સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
ક્યારેય વિચાર્યું કે સ્ત્રી પોતાના ગમતાં પુરુષને છોડવાનો નિર્ણય ક્યારે કરે છે? પોતાનું સૌથી વધુ ગમતું પાત્ર છોડતી વખતે એની મન:સ્થિતિ કેવી હોય છે? રિલેશનશિપ હોય કે પછી લગ્ન, મનગમતાં પુરુષમાંથી ખુદને મુક્ત કરવાનો નિર્ણય એ અચાનક લેતી હોય છે કે પછી લાંબા મનોમંથન બાદ?
થોડાંક સમય પહેલાં મને આ પ્રકારના પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. સ્ત્રી હોય કે પુરુષ, બંને જ્યારે પોતાના સૌથી વધુ ગમતાં પાત્રને છોડવાના નિર્ણય સુધી પહોંચે એ સ્થિતિ એના જીવનની સૌથી કપરી પરિસ્થિતિઓમાંની એક હોય છે. એક રીતે જોવા જઈએ તો પોતાના સાથીને છોડવું કદાચ હજીએ આસાન હોઇ શકે, પણ એ નિર્ણય સુધી પહોંચતા સુધીમાં કરેલું મનોમંથન સૌથી વધુ કષ્ટ આપનારું હોય છે. આ મનોમંથન એ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે, ભાંગીને ભૂક્કો કરી નાખે છે, એવો ભૂક્કો કે જે ફૂંક મારીને ઉડાડતા હવામાં છૂ થઈ જાય છે. પોતાની ઈચ્છા ન હોવાથી એ વ્યક્તિના પ્રેમમાંથી મુક્ત થઈ જવાનું સરળ નથી હોતું. સામા પાત્ર પાસેથી પ્રેમ ઝંખ્યો હોય, વારંવાર ઝંખ્યો હોય, પણ પરિણામ શૂન્ય મળે ત્યારે વર્ષોનો પ્રેમ પણ વેન્ટિલેટર પર આવી જાય છે. વેન્ટિલેટર પર ઝોલાં ખાતો એ નાજૂક સંબંધ જ્યારે ભાર વેંઢારી શકવા સક્ષમ રહેતો નથી ત્યારે કાયમ માટે અલવિદા કહીને પ્રેમ પોતાની વાટ પકડી લે છે. એક એવો રસ્તો જેનું ડેસ્ટિનેશન પોતાની જાત સુધી લઈ આવતું હોય.
એમાં પણ જો એ સ્ત્રી પાત્ર હોય ત્યારે એ નિર્ણય પર પહોંચતા સુધીમાં એ ઘણો જ સમય લે છે. ઈમોશનલ પ્લસ લોજીકલ એમ બંને પ્રકારના બ્રેઈનનો ઉપયોગ કરી જાણતી સ્ત્રી પોતાના મનગમતાં પુરુષને છોડતાં પહેલાં સંપૂર્ણપણે તૂટી ગઈ હોય છે. એની તૂટવાની પ્રક્રિયાનો અહેસાસ પુરુષને થવા લાગે ને તો એ પુરુષ માટે લાલબત્તી સમાન છે. પરંતુ આ લાલબત્તીની વેલ્યૂ એ નથી સમજી શકતો, સ્ત્રીની ઝંખનાને એ નથી સમજી શકતો. કોઈ ધીમા પગલે પોતાના જ ઘર ભણી પ્રયાણ કરી રહ્યું છે એનો ખ્યાલ એને નથી આવતો. અને એમાં પોતાની ભૂમિકા સર્વોપરી હતી એ પણ બહુ મોડે મોડે જાણ થતી હોય છે. કેટલાંક કિસ્સામાં તો ‘બધું સમુંસુતરું પાર પડશે’ એવી આશા રાખીને વર્ષો સુધી સંબંધને એકપક્ષે નિભાવતી સ્ત્રી હવે કહેવાતી એ ‘વેઠ’ માંથી વણકહ્યે આઝાદ થઈ જાય છે. એકપણ શબ્દ બોલ્યા વગર છોડીને જતું પાત્ર, એનું મૌન સામા પક્ષે આંખમાં કણાની જેમ ખટક્યા કરે છે.
જેને સૌથી વધુ પ્રેમ કરે છે એને પળવારમાં છોડીને જવું સ્ત્રી માટે જરાય સહેલું નથી હોતું. અને આ ક્ષણિક નિર્ણય પણ નથી હોતો. એ દિવસો, મહિનાઓ અને કેટલાંક કિસ્સામાં તો વર્ષો સુધી પોતાની જાતને સમજાવ્યા કરે છે, ફોસલાવ્યા કરે છે. પોતાના પ્રિય પાત્ર વગર કેમ રહી શકશે એ વિચાર્યા કરે છે. અને જ્યારે એ નક્કી કરી લે છે કે હવે પોતે પોતાના પ્રેમ વગર રહી શકશે ત્યારે એ સંબંધમાંથી છોડી દે છે પોતાની જાતને… જ્યારે એને લાગે કે તૂટી તૂટીને જીવવા કરતાં બહેતર છે એકવાર આ સંબંધમાંથી જ આઝાદ થઈ જવું ત્યારે એ આઝાદ કરી નાખે છે પોતાની જાતને… જ્યારે એને રિયલાઈઝ થાય કે એનું આત્મસન્માન હણાઈ રહ્યું છે ત્યારે એ સંબંધના સન્માનને માટે થઈને મુક્ત કરી નાખે છે એમાંથી પોતાની જાતને… જ્યારે એ યાદ કરે છે ઘૂંટનથી ઘેરાયેલ પળોને ત્યારે ભૂલી જવા માગે છે બે ઘડીનો પ્રેમ જે પોતાના અતિપ્રિય વ્યક્તિએ એના પર લૂંટાવ્યો હતો. વ્હાલના વમળોમાં ફસાયેલી યાદોમાંથી બહાર આવવા માટે એ બધી જ યાદો ઉપર કડવું ઝેર જેવું મહોતું ફેરવી દે છે. પ્રેમ ઉપર હાવી થઈ રહેલી પીડા એને હિંમત ભેગી કરીને એમાંથી છૂટવા સમર્થ બનાવે છે.
સ્ત્રી એકદમ કે અચાનક આવું પગલું નથી ભરતી. આવું કરતાં પહેલાં વારંવાર એ એના ગમતાં પાત્રને જતાવે છે કે, ‘બસ, બહુ થયું. મારા પ્રેમની કસોટી હવે ન કરીશ. હું તો આખેઆખી જિંદગી માટે તને સમર્પિત થઈ ગઈ છું પણ તારી ૨૪ કલાકમાંથી કેટલીક ક્ષણો તો એ પ્રેમ માટે આપ.’ સાયલન્ટલી કહેલી આ વાત પુરુષના મગજમાં કે પછી હૃદયમાં ક્યાંય ઊતરતી નથી. અને કદાચ થોડીઘણી ઊતરે તોય આ બાબત એ સિરિયસલી નથી લેતો. પરિણામ એ આવે છે કે જેણે સમગ્ર જીવન પોતાના માટે કુરબાન કરી નાખ્યું હોય એ હવે પોતાના માટે જીવવાનું શરૂ કરી દે છે, પોતાના માટે જીવવા કટિબદ્ધ થઈ
જાય છે. અને જ્યારે એ પોતાના માટે જીવવાનું શરૂ કરી દે છે પછી ક્યારેય પાછું વળીને નથી જોતી. પ્રેમને એકબાજુ મૂકીને જવાવાળી એ સ્ત્રી ફરી ક્યારેય પ્રેમ વિશે વિચારતી નથી. એમાંથી છૂટીને પથ્થર જેવી બની જાય છે જેથી કોમળ કાળજાને જે ડામ મળ્યાં હતાં એ ફરી ન મળે.
