપણી માતૃભાષા આવડતી જ હોય ત્યારે પોતાની ભાષામાં જ બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. અન્ય ભાષા સહજપણે મોઢામાંથી નીકળે તે એક વાત છે, પરંતુ અંગ્રેજી ભાષામાં બોલી માત્ર પ્રભાવ પાડવાની માનસિકતા દૂર કરીએ તો ખરા અર્થમાં માતૃભાષા દિવસ ઉજવ્યો કહેવાય.