હું વ્યક્તિ કે કલાકાર જે કંઇ પણ છું એ પપ્પાને કારણે જ છું

પુરુષ

પ્રિય પપ્પા… -મીનળ પટેલ

મારા પપ્પા નિનુભાઈ નાગેન્દ્રભાઈ મઝુમદાર. મારાં મમ્મી શારદાબહેનના અવસાન બાદ પપ્પાએ કૌમુદી મુન્શી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. પપ્પાને સંગીત, લેખનની સાથે સાથે વાચનનો પણ ખૂબ જ શોખ હતો. મારા જીવનમાં પપ્પાનું એક વિશેષ સ્થાન છે અને રહેશે. મારે બે બહેનો અને એક ભાઈ. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે કલા અમને વારસામાં મળી છે. મારા દાદા નાટકો અને ફિલ્મોના દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા હતા. પપ્પાએ એક વાર એમના વિશે વાત કરતાં કહ્યું હતું કે મારા દાદાએ પ્રખ્યાત લેખક રમણલાલ વસંતલાલ દેસાઈના નાટક ‘શંકીત હૃદય’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને દિગ્દર્શન પણ કર્યું હતું. તેઓ તેમના અંગત મિત્ર પણ હતા. આ નાટક ખૂબ જ સફળ રહ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં એના શો થયા હતા. આ નાટકમાં મારા પપ્પાએ પણ બાળકલાકર તરીકે અભિનય કર્યો હતો. મુંબઈમાં તે સમયે ‘લક્ષ્મી ફિલ્મ કંપની’ હતી. તેના માલિક હીરાલાલે વડોદરમાં આ નાટક જોયું. દાદાનો અભિનય ગમ્યો અને તેમને મુંબઈ લઇ આવ્યા. આ વાત છે ૧૯૨૬ની. ત્યાર બાદ દાદાએ ઘણી બધી ફિલ્મોનું દિગ્દર્શન, અભિનય અને નિર્માણ કર્યું. ખાસ વાત એ છે કે ગુજરાતી દિગ્દર્શક તરીકે મારા દાદાએ મરાઠીમાં છત્રપતિ શિવાજી મહારાજ પર ફિલ્મ બનાવી હતી. પપ્પાએ ગીત-સંગીત ક્ષેત્રમાં નામ કમાયું અને અમને પણ તેના સંસ્કાર આપ્યા.
પપ્પાએ ક્યારેય અમારા પર જોહુકમી દાખવી નથી. તેઓ ખૂબ જ ઉદાર દિલના માણસ હતા. અમે ત્રણ બહેનો. છોકરીઓ છીએ એટલે આ કરાય અને આ ન કરાય એવી પાબંદી અમારા પર ક્યારેય રાખી નહોતી. તેઓ હંમેશાં અમને અમારા કામ માટે પ્રોત્સાહિત કરતા અને મદદરૂપ થતા. મને એક કિસ્સો યાદ છે, જ્યારે હું મેટ્રિકમાં ભણતી હતી, ત્યારે પપ્પા ‘શેખચલ્લી’ નામનું સંગીતપ્રધાન નાટક કરી રહ્યા હતા. એમાં હું નૃત્યાંગનાની ભૂમિકા ભજવતી હતી. ત્યારે મારી શાળાના પ્રિન્સિપાલે તેમને બોલાવી ચેતવણી આપી કે તમારી આ દીકરી નાટક કરે છે. છોકરાઓ જોડે ફરે છે. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે તો? ત્યારે પપ્પા એમને ચેલેન્જ આપીને આવી ગયા હતા કે તમે એની ચિંતા ન કરો એ ફર્સ્ટ ક્લાસ જ લાવશે. ઘરે આવીને આ વાત પપ્પાએ મને કરી. હું તો આવું કહી આવ્યો છું, હવે જવાબદારી તારી છે અને હું ફર્સ્ટ ક્લાસ લાવી હતી. પપ્પા અમારી સાથે મિત્ર તરીકે જ વર્તતા. મારી બહેનપણીઓ તેમના પપ્પાથી ખૂબ જ ડરતી કે પપ્પા આવશે પછી આમ નહીં થાય કે તેમ નહીં થાય. જ્યારે અમે તો પપ્પાની આવવાની રાહ જોતા કે એ ક્યારે આવે. અમને એમનાથી કોઇ જ પ્રકારનો ભય નહોતો. પપ્પાએ કંઇક વાંચ્યું હોય અને તેમને ગમે તો તે અમને સંભળાવે. તેમની સાથે કવિસંમેલનો અને મુશાયરામાં પણ મને લઇ જતા. તેમના ૭૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ‘એક સુસ્ત શરદની રાતે’ નામક તેમના કાવ્યનું પ્રથમ વાર પઠન કર્યું હતું. તેમણે મારી રજૂઆતને બિરદાવી હતી. આજે હું સ્પષ્ટવક્તા છું એ પપ્પાને આભારી છે. મારી યાદદાસ્ત ખૂબ જ સારી છે. એક વાર એક કવિ સંમેલનમાં પપ્પા તેમના છ ઋતુઓના ગરબામાં કંઈક ભૂલી ગયા હતા ત્યારે મેં તેમને યાદ કરાવ્યું હતું. એક વાર જાણીતાં ગાયિકા બેગમ અખ્તરજીનો કાર્યક્રમ હતો. કોઇકે જૂની ગઝલની ફરમાઇશ કરી. જેના શબ્દો એ ભૂલી ગયા હતા, ત્યારે એ શબ્દો પણ મેં યાદ કરાવ્યા હતા. તેમણે ખુશ થઇને મને આશીર્વાદ આપ્યા હતા.
હું નાની હતી ત્યારે પપ્પા વાર્તા બનાવતા જાય અને અમને કહેતા જાય. આ વાર્તાઓ તેમણે ક્યાંય લખી નથી કે પ્રગટ પણ નથી કરી એ ખાસ ફક્ત અમારે હતી. પપ્પાની ગુજરાતી છંદ અને વ્યાકરણ પર સારી હથોટી હતી. તેમણે છંદબદ્ધ ગીતો અને કવિતાઓ લખ્યાં છે, ઉપરાંત અછાંદસ કાવ્યો પણ લખ્યાં છે. પપ્પાને ક્યારેય કોઇની ઇર્ષા નહોતી થતી. તેમને જીવનમાં ઘણી તકલીફો આવી જ છે. એ વખતે પણ તેમણે તેમની સર્જનાત્મકતા જાળવી રાખી હતી. ક્યારેય પપ્પાના મોઢે કોઇની ફરિયાદ સાંભળી નથી. તેઓ બધાનાં વખાણ જ કરે. અન્ય કોઇ સર્જકની સુંદર કૃતિનેે પણ બિરદાવે. પપ્પાએ માત્ર પોતાનાં જ લખેલાં ગીતો સ્વરાંકિત કર્યાં છે એવું નથી. તેમણે રાજેન્દ્ર શાહ, હરીન્દ્ર દવે, પ્રિયકાંત મણિયાર, સુરેશ દલાલ વગેરે જાણીતા કવિઓનાં ગીતો પણ કંમ્પોઝ કર્યાં છે. મેં અને સુરેશભાઇ દલાલે સાથે ખૂબ જ કામ કર્યું હતું. એક વાર પપ્પાની સાલસતા દર્શાવતો એક કિસ્સો મને સુરેશ દલાલે કહ્યો હતો. હું યુવાન હતો અને નવો કવિ હતો. ત્યારે મેં નિનુભાઈને ભારતીય વિદ્યાભવન ખાતે ઊભેલા જોયા. હું એમની પાસે ગયો અને મારાં ગીતોનું સ્વરાંકન કરવા માટે પૂછ્યું. તેઓ મારા નામથી પરિચિત હતા અને મારી કવિતાની પ્રશંસા પણ તેમણે કરી. મેં એમને મારાં ત્રણ ગીતો આપ્યાં અને કહ્યું કે તમને જે ગમે અને યોગ્ય લાગે તે બનાવજો. મીનળ, તું નહીં માને એમણે ત્રણેત્રણ ગીતો સ્વરબદ્ધ કર્યાં હતાં. ત્યાર બાદ સુરેશ દલાલ અને મારા પપ્પાની મિત્રતા વધી. સુરેશભાઇ અને હરીન્દ્ર દવે બન્ને જણ ઘણો લાંબો વખત સુધી લગભગ દર રવિવારે સવારે અમારા ઘરે આવે અને બેઠક જામતી.
