Homeરોજ બરોજલોખંડી પુરુષ જો આજનું ભારત જુએ તો શું વિચારે?

લોખંડી પુરુષ જો આજનું ભારત જુએ તો શું વિચારે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ગુજરાતના ખેડા જિલ્લામાં આમ તો, દર વર્ષે ૩૦ ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસતો હતો. પરંતુ ૧૯૧૭માં લીલો દુકાળ પડ્યો, સમગ્ર જિલ્લાના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો. બચેલા પાકનું ઉંદરો અને કીટકો ભક્ષણ કરી ગયા. એમાંય અંગ્રેજ સરકારે ખેડૂતો પાસેથી જમીનનો કરવેરો ઉઘરાવવા માટે દબાણ કર્યું અને શરૂ થયું ગુજરાતનું પહેલું પાટીદાર આંદોલન જેને આજે વિશ્ર્વ ‘ખેડા સત્યાગ્રહ’ તરીકે ઓળખે છે.
ખેડાના પાટીદારોએ બ્રિટીશરોને કરવેરો મુલતવી રાખવા રજૂઆત કરી પણ અંગ્રેજો માન્યા નહિ. ખેડૂતોએ ગાંધીજીનો સંપર્ક કર્યો અને ખેડાને મળ્યા બે પાટીદાર બંધુઓ વિઠ્ઠલભાઈ તથા વલ્લભભાઈ પટેલ. બન્નેએ પાટીદારોમાં રહેલી સુષુપ્ત શક્તિ અને ચેતનાને જાગૃત કરી. ધરતીપુત્રોને પોતાના હક અને અધિકારોથી વાકેફ કરાવ્યા ત્યારે ભારતને ખબર પડી કે પાટીદારો ગુજરાતના અર્થતંત્રનું ચાલક બળ છે. જો પાટીદારો વિફર્યા તો અંગ્રેજોના વંશવેલા વિખાય જશે. ગાંધીજી સત્યાગ્રહનો ચહેરો હતા તો પટેલ બંધુઓ સત્યાગ્રહની શક્તિ. ગાંધીજીને એ વાતનો સંતોષ હતો કે પાટીદારો સત્તા માટે નહિ પણ સમગ્ર ભારતમાં ચાલી રહેલી અંગ્રેજોની દમનકારી નીતિને ડામવા અને લોકોમાં સત્યાગ્રહની સમજ કેળવી ધરતીપુત્રોની સેવા કરવા માટે લડી રહ્યા છે. આ અંતિમ ઘટના હતી જ્યારે ગાંધીજીએ પાઘડી પહેરી હોય. પણ તેની સાથે રહેલા પટેલ બંધુઓ તો ઉઘાડા માથે ફરતા હતા. તેમાંય વલ્લભભાઈના વક્તવ્ય અને વ્યક્તિત્વમાં ગબજની શક્તિ હતી. ત્રણ મહિનાની લડતમાં જેટલી વાર સભા સંબોધવામાં આવે ત્યારે પાટીદારોમાં વલ્લભભાઈના શબ્દોથી નવચેતનાનો સંચાર થતો. અંતે બ્રિટીશરોએ નમતું જોખવું પડ્યું. ખેડા સત્યાગ્રહ સફળ થયો. એ વખતે વિસેન્ટ ચર્ચિલે ગાંધીજીને પત્ર લખેલો કે, ‘પાટીદારો ભલે શક્તિશાળી હોય પણ વલ્લભ નામનો યુવક તેનું નેતૃત્વ કરતો એટલે અમારે હટવું પડ્યું. આ યુવકમાં વિશ્ર્વનેતાના ગુણો રહેલા છે. તેને લંડન મોકલો અમે ઊંચા પગારની નોકરી આપીશું.’
આ પત્ર અને પાટીદારોનો સંગ્રામ આઝાદીની ચળવળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. ગુજરાતમાં નાત-જાતના ભેદ નાબૂદ થયા.વલ્લભભાઈના મનમાં અખંડ ભારતના બીજ રોપાયા અને આઝાદી બાદ રજવાડાઓ રાષ્ટ્રમાં જોડાયા. દર વર્ષે સરદાર પટેલ જયંતી પર આવા અનેક પ્રસંગો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા લાગે પણ ખરેખર કોઈ સરદારના શ્રમનું અનુસરણ કે અનુકરણ કરે છે? સરદારનું બિરુદ મળ્યું એ પહેલાં પણ વલ્લભભાઈ સમાજને એક તાંતણે બાંધવા મથતા હતા અને આઝાદી બાદ શરીરના ગંભીર રોગની પરવા કર્યા વગર દેશમાં એકસૂત્રતાનું ગઠન કરવા વિલીનીકરણનું અભિયાન ચલાવવા નીકળી પડ્યા હતા. જેમનાં લોહીનાં ટીપે ટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલ હતું એવા મહાન સરદાર પટેલ કેમ આજે રાજકારણનું અભિન્ન અંગ બની ગયા?
