જ્યારે અત્યાચારીના શબ્દો જ કાયદો ગણાતા

ઇન્ટરવલ

ગુજરાતનો જલિયાવાલા કાંડ -પ્રફુલ શાહ

નોકરી અને ઇચ્છાના સુભગ સુમેળથી મોતીલાલ તેજાવત આદિવાસી અને ભીલ જેવા સમાજના વંચિત વર્ગને મળતા હતા. એમની વેદના સાંભળતા -સમજતા-અનુભવતા હતા. કોઇ જાગીરદાર, ઠેકેદાર કે વેપારીના નોકરિયાત પોતાની વાતને કાન આપે એ આદિવાસી માટે દુર્લભ જોણું હતું. આ પ્રક્રિયામાં આદિવાસીઓ અને મોતીલાલ વચ્ચે એક સંબંધ સેતુનું નિર્માણ થવા માંડયું જેવા મૂળમાં વિશ્ર્વાસ, અનુકંપા, ભાઇચારો અને માનવતા હતા.
સદીઓથી ગુલામીની બેડીમાં સબડતી પ્રજા માટે તેજાવત રણમાં મીઠી વીરડી સમાન હતા. સામે પક્ષે મોતીલાલ તેજાવતને લાગ્યું કે આદિવાસીઓ પરના શર્મનાક દમન ચૂપચાપ જોઇને રહેવું એ માફ ન કરી શકાય એવો ગુનો છે. આ લાગણી એમની ડાયરીમાં શબ્દસ્થ થઇ છે.
“એ સમયે સામંતશાહી રાજા, એના સૈનિકો, અમલદારો અને જાગીરદારના જુલ્મોની સોળ આના બોલબાલા હતી. ભલામણ, લાંચ-રુશ્ર્વત અને (એમના) બોલેલા શબ્દો જ જનતા માટે કાયદો બની જતા હતા. અત્યાચારી કર્મચારી અને જુલ્મી જાગીરદાર પોતીકા સ્વાર્થ ખાતર પ્રજાને હેરાન પરેશાન અને તબાહ કરતા હતા. એ ગરીબો આ સામંતશાહી હકુમતનું ચક્ર ધુમતું હોવાનું ઠેકઠેકાણે નજરે પડતું હતું. રાજ-કાજમાં માત્ર પોતાનો સ્વાર્થ પૂરો કરવા અને મનમાની કરીને બેધડક સરેઆમ લૂંટ મચાવાતી હતી. જનતાના હિતની લેશમાત્ર ખેવના ઉપરથી નીચે સુધી રાજ્યમાં કોઇ કરતું નહોતું. અને બધે અંધાધૂંધી-અંધેર નગરી હતી. આ અંધાધૂંધીની રજવાડાના શાસકોને પૂરી જાણકારી હતી. જનતા મહારાજા પ્રધાન અને અમલદારોને રિપોર્ટ-રજૂઆત થકી ન્યાયની આશા સાથે કરગરતી હતી. પણ ન્યાય મળવાનું તો દૂર રહ્યું, ઉલ્ટાનું સાચું કહેવાવાળાને બદમાશનો ખિતાબ અપાતો હતો.
મોતીલાલ તેજાવતની વેદનાના સ્વરૂપ સમી ડાયરીમાં દમનના અનેક ઉદાહરણની લાંબી યાદી છે. તેમણે સગી આંખે જોયેલા અત્યાચારના અલગ પ્રકાર પણ વર્ણવ્યા છે. આ જોવા અને પોતે ય એનો ભોગ બનવાથી તેમણે આમ પ્રજા અને આદિવાસીના બેહાલથી સંપૂર્ણપણે પરિચિત હતા. જુલ્મને લીધે પશુથીય બદતર જીવન જીવવાના અભિશાપનો શિકાર બનેલાઓ પ્રત્યે તેમની અનુકંપા વિશેષ હતી.
