જ્યારે સંતુષ્ટિ ગુણનું રૂપાંતર અસંતુષ્ટિ ગુણમાં થાય ત્યારે…

લાડકી

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

તમને ક્યારેય એવું લાગ્યું કે લગ્નજીવનનાં અમુક વર્ષો પછી પહેલા જેવો ભાવ કે પ્રેમ બંને પાર્ટનર વચ્ચે નથી રહ્યો? પહેલાં જેની કુટેવો પણ ગમતી કે પાર્ટનરનું ચાઈલ્ડિશ બિહેવિયર વહાલું લાગતું એ હવે કેમ અકળામણનો અહેસાસ કરાવે છે?
બે પાત્રો એકબીજાને પામવા પૂરો પ્રયત્ન કરે છે, પરંતુ એકબીજાને સંપૂર્ણ રીતે પામી લીધા પછી સંતુષ્ટિ ગુણ ઘટવા લાગે છે અને એ અસંતુષ્ટિ ગુણમાં પરિવર્તિત થાય છે. લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ, લગ્નના દોઢ દાયકાની સફરમાં સંતુષ્ટિ ગુણનું યથાવત્ રહેવું કદાચ મોટી સફળતા ગણી શકાય.
આવાં કપલ્સને જોઈને આપણી આંખો ઠરે, પરંતુ આપણી આસપાસ નજર નાખીએ તો મોટા ભાગનાં કપલ્સ પોતાના પાર્ટનરથી એ હદે કંટાળી ગયેલાં જોવા મળે કે આપણને બે ઘડી વિચાર આવે કે આમનું ભેગું કેમ ચાલતું હશે? બે-ત્રણ દાયકાઓ સાથે વિતાવ્યા બાદ પણ પોતાના પાર્ટનર સાથે એવી રીતે વર્તે જાણે કે દુશ્મન ન હોય!
લગ્ન પહેલાં અને લગ્નના તરત પછી ‘મને તારા વગર ઘડીયે ન ચાલે’, ‘તું પહોંચીશ નહિ ત્યાં સુધી મને નીંદર નહિ આવે’, ‘તું નહિ આવે તો હું પણ ત્યાં નહિ જાઉં’, ‘બીજું બધું પછી, પહેલાં તું’, ‘મારી દુનિયાની શરૂઆત તારાથી અને ધી એન્ડ પણ તારાથી જ’, ‘બસ દુનિયાનો/ની બેસ્ટ હબી/વાઈફ માત્ર તું જ’, ‘આવનારા દરેક જન્મમાં તું જ મને મળે’ વગેરે જેવાં વાક્યોનો ધોધમાર વરસાદ વરસતો હોય ત્યાં વર્ષોનાં વહાણાં વીતી ગયા પછી જાણે શબ્દોનો જ દુકાળ પડ્યો હોય એવું ભાસે છે કાં તો શબ્દોના વાવાઝોડાની નવી ઈનિંગ્સ શરૂ થાય છે. જ્યાં ‘મને તારી કે કોઈની સહેજે જરૂર નથી’, ‘તારે આવવું હોય ત્યારે આવજે, હું સૂઈ જઈશ’, ‘તું આવ કે ન આવ, હું તો જઈશ જ’, ‘બીજું બધું પહેલાં, તું ક્યાંય નહિ’, ‘મારી દુનિયાની શરૂઆતથી લઈને અંત સુધીમાં તું ક્યાંય જ નહિ’, ‘દુનિયાનો/ની બેસ્ટ હબી/વાઈફ તું ક્યારેય ન હોઈ શકે’, ‘આ જન્મે તો ભટકાયા, પછી ક્યાંય ન સામાં મળતાં’ જેવાં વાક્યોનો મારો દિવસ-રાત જોયા વિના ચાલતો રહે છે.
