સુપ્રીમનો ચુકાદો ગમે તે આવે ભાજપના બન્ને હાથમાં લાડુ

આમચી મુંબઈ

મુંબઈ: સર્વોચ્ચ અદાલતમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચેનો ગજગ્રાહ ચાલુ છે. સુપ્રીમ કોર્ટ સોમવારે સત્તાસંઘર્ષના કેસ મોટી બંધારણીય બેન્ચ રચીને તેને સોંપવા કે નહીં એ અંગે નિર્ણય લે એવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોઈ પણ જૂથની તરફેણમાં આવે, પરંતુ એક વાત નિશ્ર્ચિત છે કે ભારતીય જનતા પક્ષના પગ દૂધ અને દહીંમાં હોવાથી તેના બન્ને હાથમાં લાડુ છે. સુપ્રીમ કોર્ટ શિધે જૂથને ગેરલાયક ઠરાવે તો પણ પોતાના, મિત્રપક્ષ તથા અપક્ષ સાથે ૧૧૩ જેટલું સંખ્યાબળ ધરાવતો ભાજપ જાદુઈ આંકડો નીચે જતાં એકલે હાથે સરકાર રચવાની સ્થિતિમાં આવશે. અહીં ચુકાદાની અસર અને ત્યાર બાદ શું થઈ શકેે એની છણાવટ કરાઈ છે.
જો કેસ બંધારણીય બેન્ચમાં જાય તો?
કેસ બંધારણીય ખંડપીઠમાં જાય એવી શક્યતા પ્રબળ છે, કારણ કે આમાં અનેક મહત્ત્વના સવાલો જેવા કે વ્હીપનો અધિકાર શું, બે તૃતીયાંશ બહુમતી હોય તો પક્ષાંતરવિરોધી કાયદાનું શું, રાજ્યપાલે લીધેલા નિર્ણયોની કાયદેસરતા અને મૂળ પક્ષ કોનો વગેરે ઉદભવ્યા છે. અરુણાચલ પ્રદેશના પ્રકરણમાં પાંચ બેન્ચે ચુકાદો આપ્યો
હતો. આથી આમાં મોટી બેન્ચની નિમણૂક કરવી પડે. જો આમ થાય તો આમાં ઉદ્ધવ કે શિંદે જૂથ કરતાં ભારતીય
રાજકારણને વધુ ફાયદો થશે, કારણ કે આમાં પક્ષાંતર કાયદાનું સર્વોચ્ચ અદાલત દ્વારા અર્થઘટન કરાશે. શિંદે જૂથે ગેરલાયકની તલવારથી બચવા અમે શિવસેના છોડી નથી એવી છટકબારી શોધી છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથ કહે છે કે દસમો શેડ્યુલ પક્ષાંતરને ઉત્તેજન આપવા નહીં કે બલકે આયારામ કે ગયારામને રોકવા માટે રચાયો છે.
જો કેસ બંધરણીય બેન્ચ પાસે ન જાય તો?
જો પ્રકરણ બંધારણીય બેન્ચ પાસે ન જાય તો હાલની વડા ન્યાયમૂર્તિ હેઠળની બેન્ચ આ કેસોનો નિકાલ કરશે.
શિંદે જૂથના વિધાનસભ્યો ગેરલાયક ઠરે તો?
જો શિંદે જૂથના વિધાનસભ્ય અયોગ્ય ઠરે તો તેની સંખ્યા ઓછી થશે અને તેના સરકાર પર પરિણામ પડી શકેે. સોળ વિધાનસભ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે. ઉદ્ધવ જૂથે આ સોળ સિવાયના બાકીના વિધાનસભ્યને પણ ગેરલાયક ઠરાવવાની અરજી કરી છે તેથી તેઓ પણ ગેરલાયક ઠરશે. જો શિંદે જૂથના ૪૦ વિધાનસભ્યો અપાાત્ર ઠરે તો વિધાનસભાનું સંખ્યાબળ ૨૮૮થી ૨૪૮ થશે અને બહુમતીનો જાદુઈ આંકડો ૧૨૫ થશે. આ બહુમતી મહાવિકાસ આઘાડી પાસે ન હોવાથી ભાજપને જ આનો લાભ થશે અને એકનાથ શિંદેને રાજીનામું આપવું પડ્યું તો પણ ભાજપ સરકાર રચાવાની સ્થિતિમાં હશે. જો શિંદે જૂથના વિધાનસભ્યો અપાાત્ર ન ઠરે તો તેમને બીજા પક્ષમાં વિલીન થવું પડશે.
જો ચુકાદો શિંદે જૂથના વિરુદ્ધ આવે તો ભાજપના હાથમાં કમાન આવી જશે. ભાજપ નક્કી કરશે કે ચૂંટણી યોજવી કે સત્તા જાળવી રાખવી કે રાષ્ટ્રપતિ શાસન લાદવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.