મન જ્યારે નિર્મળ બને છે ત્યારે જનમોજનમની યાત્રા સાફ દેખાવા લાગે છે

ધર્મતેજ

માનસ મંથન -મોરારિબાપુ

‘રામચરિતમાનસ’નું અકાટ્ય સૂત્ર છે કે સત્સંગ ભગવાનની કૃપા વગર શક્ય નથી. ગોસ્વામીજી ‘માનસ’માં બોલ્યા છે:-
રુરૂણૂ લટ્ટર્લૈઉં રુરૂરૂજ્ઞઇં ણ વળજ્ઞઇૃ
ફળપઇૈંક્ષળ રુરૂણૂ લૂબધ ણ લળજ્ઞઇૃ ॥
તો, આ સિદ્ધ સિદ્ધાંત છે કે ભગવાનની કૃપા વગર સત્સંગ સુલભ નથી. રામકથા, ભગવદકથા સત્સંગ છે ને એ ભગવાનની કૃપા વગર શક્ય નથી. એટલે આ આખો કાર્યક્રમ જે કંઈ યોજાયો, શરૂ થયો અને સંપન્ન થશે ભગવદ કૃપાથી. એ પુરુષાર્થ કે પ્રારબ્ધનું પરિણામ નથી, આ કેવળ ભગવાનની કૃપાનું પરિણામ છે.
ભગવાન જ્યારે દ્રવીભૂત થાય, ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે! અથવા તો બીજા અર્થમાં કહેવું હોય તો તુલસીદર્શનમાં એમ કહી શકાય કે ભગવાનની કૃપા એ બીજું કઈ નથી, ઈશ્ર્વરનું દ્રવીભૂત રૂપ છે. તમને સત્સંગ મળે, ત્યારે એમ નહિ માનશો કે તમને સત્સંગ મળ્યો, એમ માનશો કે ભગવાન પીગળેલી હાલતમાં મળ્યા છે ! પ્રવાહી રૂપમાં પરમાત્મા તમને મળ્યા છે. પરમાત્માની કૃપા એ ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ છે.
તમારા મનમાં જે હોય તે વાણીમાં આવશે, મનોવિજ્ઞાન કહે છે. મન જટિલ હશે તો વાણી જટિલ બનશે. મન સરલ હશે તો વાણી સરલ હશે. જિસસે કહ્યું છે કે પરમાત્માના દરવાજે એ આવી શકશે, જે બાળકની જેમ સરળ હશે. મારા પિતાના દરબારમાં એને પ્રવેશ મળશે જે બાળક જેવું સરલ હશે. વાણીથી તમારા મનની પહેચાન મળશે. કુટિલ મન કુટિલ બોલી બોલશે. ખરાબ મન લુચ્ચાઈથી સારી વાણી બોલવાનો પ્રયાસ કરશે તો યે કુટિલતા પકડાઈ આવશે. લોકોમાં જે દંભીઓનાં લક્ષણો ગીતામાં બતાવ્યાં છે, એ આચરણમાં વધુ દેખાઈ રહ્યાં છે, જે મને દિગંબર બનીને દેખાઈ રહ્યું છે. તમે કેવા દંભી થઇ રહ્યા છો ? કરો છો પૂજાપાઠ, કથા સાંભળો છો, હું પણ આપની સાથે ચાલું, કહું કે કહું છું કથા, જેથી આપને ખરાબ ન લાગે, પણ વ્યવહારની દુનિયામાં આપણે બધા કંઈ જુદા જ થઇ જઈએ છીએ. ક્યાં સુધી આવું કરતા રહેશો ? દુનિયા તમારાથી ધોખામાં રહેશે, તમારો પરિવાર તમારાથી રડશે, પણ કાલ જાસુ કો દંડ એની આગળ શું કરશો ? પછી તમે રડશો.
