Homeઉત્સવજ્યારે અંગ્રેજોએ ૧૬૬૪માં મુંબઈ પોતાને હસ્તક લીધું ત્યારે ૧૫,૦૦૦ની વસતિ હતી

જ્યારે અંગ્રેજોએ ૧૬૬૪માં મુંબઈ પોતાને હસ્તક લીધું ત્યારે ૧૫,૦૦૦ની વસતિ હતી

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

આજે મઝગાંવમાં નવરોજી હિલ નામની જે જગ્યા જાણીતી છે તે જગ્યા પોર્તુગીઝ સમયમાં પણ પારસી માલિકીની હતી અને એ બતાવી આપે છે કે પારસીઓ પોર્તુગીઝ સમયમાં પણ મુંબઈમાં વસતા હતા અને સમૃદ્ધ હતા. આ જગ્યા શ્રી માણેકજી રૂસ્તમજી શેઠની માલિકીની હતી. આખા મઝગાંવનો પોર્તુગીઝ માલિક અલ્વારો પાઈર્સ ડી’ તાવોરા હતો. નવરોજી હિલ પર પથ્થરની ખાણ આવી હતી અને શેઠ પરિવાર પથ્થર કાઢીને મબલખ પૈસા કમાયા હતા. અંગ્રેજો જ્યારે મુંબઈ આવ્યા ત્યારે રસ્તા અને કોટ બાંધવામાં પણ આ નવરોજી હિલના પથ્થરોનો જ ઉપયોગ કરતા હતા. શ્રી અલ્વારો ડી’ તાવોરાએ અને તેના પરિવારે મઝગાંવનું ૧૬૬૭ સુધી રૂા. ૯,૩૦૦ જેટલું વાર્ષિક મહેસૂલ ભર્યું હતું.
આ તાવોરા પરિવારના પ્રથમ પુરુષ રૂઈ બારેન્કો ડી’ તાવોરા ૧૫૩૮માં મુંબઈ આવ્યા હતા અને ૧૫૩૯માં એમને વસઈના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
અંગ્રેજોએ પણ મુંબઈમાં નવરોજી હિલની જગ્યા શેઠ પરિવાર પાસે જ રહેવા દીધી. શ્રી માણેક શેઠના પિતાજી શ્રી રૂસ્તમ માણેક સુરતમાં રહીને વ્યાપાર કરતા હતા અને મોગલ દરબારમાં એટલો પ્રભાવ ધરાવતા હતા કે તેમણે બ્રિટનના પ્રતિનિધિ સર ટોમસ રોને મોગલ દરબારમાં દિલ્હી લઈ જઈને સુરતમાં કોઠી સ્થાપવાની અને વ્યાપાર કરાવવાની પરવાનગી અપાવી હતી.
જ્યારે અંગ્રેજોએ ૧૬૬૪માં મુંબઈ પોતાને હસ્તક લીધું ત્યારે ૧૫,૦૦૦ની વસતિ હતી ૧૬૭૩માં વધીને તે ૭૦ હજારની વસતિ થવા પામી હતી. ૧૮૯૧માં ૮,૨૧,૭૬૪ વસતિ હતી ત્યારે આજે મુંબઈની વસતિ ઉપનગરો સાથે લગભગ એક કરોડ છે.
કેપ્ટન થોમસ ડીકીનસને ૧૮૧૨-૧૮૧૬ના સમયના મુંબઈનો નકશો બનાવ્યો હતો અને ત્યારે વસતી ૨,૪૩,૦૦૦ હતી. આ નકશો લંડનમાં ઈ.સ. ૧૮૪૩માં છાપવામાં આવ્યો હતો.
ઈ.સ. ૧૮૦૩માં મુંબઈમાં મોટી આગ લાગી હતી અને ત્યાર પછી જમીનના ભાવ વધ્યા હતા અને તે ભાવ હતા ચોરસવાર દીઠ રૂા. ૧૨.
ઇંગ્લેન્ડથી સર અબ્રાહમ શીપમેનને મુંબઈના ગવર્નર બનાવીને ૧૬૬૨માં માર્ચ મહિનામાં મોકલવામાં આવ્યા હતા; પરંતુ પોર્તુગીઝ સત્તાવાળાઓએ મુંબઈનો કબજો નહિ સોંપતાં એ જ વરસે ગોવા નજીક અંજદીવ ટાપુ ખાતે મરણ પામ્યા હતા.
૧૬૬૫માં હમફ્રી કુક ગવર્નર બન્યા પણ તેમને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવતા ગોવા ભાગી ગયા અને ત્યાંથી મદદ મેળવી મુંબઈ ઉપર કબજો કર્યો. ઈ.સ. ૧૮૬૮માં ઇંગ્લેન્ડે તેમને બંડખોર જાહેર કર્યા.
૧૬૬૬માં સર ગર્વેસ બુકાઝને મુંબઈના ગવર્નર નીમવામાં આવ્યા અને ૧૬૬૬ના નવેમ્બરની પાંચમીએ મુંબઈ આવ્યા, પણ શંકા જતાં એક મી. કુક મારફતે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને મુંબઈમાં જ મરણ પામ્યા.
૧૬૬૭-૧૬૬૮માં કેપ્ટન હેનરી ગેરી ગવર્નર બન્યા અને તેમણે મુંબઈ ટાપુ વ્યવસ્થિત કરી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે સુપ્રત કર્યો. એમને મુંબઈ ટાપુના ન્યાયમૂર્તિ બનાવ્યા હતા.
૧૬૬૯માં સર જ્યોર્જ ઓકસેનડનને ગવર્નર બનાવવામાં આવ્યા. જ્યારે ૧૬૬૪માં છત્રપતિ શિવાજીએ સુરત ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે મી. જ્યોર્જ ઓકસનેડને બહાદુરીથી સામનો કરી અંગ્રેજોની કોઠી હુમલાથી બચાવી હતી.
૧૬૮૨માં સર જોન ચાઈલ્ડ મુંબઈના ગવર્નર બન્યા હતા અને ૧૬૯૦ના ફેબ્રુઆરીની ૯મીએ મુંબઈમાં મરણ પામ્યા હતા.
મુંબઈના વિકાસનો પાયો નાખનાર જિરાલ્ડ ઓન્જીયર ૧૬૬૯માં મુંબઈના ગવર્નર બન્યા હતા અને એમનું મરણ સુરત ખાતે ૧૬૭૭માં થયું હતું.
૧૬૮૩માં કેપ્ટન રીચર્ડ કેઈગવીન બ્રિટનના રાજાના નામે બળવો કરીને મુંબઈના ગવર્નર બની ગયા હતા. ૧૬૮૪ના નવેમ્બર સુધી મુંબઈનો કારોબાર ચલાવ્યો હતો ત્યાર પછી સર જોન ચાઈલ્ડને શરણે થયા હતા અને ૧૬૮૫માં ઇંગ્લેન્ડ ગયા હતા.
૧૬૯૦માં બાર્થોલોમિયો હેરિસ મુંબઈના ગવર્નર બન્યા હતા. ૧૬૯૪માં સર જોન ગેવર શ્રી હેરિસની જગ્યાએ આવ્યા અને ૧૭૦૦ સુધી ગવર્નર રહ્યા હતા!
