Homeધર્મતેજમાયાનું આવરણ નષ્ટ થાય એટલે તે બ્રહ્મ જ છે. આત્મા અને બ્રહ્મમાં...

માયાનું આવરણ નષ્ટ થાય એટલે તે બ્રહ્મ જ છે. આત્મા અને બ્રહ્મમાં કોઇ ફેર નથી

શાંકરવાણી -ડૉ. અનિલ દ્વિવેદી

वाक्यार्थश्च विचार्यतां श्रुतिशिरःपक्षः समाश्रीयतां
दुस्तर्कात्सुविरम्यतां श्रुतिमतस्तर्कोडनुसन्धीयताम् ।
ब्रह्मौवास्मि विभाव्यतामहरहो गर्वः परित्यज्यतां
देहेडहंमतिरुजझतां बुध जनैर्वादः परित्यज्यताम् ॥
અનુવાદ- વાક્યના અર્થનો વિચાર કરવો, વેદાંતના પક્ષનો સારી રીતે આશ્રય કરવો, ખરાબ તર્કોથી વિરમી જવું, શ્રુતિને અનુકૂળ એવા તર્કનું વારંવાર અનુસંધાન કરવું, ‘હું બ્રહ્મ જ છું,’ આવી દૃઢ ભાવના રોજ કરવી, મિથ્યાભિમાનનો પરિત્યાગ કરવો, શરીરમાં રહેલી હુંપણાની બુદ્ધિને ત્યજી દેવી અને જ્ઞાની વ્યક્તિઓની સાથેના વાદનો પરિત્યાગ કરવો.
સાધન પંચકના આ ત્રીજા શ્ર્લોકમાં શ્રીશંકરાચાર્ય આઠ સાધનો બતાવે છે. પ્રત્યેક સાધનમાં તેઓ આજ્ઞાર્થ પ્રયોજે છે. એટલે કે આ શંકરાચાર્યની આજ્ઞા છે. કોઇની આજ્ઞા સીધે-સીધી માની લેવી, દલીલ કે તર્ક વગર સ્વીકારી લેવી એ ઉત્તમ સમજણ છે. પ્રિય કે પૂજ્ય વ્યક્તિની વાત સીધી જ માની લેવી એ માનનારનો ઉત્તમ વિવેક છે, સમજણ છે અને જેની વાતનો એમ સહજ સ્વીકાર થાય એ એનું અનેરું સદ્ભાગ્ય છે. સીધું માની લેવું, સ્વીકારી લેવું અને ચર્ચા દલીલ પછી સ્વીકારવું- એ બન્ને વચ્ચે ઘણો તફાવત છે, તો આપણે શંકરાચાર્યની આ વાતો સહજ સ્વીકારીએ જેમ કે –
(૧) વાક્યાર્થ વિચાર – વેદાન્તમાં ચાર વાક્યો ઘણાં મહત્ત્વનાં છે-
(અ) प्रज्ञानं ब्रह्म । અર્થાત ઉત્તમ જ્ઞાન, જ્ઞાનનો છેડો અથવા પરમજ્ઞાન એ જ બ્રહ્મ છે. શંકરાચાર્ય માને છે કે જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. તેથી તેઓશ્રી જ્ઞાનને ઘણું મહત્ત્વ આપે છે. જ્ઞાન એ પરમાત્માનું જે સ્વરૂપ છે. જ્ઞાન એટલે ઇશ્ર્વર, જાત અને પરમાત્માના સાચાં સ્વરૂપને વિવેકપૂર્ણ સમજી લેવું, આવું જ્ઞાન બ્રહ્મ છે.
(બ)अहं ब्रह्मास्मि હું બ્રહ્મ છું, પ્રત્યેક જીવ શિવ જ છે. પોતાના આ સ્વરૂપનું જ્ઞાન થાય તે માટે વારંવાર વિચારવાનું કે હું બ્રહ્મ છું.
(ક) तत्वमसि । તે તું છે. તે એટલે બ્રહ્મ તે બ્રહ્મ તું છે. આ વાક્યને શાસ્ત્રોમાં અનેક રીતે સમજાવવામાં આવ્યું છે. સીધો અર્થ એ જ છે કે તે બ્રહ્મ તું જ છો.
(ડ) अपमात्म ब्रह्म ।આ તારો આત્મા બ્રહ્મ છે. આત્માને માયાનું આવરણ છે, માટે તે બ્રહ્મથી
જુદો ભાસે છે. બાકી માયાનું આવરણ નષ્ટ થાય એટલે તે બ્રહ્મ જ છે. આત્મા અને બ્રહ્મમાં કોઇ ફેર નથી.