કોઈ સંતને તમારી વકીલાત ન કરવી પડે, તેથી અગાઉથી તમને ચેતવું છું, કે મૌલિક હો. તમે ૨૧,૬૦૦ વાર રામનામ જપો-મારા તમને પ્રણામ. તમે ગીતા, રામાયણ પઢો, હું તમારા માટે ગદગદ છું. પણ તમારા પરિવારના સભ્યોમાં તમે દોષ જ કાઢતા રહો અકારણ, તમારા કુટિલ સ્વભાવને કારણ, તો તમે શું કર્યું ?બ્રહ્માએ ઇન્દ્રિયો બહુધા બહિર્મુખ બનાવી છે, તેથી તમે પકડાઈ જાઓ છો. બોલી બોલવાથી, તમારી ચાલથી ખબર પડી જાય છે. મન કેવું છે એ પ્રમાણે થાય છે.
કાશીના ઘાટ પર કબીર સાહેબ ગંગાના પ્રવાહમાં ઝૂકીને કંઈક જોઈ રહ્યા હતા. એક માણસ નાહવા ગયો, પણ કબીર સાહેબનું તાદાત્મ્ય જોઇને એ ગંગાજીમાં સ્નાન કરવાનું સાહસ ન કરી શક્યો કે બાબા કંઈક જોઈ રહ્યા છે, એમને વિક્ષેપ ન થાય. થોડીવાર પછી નહાઇશ, ગંગા તો બહી રહી છે. પાંચ દસ મિનિટ થોભ્યો, કબીર સાહેબ ખુબ પ્રસન્ન હતા. સ્નાન કરવા આવેલા ભગતે કબીરને પૂછ્યું કે બાબા, આપ શું જોઈ રહ્યા છો? કહે, ‘મારું મન જોઈ રહ્યો છું.’ એણે કહ્યું કે ‘મન તો તમારી અંદર છે, ગંગામાં ક્યાં છે?’ કહે કે એ તો સમસ્યા છે. એટલા ખુશનજર દેખાતા હતા, કબીર સાહેબે કહ્યું કે આજે ગંગા એટલી શુદ્ધ, સ્વચ્છ નજરે પડે છે, નિર્મલ છે, માછલી તરી રહી છે એ દેખાય છે, ગંગા વહી રહી છે, છતાં નીચે જે કાંકરા છે એ પણ દેખાય છે. જે કણ કણ છે, એ સાફ સાફ દેખાય છે. પેલાએ કહ્યું કે એ તો મને પણ દેખાય છે, તેથી તો નાહવા આવ્યો છું એ વાત પર, પણ તમે તો કહો કે તમે મન જોઈ રહ્યા છો.
કબીર સાહેબે કહ્યું કે હું પણ મારા મનમાં ક્યાં કચરો છે, ક્યાં કાંટાકાંકરા છે તે જોઈ રહ્યો છું. આ વખતે પેલો દોહો સ્ફૂર્યો હશે-
કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર
પીછે પીછે હરિ ફીરે કહત કબીર કબીર ॥
ગંગાજીમાં નિર્મળતા આવી તો બધું સાફ સાફ દેખાય છે, પ્યારે બંધુ, એવી રીતે મન પણ જયારે સરળ બની જાય, નિર્મલ બની જાય ત્યારે મનની બધી વાતો ખુલી જાય છે. અરે ! ખુલી શું જાય ? જન્મોજન્મની યાત્રા દેખાવા લાગે છે, એ નિયમ છે. બધું દેખાવા માંડે છે. પણ કબીર સાહેબે સમજાવ્યું, કે જ્યાં સુધી નાની નાની માછલીઓ તરી રહી છે, ત્યાં સુધી નિર્મળતામાં કોઈ બાધ નથી. પણ કોઈ મોટી માછલી જયારે કૂદી પડે છે, કૂદાકૂદ કરે છે, ત્યારે બધું કામ બગાડી મૂકે છે. એવી રીતે આપણા મનના જળાશયમાં મન ગંગા છે, જ્યાં સુધી નાના નાના સંકલ્પો બની રહે, ત્યાં સુધી કોઈ હરકત નથી, પણ જયારે કોઈ તામસી મોટા સંકલ્પો કૂદી પડે છે, ત્યારે મન બગડી જાય છે, ત્યારે મન ખરાબ થઇ જાય છે. લોકો કહે છે ને કે મન ખરાબ થઇ ગયું; મન ભારે થઇ ગયું.
