પુરુષ જ્યારે યસ મેન બને છે ત્યારે

પુરુષ

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

પોતાની પ્રોફેશનલ લાઈફમાં કે વર્ક પ્લેસ પર સિનિયર્સની સામે, ઑનર્સની સામે કે સ્થાપિતોની સામે આપણે યસ મેન થવું કે ન થવું એ વિશેની વાતો આપણે શરૂ કરી હતી. યસ મેન બનવું એટલે સીધી રીતે વહાલા થવાની વૃત્તિ અથવા પોતાની ફેક ગુડવિલ ઊભી કરવાની વૃત્તિ એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. મોટે ભાગે તો પોતાના કામના સ્થળે લોકો યસ મેન થવાનું પસંદ નથી કરતા, પરંતુ તેમના સિનિયર્સ કે ઑનર્સને પોતાની બિરદાવલી ગવડાવવાની ઈચ્છા હોય છે, જેને કારણે તેઓ પોતાના જુનિયર્સ અથવા નવા-સવા લોકોને યસ મેન બનાવવાની પેરવી કરતા રહે છે.
પરંતુ સામે પક્ષે કર્મચારીઓ પણ એવા હોય છે, જેઓ એવું વિચારી લેતા હોય છે કે તેઓ પોતાના બોસ કે સિનિયર્સને ‘અરે બહુ સરસ’ કે ‘તમે કર્યું એટલે ફાઇનલ’ કે ‘વાહ, તમારા નિર્ણયોમાં કંઈ પૂછવાનું જ ન હોય’ એવું કરતા રહેતા હોય છે. આ કારણે થાય એવું કે તેમના બોસ અને સિનિયર્સ તો તેમનાથી પ્રભાવિત થઈ જતા હોય અથવા તેમને પોતાની પાંખમાં રાખીને ફરતા રહેતા હોય છે, પરંતુ ઑફિસમાં આવા યસ મેન અળખામણા થઈ પડતા હોય છે. જેને કારણે આવા યસ મેન વહેલા કે મોડા ઑફિસ પોલિટિક્સનો અત્યંત આસાનીથી ભોગ બની જતા હોય છે.
તો બીજી તરફ માણસ ઑફિસમાં યસ મેન બને છે અથવા તે પરફોર્મન્સ કે સ્કિલ ડેવલપમેન્ટની સામે યસ મેન બનવાનું પસંદ કરે છે ત્યારે તે આપોઆપ પોતાના ફાઉન્ડેશનનાં વર્ષો ફાલતુ પંચાતોમાં વેડફી દે છે. એના કારણે એક તેઓ શીખવા જેવાં કામો પણ નથી શીખતા અને જીહજૂરી કરવામાં પોતાનો સમય એવા માણસ પાછળ વેડફે છે, જે લોકો ખૂબ જ ટૂંકા ગાળામાં કે અમુક વર્ષોમાં કંપની છોડી જવાના હોય અથવા તો રિટાયર્ડ થવાના હોય.
તો પછી આવા સંજોગોમાં પેલા જીહજૂરીવાળા પોપટોનું શું થાય? તો કે એક તો ઑફિસમાં તેઓ આમેય અળખામણા થયા હોય. તો વળી, તેમણે યસ મેન બનીને અમુક ચોક્કસ લોકોના વહાલા થઈને પોતાની કામચોરી કરી હોય એટલે કંઈ શીખ્યા ન હોય. એટલે
જ્યારે એમના સિનિયર્સ કે બોસ ઑફિસમાંથી નીકળે ત્યારે એમને ચારેય દિશાએથી પ્રેશર શરૂ થાય, જે પ્રેશરમાં તેમણે કામ તો કરીને જ બતાવવું પડશે, પરંતુ સાથોસાથ સારા માણસ તરીકેની પોતાની છાપ પણ ઊભી કરવા પ્રયત્નો કરવા પડશે, કારણ કે આખી ઑફિસ તેમને ચાંપલા તરીકે ઓળખતી હોય છે અને જેઓ ચાંપલા તરીકે ઓળખાતા થઈ ગયા હોય છે એવા લોકોને ઑફિસનો નાનામાં નાનો સ્ટાફ પણ માન આપતો નથી. માન આપવાની વાત તો ઠીક, જેઓ ચાંપલા તરીકે ઓળખાતા થઈ ગયા હોય, એવા લોકોનું ડિરેક્ટલી અથવા ઈનડિરેક્ટલી અપમાન પણ થવા માંડતું હોય છે.
આ કારણે જ જે માણસ એક વાર યસ મેન બનવાનું પસંદ કરે છે કે તેઓ એવું માનતા હોય છે કે અમે યસ મેન બનીશું એટલે અમારા કામમાં બહુ પ્રગતિ કરીશું અને બોસની નજીક રહીશું તો તેઓ હંમેશાં ખોટા ઠરતા હોય છે. એના કરતાં જેઓ ખંતપૂર્વક અને વિનમ્રતાપૂર્વક પોતાના કામને વળગેલા રહે છે તેમ જ ધીરજપૂર્વક સતત પોતાની સ્કિલ્સને ડેવલપ કરતા રહે છે એવા લોકો હંમેશાં એક ચોક્કસ સ્થાને પહોંચતા હોય છે અને સ્થાને ન પહોંચે તો પણ તેઓ એક રિસ્પેક્ટ અર્ન કરતા હોય છે, જે રિસ્પેક્ટ માણસને એક વિશિષ્ટ સંતોષ અપાવતા હોય છે, જે સંતોષ યસ મેનને ક્યારેય મળતો નથી.
એટલે જ આપણી સામે લાખ પ્રલોભન હોવા છતાં જીવનમાં પ્રોફેશનલ ફ્રન્ટ પર ક્યારેય યસ મેન ન બનવું. હા, કાણાને કાણો કહેવાની વૃત્તિ પણ ન રાખવી, કારણ કે અમુક લોકો એવા હોય છે, જેઓ આખી જિંદગી એવી હોશિયારી ઠોકતા ફરતા હોય છે કે ‘હું તો જે હોય એ મોઢા પર કહી દઉં છું!’ પરંતુ એવા લોકો પણ કંઈ જીવનમાં તોપ નથી ફોડી શકતા, કારણ કે આવા આખાબોલા લોકોને સામાન્ય રીતે મોટા લોકો પાંખમાં રાખતા નથી. એટલે યસ મેન ન બનવાનો અર્થ આખાબોલા થવાનો પણ નથી. તો પછી યસ મેન ન બનવાનો અર્થ શું થાય? આવતા મંગળવારે એ વિશે વાત કરીએ. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.