સરદાર જેવા વૈરાગી નેતા ભારતમાં છે? છે તો કેમ હજુ સુધી કોમી તોફાનો થયા કરે છે!, વોટબેંક જ્ઞાતિઓમાં વિભાજિત થઈ ગઈ છે? ભારત એક છે તો રાષ્ટ્રભાષા અંગે વિવાદ કેમ થાય છે? ગુજરાતની ઉદ્યમી પ્રજા એવા પાટીદારો કેમ ચૂંટણીમાં જીતનું ટ્રમ્પ કાર્ડ બની ગયા? શુ આ સરદાર પટેલના સ્વપ્નનું ભારત છે?
સરદાર ભારતને અસરદાર બનાવવા માંગતા હતા. તેમના વિચારો તો સમયગંગાના પ્રવાહમાં વહી ગયા પરંતુ ચૂંટણી આવે એટલે તેમના નામે રાજકારણ શરૂ થઈ જાય. સરદારે ક્યારેય પ્રસિદ્ધિ પામવાની ખેવના નથી કરી પણ તેમના નામને પ્રસિદ્ધ કરવાના પ્રયત્નો વર્ષોથી થતા આવ્યા છે. આજીવન સરદાર પટેલ જેનો સખત વિરોધ કરતા રહ્યા એ બધું જ આજે તેમના નામ સાથે થાય છે. સરદાર કોઈ પક્ષની અંગત અસ્કયામત નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્ર્વના લોકનેતા છે. આ મહાન પુરુષના વિચારોએ સમસ્ત જગતને સાચી રાજકીય દિશા, લોકાભિમુખ ચિંતન અને માર્ગદર્શન આપ્યા છે.
આજે સરદાર પટેલની જન્મજયંતી છે ત્યારે અખબાર, ટીવી ચેનલ અને સોશિયલ મીડિયામાં ફરી એ જ મુદ્દો ઉછળી રહ્યો છે કે નહેરુની જગ્યાએ સરદાર પટેલ દેશના પહેલા વડા પ્રધાન બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનું બાળમરણ થઈ ગયું હોત પણ આ સવાલ આઝાદી વખતે જેટલો નહોતો ચગ્યો એટલે આજે લોકમુખે ચર્ચાય છે. આઝાદીના અમૃતકાળમાં પણ દેશના બુદ્ધિજીવીઓ એ સાબિત કરવા મથે છે કે, સરદારનું નેતૃત્વ સબળ હતું પણ કોઈ સરદારના વિચારોને અનુસરતું નથી. દુનિયા સરદારને સંત તરીકે પૂજે છે પણ સરદારનું સ્વપ્ન તો સંતાપ અનુભવે છે.
દેશમાં આજે પણ સરહદી વિવાદ યથાવત્ છે,કોમી તોફાનોમાં યુવાધનનું રક્ત વહી રહ્યું છે. ભારતની બૌદ્ધિક સંપદા યુરોપિયન રાષ્ટ્રોમાં જતી રહે છે. બાબુશાહી બેલગામ બની છે. ભ્રષ્ટાચાર અને પક્ષપાતથી શિથિલ બનેલા અમલદારો લોકશાહીને પિંખી રહયા છે ત્યારે સરદાર યાદ આવે છે. ભાવનગરમાં કોમી તોફાનો સર્જાયા ત્યારે સરદાર વચ્ચે પડી ગયા. બન્ને પક્ષની તલવાર પોતાના શરીર પર ખમી લીધી અને નિર્દોષ વ્યક્તિનું રક્ત વહેતું અટકાવી દીધું. તનાવ પૂર્ણ વાતાવરણમાં તંગદિલી ન સર્જાય એટલે પોતે ચોકી પહેરો કર્યો. સૌરાષ્ટ્રના અભિમાની રજવાડાંઓને સરહદના સીમાડા તોડવાની સમજ આપવી એટલે સિંહના ગળામાં ઘંટી બાંધવા સમાન હતું. છતાં સરદારે નીડર બનીને રાજાને તેની રૈયતના રુદન અને રકાસથી અવગત કરાવ્યા, રજવાડાંને રાષ્ટ્રમાં જોડાવા સમજાવ્યા, રાજપાટનો આરામ છોડી શ્રમ કરવા અગ્રેસર કર્યા તથા પ્રજાને એ વાતની ખાતરી આપી કે આ દેશ પર લોકોનું રાજ છે. નેતાઓ તેના સેવક છે એટલે જ ભારતમાં લોકશાહીનો ઉદભવ થયો.