– આ ચાર વાક્યના અર્થનો વારંવાર વિચાર કરવો.
(૨) વેદાન્તનો આશ્રય- જીવન જીવવા માટે વેદાંતને જીવનમાં ઉતારવું જોઇએ. જેથી અનેક ભ્રમણાઓ દૂર થઇ જાય છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા અને જીવ બ્રહ્મ જ છે. બસ – આ જ વેદાંત છે.
(૩) દુસ્તર્કથી વિરામ- ખોટા તર્કો ન કરવા. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતામાં કહે છે કે સંશયાત્મા વિનશ્યતિ ા વારે વારે દરેક જગ્યાએ સંશય કરનાર વ્યક્તિનો વિનાશ થાય છે દરેક જગ્યાએ તર્ક ન હોય.
(૪)તર્કનું અનુસંધાન- દુસ્તર્ક છોડવા જોઇએ, પણ વેદના પ્રતિપાદન માટે, વેદને સમજવા કે સમજાવવા માટે તર્કનો ઉપયોગ પણ કરવો જોઇએ. વેદના પક્ષના મંડન માટે તર્કનો ઉપયોગ ત્યાજ્ય નથી.
(૫) હું બ્રહ્મ છું- આ વાક્યને વારંવાર વિચારવું જોઇએ અને એવી દૃઢ ભાવના કેળવવી જોઇએ કે હું બ્રહ્મ છું. શરીર વગેરે હું નથી હું ચિદાનંદરૂપ શિવ છું.
(૬) ગર્વ ત્યાગ- અભિમાનનો હંમેશાંને માટે ત્યાગ કરવો જોઇએ. શ્રીમદ્ ભાગવતમાં શિવ-પાર્વતીને પ્રબોધનાર ગંધર્વને પાર્વતી શાપ આપે છે ત્યારે પોતે સાચો હોવા છતાં, શાપનો સહજ સ્વીકાર કરે છે અને પાર્વતીની માફી માગે છે. આ સમયે શિવ કહે છે કે આ જ વૈષ્ણવની મહત્તા છે. નમી દેવું અ જ મહત્તા છે નમી દેવું એ જ મહત્ત્વનું. કહેવત પણ છે ને, નમ્યું તે ઇશ્ર્વરને ગમ્યું.
(૭) અહં મતિનો ત્યાગ – શરીર હું છું આવી બુદ્ધિ છોડી દેવી જોઇએ. શરીર પણછૂટી જશે, આવા ખયાલથી ઘણી અસાર વસ્તુથી છૂટી શકાય છે.
(૮) વાદનો પરિત્યાગ – બુદ્વિશાળી, સમજુ કે જ્ઞાની વ્યક્તિ સાથે વાદ-વિવાદ ન કરવા, કેમ કે વાદ-વિવાદ તર્કશક્તિ પર નિર્ભર છે. તર્કશક્તિ હંમેશાં સત્ય જ બતાવે એવું નથી હોતું. સ્વામી સચ્ચિદાનંદજી બનારસમાં ભણતા ત્યારે દક્ષિણ ભારતના કોઇ એક વિતંડાવાદી સ્વામીજી આવેલા. વિતંડાવાદી એટલે એની પોતાની કોઇ માન્યતા ન હોય. આથી વ્યક્તિ જે મત મૂકે એનું અચૂક ખંડન કરવું એ વિતંડાવાદીનું કામ. આ વિતંડાવાદી સ્વામીજી તર્કશક્તિ અદ્ભુત હતી. બનારસના બધા જ વિદ્વાનો હારી ગયા ત્યારે વિદ્યાર્થી સ્વામી સચ્ચિદાનંદજી તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા અને એમણે પોતોનો મત મૂક્યો કે મારી સામે બેઠેલા દક્ષિણ ભારતના વિતંડાવાદી સ્વામીજી આરિત્રયવાન છે ! બસ પછી તો વિના દલીલે, વિના તર્કે વિતંડાવાદી સ્વામી હારી ગયા !
આથી સારા માણસો સાથે વાદ વિવાદ ન કરવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular