Homeધર્મતેજધર્મ સ્વયં જ્યારે બીમારી ભોગવે ત્યારે એનો વદ્ય ક્યાં ગોતવો? એને કઈ...

ધર્મ સ્વયં જ્યારે બીમારી ભોગવે ત્યારે એનો વદ્ય ક્યાં ગોતવો? એને કઈ હૉસ્પિટલમાં દાખલ કરવો?

માનસ મંથન -મોરારિબાપુ

करनधार तुम्ह अवध जहाजू ।
चढेउ सकल प्रिय पथिक समाजू ॥
करनधार सदगुरु दढ नावा ।
दुर्लभ साज सुलभ करि पावा ॥
આપણો નાનો એવો પરિવાર હોય તો તેનો કર્ણધાર કોણ ? યુવાની આટલી દેખાય છે ત્યારે તે યુવાનીનો કર્ણધાર કોણ બની શકે ? દરેક વ્યક્તિ કોઈને કોઈ ધાર્મિક ક્રિયાથી આશ્રિત છે, ધર્મ સાથે જોડાયેલા છે ત્યારે તે ધર્મનો કર્ણધાર કોણ હોઈ શકે ? અને મૂલત: આપણી આધ્યાત્મિક યાત્રાનો કર્ણધાર કોણ બને તેની આપણે ‘માનસ’ના ગુપ્ત-પ્રગટ પ્રસંગોથી આ ‘માનસ-કર્ણધાર’ કથા દ્વારા ખોજ કરીએ.
‘તમને સ્વર્ગ મળી જાય.સીધો મોક્ષ મળે.ડાયરેક્ટ ફ્લાઈટ …’ ધર્મ કેટલાં પ્રલોભનો આપે છે ! ધર્મ દુકાનને થડે આવવો જોઈએ, ફેક્ટરીમાં અને ખેતરમાં આવવો જોઈએ. ઘરના ખૂણા ખૂણામાં આવવો જોઈએ. ધર્મ પ્રલોભન ન આપે. ધર્મ માનવને પોતાની નિજતા પ્રદાન કરે. સ્વર્ગ હજી પ્રશ્ર્નાર્થ છે. ગાલિબે કહ્યું છે કે સ્વર્ગકા ખયાલ અચ્છા હૈ ! સ્વર્ગ અત્યારે વડોદરામાં છે. આ શ્રોતાઓ જ ૩૩ કરોડ દેવતાઓ છે. આપ દેવ જેવા લાગો છો. પણ બહુ પ્રલોભનો અપાયાં છે. કયું સ્વર્ગ ? જ્યાં સારા વિચારો થતા હોય, જ્યાં પરસ્પર આપણે પ્રેમથી બેઠા હોઈએ એ સ્વર્ગ ! જ્યાં કોઈને પોતાની સદ્દ્પ્રવૃત્તિની પાછળ કોઈ પ્રલોભન ન હોય એ સ્વર્ગ.
ભગવાનની કથા આપણને જીવનની મૂક્તતા પ્રદાન કરે છે. કથા ધર્મશાળા નથી, પ્રયોગશાળા છે. આધ્યાત્મિક જગતનો આપણો કર્ણધાર કોણ ? વહેલું-મોડું પણ કથાનું પરિણામ આવે તેની શોધ માટે આપણે એકત્રિત થયા છીએ. આપણે આપણી અદામાં જીવી શકીએ, આપણી ફકિરીને કોઈક ચોરી ગયું છે, આપણી જે મૂક્તતા છે તેનું કથા પુન:પ્રદાન કરવા માગે છે.
ધર્મને યથાર્થ રીતે સમજનારો રાજા કર્ણધાર બની શકે. ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા. એ કોઈનો ચડાવ્યો ચડી જાય તેવો નહીં પણ યથાર્થ રીતે સમજી શકે તેવો હોવો જોઈએ. રાજાને ધર્મનાં રહસ્યનો ખ્યાલ હોવો જોઈએ.
