Homeરોજ બરોજવોટ્સએપની વ્યાધિ : દર થોડા મહિને વોટ્સએપને વાંકું શું પડે છે?

વોટ્સએપની વ્યાધિ : દર થોડા મહિને વોટ્સએપને વાંકું શું પડે છે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

મુંબઈના હાઇરાઇઝ બિલ્ડિંગની બહાર બેઠેલા આધેડ ચોકીદારને ભારે આશ્ર્ચર્ય થયું. લોકો બિલ્ડિંગની બાલ્કનીમાં ઊભા રહેવા લાગ્યા અને અલક મલકની વાતો કરવા લાગ્યા. કોઈના હાથમાં મોબાઈલ ફોન હતો જ નહીં. આટલા વર્ષે ચોકીદારે પહેલીવાર એવું દૃશ્ય નિહાળ્યું કે જ્યારે આડોશી પાડોશી મોબાઈલ ફોન વગર એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો આ બિલ્ડિંગમાં રહે છે. તેની જાણ લોકોને પણ આજે થઈ હોય એવું લાગતું હતું. ચોકીદારે તુરંત બીજી શિફ્ટમાં આવનાર ચોકીદારને ફોન કરીને કહ્યું કે, ‘નક્કી દાળમાં કંઈક કાળું છે આજે બધા લોકો બાલ્કનીમાં ઊભા ઊભા વાતચીત કરી રહ્યા છે. કોઈને મોબાઇલ ફોનમાં રસ નથી. એવું તો શું થયું કે ઘરની બહાર નીકળવું પડ્યું?’ સામે છેડેથી અવાજ આવ્યો ‘કાકા, અત્યારે વૉટ્સએપ બંધ થઈ ગયું છે. મેસેજ એક ફોનમાંથી બીજા ફોનમાં સેન્ડ થતા નથી એટલે લોકો હવે અકળાઈ ગયા છે. કદાચ એ કારણ હોઈ શકે કે તેઓ બાલ્કનીમાં ઊભા છે’ ખરેખર! આવા દૃશ્યો માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્ર્વભરમાં સર્જાયા.
દિવાળી બાદ અને નવા વર્ષ પહેલા ગ્રહણના કાળા વાદળો સર્જાયા હતા. લોકો માટે એ દિવસ ગ્રહણથી ડરવાનો નહીં પરંતુ જીવનને માણવાનો બોધપાઠ બનીને રહ્યો. કાળી બપોરે જ્યારે સૂર્યદેવ આગ ઓકી રહ્યા હતા એવા સમયે વૉટ્સએપ હેન્ગ થઈ ગયું. તેની સાથે તો લોકોના હૈયા પણ અટકી ગયા. જે સમાચાર સંસ્થાઓ સતત વૉટ્સએપ પરથી સમાચારો મેળવી રહી હતી તેઓ અકળાયા, ચેટિંગ કરતી જનરેશન દુ:ખી-દુ:ખી થઈ ગઈ, ઘણાયએ તો સ્માર્ટ ફોનને ૫-૬ વખત રિસ્ટાર્ટ કરી દીધો. પછી લોકોને ભાન થયું કે કોઈ ટેકનિકલ ઇસ્યૂ સર્જાયો હશે એટલે વૉટ્સએપ બંધ થઈ ગયું છે. છેલ્લે આવી ઘટના એક વર્ષ પહેલા બની હતી જ્યારે આર્યન ખાનની ધરપકડ એનસીબીએ કરી હતી. સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થઈ ગયા હતા કે શાહરૂખ ખાને વૉટ્સએપને હેક કરીને તેના સર્વરને ડાઉન કરી દીધા છે. જેથી એનસીબીની ટીમ આર્યન ખાનની ચેટ વાંચી ન શકે. તદ્દન વાહિયાત કહી શકાય એવા મેસેજના કારણે લોકો પણ એવું સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા કે શાહરૂખ આવું કરી શકે પણ એ ફેક ન્યુઝ હતા. એ સમયે રાત્રિના ૯:૩૦ વાગ્યાથી ૦૧:૩૦ વાગ્યા સુધી વૉટ્સએપ બંધ રહ્યું અને લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તરફ વળ્યા. ત્યાં પણ નિરાશા જ સાંભળી સાંપડી કારણકે આ ત્રણેય એપ્લિકેશન મેટાવર્સ નામની કંપનીના નેજા હેઠળ લોકોનો ડેટા અને સમય ચૂસી રહી છે. એટલે કંપનીમાં કોઈ ટેકનિકલ ઈશ્યૂ સર્જાય તો તેની સીધી અસર ત્રણેય પર થાય છે. માર્ક ઝુકરબર્ગે એવું ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું હતું કે, ‘સર્વરમાં એક નાનકડો ઇશ્યૂ સર્જાયો હતો. જેના કારણે આ ઘટના બની.’ અહીં એવો પ્રશ્ર્ન થાય કે એવો તો કયો ઈશ્યૂ હતો કે જેણે બે અબજ લોકોને પરેશાન કરી દીધા.
વૉટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દૈનિક એવા પ્રયત્નો જ કર્યા કરે છે કે લોકો તેના બંધાણી બને અને સતત સોશિયલ મીડિયામાં જ રચ્યા-પચ્યા રહે, એટલે જ ઇન્સ્ટામાં રીલ્સ, ફેસબુકમાં રિલેટેડ સ્ટોરી અને વૉટ્સએપ બેન્કિંગ જેવી સુવિધાઓ પ્રદાન કરી માર્ક ઝુકરબર્ગ યુઝરને આકર્ષ્યા કરે છે. સ્વાભાવિક છે કે જેમ જેમ વપરાશ કર્તા વધશે તેમ એપ્લિકેશનના સર્વર પર આપોઆપ લોડ વધશે. તેની તકેદારી માટે ઝુકરબર્ગ એન્ડ કંપનીએ નક્કર વ્યવસ્થા કરી જ હશે છતાં ૩૬૫ દિવસમાં બીજીવાર વૉટ્સએપ હાંફી ગયું. જે તેના નબળા મેઇન્ટેનન્સ અને અન્જિનિયર્સની યાંત્રિક ખામીઓનું નિવારણ કરવાની દુર્લક્ષતાને દર્શાવે છે.
એ તો સર્વવિદિત છે કે વૉટ્સએપ લોકોના અંગત ડેટાનો વ્યાપાર કરે છે. હવે જો કલાકો સુધી વૉટ્સએપ જ હેન્ગ થઈ જાય તો નુકસાન લોકો કરતા ઝુકરબર્ગને થાય. કારણ કે લોકો લાઈન, નિમબઝ, ઈબડ્ડી, ટેલિગ્રામ, સ્નેપચેટ, વાઈબર, વીચેટ જેવી એપ્લિકેશન તરફ વળી જાય છે. વિશ્ર્વમાં એવા ૨૫ દેશો છે, જ્યાં વૉટ્સએપ માર્કેટ લિડર નથી, સ્થાનિક પ્રજાને તેનું નામ પણ નથી ખબર. એટલે જો ભારત જેવા દેશમાં લોકો વૉટ્સએપથી વિમુખ થઈ ગયા તો જોવા જેવી થશે. એકવાર ગ્રાહકને નવી ચીજવસ્તુ ગમી ગઈ તો ફરી તેને મૂળ પ્રોડક્ટ તરફ આકર્ષવા મુશ્કેલ છે. એક જમાનો હતો જ્યારે યંગસ્ટર્સ ઓરકુટ પર પ્રેમપત્રો મોકલતા પણ ફેસબુકે માર્કેટમાં આવતાની સાથે લોકોને ચેટિંગની સુવિધા આપી અને એ પણ તદ્દન મફત, એમાં જ ઓરકુટ હાંસિયામાં ધકેલાય ગયું અને આજે તો લોકોને યાદ પણ નથી તો ઇતિહાસ પુનરાવર્તિત થશે? શું વૉટ્સએપ પણ લોકમાનસમાંથી ભૂંસાઈ જશે?