સત્સંગ એટલા માટે છે, કે તમને સાફ દેખાય. સત્સંગ છે તમારું માનસિક સ્નાન. પહેલાં તો તમે તમારા પરિવારને બરાબર કરો, પછી પાડોશીઓને કરો. અને ઠીક કરવાનો તમે ઠેકો નથી રાખ્યો. તમે દીપ પ્રગટાવ્યો, એને રોશની મળવી જોઈએ. ઉપરથી બહુ કરો, અંદરથી તમે સાસુ વહુ પ્રતિ, મોટો ભાઈ નાના ભાઈ પર, બહુ સાસુ પ્રતિ, બહેન, બહેન પ્રતિ, વૈષ્ણવ વૈષ્ણવ પ્રતિ, શ્રોતા શ્રોતા પ્રતિ દ્વેષ કરે કે આ આગળ, અમે પાછળ, આ સંગમાં, અમે દૂર, આવી સરખામણી કરો તો એ તુલના જ તમને મશતિીંબિ કરે છે. આ અસ્તિત્વમાં જુઓ, કોઈ છોડ યા વૃક્ષ એકબીજાની ઈર્ષ્યા નથી કરતા. એક નાનો તુલસીનો છોડ હોય કે મોટુંમસ તાડનું વૃક્ષ, બંને જયારે પવનની લહેર આવે ત્યારે સરખી મોજમાં હલે છે, કારણ નીલ ગગન બધાને મળ્યું છે.
પ્રકૃતિનું કોઈ પણ તત્ત્વ એકબીજાની તુલનામાં નથી. કારણ તુલનામાં સ્પર્ધા પેદા થઇ જાય છે, એ સ્પર્ધા શ્રદ્ધાને ડગાવી નાખે છે. સ્પર્ધા શ્રદ્ધાને ડગાવી નાખે છે. સ્પર્ધાથી શાયદ જય મેળવી શકશો, પણ શ્રદ્ધાથી વિજય મેળવી શકશો. એકવાર ભગવદ્કથા સાંભળ્યા પછી, પરસ્પર અનુકથન (ચર્ચા) કરો. મળેલા સમયનો સદુપયોગ કરો, એ જ બાલકાંડનો સાર છે એક અર્થમાં. આપણે સમયને કેટલો બરબાદ કરીએ છીએ, એટલે હું છૂટ આપું છું. સમય જેમાં જરૂર હોય ત્યાં ખર્ચો, ભોજનમાં વગેરેમાં, પણ પછી બાકીનો જે સમય વધે એને ય મહત્ત્વ આપો. આજકાલ લોકો શું કહે છે? કે ચાલો, કંઇ કામ નહોતું, તો કથામાં જઈ આવીએ. કથા એવી સસ્તી નથી. આપ કથામાં ગયા હતા? નહિ, નહિ, અમે તો ક્યાં કથામાં જઈએ, પણ ત્યાંથી પસાર થતા હતા, તો વિચાર્યું કે ચલોને બે કલાક પસાર થઇ જાય! કલાક કાઢવા માટે કથા નથી, તમારા સમયને સાર્થક કરવા માટે કથા છે. તમે તો સમય બહુ કાઢ્યો છે મારા ભાઈ-બહેન ! વિદેશથી જે આટલા ભાઈ-બહેનો, નાના બાળકો, યુવાનો બધા શું કામ આવ્યાં છે? સમયને સાર્થક કરવા આવ્યાં છે. સમય બહુ મૂલ્યવાન છે. પછી મોડો મળે ન મળે કોણ જાણે છે? સમયનો સદુપયોગ કરો. ‘કરહુ સદા સત્સંગ’ જો સત્સંગનું સાતત્ય થઇ જાય, તો એ પણ થઇ જાય છે. પણ આપણે તો સંસારી લોકો…! જેટલો સમય મળે એનો સદુપયોગ કરો.
(સંકલન : જયદેવ માંકડ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.