નાનપણમાં રેડિયો પર પપ્પાનો લાઇવ કાર્યક્રમ આવે ત્યારે હું કુતૂહલવશ રેડિયોની પાછળ જોવા જતી કે પપ્પાનો આ અવાજ આવે છે ક્યાંથી. પપ્પામાં રમૂજીવૃત્તિ પણ ભારોભાર હતી. અમારા ઘરે આકાશવાણીનાં સામયિકો આવતાં, અખબાર આવતાં. તેમાં છાપવામાં આવેલા ફોટા નીચે પપ્પા રમૂજી કોમેન્ટ લખતા અને અમે એ જ વાંચતા. એમના રમૂજી સ્વભાવની વાત કરું. એક વાર હું નોકરીમાંથી છૂટીને ઘરે આવી ત્યારે ઘરમાં કોઇ નહોતું. હું ઘરમાં અંગ્રેજી ગીતો ગાવા લાગી. અમારે ત્યાં બગીચો હતો. પપ્પા ત્યાં હતા, મારાં ગીતો સાંભળીને અંદર આવ્યા અને મને કહે મેં તારો કોન્સર્ટ સાંભળ્યો. ત્યાર બાદ એમણે મારા માટે એક ગીત પણ રચ્યું. એની પંક્તિ હતી ‘તમે મને પૂછો તો કહી દઉં મારા દિલડાની વાત, અમૂલી એવી ક્ષણ માટે વિતાવી મેં રાતોની રાત’. આ જ ગીત મેં તેમની ૭૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ગાયું હતું. પપ્પા કોઇ રચના, ગીત કે કૃતિ સ્પેશિયલ મારે માટે લખે એવું ઘણી વાર બન્યું છે.
હું મારા પોતાના નિર્ણયો જાતે લઇ શકું એના માટેની ટ્રેનિંગ પણ એમની પાસેથી મળી હતી. મન, બુદ્ધિ, આત્મા, ચિત્ત આ બધામાં શું ફરક છે એ વાત કરતાં કરતાં મજા કરાવતાં કરાવતાં સમજાવી દેતા. એમને કાળો મોતિયો આવ્યો હતો. જેના કારણે મોતિયાનું ઓપરેશન થઇ શકે એમ નહોતું. તો તેમની જ્ઞાનપિપાસાને કારણે મેગ્નિફાઇંગ ગ્લાસ લઇને વાંચતા હતા. તેઓ બધા જ પ્રકારનાં પુસ્તકો વાંચતા. મારા અભિનેત્રી બન્યા બાદ હું ટેનિસ લેવેસ્કીનું પુસ્તક લાવી હતી, જે મેથડ એક્ટિંગમાં પ્રમાણ ગણાય છે. તો એ પણ વાંચી ગયા. એની પછીના બીજા ૩-૪ ભાગ જે મેં નથી વાંચ્યા એ પણ એમણે મગાવીને વાંચી નાખ્યા હતા. તેઓ લેખક, ગાયક, સ્વરકાર, સંગીતકાર અને અભિનેતા હતા, જેને આપણી ભાષામાં વાગ્યકાર કહેવાય છે. કદાચ દુનિયાની કોઇ ભાષામાં આવું નહીં હોય જે ખૂબી મારા પપ્પા અને અવિનાશભાઇ વ્યાસમાં હતી. તેઓ કંપોઝિશનની સાથે સાથે જ ગીતો લખતા. પપ્પા જ્યારે ફિલ્મલાઇન છોડીને રેડિયો પર ઊંચા હોદ્દા પર બિરાજમાન હતા ત્યારે રેડિયો પ્રસાર અને પ્રચાર માટેનું એકમાત્ર માધ્યમ હતું. કયા પ્રોગ્રામમાં શું વગાડવાનું એ પણ પપ્પા જ નક્કી કરતા હતા, તેથી ઘણા લોકો એમને પ્રલોભનો આપવા માટે આવતા, ત્યારે મેં પપ્પાને ગુસ્સે થઇને તેમને તગેડી મૂકતા જોયા છે. એ સિવાય પપ્પાને ક્યારેય ગુસ્સે થતા જોયા નથી. હું એમની સાથે પ્રોગ્રામોમાં જતી તો બધા કવિઓને મેં સાંભળ્યા છે. મારું કાવ્યપઠન લોકોને ગમે છે. એક વાર હું કોલેજમાં હતી એ સમયે મને કહે, ‘મીનળ, કવિતા એવું છે કે જો ખોટી જગ્યાએ અલ્પવિરામ કે પોઝ લે તો અર્થનો અનર્થ થઇ જાય. મને સમજાવતાં કહ્યું કે ‘ઇસ પાર પ્રિય તુમ હો, મધુ હૈ. ઉસ પાર ન જાને ક્યા હોગા. જો આમાં ખોટી રીતે પોઝ લઇને બોલે કે ‘ઇસ પાર પ્રિય તુમ હો, મધુ હૈ ઉસ પાર, ન જાને ક્યા હોગા’ તો અનર્થ થાય. પપ્પાની આ સલાહ મને ઘણી જગ્યાએ કામ લાગી છે. પપ્પાને ધૂમ્રપાન સિવાય કોઇ ખોટી આદત નહોતી. પહેલાં સિગારેટ પીતા હતા, તે છોડીને ચિરૂટ ચાલુ કરી, ચિરૂટ છોડીને પાઇપ શરૂ કરી. પપ્પાને સારું જમવાનું ગમતું. જમવાનું સ્વાદિષ્ટ બન્યું હોય તો વખાણ કરે અને સારું ન બન્યું હોય ત્યારે વખોડે પણ ખરા.