એવી ઘણી ખામીઓ છે જેનું નિવારણ યોગ્ય સમયે નહીં થાય તો વૉટ્સએપ ભૂતકાળ બની જશે. ભારતના માર્કેટમાં જયારે સ્માર્ટફોન અને એન્ડ્રોઇડ પાપાપગલી ભરી રહ્યા હતા ત્યારે રિસર્ચ ઇન મોશન કંપનીના બ્લેકબેરી મોબાઈલ ફોને તહેલકો મચાવ્યો હતો. ‘ક્યૂએનએક્સ’ સોફટવેર આધારિત બ્લેકબેરી ફોન પોતાની આગવી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો હતો. તેમાંય એક વ્યક્તિ જો બ્લેકબેરી ફોનમાં વાત કરે છે અને અન્ય વ્યક્તિ પાસે ટેલિફોન કે મોબાઈલ ફોન છે તો વિશ્ર્વનો સર્વ શક્તિમાન હેકર ટેલિફોન કે મોબાઈલ ફોનને ટેપ કરી શકે છે પણ બ્લેકબેરીને નહીં અને જો બન્ને વ્યક્તિ બ્લેકબેરી ફોનમાં જ વાતચીત કરે છે તો રિસર્ચ ઇન મોશન કંપની સિવાય કોઈ ટૅક્નોલૉજી તેમની વાતચીતને ટેપ કરી શક્તિ નથી. આવી દુર્ભલ ટૅક્નોલૉજી ધરાવતા સુપરફોન પર ભારત સરકારે પ્રતિબંધ જાહેર કરી દીધો. સૂચના અને પ્રસાર મંત્રાલયના મતે આતંકી સંગઠન બ્લેકબેરીના ઉપયોગથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ આચરી શકે છે અને તેને રોકવા પણ મુશ્કેલ બને છે. મુદ્દો સાચો છે. બ્લેકબેરીની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ પણ તેનો ‘ક્યૂએનએક્સ’ સોફટવેર વિશ્ર્વભરના ટ્રેકનોક્રેટના ધ્યાનમાં આવ્યો.
૨૦૦૯ની સાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં બહેનપણીઓ સાથે છાનગપતિયા કરતા જેન કોમ, બ્રાયન એક્ટને પણ ‘ક્યૂએનએક્સ’ વિશે જાણ્યું. બન્ને એપલ-યાહૂમાં મોભાદાર નોકરી કરતા હતા. ફેસબૂકમાં નોકરી માટે અરજી કરી હતી પણ ઝુકરબર્ગે તેમને નવા નિશાળિયા સમજીને તેની અરજીનો અસ્વીકાર કર્યો હતો. અંતે કોમ-બ્રાયને સ્વખર્ચે પોતાની જ મેસેજિંગ એપ્લિકેશન બનાવાની શરૂઆત કરી દીધી જેની ફળશ્રુતિ સ્વરૂપે વૉટ્સએપનો જન્મ થયો. ભારતમાં ૨૦૧૦માં વૉટ્સએપનું આગમન થયું ત્યારે લોકોને તેના નવીન ફીચર અને માત્ર મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાની સિસ્ટમ માફક આવી ગઈ. આજે પણ દુનિયાભરમાં વૉટ્સએપના રોજિંદા ૧.૬ અબજ સક્રિય વપરાશકારો છે. એટલે કે એટલા લોકો ૨૪ કલાકમાં ઓછામાં ઓછુ એક વખત તો વૉટ્સએપને ઓપન કરે છે. એ કુલ વપરાશકર્તાઓમાં ભારતીય યુઝર્સની સંખ્યા સૌથી વધુ ૪૦ કરોડ છે.
વૉટ્સએપ લોન્ચ થયું ત્યારે તેનો દાવો હતો કે તેની સિક્યોરિટી સિસ્ટમ અત્યાધુનિક છે. કોઈ હેકર તેને હેક નહીં શકે છે. કારણ કે કોમ-બ્રાયને વૉટ્સએપમાં ‘ક્યૂએનએક્સ’નું અનુસંસ્કરણ કરીને એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શનની સિસ્ટમ વિકસાવી હતી. ઈન્ક્રિપ્શન એટલે સંદેશો સાંકેતિક ભાષામા ફેરવી નાખવો, જેથી અજાણી વ્યક્તિ તેને વાંચી કે સમજી શકે નહીં. હેકર્સ, સરકારી એજન્સીઓ, સાયબર ક્રિમિનલ કે બીજા કોઈ વ્યક્તિ વૉટ્સએપ ચેટ હેક કરીને કે પછી અન્ય જોઈ શકે એવો ડર વપરાશકારોને કાયમી હોય છે. પણ વૉટ્સએપના આ પગલાં પછી એ સ્થિતિ દૂર થઈ છે. વૉટ્સએપે ઈન્ક્રિપ્શન એટલે કે સંદેશાનું સાંકેતિકરણ એટલું મજબૂત બનાવ્યું છે કે હવે ખુદ વૉટ્સએપ પણ તેમાં દખલ-અંદાજી કરી શકતું નથી તેવો દાવો કોમ-બ્રાયને કર્યો હતો. ઝુકરબર્ગે વૉટ્સએપને હસ્તગત કર્યું પછી તો લોકોની જાસૂસીના અહેવાલો પણ છપાયા અને તેની સિક્યુરિટી સિસ્ટમ પાંગળી પુરવાર થઈ છતાં વૉટ્સએપને ઉની આંચ ન આવી. પણ વૉટ્સએપ જેવું હેન્ગ થયું એ સાથે જ તેના પર મેટાવર્સનું ગ્રહણ લાગ્યાના આક્ષેપો થવા લાગ્યા.
મેટાવર્સના સંવાહકો એવા જ દેશમાં પોતાના સર્વરનું સંયોજન કરે છે જેમાં ઓછો ટેક્સ ચૂકવવો પડે અને તેની સિસ્ટમનું મેઇન્ટેનન્સ સરળતાથી થઈ શકે છે. હાલ મેટાવર્સ યુરોપના ડેન્માર્ક, સ્વિડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં ડેટાનો સંગ્રહ કરે છે. પણ તેનું મેનેજમેન્ટ તદ્દન કંગાળ છે. ઝુકરબર્ગે ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને ખરીદી તો લીધું પણ તેના મૂળ સ્વરૂપનું પોસ્ટમોર્ટમ કરીને ફેસબુકના અંગો બન્નેમાં જોડી દીધા. એટલે જ અનેક વાર ઇન્સ્ટાગ્રામના ઉપયોગથી લોકોનો ફોન હેન્ગ થઈ જાય છે જ્યારે વૉટ્સએપમાં ઉલટું બને છે. જેમ વપરાશકારો વધે તેમ વૉટ્સએપ હાંફી જાય છે. હવે તો મેસેન્જર તરીકે જન્મેલા વૉટ્સએપની ગણના મારકણા હથિયાર તરીકે થાય છે. ભારતમાં રોટી-કપડાં-મકાન કરતાં પણ લોકોની પ્રાથમિક જરૂરિયાત વૉટ્સએપ બની ગયું છે. પણ બે વખત જયારે વૉટ્સએપ અટક્યું ત્યારે દુનિયાને ભાન થયું કે, ૨૪ કલાક ફોનમાં ચોંટેલા રહ્યા તેના કરતા વ્યક્તિ સાથે વાતચીત કરીએ તો પણ મનને સંતોષ અને જીભને જાહોજલાલી મળી હોય તેવી અનુભૂતી થાય છે. મુંબઈમાં એ દિવસે જેવું વૉટ્સએપ પૂર્વવત થયું એ સાથે જ બિલ્ડિંગમાં સન્નાટો છવાય ગયો. લોકો ઘરભેગા થઈ ગયા અને ફરી ફોનમાં ફસાય ગયા તો શું વૉટ્સએપ બંધ થાય તો જ લોકોને તેનું વ્યસન છૂટશે? અને જો વૉટ્સએપ હેન્ગ થયા કરશે તો તેનો મૃત્યુઘંટ વાગી જશે?

RELATED ARTICLES

Most Popular