(૨૧)
મુંબઈનું બીજુ નામ સાહસ છે. ગજવામાં દસ રૂપિયાની નોટ ધરાવનાર મુંબઈકર એક લાખનું સાહસ ખેડવાની વાત એટલી જ શ્રદ્ધાથી કરી શકે છે. એ અહીંના પાણીનો ગુણ છે. એક અભણ અને અફીણી યુવાન ઘોડા પરથી ઊતરીને ઘોડાની લગામ હાથે બાંધી ઘોડો જ્યાં દોરી લઈ જાય ત્યાં ચાલી નીકળે છે. પાટણના પાદરે આવતાં લોકો એને બાદશાહ બનાવી દે છે અને એ યુવાન તે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ. એ પાટણથી મુંબઈ સુધી આક્રમણ લઈ આવે છે અને વસાઈમાં વિશાળ કિલ્લો બંધાવી ગુજરાતની સલ્તનતનો વાવટો ફરકાવે છે. ઉત્તર ગુજરાતમાં ધૂળ અને રેતીના જોનાર આ બાદશાહ અફાટ અરબી સમુદ્ર નિહાળીને નૌકાદળની સ્થાપના કરે છે અને એનું નૌકાદળ દીવથી જંજીરા સુધી પહેરો ભરતું રહેતું. ત્યારે મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું રહેતું અને અહીંના મૂળ વતનીઓ દેવીપૂજક હતા અને તેઓ અહીં પાંચ માતાઓ સ્થાપી તેની આરાધના કરતા હતા. બહાદુરશાહે તેમના ધર્મમાં જરાયે વિક્ષેપ નાખ્યો નહોતો. આ પાંચ દેવીઓ હતી મુંબાદેવી, મહાલક્ષ્મી, પ્રભાદેવી, શીતલાદેવી અને લીલાવતી દેવી. આ પાંચેપાંચ દેવીઓને સગી બહેન માનીને લોકો પૂજતાં હતાં. મુંબાઈદેવી, પ્રભાદેવી, શીતલાદેવી, મહાલક્ષ્મી એ ચાર દેવીઓનાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે; પણ લીલાદેવીનું મંદિર ક્યાં છે એ જાણવા મળતું નથી. વાંદરા, કુર્લા, થાણે, પારલે, સાંતાક્રુઝ, અંધેરી એ વિસ્તારના જૂની પેઢીના ઈસ્ટર્ન ક્રિશ્ર્ચિયનોની લોકકથામાં પણ આ પાંચ દેવીઓનો ઉલ્લેખ છે. આ લીલાવતી દેવીને મતમાઉલી તરીકે ઓળખાતી માઉન્ટ મેરી હોવાનું ઇતિહાસકારોનું અનુમાન છે.
દિલ્હીનો શહેનશાહ હુમાયૂન જ્યારે ગુજરાતના સુલતાન બહાદુરશાહ ઉપર આક્રમણ લઈ આવ્યો ત્યારે બહાદુરશાહે સૈન્યની સહાય પોર્તુગીઝો પાસે માગી અને બદલામાં આ વસાઈ-વાંદરા મુંબઈનો પ્રદેશ સોંપી દીધો. પોર્તુગીઝ શાસકો-અધિકારીઓ કરતાં પોર્તુગીઝ રોમન કેથોલિક મિશનરીઓ ઝાઝા ક્રૂર-કઠોર હતા અને તેમણે વટલાવવાનો વંટોળિયો ચલાવ્યો. આ ઈસ્ટર્ન ક્રિશ્ર્ચિયનો તે સમયે હિંદુ હતા. એમણે સ્થાનિક કોલીઓની (માછીમારોની) સહાયથી લીલાવતીની મૂર્તિ વાંદરાના બારાના દરિયામાં છુપાવી દીધી. સમય જતાં મિશનરીઓની નજરે એ પડી અને ‘માઉન્ટ મેરી’ નામે દબદબાપૂર્વક સ્થાપના કરી ભવ્ય મંદિર બંધાવ્યું. મૂળ દેવળમાં તો નીચેની જમીન ગાયના છાણથી લીંપવામાં આવતી હતી. સત્તાની છાયા હેઠળ માઉન્ટ મેરીને પ્રસિદ્ધિ મળી જવાનું સરળ થઈ પડ્યું. લોકોની આસ્થા તો પ્રથમથી જ હતી, એટલે વધુ ઊમટી.
આજે સમય એવો છે કે ક્રિશ્ર્ચિયનો કરતાં અન્ય ધર્મના લોકો મતમાઉલીના મેળામાં અધિક પ્રમાણમાં આવે છે અને સપ્ટેમ્બરમાં યોજાતા આ અઠવાડિક મેળામાં ભારે ભીડ જામે છે. માઉન્ટ મેરી-મતમાઉલીમાં લોકો અથાગ શ્રદ્ધા ધરાવે છે. ધારો કે કોઈને કાનમાં અસહ્ય દર્દ થતું હોય તો તે મટી જાય તો મેળામાં કાન ધરાવવાની બાધા લેવામાં આવે છે અને અહીં મીણનાં કાન જ નહિ; શરીરનાં બધાં જ અંગો અને માનવશિશુની મૂર્તિઓ પણ મળી આવે છે. લોકો બાધા મુજબ ચઢાવે છે. આ બાધા સર્વ ધર્મના લોકો લેતા હોવાનું પ્રત્યક્ષ નિહાળવા
મળે છે.
