Homeદેશ વિદેશજ્યારે સરદાર પટેલે દુ:ખી થઈને નહેરુને રાજીનામું મોકલ્યું...

જ્યારે સરદાર પટેલે દુ:ખી થઈને નહેરુને રાજીનામું મોકલ્યું…

આઝાદી બાદ કેટલીક એવી ઘટનાઓ બની જેના કારણે વડાપ્રધાન નહેરુ અને સરદાર પટેલ વચ્ચે મતભેદ ઊભા થયા હતા. બાદમાં કાશ્મીર મામલા અંગે આ મતભેદ એટલો વધી ગયો કે પટેલે પોતાનું રાજીનામું નહેરું મોકલી આપ્યું. આગળ શું થયું એ જાણો

મુંબઇ: પંદર ઓગસ્ટ, ૧૯૪૭ બાદ સરદાર પટેલ બહુ ઝડપથી દેશનું એકીકરણ કરી રહ્યા હતા. કાશ્મીરના મુદ્દા પર પહેલાં પટેલનું વલણ બહુ સક્રિય ન હતું, પરંતુ આદિવાસી હુમલા બાદ તેમણે પોતાનું વલણ બદલ્યું અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ માટે ભરપૂર પ્રયાસ કર્યા. આ પ્રયાસો વચ્ચે ઘણી એવી ઘટાનાઓ બની, જેનાથી તેઓ દુ:ખી થયા અને તેમણે પત્ર સાથે વડાપ્રધાન જવાહરલાલ નહેરુંને પોતાનું રાજીનામું મોકલી આપ્યું. નહેરુએ પણ તે પત્રનો તાત્કાલિક ઉતર આપ્યો હતો.

એ સમયે સરદાર વલ્લભભાઇ પટેલ દેશના નાયબ વડાપ્રધાન અને રાજ્યના ગૃહપ્રધાન હતા. ડિસેમ્બર ૧૯૪૭માં જ્યારે સરદાર પટેલ દેશના એકીકરણમાં સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા હતા, ત્યારે કાશ્મીરના કેટલાક મુદ્દાઓને લઈને નહેરુએ પોતે એ મામલામાં નિણર્ય લીધા હતા. મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી દ્વારા સરદાર પટેલ ઉપર લખાયેલા પુસ્તક ‘પટેલ- અ લાઈફ’માં આ અંગે વિગતવાર લખવામાં આવ્યું છે.

નહેરુને લાગ્યું કે વિભાગ વિનાના પ્રધાન ગોપાલ આયંગર કાશ્મીર વિશે વધુ સારી રીતે જાણે છે. તેથી તેમણે આયંગરને કાશ્મીરની બાબતો જોવાની અને તેની સીધી જાણ કરવાની જવાબદારી સોંપી. આયંગર બંધારણીય નિષ્ણાત હતા અને કાશ્મીરના દિવાન પણ હતા. જ્યારે આયંગરે પોતાનો રિપોર્ટ સીધો નહેરુંને મોકલવાનું શરૂ કર્યું, ત્યારે સરદાર પટેલને પહેલા આ વાત ન ગમી.

જ્યારે પટેલે આ અંગે સીધો આયંગર પાસેથી ખુલાસો માગ્યો ત્યારે નહેરુ તેમનાથી ખૂબ નારાજ થઈ ગયા. તેમણે તરત જ કામની વહેંચણી કરી અને એ અંગે પટેલને પત્ર લખ્યો. કાશ્મીર સંબંધિત બાબતોનું ધ્યાન રાખવા માટે આયંગરને ખાસ કહેવામાં આવ્યું છે. તેમની પાસે કાશ્મીર વિશે ઊંડી જાણકારી અને અનુભવ છે, તેથી તેમને સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ. તેમણે એમ પણ લખ્યું કે આયંગર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી.આના જવાબમાં પટેલે ૨૩ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ નહેરુને લખેલા એક પત્ર સાથે પોતાનું રાજીનામું મોકલી આપ્યું.