મારાં સૌથી મોટાં બહેન રાજુલ મહેતા. તેઓ ખૂબ જ સારું ગાતાં. પપ્પા તેમને સંગીત શિખવાડતા. મારાં બહેને લોકસંગીતની તાલીમ હેમુ ગઢવી પાસેથી, જ્યારે સુગમ સંગીતની તાલીમ પપ્પા પાસેથી અને માસ્ટર નવરંગ પાસેથી લીધી હતી. રાજુલબહેનનો અવાજ સુરીલો અને ઉચ્ચારની સ્પષ્ટતા ખૂબ જ. તેમની ગાવાની રેન્જ જોઇને પપ્પાએ એમના માટે ‘મારા સાયબાની પાઘડીએ લાગ્યો’ અને ‘રક્ષા કરો જગદંબા ભવાની’ એમ અમર રચના તૈયાર કરી હતી. પપ્પાએ ઘણાં સંગીતરૂપકો લખ્યાં છે. તેમણે ચૈતન્ય મહાપ્રભુજી પર ‘નવદ્વીપનો યાત્રી’, ‘કોશા’, ‘જલપરી’, ‘ગંગા અવતરણ’ વગેરે અને ખાસ રાજુલબહેન માટે ‘સીતાયન’ લખ્યું હતું. પપ્પા ધાર્મિક નહોતા, પણ આધ્યાત્મિક હતા. તેઓ મંદિરમાં જતા નહોતા, પણ અતિ સુંદર શિવસ્તુતિઓ તેમણે રચી છે, જેમાં ‘સત સૃષ્ટિ તાંડવ રચયિતા’, ‘નટરાજ રાજ નમો નમ:’ વગેરે સામેલ છે. માતાજીના ગરબા પણ પુષ્કળ લખ્યાં છે, જે આજે પણ ગવાય છે. નાનાં ભૂલકાંઓ માટે સુંદર નાટિકાઓ અને ગીતો તૈયાર કરનારા પપ્પામાં એક બાળકજીવ સતત જીવતો રહેતો હતો. નાનાં બાળકોને સંગીત શિખવાડવાની તેમની શૈલી અનોખી હતી. તેઓ ગીતમાં શબ્દો મૂકીને બાળકોને સંગીત શીખવતા. ‘મમ્મીને પપ્પા, બે આવ્યાં, મારે માટે શું શું લાવ્યાં’ આવી રીતે શાસ્ત્રીય સંગીતની જુદી જુદી સરગમો માટે પણ ગીત બેસાડ્યાં, જેથી બાળકોેને સહેલાઈથી યાદ રહી જાય અને તેમને ગાવાની મજા પડે.
પપ્પા ક્યારેય સસ્તી લોકપ્રિયતા પાછળ દોડ્યા નથી. તેઓ પોતાની ખુમારીથી જ જીવ્યા હતા. અમે બધાં સંતાનો પોતપોતાની રીતે ખીલી શક્યાં તે પપ્પાને લીધે જ. નરસિંહ મહેતા જેવા મારા પપ્પા બીજું તો અમને શું આપે? પણ એમણે જે પણ આપ્યું એ અમૂલ્ય છે. ખર્ચતાં ખૂટે નહીં તેવું છે. પપ્પાએ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે હું નાટકના શો માટે બહારગામ હતી. વહેલી સવારે છાપામાં મેં એમના અવસાનના સમાચાર વાંચ્યા ત્યારે ખૂબ જ વ્યથિત થઇ ગઇ હતી, પણ મને એક વાતનો સંતોષ હતો કે પપ્પાને છેલ્લે છેલ્લે બહુ સંભળાતું નહોતું એટલે મેં એમને પત્ર લખીને આપ્યો હતો, જે એમણે સાચવી રાખ્યો હતો અને એમના મૃત્યુ બાદ એમના ખાનામાંથી મને મળ્યો હતો. એમાં મેં લખ્યું હતું કે ‘મારે મન તેમની દીકરી હોવું એ ગર્વની વાત છે અને હું વ્યક્તિ કે કલાકાર જે કંઇ પણ છું એ એમને કારણે જ છું.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.