અહીંના પ્રસાદમાં કાળા ચણા વિશેષ છે અને લોકો આસ્થાપૂર્વક લાલ દોરા બાંધવા મેળામાંથી ખરીદે છે.
અહીં સાત દિવસ સુધી મેળો ભરાય છે અને દૂર દૂરથી લોકો આવે છે. ઈસ્ટર્ન ક્રિશ્ર્ચિયનો આ દિવસોમાં ઘરે મિષ્ટાન બનાવે છે અને નવાં કપડાં આ પ્રસંગે પહેરવા ખરીદે છે.
મતમાઉલીના મેળાથી મુંબઈમાં મેળાની શરૂઆત થાય છે અને તે મંદિરો, ચર્ચો, દરગાહો, મેદાનોમાં કાર્તિક પૂનમ-દેવ-દિવાળી સુધી ક્યાંક ને ક્યાંક ચાલતો જ રહે છે. આ અઠવાડિયે આ મેળો ચાલી રહ્યો છે અને મેળામાં એક લટાર મારતાં જણાઈ આવશે કે ખરેખર એ મેટ્રોપોલિટન મેળો છે.
ગઈ સદીમાં એક સમય એવો હતો કે માહિમથી વાંદરા જવું હોય તો દરિયાઈ ખાડી ઓળંગવી પડતી. જ્યારે મતમાઉલીનો મેળો થતો ત્યારે ભારે ભીડ ઊમટતી અને માહિમ-વાંદરાની દરિયાઈ ખાડીમાં હોડી-હોનારતો પણ સર્જાતી.
આ બધી ઘટનાઓની કરુણ કથા સાંભળીને સર જમશેદજી જીજીભાઈ (પ્રથમ બેરોનેટ)ના પત્ની લેડી આવાંબાઈને હૈયે દયા ઊભરાઈ આવી અને રૂા. ૧,૬૪,૫૪૦ના ગંજાવર ખર્ચે માહિમ-વાંદરાને જોડતો પુલ બાંધી આપ્યો અને આજે એ માર્ગ લેડી જમશેદજી રોડના નામથી ઓળખાય છે.
આ પુલ બ્રિટિશશાહીથી ધામધૂમથી ૧૮૪૫માં ખુલ્લો મુકાયો હતો ત્યારે મોટરકાર તો હતી નહિ એટલે બળદગાડાંઓની કતાર ભાયખલાથી માહિમ સુધી લાગી હતી. સહુથી આગળ પુલ પર આગળ વધનાર કેપ્ટન એન્વીનની આગેવાની હેઠળ ચાર તોપો અને લાન્સરની એક ટુકડી હતી. તેની પાછળ કવીન્સ રેજિમેન્ટ (ત્યારે રાણી વિકટોરિયાનું રાજ હતું) અને દેશી પાયદળ ટુકડી પોતાનાં બેન્ડવાજાં સાથે આગળ વધી રહી હતી. ગવર્નરનું બેન્ડ અને સવાર-પાયદળનો રસાલો બપોરે ત્રણ વાગ્યે જ હાજર થઈ ગયો હતો. સાંજે પાંચ કલાકે ગવર્નર સર જ્યોર્જ આર્થર હાજર થઈ ગયા. લેફ્ટ. ક્રોફર્ડ પુલના ઈજનેર હતા. એટલે સહુ પ્રથમ આગળ ઊભા રહ્યા. તેમની પાછળ પુલના કોન્ટ્રેક્ટર શ્રી જમશેદજી દોરાબાજી નાયગામવાલા, લાન્સરની એક ટુકડી, ગવર્નર બેન્ડ, ગવર્નર અને તેમનો રસાલો. તેમની સાથે સર જમશેદજી હતા. એમની ઘોડાગાડીઓ એક હારમાં ચાલતી હતી.
સરઘસ પુલની અધવચ્ચે પહોંચ્યું ત્યારે ખુશાલીમાં તોપો ફોડવામાં આવી હતી.
વાંદરાના છેડે એક મહેરાબ અને મંડપ બાંધવામાં આવ્યા હતા અને ત્યાં લેડી જમશેદજી અને અન્ય અંગ્રેજ મહિલાઓ બેઠાં હતાં. એક કલાક ભાષણ-ગપસપના કાર્યક્રમ પછી એ મંડપમાં ગવર્નર અને અન્ય મહેમાનો માટે ભવ્ય ભોજન-સમારંભ યોજાયો હતો.