નહેરુ માટે લખેલો પટેલનો પત્ર. તા. ૨૩ નવેમ્બર, ૧૯૪૭

મને આજે એક વાગ્યે તમારો પત્ર મળ્યો છે અને તમને તાત્કાલિક જાણ કરવા આ પત્ર લખી રહ્યો છું. આ પત્રથી મને દુ:ખ થયું છે. તમારા પત્રથી સ્પષ્ટ છે કે મારે સરકારમાં મંત્રી તરીકે રહેવું જોઈએ નહીં કે હું રહી શકું તેમ નથી, તેથી હું આ સાથે મારું રાજીનામું મોકલી રહ્યો છું. જ્યારે હું પદ ઉપર હતો, ત્યારે એ સમય અત્યંત તણાવભર્યો હતો અને તે સમયે તમે મારા પ્રત્યે જે વિવેક અને પ્રેમ દર્શાવ્યો એ માટે હું તમારો આભારી છું.

નહેરુનો જવાબી પત્ર

એ જ રાત્રે નહેરુનો જવાબી પત્ર તેમની પાસે પહોંચ્યો. મારા લખવાથી તમને દુ:ખ થયું એનો મને ખેદ છે. જે પ્રકારની ઘટનાઓ બની, મારી અને તમારી વચ્ચે જે પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ એનાથી હું બહુ દુ:ખી છું. આપણે એકબીજાનું ભલે ગમે તેટલું સન્માન કરીએ પણ એવું લાગે છે કે આપણા દ્રષ્ટિકોણમાં ઘણું અંતર છે. જો મારે વડાપ્રધાન તરીકે ટકી રહેવું હોય તો મારી સ્વતંત્રતા પર પ્રતિબંધ ન મૂકાવો જોઈએ અને મને નિર્દેશ આપવાની થોડી સ્વતંત્રતા હોવી જોઈએ. એના કરતાં હું નિવૃત્ત થઈ જઉં તે વધુ સારું છે. કમનસીબે, જો મને અથવા તમારે ભારત સરકાર છોડવી પડે તો આપણે ગૌરવ અને સદભાવ સાથે અલગ થઈશું. મારા સંદર્ભમાં તો મને રાજીનામું આપીને તમને લગામ સોંપવામાં આનંદ થશે.

બાદમાં પટેલે આવો જવાબ આપ્યો

બીજા દિવસે બપોરે વલ્લભભાઈએ જવાબ આપ્યો. તમારા નિર્દેશ આપવાની સ્વતંત્રતા પર અંકુશ લગાવવાની મારી કોઈ ઈચ્છા નથી અને અત્યા સુધી મેં એવું કર્યું પણ નથી. તમારા રાજીનામા કે કામ છોડવાનો સવાલ જ પેદા નથી થતો. હું તમારાથી સંપૂર્ણ સહમત છું કે આપણે જે પણ નિર્ણય લઈશું, એ ગૌરવ અને સદભાવ સાથે લઈશું. હું કોઇપણ પરિસ્થિતિમાં તમારી મદદ કરવાનો પ્રયત્ન કરીશ, પણ મને વિશ્ર્વાસ છે કે હું નિરર્થક રીતે લાંબો સમય તમારી સાથે ચાલતો રહું એવું તમે પણ નહીં ઈચ્છો.

રાજીનામું આપ્યા બાદ પટેલે દેશમાં એકીકરણની પ્રક્રિયા શરૂ કરી. તેમણે દેશના ચાલીસ રાજ્યોને ઓરિસ્સા અને મધ્ય પ્રાંતમાં ભેળવીને સમગ્ર ભારતમાં એકીકરણની પ્રક્રિયા શરૂ કરી. પછી કાઠિયાવાડના બસોબાવીસ રાજ્યોને જોડવાનું કામ શરૂ કર્યું. ત્રેવીસ ડિસેમ્બરે રાજીનામું અને પત્ર મોકલ્યા બાદ તેમણે અનેક યાત્રાઓ કરી. ઘણી જગ્યાએ ભાષણો પણ આપ્યા.

ત્યાર બાદ મહાત્મા ગાંધીએ નક્કી કરવાનું હતું કે હવે સરકારમાં કોણ રહેશે અને કોણ જશે. પટેલ જશે કે નહેરુ તે નક્કી કરવાનું ગાંધી પર છોડી દેવામાં આવ્યું હતું. પટેલને લાગ્યું કે તેમને જ જવું પડશે. નહેરુ અને માઉન્ટબેટન પણ ઈચ્છતા હતા કે સરદાર પટેલ સરકાર માટે જરૂરી છે, તેથી તેમના માટે સરકારમાં રહેવું જરૂરી હતું. બાદમાં મહાત્મા ગાંધીએ નક્કી કર્યું કે સરદાર પટેલ નહીં જાય, પણ નહેરુ અને પટેલ સાથે મળીને કામ કરશે.

RELATED ARTICLES

Most Popular