સ્ત્રી અને પુરુષમાં આ સૌથી મોટો તફાવત છે. પુરુષ પોતાની એક્સને મળે તો એઝ ઈટ ઈઝ બીહેવ કરી શકે છે. કદાચ એ ફરી ચાન્સ આપે તો એના તરફ પાછો ફરવાની તૈયારી પણ કરી શકે છે. જ્યારે સ્ત્રી એકવાર કોઈ પુરુષને છોડે પછી આંખ ઉપાડીને એની સામું જોવાનું પણ પસંદ કરતી નથી. ફરી એની લાઈફમાં જવાનું તો દૂર, એનું નામ લેવાથી પણ જાણે એલર્જી થવા લાગે છે. સ્ત્રી ફરી ક્યારેય એવી નથી બની શકતી જેવી પહેલાં હતી. એ ક્યારેય ‘પ્રેમ’ શબ્દ પર વિશ્વાસ નથી કરી શકતી જેવો એને પહેલાં હતો. એ ક્યારેય હવે અન્ય માટે ઘસાતી નથી જેટલી પહેલાં ઘસાતી હતી. એ ક્યારેય હવે ખીલી શકતી નથી જે એના મનગમતાં પુરુષ સાથે મન મૂકીને ખીલી હતી. એ પોતાના છાતીના પાટિયાં હંમેશ માટે બંધ કરી દે છે જ્યાં કોઈકનું નિવાસસ્થાન હતું. એના માટે જીવનનો અર્થ ‘તારા’ માંથી સમેટાઈને ’મારા’ સુધી સીમિત થઈ જાય છે. જે ફરી ક્યારેય કોઈની થઈ શકતી નથી.
જે પ્રેમે એને નાની બાળકી જેમ જીવતાં શીખવ્યું હતું એ જ પ્રેમ એને આ નિર્ણય સુધી પહોંચતા પરિપક્વ બનાવી દે છે. જે નાની નાની વાતોમાં પ્રિયપાત્ર પર નિર્ભર રહેતી એ હવે સ્વનિર્ભર બનવાની તૈયારી કરી લે છે. અરે રડવા માટે કાયમ પ્રેમીનો ખભો શોધવાવાળી સ્ત્રી એને છોડયાં બાદ પોતાનો ખભો જ પસંદ કરવા લાગે છે. કારણ કે હવે એને નથી જોઈતો કોઈનો ઉપકાર કે નથી નભવું બીજા પર… કોઈની આડશમાં ઉડાન ભર્યા પછી, પાંખો કપાઈ ગયા પછી માંડ માંડ નવી પાંખો ફૂટી રહી છે, એ પાંખોથી હવે જાત સાથેની સફરને એ માણવા તૈયાર થઈ જાય છે. એકાંત જાણે એના માટે આંસુ વહાવી નાખવા માટેનું લાઇસન્સ બની જાય છે અને બહારથી મજબૂત અને અડીખમ છાપ ઊભી કરી દે છે. નાજૂક, કોમળ અને કાયમ ખિલખિલાટ કરતી સ્ત્રી મૌન, અક્કડ અને ગંભીર બની જાય છે. હવે નથી એને છેતરાવાનો ડર કે નથી કોઈના પર કુરબાન થવાની ધગશ, એ જીવશે બેફામ, બિન્દાસ્ત અને બહાદૂર બનીને અડગ…!
કલાઈમેક્સ: ‘મારા’ થી ‘તારા’ થવા સુધીની સફરે જે આનંદનો અતિરેક વરસાવ્યો હતો એણે ‘તારા’ થી’ ‘મારા’ સુધીની વળતી સફરમાં પીડાથી પાયમાલ કરી નાખી એ પણ વ્યાજ સાથે…!