રાજા દ્વેષ મુક્ત હોવો જોઈએ. ક્યારેક હાથમાં આવે તો ‘ચાણક્ય નીતિ’ વાંચજો. મારાં શ્રોતા ભાઈ-બહેનો, જે પોતાની જાતનો દ્વેષ કરે છે તેનું મૃત્યુ થાય છે. જે આત્મ ગ્લાનીથી પીડાય. પરિણામે માણસ આત્મઘાત તરફ જાય છે. દ્વેષની સીધી-સાદી વ્યાખ્યા કહું ? આપણો કોઈ સમાન ધર્મી હોય તેના ગુણ સાંભળવા ન ગમે અને તેની નિંદા સાંભળવી ગમે, એટલે સમજવાનું કે તમે દ્વેષનો ડ્રેસ પહેર્યો છે. વિચારો સાહેબ ! આટલો અધ્યાત્મનો વિસ્તાર થયો છે. ધર્મસભાઓ થાય છે, તમે કેટલી શ્રદ્ધાથી સાંભળો છો છતાંય હજી દ્વેષ મુક્તિ નથી થઇ ! મારા ને તમારામાં જો આ દ્વેષ મુક્તિ આવે તો ફડકો બોલે !
હું એક જગ્યાએ કથા કરવા ગ્યો’તો અને કહેવામાં આવ્યું કે કબીરનું પદ નહીં ગાતા ! ધર્મક્ષેત્રમાં જો દ્વેષ આવે તો પછી કહેવું જ શું ! માજી જો નાવ ડૂબોયે…! પછી કોને આધારે જીવવું ? હું ચૈતન્ય મહાપ્રભુની ભૂમિમાં કથા કરવા ગ્યો’તો, મને કહ્યું અહીં રવીન્દ્રનાથ ટાગોર અને રામકૃષ્ણ પરમહંસનું નામ નહીં લેવાનું ! મેં કહ્યું,‘તો કથા બંધ. તું મને આવતો રોકી શકે, મારી વાણીને નહીં ! પ્રણામ. હું જીભથી નહીં જપથી બોલું છું !’
ધર્મ બીમાર થાય ત્યારે એનો વૈદ મારે ક્યાં ગોતવો? ધર્મ સ્વયં બીમારી ભોગવે ત્યારે એને કઈ હોસ્પિટલમાં દાખલ કરવો ? કયાં સ્ટર્લિંગમાં લઇ જાઉં ? જસલોકમાં લઇ જાઉં ? પણ મને એમ સમજાય કે જે કોમામાં હોય તેને ક્યાંય દાખલ કરાય જ નહીં, ખોટી સીટ રોકે ! આપણને ક્યાં ભાન છે. આપણે
શું કરીએ છીએ ! નિષ્કુલાનંદજીનું આ પદ
અદ્ભુત છે-
‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના,
કરીએ કોટિ ઉપાય જી રે…
અંતર ઊંડી ઈચ્છા રહે,
તે કેમ કરીને જાય રે…!’
આમાં કોઈનો દોષ પણ નથી ! સાંકડા પાત્રમાં ઝાઝી વસ્તુઓ સમાય જ નહીં ! આપણી સંકિર્ણતા તો જુઓ ! તમે આટલી શાંતિથી સાંભળો છો તેથી પાંથીએ પાંથીએ તેલ નાખવું છે. હું કંઈ ઉપદેશ આપવા નથી બેઠો. એક મા પોતાની દીકરીને ખોળામાં બેસાડીને તેલ નાખતી હોય,વાળને સાફ કરતી હોય,ગૂંચ કાઢતી હોય,પાંથીએ પાંથીએ તેલ નાખતી હોય. એમાં લીખ પડી હોય અને કાઢીને પોતાની આંગળીમાં મારતી જાતી હોય. વ્યાસપીઠનું કામ આ છે. ખાલી તમારા માથા ઉપર હાથ મૂકીને ભાગી જવાનું કામ વ્યાસપીઠનું નથી, નથી, નથી. ક્યારે હું ને તમે આ રીતે ધર્મને સમજી શકીશું,બાપ! મોડું ન થઈ જાય! આમેય બહુ મોડું થયું! અને જો જાગી જવાય યુવાન ભાઈ-બહેનો,તો હજુ મોડું થયું પણ નથી.
ધર્મની વાત આવે એટલે આ જુવાન ભાઈ-બહેનો બધાં ભાગે, ડરે ! ધર્મ એટલે મારો અને તમારો સ્વભાવ. એને તમે છોડી નહીં શકો. વેદ-ધર્મનું મને ગૌરવ છે. કાઠિયાવાડી શબ્દ કહું તો ‘ફાંકો’ છે. આપણા સનાતન ધર્મ, એની મોટી અસ્મિતા છે મારા માટે, આપણા માટે, અવશ્ય. હિંદુ ધર્મમાં આપણો જન્મ થયો, એ આપણા માટે મોટામાં મોટું સન્માન છે. ગાંધીજી પણ કહેતા કે હિંદુ હોવાનું, કહેવાનું મને ગૌરવ છે; વિવેકાનંદજી પણ કહેતા, પરંતુ ધર્મ આવા લેબલોમાં બંધાય ? ધર્મનું લેબલ નથી હોતું, ધર્મને એક લેવલ હોય છે; એક સ્ટાન્ડર્ડ,એક અવસ્થા હોય છે. માનસ’ નો અર્થ શું થાય ? ‘માનસ’ નો અર્થ થાય છે હૃદય.
‘रचि महेस निज मानस राखा।’
મને કોઈ પૂછે તો કહું કે વેદ અમારો આટલો સનાતન ધર્મ; આટલો મોટો વિશાલ ધર્મ; પરંતુ એમાંથી શીખી-શીખીને આપણે એમ કહી શકીએ કે હૃદય એ મારો ધર્મ છે, સ્વભાવ એ આપણો ધર્મ છે. ધર્મને કેટલો અઘરો કરી નાખ્યો, સાહેબ ! કાં તો વિધિઓમાં આપણો ધર્મ ખોવાઈ ગયો ! સૌને પોતપોતાની રીત રાખવી,પોતાનો પોતાનો સ્વભાવ, પોતાનો ધર્મ.
રામાયણમાં રાગ-દ્વેષને છોડવાનો એક ઉપાય બતાવ્યો છે ! સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજનો આ અર્થ છે ! એમણે કહ્યું છે કે ખર અને દૂષણ એ રાગ-દ્વેષનાં પ્રતીકો છે. ભગવાન રામ એની સામે લડે છે પણ રાક્ષસો મરતા નથી. પછી ભગવાને એક યુક્તિ કરી. એક એક રાક્ષસોને પરસ્પર રામનાં દર્શન કરાવ્યા. ખરને દૂષણમાં રામ દેખાય, દૂષણને ખરમાં રામ દેખાય-એકબીજાને તીર મારે અને મરે !
આપણે પરસ્પરમાં રામ જોતાં થઈને તો જ રાગ-દ્વેષમાંથી મુક્ત થઈએ. એકબીજામાં જ્યારે હરિદર્શન થાય ત્યારે વાત બને-ખાલી મંદિરમાં જ હરિદર્શન થાય, તેમાં દર્શન થાય તે
તો અદ્ભુત છે જ, પણ મંદિર તારું વિશ્ર્વ રૂપાળું, સુંદર સરજન હારા રે… પળ પળ તારાં દર્શન થાયે…! પરસ્પર હરિદર્શન થાય. હું કંઈ તમને ઉપદેશ નથી આપતો, તમારી સાથે જોડાઈને વાતો કરું છું ! હા, બીજું ધીરે ધીરે ભજન વધશે એમ રાગ-દ્વેષ ઓછા થશે. તમે જે પરંપરામાં હો-મારો કોઈ આગ્રહ નથી-સ્મરણ કરો. વ્યર્થકાળ ન ગુમાવો. ત્રીજું જ્યાં કોઈ ભગવાનની ચર્ચા થતી હોય, ગુણાતીત ચર્ચા થતી હોય અને જેમાં કોઈ પ્રલોભન ન હોય ત્યાં-ખૂણામાં બેસી, જ્યાં જગ્યા મળે ત્યાં ચૂપચાપ કથાનું શ્રવણ કરવું તે ભજન છે. રામ ભજનથી રાગ-દ્વેષ ઓછા થશે, થશે અને થશે. પ્રયોગ કરવો પડશે, પછી પરસ્પર રામ દેખાશે અને અંદર અંદરનાં ખર-દૂષણનો નાશ થશે.
– સંકલન : જયદેવ માંકડ

RELATED ARTICLES

Most Popular