સરદાર પટેલ ફક્ત ઈતિહાસમાં નથી રહેતા પરંતુ તે તમામ ભારતીયોના હૃદયમાં રહે છે. સરદાર પટેલ હંમેશાં ઈચ્છતા હતા કે, ભારત સશક્ત, સમાવેશી, સંવેદનશીલ, સતર્ક, વિનમ્ર અને વિકસિત બને. તેમણે દેશહિતને હંમેશાં સર્વોપરિ રાખ્યું. આઝાદ ભારતના નિર્માણમાં સૌનો પ્રયત્ન જેટલો પ્રાસંગિક હતો, તેના કરતાં ઘણો વધારે પ્રયત્ન સરદારનો હતો.
આ અમૃતકાળ સરદારના સપનાનાં ભારતના નવનિર્માણનો છે. સરદાર દેશને એક શરીર તરીકે જોતા હતા. એક જીવંત એકમ તરીકે જોતા હતા. આ કારણે તેમના એક ભારતનો અર્થ એવો પણ થતો હતો જેમાં દરેક વ્યક્તિ માટે એક સમાન અવસર હોય, એક સમાન સપનાં જોવાનો અધિકાર હોય. એક એવું ભારત જ્યાં દલિત, વંચિત, આદિવાસી, વનવાસી દેશનો પ્રત્યેક નાગરિક પોતાને એક સમાન અનુભવે. એક એવું ભારત જ્યાં વીજળી-પાણી જેવી સુવિધાઓમાં ભેદભાવ ન હોય, એક સમાન અધિકાર હોય પણ આ વિચાર મૂર્તિમંત થશે?
સરદાર દીકરાને કાગળ લખે તો પણ સરકારી કાવડીયાનો ન ઉપયોગ કરે, દેશના ગૃહમંત્રીની દીકરી દિવાળીના નવલા પર્વ પર થિંગડા વાળી સાડી પહેરીને તહેવાર ઉજવે તો પણ સરદાર ખોટો ખર્ચ કરતા ડરે અને અન્ય નેતાઓને રાજકોષનો ઉપયોગ કરતા અટકાવે જેથી દેશ ગરીબ ન બને પણ તેમની નીતિમત્તાનું શુ પરિણામ આવ્યું? આજે અર્ધા સાંસદો કરોડપતિ છે. અને હંગર ઇન્ડેક્સમાં વિશ્ર્વના ૧૯૬ દેશમાં ભારત ૧૦૧માં ક્રમે છે. અરે! સરદારનું દેહગમન થયું ત્યારે તેમના નામે એક મકાન પણ નહતું તો આજના નેતાઓને કૌભાંડ કરતા જીવ કેમ ચાલે છે?
સરદાર તો પત્તાપ્રેમી હતા, યુરોપિયન વસ્ત્રો પહેરવાના શોખીન, સિગારેટની ફૂંકમાં હજારો રૂપિયા ઉડાડી દે, બેરિસ્ટરની મોભાદાર ઓળખ સાથે શાંતિથી જીવન જીવતા હતા. પણ ગાંધીજીની એક હાકલથી વિદેશી વસ્ત્રોની હોળી કરી નાંખી. જીવનપર્યંત બાપુના સિપાહી બનીને રહ્યા અને દેશ માટે આખુય આયખું સમર્પિત કરી દીધું. રોમે રોમ રાષ્ટ્રને કાજે ન્યોછાવર કરી દીધું. ક્યારેય દેશભક્તિનો દંભ ન કર્યો, સ્વતંત્ર સેનાની હોવાથી રાજકારણમાં ટિકિટ માગી નહિ, માત્ર પટેલ સમાજ નહિ પરંતુ ભારતના દરેક નાગરિકના અધિકારો માટે લડ્યા. રાષ્ટ્રના પડકારને લલકારવા તત્પર રહ્યા, વિચક્ષણ વ્યવહાર અને સમસ્યાનો કાયમી ઉકેલ એમની પ્રતિભાના પ્રબળ અંગ બની ગયા. એમના અસરદાર અભિગમ અને ‘રાષ્ટ્ર એકતા એ જ લક્ષ્ય’ના સંકલ્પથી જ તેઓ ‘સરદાર’બન્યા.
સમસ્યાથી સળગી રહેલા દેશની ધૂરાને સંભાળવામાં સરદારની સહભાગિતા જ કાર્યરત રહ્યા અને હિંદમાં યુુનિટીના કર્ણધાર બન્યા. ત્યારે આજે તેમની જન્મજયંતી સ્વરૂપે એવો વિચાર આવે કે સરદાર પટેલનું સ્ટેચ્યુ તો બની ગયું પણ દેશમાં યુનિટી ક્યારે આવશે?

RELATED ARTICLES

Most Popular