આજે તો મુંબઇમાં જમીન સોના કરતાંયે મોંઘી છે, પરંતુ બ્રિટિશરાજમાં ઇ. સ. ૧૭૬૮ના અરસામાં પાણીના મૂલે મુંબઇની જમીન ગણોતપટ્ટે આપવામાં આવતી હતી. ભાયખલા વિસ્તારની જમીન દાદાભાઇ માણેકજી રૂસ્તમજી અને ધનજી પુંજાને વાર્ષિક રૂ. ૪૧૦ના ભાડે પટ્ટે અપાઇ હતી. સરકારે શરત એટલી જ રાખી હતી કે આ જમીન પર આવેલા આંબાની કેરી મુંબઇના ગવર્નરને મોકલી આપવી. સાયન કોલીવાડાનો પરિસઠ રઘુશેઠ સોનીને રૂ. ૩૪૦ના વાર્ષિક રૂ. ૭૧૫ના ભાડે મુંગાજી વિસાજી નામના માણસને સુપ્રત કરાયો હતો. ચર્નીરોડ નામ એટલા ખાતર પાડવામાં આવ્યું છે કે નાના શંકરશેઠની ગાયો અહીં ચરવા આવતી હતી. એ પહેલાં પણ અહીં ઢોરોને ચરવા માટેનું મેદાન ગોચર હતું.
મુંબઇ અઢારમી સદીમાં કેવડું હતું એ પણ જાણવું આજે રોમાંચક થઇ પડે છે. ઇ. સ. ૧૭૭૫માં પાર્સન્સ અને ફોર્બસ એ બે પ્રવાસીઓ મુંબઇની મુલાકાતે આવ્યા હતા. એમાં પાર્સન્સ જણાવે છે કે એપોલો ગેટથી બજારગેટ સુધી એની લંબાઇ એક માઇલ હતી અને એપોલો બંદરથી હોર્નિમન સર્કલ ચર્ચગેટ સુધીની પહોળાઇ લગભગ સવા માઇલ હતી.
ઇ. સ. ૧૭૪૦થી ૧૭૮૦ના અરસામાં મુંબઇને પોતાના વ્યાપાર વાણિજયના વડામથક સાથે જ વતન બનાવનારા શેઠિયાઓમાં ખંભાનના અમીરચંદ સાકરચંદ શાહ, રાધનપુરના મેઘજી અભયચંદ શાહ, વસઇના કૃષ્ણ નારાયણ, સુરતના રૂસ્તમ ડી. નાદીર શાહ, ફરામજી માણેકજી કરાણી અને જમશેદજી નાનાભાઇ ગઝદરનો સમાવેશ થાય છે. નવસારીથી એદલજી જીજીભાઇ વાચ્છા આવ્યા હતા તો હાંસોટથી કાવસજી આર. નારિયેળવાળા આવ્યા હતા. ઉમરાથી ભીમજી ધનજી ઉમરીગર આવ્યા હતા. લવજી નસરનવાજી વાડિયા ૧૭૭૪માં મરણ પામ્યા હતા, ત્યારે તે જમાનામાં પરેલ ખાતે મહેલ જેવું મકાન અને ૩૦૦૦ પાઉન્ડ રોકડા મૂકી ગયા હતા.
અંગ્રેજો ત્યારે મુંબઇથી મોટે પાયે ગુલામનો વેપાર ચલાવતા હતા. મિ. જોન વોટસને ૧૭૭૧માં ફોર્ટ માર્લબરો ખાતે મુંબઇથી ૮૦૦ ગુલામો ચઢાવ્યા હતા. ૧૭૮૦ની વસતિ ગણતરીમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇના શેઠિયાઓ એ વરસે મુંબઇમાં ૧૮૯ ગુલામો ધરાવતા હતા.
