ફોકસ -નિધિ ભટ્ટ
આ વખતે ખરમાસ ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ શુક્રવારના રોજ શરૂ થઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનરાશિમાં સૂર્યના ગોચરના સમયગાળાને ખરમાસ કહેવામાં આવે છે. ત્યારે કોઈપણ પ્રકારના શુભ કાર્ય, ખાસ કરીને લગ્ન માટે ખરમાસ શુભ માનવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે ખરમાસમાં સૂર્ય ભગવાનનો પ્રભાવ ઓછો થાય છે, તેથી ખરમાસમાં કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત છે. ખરમાસ વર્ષમાં બે વાર આવે છે, પ્રથમ ખરમાસ માર્ચના મધ્યથી એપ્રિલ સુધી ચાલે છે, બીજો ખરમા ડિસેમ્બરના મધ્યથી મધ્ય જાન્યુઆરી સુધી ચાલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૧૫મી ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ રહ્યો છે, જે નવા વર્ષમાં ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે સમાપ્ત થશે. તો ચાલો જાણીએ ખરમાસ શું છે અને આ સમય દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
ખરમાસની કથા
ખરમાસની કથા મુજબ ભગવાન સૂર્ય સાત ઘોડાના રથ પર સવાર થઇને લગાતાર બ્રહ્માંડની પરિક્રમા કરે છે.તેમને ક્યાય પણ રોકાવાની મંજૂરી નથી હોતી. માન્યતા મુજબ તેમના રોકાવાથી જનજીવન થંભી થઇ જાય છે. જો કે તેમના રથમાં જે ઘોડા હોય છે તે લગાતાર ચાલીને થાકી જાય છે. તેમની આવી હાલત જોઇને સૂર્યદેવને દયા આવી જાય છે અને તે ઘોડાઓને તળાવના કિનારે લઇ જાય છે. તે જ વખતે તેમને યાદ આવ્યું કે જો રથ રોકાશે તો અનર્થ થઇ જશે. જો કે ઘોડાઓનું સદ્ભાગ્ય કે તે વખતે તળાવના કિનારે બે ખર હાજર હતા. ભગવાન સૂર્ય ઘોડાઓને પાણી પીવા માટે છોડી દે છે અને બન્ને ખર એટલે કે ગધેડાઓને રથ સાથે જોડી દે છે. ગધેડાઓને રથ સાથે જોડતા જ રથની ગતિ ધીમી થઇ જાય છે. જો કે ધીમે ધીમે એક મહિનો પૂરો થઇ જાય છે ત્યાં સુધી ઘોડાઓને આરામ પણ મળી રહ્યો હોય છે. આ રીતે ક્રમ ચાલતો રહે છે. આવી રીતે દરેક સૌર વર્ષમાં એક સૌર ખરમાસ આવે છે.
કોઈ શુભ કાર્ય થશે નહીં
એવું કહેવાય છે કે ખરમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આવી રીતે ૧૬મી ડિસેમ્બરથી ૧૪મી જાન્યુઆરી સુધી ખરમાસ દરમિયાન લગ્ન વગેરે જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. કોઈપણ નવું કાર્ય શરૂ કરવા માટે પણ ખરમાસ અશુભ માનવામાં આવે છે.
ખરમાસમાં શું કરવું?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ આખા મહિનામાં સૂર્યદેવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.ખરમાસના આખા મહિનામાં સૂર્ય ભગવાનને તાંબાના વાસણથી અર્ઘ્ય ચઢાવવું જોઈએ.
સૂર્યના પાઠ અને સૂર્યના મંત્રોનો જાપ કરવો જોઈએ.
ખરમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. તેની સાથે જ ઘરમાં કીર્તિ અને કિસ્મત આવે છે.
આ દિવસોમાં માતા, ગાય, ગુરુદેવ અને સંતોની સેવા કરો. આનાથી શુભ ફળ મળે છે.