પોતાના શ્ર્વાસની ઉપમા જેને આપી હોય એના વધી ગયેલા શ્ર્વાસોશ્ર્વાસની ચિંતા હાંસિયામાં કેમ? જેના શબ્દો સાંભળવા સો કામ પડતાં મૂકી ફોન પર મંડ્યા રહેતા, હવે એના શબ્દોની એલર્જી કેમ? જેને મળવા માટે વડીલો આગળ બહાનાબાજી કરતા, હવે એનાથી દૂર ભાગવાની ઈચ્છા કેમ? જે બે પાત્રોને એકબીજાને વહાલ કરતાં સૂવાની આદત હતી એ હવે એકમેકના સ્પર્શ વગર સૂતાં થયાં છે. જે બે પાત્રો ગમે ત્યાં બહાર જાય ત્યારે એકબીજાને ફોન કરતાં, ક્યારે નીકળી/નીકળ્યો એવું પૂછતાં જે ધીમે ધીમે ઘટવા લાગે ને પછી સાવ બંધ થઈ જાય છે. એ જ બે પાત્રો જે ઘરે આવ્યા પછી એકબીજાને હગ કરતાં, હવે એમાંનું કાંઈ જ રહ્યું નથી. પાર્ટનરનું નાના બાળક જેવું બિહેવિયર અત્યંત ગમતું, જે હવે ત્રાસદાયક લાગે છે. આવું કેમ?
આમ થવા પાછળ ત્રણ કારણો હોઈ શકે. પહેલું કારણ એ કે અહીં બે પાત્રો જ્યાં સુધી એકમેકને સંપૂર્ણ રીતે ઓળખતાં નથી ત્યાં સુધી પરસ્પરનો રોમેન્સ જળવાઈ રહે છે. જેવાં એકબીજાને ઓળખી ગયાં, સ્વભાવને બરાબર સમજી ગયાં કે તરત જ પેલા રોમેન્સ અને સંતુષ્ટિ ગુણનું લેવલ ખબરેય ન પડે એમ નીચે સરકતું જાય છે અને આ બાબત હ્યુમન સાઇકોલોજી પણ સાબિત કરી આપે છે. એટલે જ પહેલી મુલાકાતથી લઈને લગ્નના અમુક સમય સુધી પાર્ટનર્સ વચ્ચે પ્રેમ અને કેર કરવાની તાલાવેલી દોઢ-બે દાયકાઓ પછી પહેલાં જેવી રહેતી નથી.
બીજું કારણ છે પારિવારિક જવાબદારીનો બોજ. લગ્ન પહેલાં બે પરિવારો જ બે વ્યક્તિની તમામ જવાબદારી ઉઠાવતા હોય છે. ઈવન આપણે ત્યાં લગ્નનો ખર્ચ પણ પેરેન્ટ્સ ઉઠાવે છે. એટલે શરૂઆતના તબક્કામાં ચોકલેટ્સ કે ગિફ્ટ્સની આપ-લે અને ક્યારેક ફરવા જવું – આનાથી વિશેષ કોઈ જવાબદારી હોતી નથી, પરંતુ લગ્નનાં અમુક વર્ષો પછી, બાળકોની ઈચ્છાઓ પૂરી કરવામાં, વૃદ્ધ થતા પેરેન્ટ્સની સારસંભાળમાં, પોતાના વૃદ્ધત્વ તરફના પ્રયાણમાં યાદ આવે કે સાલું જેને કાયમ ચોકલેટ્સ ખવડાવેલી એના હાથે અઠવાડિયાના ચાર દિવસ તો બટાકા જ ખાવા પડે છે.
એટલે પરસ્પર ઓળખવું નહિ, પણ ઓળખી જવું અને કૌટુંબિક જવાબદારીની સાથોસાથ પેરેલલ ત્રીજું કારણ છે પોતાના પાર્ટનરની અન્ય લોકો સાથેની નાહકની સરખામણી. ઓફિસના કલિગ્સ, મિત્રો કે પડોશીઓ સાથે અનાયાસે પોતાના પાર્ટનરને સરખાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અપલોડ થતા ફોટોઝમાં આપણા પાર્ટનરને જોવાની તાલાવેલી જાગે છે, પરંતુ ફાંદ અને ગોળમટોળ શરીરમાં વેસ્ટર્ન આઉટફિટ એને નહિ શોભે એવી ખબર પડતાં જ પેલા સંતુષ્ટિ ગુણનું રૂપાંતર અસંતુષ્ટિ ગુણમાં થવા લાગે છે.