ત્યારે રૂઢિવાદ ભારે જોરદાર હતો. ૧૭૭૫માં ભાટિયા લોકો પિતામ્બર નામના એક વણિક યુવાનની હત્યા માટે ભારે બદનામ થઇ ગયા હતા. એનું શબ મોડું મોડું એક વણિકના ઘરમાંથી જ મળી આવ્યું હતું. મુંબઇમાં ૧૭૮૦ની સાલમાં ૨૬૬ ભાટિયા વસતા હતા તેમાં ૧૦૮ પુરુષો, ૭૪ સ્ત્રીઓ અને ૮૪ છોકરાં હતા. વાણિયાની સંખ્યા ૧,૪૯૯ હતી અને તેમાં ૭૨૨ પુરુષો, ૫૨૨ સ્ત્રીઓ અને ૨૫૫ છોકરાં હતાં. પારસીઓની સંખ્યા ૩,૦૮૭ હતી અને તેમાં ૧,૫૮૩ પુરુષો ૧૩૦૮ સ્ત્રીઓ અને ૧૯૬ છોકરાં હતાં. મુંબઇની કુલ વસતિ ૩૩,૪૪૪ હતી.
ઇ. સ. ૧૭૯૯માં મુંબઇથી ગવર્નર જોનાધન ડંકને ટીપુ સુલતાન સામે લશ્કરી ટુકડીની મદદ મોકલાવી હતી.
મઝગાંવ ખાતે પોર્તુગીઝોએ ડુક્કરો તો વસાવ્યાં હતાં, પણ અહીં ફળફૂલ, શાકભાજીની વાડીઓ બનાવી હતી. અહીં આ પોર્તુગીઝ લોકોએ સ્થાનિક લોકોને ‘કલમ’ કરવાની કળા શીખવી હતી. અહીંની કલમી કેરી અને શાકભાજી દેશભરમાં મશહૂર થઇ હતી અને પોર્તુગીઝ લોકો કેરી અને શાકભાજી મોગલ બાદશાહ જહાંગીરને મોકલાવતા હતા. એમણે એક કલમી આંબાનું નામ લાલરૂખ એવું આપ્યું હતું. બાદશાહની બેગમોને આ કલમી કેરી ઘણી ગમતી હતી. પાછળથી આ કેરી ‘દાડમિયા’ તરીકે ઓળખાતી થઇ હતી.
વી. ટી. સ્ટેશનની ઉત્તરે પેદ્રોશાહની દરગાહ ઓગણીસમી સદીમાં બાંધવામાં આવી હતી. એ માટે એસ. એસ. એડર્વઝ જણાવે છે કે એ પેદ્રો નામના પોર્તુગીઝ કે જેણે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો તેની છે. વી. ટી.થી પૂર્વ દિશાએ બિસ્મિલ્લાહ શાહની દરગાહ છે.
સાયન જવા માટે અઢારમી સદીમાં હોડીની મદદ લેવી પડતી હતી, પરંતુ ગવર્નર જોનાધન ડંકનના સમયે સાયન કોઝવે બંધાયો હતો. ૧૯૭૯માં એનું બાંધકામ શરૂ થયું હતું, પરંતુ ૧૭૯૯માં નવેમ્બર મહિનામાં મોટું તુફાન આવ્યું હતું અને બંધાયેલો ભાગ તૂટીને ઘસડાઇ ગયો હતો. કહેવાય છે કે એક પણ પથ્થર રહેવા પામ્યો નહોતો. આ સાયન કોઝવે ૧૮૦૩માં બંધાઇ રહ્યો હતો.
૧૭૨૪માં સુરતના લાલદાસ વિઠ્ઠલદાસ નામના વેપારીએ અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દલાલે મુંબઇમાં પોતાના વેપાર માટે મકાન અને ગોડાઉન બાંધવાની પરવાનગી માગી હતી. આ માગણી સ્વીકારવામાં આવી હતી. આ લાલદાસ અનાજ-કરિયાણાનો પુરવઠો વણજારાઓની પોઠ મારફતે પૂરો પાડતા હતા અને ઘણા વણજારાઓ પણ તેમની સાથે મુંંબઇ આવ્યા હતા ત્યારે મુંબઇમાં વણજારાઓ શેઠિયા તરીકે મહાલતા હતા.
આજે તો વણજારાની પોઠ નથી, પણ રેલવે-જહાજ-વિમાન-ટ્રક-ટેમ્પોની સેવા ચાલે છે. મુંબઇ સમયના પ્રવાહ સાથે બદલાઇ રહ્યું છે, પરંતુ એનો અસલ અલગારી અને અલ્લડ મિજાજ એનો એ જ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular