જવાબદારીઓનો, સપનાંઓનો કે ભૂત-ભવિષ્યકાળનો?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
મુંબઈના ગુજરાતીઓ, એમાંય યુવાનોને સ્પિરિચ્યુઅલ વેલ્થની આ સિરીઝ પસંદ પડી રહી છે એ માત્ર આનંદની વાત નથી, પરંતુ આશ્ર્ચર્યની પણ વાત છે, કારણ કે મુંબઈમાં જ જન્મેલા યુવાનો ‘મુંબઈ સમાચાર’માં ગુજરાતી પણ વાંચતા હોય અને યુવાનવયે આધ્યાત્મિક સંપદાનો વિચાર કરતા હોય એ અનન્ય ઘટના કહેવાય. ખેર, સ્પિરિચ્યુઅલ વેલ્થમાં આજે આપણે ચર્ચા કરવી છે ભવિષ્ય અને ભૂતકાળ વિષયક. પુરુષને તો આ વાત સૌથી વધુ પ્રમાણમાં લાગુ પડે છે, કારણ કે એક તરફ પુરુષ ઝાઝો એક્સપ્રેસિવ નથી હોતો તો બીજી તરફ પુરુષને ખભે કમાવાની કે સંસાર નિભાવવાની જવાબદારી વધુ પ્રમાણમાં હોય છે.
એટલા માટે જ પુરુષ માટે સ્પિરિચ્યુઅલી સ્ટેબલ રહેવું વધુ મહત્ત્વનું બની જાય છે, પણ મોટા ભાગના કિસ્સામાં પુરુષ સ્પિરિચ્યુઅલી સ્ટેબલ રહી શકતો નથી. તેને જીવનભર એ બાબતનો અહેસાસ જ નથી રહેતો કે આંતરિક રીતે મુક્ત રહેવું એ તેની પ્રાથમિક જરૂરિયાત છે અને આંતરિક રીતે મુક્ત રહેવાની સૌથી મહત્ત્વની શરત છે પુરુષની કારણ વિનાની ચિંતાઓ, નકામા વિચારો અને ફાલતુ કહી શકાય એવી આશંકાઓથી દૂર રહેવું.
પરંતુ આપણે છીએ કે આપણા મનને હંમેશાં અનેક એવી બાબતોમાં વ્યસ્ત રાખીએ છીએ જે બાબતોની આપણને ખરેખર જરૂર નથી અને આ બાબતો એટલે શું એ ખબર છે? એ બાબત એટલે આપણું વર્તમાનમાં ન જીવીને સતત ક્યાં તો ભૂતકાળમાં જીવવું અથવા ભવિષ્યમાં જીવવું. તમારે અખતરો કરવો હોય તો કરી જોજો અને દર બે કલાકે અથવા એક કલાકે સભાનપણે તમે પાછલા એક કલાકમાં કે બે કલાકમાં વિચારેલી બાબતોનું પોસ્ટમોર્ટમ કરજો તો તમને ખ્યાલ આવશે કે તમે વીતેલા એ સમયમાં ક્યાં તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ કે એ ઘટનાઓને આધારે તમારી સાથે જે ઘટ્યું નથી એ બાબતોને કલ્પી રહ્યા હશો અથવા તો ભવિષ્ય, ભવિષ્યની જરૂરિયાતો કે પછી ભવિષ્યમાં ઘટવા જઈ રહેલા પ્રસંગો બાબતે તમે કારણ વિના વિચાર વિચાર કર્યું હશે.
આ બંને બાબતોને કારણે થયું એ હશે કે આપણે આપણા વર્તમાનને સંપૂર્ણપણે, સર્વાંગી રીતે માણવાનું ચૂકી ગયા હોઈશું. આ કારણે બે મોટા ગેરલાભ થતા હોય છે. એક તો આપણે વર્તમાનની ઘટનાઓ – પછી એ કામ હોય, પ્રવાસ હોય, પ્રેમ હોય, સેક્સ હોય કે પછી બીજું કશુંય આપણા સો ટકા સાથે, પૂર્ણ ફોકસ સાથે માણી નથી શકતા અને બીજો ગેરલાભ એ કે જે બની ગયું છે કે જે બનવાનું છે એના વિચારો કર કર કરીને આપાણી અંદર એક ચીડિયાપણું ઉદ્ભવતું હોય છે, જેને કારણે આપણે બીજા લોકો, તેમની વાતો કે તેમના વર્તનને કારણ વિના જજ કરતા થઈ જઈએ છીએ. આ ચીડિયાપણું જ પછી આપણને ઉચાટ તરફ લઈ જતું હોય છે અને આ ચીડિયાપણું જ આપણને અવસાદ તરફ પણ લઈ જતું હોય છે. જેને લીધે આપણને સતત એમ લાગ્યા કરે છે કે આપણી સાથે જ અમુક ન ઘટવાનું ઘટે છે, આપણે જ એકલા છીએ, આપણી સાથે અન્યાય થાય છે કે લોકો આપણને યોગ્ય રીતે ટ્રીટ નથી કરતા.
પણ યાર, મોટા ભાગે એવું નથી હોતું. મોટા ભાગે ભૂત-ભવિષ્યના ફાલતુ વિચારો ને મનમાં ઘડી કાઢેલી માન્યતાઓને હિસાબે આપણને અમુક બાબતો કે આપણું જીવન અભાવગ્રસ્ત લાગતું હોય છે. સી, જીવનમાં અમુક પ્લાનિંગ્સ જરૂરી છે અને અમુક પૂર્વતૈયારીઓ પણ કરવાની હોય છે. એ માટે ભવિષ્ય વિશે વિચારવાનું થાય એ સ્વાભાવિક છે, પણ એનો મતલબ એ નથી કે આપણે સતત વિચારો જ કર્યા કરવા કે સતત ભવિષ્યની ચિંતાઓ જ કર્યા કરવી.
એના કરતાં આપણે આપણા વર્તમાન પર ફોકસ કરીશું અને આપણા વર્તમાનમાં આપણી સામે આવતી બાબતોનો ખુલ્લા મને સામનો કરીશું તો ખ્યાલ આવશે કે આપણે જે બાબતોને બહુ ગંભીર, ભારે કે અશક્ય માનીએ છીએ એવું નથી હોતું, પણ આપણે એને વિચારી વિચારીને ભારે કે અશક્ય કરી નાખતા હોઈએ છીએ. જીવન અત્યંત સહજ હોય છે અને એ સહજતાનો જ આનંદ હોય છે.
વળી, જીવનમાં બનતી એક ઘટનાને બીજી ઘટના સાથે કોઈ નિસ્બત નથી હોતી. એટલે બધી ઘટનાઓને એકબીજા સાથે સાંકળીને મનમાં વિચારોનો ઉકરડો કરવાની જરૂર નથી. મનને તો બસ મુક્તિની જરૂર છે. એને તમે જરા સરખું મુક્ત કરશો કે એ મન સીધું તમારા હૃદય સાથે ઐકત્વ સાધશે અને પછી તમે જે આંતરિક સમૃદ્ધિને પામશો એ અનન્ય હશે. તમારે પછી ન તો ક્યારેય બ્રેક જોઈશે કે નહીં તમને તમારી સ્થિતિમાંથી ભાગી છૂટવાનું મન થાય, પણ એ માટે તમારે ભૂત-ભવિષ્યનો ભાર તમારા ખભેથી ઉતારવો પડશે. નહીંતર આખી જિંદગી ધાણીના બળદની જેમ ચાલ્યા કરશો, ચાલ્યા કરશો.