મનોરંજન જગતમાંથી એક પછી એક આત્મહત્યાના સમાચાર આવી રહ્યા છે. હવે તેલુગુ ફિલ્મ અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યાકરી લીધી છે. સુધીર પહેલા ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા, વૈશાલી ઠક્કર, પ્રત્યુષા બેનરજી, સેજલ શર્મા, મનમીત ગ્રેવાલ અને કુશલ પંજાબીએ પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.
તેલુગુ અભિનેતા સુધીર વર્માએ 23 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે વિશાખાપટ્ટનમમાં તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. તેઓ 33 વર્ષના હતા.
સુધીર વર્માએ કુંદનાપુ બોમ્મા અને સેકન્ડ હેન્ડ જેવી તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે શૂટ આઉટ એટ અલેર નામની વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો હતો.
અભિનેતા, કથિત રીતે, અંગત જીવનને લઈને માનસિક દબાણ હેઠળ હતા, જેના કારણે તેમણે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હોઇ શકે છે એમ તેમના પરિવારનું માનવું છે. તેઓ સારી ભૂમિકાઓ મેળવવા માટે થોડા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા.
દિગ્દર્શક વેંકી કુડુમુલા અને તેમના કો-સ્ટાર્સોએ તેમના ટ્વિટર પેજ પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.