Homeટોપ ન્યૂઝવૉટ્સએપ સેવા કામચલાઉ ઠપ

વૉટ્સએપ સેવા કામચલાઉ ઠપ

નવી દિલ્હી: મંગળવારે બપોરે લગભગ ૯૬ મિનિટ સુધી બ્રિટનથી ભારત સુધી વિશ્ર્વના અનેક દેશોમાં વૉટ્સએપ મેસેન્જર બંધ રહ્યું હતું. બપોરે ૧૨.૩૦ વાગ્યે બંધ થયેલું મેસેન્જર ૨.૦૬ વાગ્યે ફરી કાર્યરત થયું હતું. જોકે, ત્યારપછી કલાકો સુધી વૉટ્સએપ વબમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી પડતી હતી. દિવાળીના દિવસોમાં શુભેચ્છા સંદેશાનો વ્યવહાર અને વીડિયો કૉલનો સિલસિલો ચાલતો હતો ત્યારે અચાનક વૉટ્સએપનું સર્વર હંગામી ધોરણે બંધ પડતાં લોકોને સૂર્યગ્રહણ પૂર્વે સોશિયલ મીડિયામાં ગ્રહણનો અનુભવ થયો હતો. વૉટ્સએપ આઉટેજની ૨૯,૦૦૦ ફરિયાદો નોંધાઈ હતી. ડાઉનડિટેક્ટરે ભારતમાં મુખ્યત્વે દિલ્હી, મુંબઈ, બેંગલૂરુ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં આઉટેજની વધારે અસર થઈ હોવાનું નોંધ્યું હતું.
દોઢ કલાક સુધી વૉટ્સએપ યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશાનું આદાનપ્રદાન અટકી જતાં ઘણા લોકોને તેમના મોબાઇલ ફોન બગડી ગયાની શંકા પડી હતી. જોકે, વેબસાઇટડાઉન ડિટેક્ટરે વૉટ્સએપ નિષ્ક્રિય થયાનું નિશ્ર્ચિતરૂપે જણાવ્યું હતું. ભારતમાં ૩૯ કરોડ અને વિશ્ર્વમાં બે કરોડથી વધુ યુઝર્સ ધરાવતું વૉટ્સએપ વિશ્ર્વનું સૌથી મોટું ચૅટ પ્લેટફોર્મ અને સૌથી વધુ વપરાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં યૂ ટ્યૂબ પછી ત્રીજા ક્રમે છે. હાલ વિશ્ર્વમાં ફેસબુકના ૨.૮૫ અબજ મન્થલી ઍક્ટિવ યુઝર્સ અને ઇન્સ્ટાગ્રામના ૧.૩૮ કરોડ મન્થલી ઍક્ટિવ યુઝર્સ છે. હાલ વૉટ્સએપની માલિકી મેટાવર્સ પાસે છે. મેટાવર્સ નામે ઓળખાતા ફેસબુકે વર્ષ ૨૦૧૪માં આ હસ્તાંતરણ કર્યું હતું.
વૉટ્સએપ યુઝર્સે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ફરિયાદો કરવા માંડી હતી. મેસેજિંગ સર્વિસ અટકતાં વૉટ્સએપ તરફથી તેના ટ્વિટર હૅન્ડલ પર જણાવવામાં આવ્યું હતું કે ‘અમે જાણીએ છીએ કે હાલમાં કેટલાક લોકોને સંદેશા મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. અમે શક્ય તેટલી ઝડપથી વૉટ્સએપને રિસ્ટોર કરવા પ્રયત્નશીલ છીએ.
ગયા વર્ષના ઑક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એક રાતે ૯.૧૫ વાગ્યાથી મધરાત પછી ૩.૨૦ વાગ્યા સુધી છ કલાક સમગ્ર વિશ્ર્વમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ પ્લેટફોર્મ્સ બંધ રહેતાં અબજો યુઝર્સને તકલીફ પડી હતી. એ આઉટેજને પગલે અમેરિકાના બજારમાં ફેસબુકના શેરની કિંમત છ ટકા ઘટી હતી. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular