સંબંધ જ્યારે સબસ્ટ્રેક્શન નામની સીડી પરથી સડસડાટ ગતિથી ઊતરવા લાગે ત્યારે…

લાડકી

સંબંધોને પેલે પાર – જાનકી કળથિયા

શું તમે તમારી સાથે જોડાયેલા દરેક લોકોને હંમેશાં મદદ કરવા તત્પર રહો છો? નજીકની વ્યક્તિઓ માટે કાયમ સંકટ સમયની સાંકળ બનો છો? શું તમે સામેથી મદદનો હાથ લંબાવો છો કે પછી સામેવાળાના બુલાવાની રાહ જુઓ છો? ક્યારેય એવું લાગ્યું કે કોઈને મદદ કરી એ તમારી મોટી ભૂલ હતી?
એક રીતે કોઈના માટે ઉપયોગી બનવું એ સારો ગુણ છે. કોઈના દ્વારા મદદ માટે લંબાવાયેલો હાથ આપણા સુધી પહોંચે એ આપણા વ્યક્તિત્વનું જમા પાસું પણ ગણી શકાય. એમાં પણ આપણી નજીકની વ્યક્તિ જેના માટે હજારો ખુશીય કુરબાન હોય એના કોઈ કામમાં મદદ કરવાથી મળતી રાહતનું એક્સ્ટ્રીમ લેવલ કદાચ ઇન્ફિનિટ ટાઈમ ચડિયાતું હશે. કોઈના કામમાં આવ્યાનો હાશકારો આપણા મગજમાં ડોપામાઇન કે એનાં જેવાં અન્ય રસાયણોના સ્રાવની સ્પીડમાં ચોક્કસ વધારો કરતો હોવો જોઈએ અને એટલે જ આપણી આસપાસ એવી કેટલીયે વ્યક્તિઓ હશે જે પોતાને ઓલ ટાઈમ ‘હેલ્પફુલ ૧૦૮’ માનતી હશે. કોઈના દ્વારા બોલાવાયા કે તરત જ એવા કેટલાક લોકો હજાર કામ પડતાં મૂકી ફાયર બ્રિગેડની જેમ જે તે સ્થળે હાજર થઈ પોતાની સાથે જોડાયેલી વ્યક્તિની મદદે દોડી જતા હોય છે. મદદ માટેની પોકાર સાંભળી નથી ને દોડતા થયા નથી. જાણે એની એકની મદદની જ સામેવાળું રાહ જોતું બેઠું હોય…!
પરંતુ શું દરેક વખતે સામેની વ્યક્તિ આપણી મદદની લાયકાત ધરાવે છે? સમય, વસ્તુ, પૈસા આપીને કે માઈન્ડનો ઘસારો કરીને, વણમાગ્યે ઓલવેઝ અવેલેબલ રહેનારા લોકોએ વિચારવું જોઈએ કે આપણી મદદ મેળવવાની પાત્રતા એ વ્યક્તિમાં છે કે નહીં… ‘માગ્યા વગર મા પણ ન પીરસે’ આ કહેવત બહુ સમજીવિચારીને કોઈકે બનાવી હશે. આ તો સગા દીકરાને જમાડવાની વાત થઈ જ્યાં મા પાસે પણ માગવું પડે છે. તો પછી જ્યારે સંબંધોના ગણિતમાં મદદરૂપી એડિશન કરવાનું થાય એ પણ વગર માગ્યે ત્યારે એ સંબંધ મલ્ટિપ્લાય થતો હોય ત્યાં બુદ્ધિક્ષમતા પ્રદર્શિત કરાય, પણ જો સંબંધ સબસ્ટ્રેક્શન નામની સીડી પરથી સડસડાટ ગતિએ ઊતરવા લાગે તો મદદ માટે લંબાવેલો હાથ વહેલી તકે ટૂંકો કરી નાખવામાં જ શાણપણ છે. આપણા બધાની તકલીફ એ છે કે આપણામાં રહેલી લાયકાત, આવડત, હોશિયારી, ખૂબી, જ્ઞાન, સ્કિલ વગેરે ગુણોનો પરિચય આપવા ઓલ ટાઈમ રેડી હોઈએ છીએ. કોઈના કામમાં આવ્યાના અઢળક આનંદમાં આળોટ્યા પછી જ્યારે એ વ્યક્તિના ચેકલિસ્ટમાં દૂર દૂર સુધી પણ આપણું નામ નથી એની જાણ થતાં એક જ ઝાટકે અંદર રહેલો જ્ઞાનનો પારો અધોગામી દિશામાં ઊતરવા લાગે છે.
એક કપલ પોતાના દીકરાના વિચિત્ર વર્તન બદલ દુ:ખી હતું. નાનપણથી દીકરાને સહેજ કંઈક થાય કે તરત જ બેબાકળું બની જતું. ચોટ વાગે એ પહેલાં જ એનો ઈલાજ શોધી લે. ઉંમર પહેલાં પોતાના દીકરાની ડિમાન્ડ પૂરી થઈ જતી. અરે ક્યારેક તો માગ્યા વગર સરપ્રાઈઝ રૂપે મોંઘીદાટ વસ્તુઓ આપતું. તગડી ફી ભરીને વિદેશમાં ભણવા મોકલ્યો, ધામધૂમથી લગ્ન કરાવ્યાં, બિઝનેસ સેટ કરાવ્યો. એમાં લોસ ગયો. દીકરાને ખબર પણ ન પડે એ રીતે દેવું ભરપાઈ પણ કરી આપ્યું. પરિણામ એ આવ્યું કે સમય જતાં દીકરા માટે એના પેરેન્ટ્સ માટેની વેલ્યુ રહી નહિ, કારણ કે એને ખબર પડી ગઈ હતી કે એના પેરેન્ટ્સ પોતાના દીકરા માટે ૨૪*૭ ૧૦૮ની જેમ અવેલેબલ હોય છે. હવે એ કપલને પોતાના દીકરાના વર્તન કરતાંય પોતાના આવા વર્તન બદલ ખૂબ અફસોસ થાય છે.
થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો જોયેલો. એક ભાઈ બાઇક પર દૂધનાં મોટાં કેન ભરીને રસ્તા પર ભીખ માગતા ગરીબોને દૂધ પીવડાવે છે. એક કે બે વખત નહિ, પણ જોઈએ એટલી વાર ગ્લાસમાં દૂધ આપે છે. એટલે પેલી ભીખ માગનાર વ્યક્તિ ત્રીજી વખત ભરી આપેલા ગ્લાસમાંથી થોડું દૂધ નીચે ઢોળી નાખે છે. મતલબ અહીં મદદ કર્યાનું વ્યર્થ ગયું એમ સાબિત થાય છે.
એટલે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સંબંધ ભલે કોઈ પણ હોય, એ પછી માતા-પિતા અને સંતાનનો હોય કે પતિ-પત્ની હોય, મિત્રો હોય કે પછી બોસ-કલિગ્સ હોય, પડોશી હોય કે પછી આપણી સાથે જોડાયેલા સંબંધીઓ હોય કે પછી સાવ અજાણ્યા લોકો ભલે હોય, એની વહારે દોડતાં પહેલાં એક વાર અવશ્ય વિચારવું જોઈએ કે એ માણસને આપણી મદદની કેવી અને કેટલી માત્રામાં જરૂર છે, કારણ કે આપણા દ્વારા અન્યો માટે ઉપયોગી બનતું, આપણા આંતર મનના ઊંડાણમાં રહેલી એનર્જીનું ઈન્વેસ્ટમેન્ટ કોઈ પણ આવીને ભાંગીને ભુક્કો કરી નાખે તો આપણા જેવા મૂર્ખ કોઈ નથી એમ સમજી લેવું. વ્યક્તિમાં રહેલી કળા, જ્ઞાન, આવડત એ તો મહામૂલી મૂડી છે. એનો સદુપયોગ સામેની વ્યક્તિમાં રહેલી લાયકાતના આધારે થાય એ જ ઉત્તમ, બાકી તો આપણું ફીંડલું વળી ગયું એમ માની જાત પર હસવાની પ્રેક્ટિસ કરી લેવી.
કહેવાય છેને કે જરૂર પડ્યે ભગવાનનેય સાદ પાડવો પડે છે. વગર બોલાવ્યે વિશ્ર્વનો વડોય ભાવ તો ખાય જ. એટલે ક્યારેક આવો ભાવ ખાવાની ટેવ પાડવી એ પણ સંબંધોમાં મીઠી ચાસણીનું કામ કરી જાય છે, કારણ કે આમ કરવાથી જે તે માણસના મનમાં આપણી વેલ્યુ એઝ ઈટ ઈઝ જળવાઈ રહેશે. એ વ્યક્તિને એટલીસ્ટ અહેસાસ તો થવો જોઈએ કે એણે આપણી મદદ લીધી છે અને આપણામાં રહેલું કૌશ્યલ રેઢું તો નથી જ પડ્યું. અહીં સામેની વ્યક્તિ પર ઉપકાર કરવાની વાત નથી, પણ એના કામને આગળ ધપાવવા આપણે કરેલી મહેનત એળે ન જાય એ શીખવાની બાબત છે.
એટલે કોઈ પણની હેલ્પ કરતાં પહેલાં એ વિચારો કે એ વ્યક્તિને આપણી મદદની કેટલી, ક્યારે અને ક્યાં જરૂર છે. અંગતમાં અંગત ગણી શકાય એવા લોકોથી જ છેતરાઈએ છીએ આ વાતની કાળજી પહેલેથી રાખવી. આપણી મદદ લીધા પછી જ્યારે આપણને એ માણસની જરૂર પડશે ત્યારે એનો સથવારો હશે કે કેમ એ પણ વિચારી લેવું. ઘણી વાર સમય પહેલાં જ સોલ્યુશન શોધી આપીએ છીએ, જરૂર કરતાં વધુ આપી દઈએ છીએ, દર વખતે ઓલવેઝ અવેલેબલ રહીએ છીએ, કસમયે જ્ઞાનનું પ્રદર્શન કરીએ છીએ, નજીકની વ્યક્તિ માટે સઘળું જતું કરવાની તૈયારી બતાવીએ છીએ, આ બધી જ વસ્તુ કે આપણી સારપનો લાભ તો નથી લેવાઈ રહ્યોને એનાં તમામ પાસાંનો વિચાર અવશ્ય કરી લેવો. એન્ડ લાસ્ટ, ગમે એવા સગા માટે ઘસાતાં પહેલાં આપણું ઘસાવું લેખે લાગે એમ તો છેને એ બાબતે મગજના છેલ્લા કોષ સુધી વિચારવાની કસરત કરી લેવી.
—————–
ક્લાઇમેક્સ
તારા એક સાદે ઉપસ્થિત થનારી ‘હું’ તારા વર્તનથી એવી તો ડઘાઈ ગઈ કે હવે મારા તરફ લંબાતા દરેક જાણીતા હાથને શંકાની નજરે જોઉં છું…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.