શારીરિક સુંદરતાથી લઈને સ્માર્ટનેસ સુધીનું અન્ય સાથેનું કંપેરિઝન દામ્પત્ય જીવનમાં ધીમા ઝેરનું કામ કરી જાય છે. પછી બદલાવા લાગે છે જૂની પ્રેમસભર આદતો જેને પામવા મથતાં આપણે આપણી જાતને કોસીએ છીએ. આમ કરતાં ફરી તણાવભરી સ્થિતિનું નિર્માણ થાય છે. ફરી જવાબદારીઓની સાથોસાથ અન્ય વ્યક્તિ સાથે પાર્ટનરને સરખાવી દેવાય છે. આમ આ ચક્રનું પુનરાવર્તન આપણી જાણ બહાર થયા કરે છે.
એક ભાઈ એમની પત્નીથી ખૂબ કંટાળેલા. લગ્નનાં બે-ત્રણ વર્ષ સુધી એમની લાઈફ મસ્તમજાની ચાલેલી, પણ પછીથી કેટલાક પ્રશ્ર્નો શરૂ થયા. ભાઈને ઠીકઠાક કહી શકાય એવો બિઝનેસ હતો અને એમનાં પત્ની ઘરે રહીને કપડાંનું ઓનલાઈન સેલિંગ કરતાં, જેથી પતિને આર્થિક સહયોગ મળી રહે. વારાફરતી બંનેને સાંભળ્યા પછી એ વાત સ્પષ્ટ સાબિત થઈ ગઈ કે પ્રેમમાં ઊણપ તો નહોતી, પણ બંને ઘર ચલાવવાની જવાબદારીમાં એટલાં જકડાઈ ગયેલાં કે વર્ષો પહેલાં સેવેલાં સપનાંઓને સમયાંતરે કાટ લાગી ગયો. જે પત્નીથી તેઓ કંટાળ્યા હતા એ પત્નીના ટેકા થકી એમનો પરિવાર નભતો હતો.
આ વાત મારે ડેમો આપી સમજાવવી પડેલી. વળી ભાઈએ પોતાની વાતમાં ત્રણથી ચાર વાર અન્ય પાત્ર સાથે એની પત્નીને સરખાવેલી, જે દામ્પત્ય જીવનમાં બિલકુલ સ્વીકાર્ય નથી.
એટલે પોતાના ગમતા પાત્રના બદલાયેલા વર્તનથી હાઈપર થવાને બદલે ‘આવું કેમ થયું?’ આ સવાલ પોતાની જાતને એકાંતમાં પૂછવો જોઈએ. ‘તું આવો નહોતો કે તું આવી નહોતી’ જેવાં વાક્યોનો
સામસામો પ્રહાર છોડી ‘તું જેવો/જેવી છે મારો/મારી છે’ આવું હેતાળ અને પ્રેમાળ વર્તન કરી પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરવો જોઈએ. સૌથી અગત્યનું એ કે વ્યક્તિનું વર્તન અચાનક બદલાતું નથી. એ બદલાવા પાછળનાં કેટલાંક હાઈડ ફેક્ટર્સને શોધી ‘જૈસે થે’માં પાછા ફરી શકાય એમ હોય છે. એક સમયે જેમ ચાઈલ્ડિશ બિહેવિયર ગમતું એમ હવે પછી માથાની ટાલ, વધી ગયેલી ફાંદ, બોખું મોં, લચકી રહેલી સ્કિન, કાનમાંથી બહાર નીકળતા વાળ, ક્ષીણ થઈ રહેલી યાદશક્તિ વગેરેનો સામનો કરવાનો થશે. ત્યારે બેમાંથી એકાદ વ્યક્તિમાં થોડાં વહેલાં ઉપરનાં લક્ષણો દેખાશે. જ્યારે બીજું હજી યંગ લાગતું હશે ત્યારે પાર્ટનરમાં આવી રહેલા પરિવર્તનને અન્ય સાથે ન સરખાવતાં પહેલાં જેટલું જ વહાલ કરવું જોઈએ.
************************
ક્લાઈમેકસ
અંતે તો પતિ-પત્ની નામનાં જુદાં જુદાં બે વ્યક્તિત્વો વચ્ચે ભવોભવનું જોડાણ છે અને લગ્ન નામની સંસ્થામાં વિશ્ર્વાસ પણ છે. એટલે જ કેટકેટલાય પ્રશ્ર્નો હોવા છતાંય, પતિ-પત્નીના જોક્સ પર ખડખડાટ હસીને, તારું-મારું કરતાં કરતાં ‘અમારું’ ક્યારેય ભુલાતું નથી…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.