તેજાવત ગમે તે રીતે આ વર્ગને ગુલામી અને અત્યાચારમાંથી છોડાવવા મક્કમ હતા. આ માટે તેઓ આદિવાસીઓ સામે જીવવું હતું. તેમના જીવન અને સંસ્કૃતિમાં ભળી જવું હતું. તેઓ આદિવાસી જીવનની એક-એક પળ અને એ ભોળાભટાક માનવીઓના હૃદયના એક-એક ધબકાર સાથે એકરૂપ થવા માગતા હતા. એમને ઉપરછલ્લી સહાનુભૂતિ કે એ. સી. કેબિન જેવી આરામશાહીમાં નેતાગીરી કરવી નહોતી. અંતે તેમણે પોતાને આસાનીથી ઉપલબ્ધ જીવનજરૂરિયાતોને રામરામ કરી દીધા, પોતાના કુટુંબ અને એના પ્રત્યેની જવાબદારીનેય ભૂલાવી દીધી. એક એ નાનકડા પરિવારને છોડીને તેઓ ખૂબ વિશાળ પરિવારના સમુહમાં ખોવાઇ ગયા. ધ્યેય લક્ષ્ય અને મંઝિલ એક જ કે આદિવાસીઓને ન્યાય મળે, માન મળે પોતાના કુટુંબીજનો, સ્વજનો, મિત્રો, અતિત, સંભારણા અને પરંપરાને છોડવાનું આસાન નથી. આના માટે દ્રઢનિશ્ર્ચય અનિવાર્ય હતો. જેનો જન્મ એમની સંવેદના-વેદનામાંથી થયો હતો. આમ થવાના કારણો મોતીલાલ તેજાવતના આ શબ્દોમાં પ્રતિબિંબિત થયા વગર રહેતા નથી.
ખાલસા મેવાડમાં તો બધે બધા હાકમો, નાયબો, થાણેદારો, હવાલદારોથી પરેશાન હતા અને જાગીરી જનતા જાગીરદારી જુલ્મોથી ત્રસ્ત હતી. જુલ્મી અત્યાચારી રાજા અને જાગીરદારી એકબીજાની ભૂલોને છાવરતા હતા. જ્યાં જુઓ ત્યાં જાલીમો હકુમત, લાંચ-રુશ્ર્વત, લૂંટફાટ આચરીને જનતા પર નીતનવા મનધડંત આરોપો મૂકીને ઠગતા હતા. જનતા અસહાય થઇને નિરાશાના ખાડામાં પડી ગઇ હતી. ગરીબ અને ઇજજતદારોની આબરૂ જોખમમાં હતી. જુલ્મો થકી જનતાને ઠગીને પૈસા ખવાતા હતા. ક્યાંક વાત કરી તો જુતા મારીમારીને ઇજજતનું લિલામ કરાતું હતું અને છોગામાં દંડ ફટકારીને તબાહ કી નાખતા હતા અને કમર અને ડોક તોડી નખાતા હતા. નાના-મોટા જાગીરદારો જનતાને પોતાના ગુલામ માનતા હતા. બિચારા અજાણ લોકો પર મનમાન્યો જુલ્મ કરવાનો એમનો હક હતો. નારી, જમીન, પશુ, ગાય-ભેંસ વગેરે સરકારી માણસો અને જાગીરદારના નોકરો લઇ જાય અને કોઇ હરફ સુદ્ધાં ઉચ્ચારવાનું સાહસ કરી શકતા નહોતા. ગાય-ભેંસ દોહીને બળજબરીથી દૂધ લઇ જવું એ તો એમનો હક થઇ ગયો હતો. ઘાસ, લાકડા, દૂધ-દહીં, છોડવા, ખાટલા, ગાદલા, વાસણો જેવી જરૂરી ચીજ-વસ્તુ સાવ મફતમાં લઇ લેવાનો પૂરો હક હતો. જો કોઇ આનાકાની કરે તો બેધડક જુતાથી મારપીટ કરીને ઘરની અંદર ઘૂસીને બધુ લઇ જાય. બ્રિટિશ સરકારનો કોઇ અદનો અમલદાર આ રજવાડામાં આવે તો એની પાસે ફરિયાદ કરવા ન દેવાય.
અને અંગ્રેજ આકાઓની રજવાડા ખૂબ સરભરા કરે એટલે પોતાના પાપ-અત્યાચાર કાયમ ચાલતા રહે. પરંતુ આ આગતાસ્વાગતા કોના ખર્ચે અને જોખમે કરાતી હતી. એ જોઇને મોતીલાલ તેજાવતનું હૈયું કકળી ઉઠતું હતું. આ બધા થકી એક પ્રચંડ નેતા ઘડાતો હતો અને ઐતિહાસિક આંદોલનની પૂર્વભૂમિકા તૈયાર થઇ રહી હતી. જેનાથી અત્યાચારના આકાઓ એકદમ અંધારામાં હતા.(ક્રમશ:)ઉ

1 thought on “જ્યારે અત્યાચારીના શબ્દો જ કાયદો ગણાતા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.